25 December, 2025 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આમ તો હું વેપારી છું અને મોટા ભાગે પોતાના જ કાર્યમાં વ્યસ્ત રહ્યો છું. જોકે ઘરમાં જ્યારે દિવ્યાંગ બાળકનો જન્મ થયો ત્યારે સમજાયું કે નિર્દોષ આનંદ શું હોય. અભાવ વચ્ચે પણ ખુશ રહેવાની કળા દિવ્યાંગો પાસેથી હું શીખ્યો છું અને આજના સમયમાં આવા જ નિરપેક્ષ આનંદની સમાજને જરૂર છે. ઘણા લોકો છે જેઓ પોતાની પાસે શું નથી અને પોતે કઈ રીતે સંઘર્ષનો સામનો કરી રહ્યા છે એનાં રોદણાં રડીને દુઃખ અને પીડામાં જ રચ્યાપચ્યા રહીને જીવનને વ્યતીત કરી રહ્યા છે. તેમને હું કહીશ કે બસ, બહુ થયું. જીવન કીમતી છે. સંઘર્ષ દરેકના જીવનમાં છે અને સંઘર્ષ સાથે તકલીફો પણ દરેકના જીવનમાં છે. દરેકની લાઇફમાં પ્રૉબ્લેમ્સ હોય છે અને એ પછીયે લોકો ખુશ રહેવા માગે તો રહી શકે છે.
મારી દીકરીની જ વાત કરું. શરૂઆતમાં ઘણી વાર અમે મુંઝવણમાં મુકાઈ જતા કે નૉર્મલ ક્રાઉડ વચ્ચે દીકરીને લઈ જઈએ છીએ અને દીકરી સ્પેશ્યલ ચાઇલ્ડ હોવાને નાતે હીનતાનો અનુભવ કરશે તો? અમને તેની ચિંતા રહેતી કે તેને બીજા કરતાં પોતે ઊણી ઊતરી રહી છે એ વિચારીને મનમાં તકલીફ થશે તો? એને બદલે જ્યારે તે બધાની વચ્ચે જતી તો તેની ખુશીઓનો પાર નહોતો રહેતો. પોતે ડિફરન્ટ છે એ વાત તેણે જેટલી સહજતાથી સ્વીકારી લીધી હતી એ અમે નહોતા સ્વીકારી શક્યા. હું પોતે પણ ધંધામાં આવતા ઉતારચડાવ વચ્ચે જ્યારે સ્ટ્રેસ અને ટેન્શન લેતો ત્યારે મારી દીકરી મારા માટે પ્રેરણાસ્રોત બનતી. આજના સમયમાં સ્ટ્રેસ કોની પાસે નથી? આજના સમયમા પડકારો કોની પાસે નથી? જોકે એની વચ્ચે પણ જો કંઈક ટકાવી રાખનારી બાબત હોય તો દિવ્યાંગોમાં મેં જોયેલો નિરપેક્ષ આનંદ. કોઈ કારણ વિના તેઓ ખુશ રહી શકે. કારણ વિના તેઓ સ્માઇલ કરી શકે. કારણ વિના તેઓ બીજાના સુખે સુખી થઈ શકે.
૨૦૨૫ હવે પૂરું થવા જઈ રહ્યું છે. આજે કિસમસનું સેલિબ્રેશન ચારેય બાજુ થઈ રહ્યું છે એની વચ્ચે કોઈક યાદ રાખવા જેવી બાબત હોય કે કંઈક જીવનમાં ઉમેરવા જેવી બાબત હોય તો એ જ કે ખુશીઓ આપો અને ખુશ રહો. કારણ વિના આનંદ માણો. હૅપીનેસને તમારો સ્વભાવ બનાવી દો.
- ધનસુખ નરશી ફરિયા (લેખક દિવ્યાંગો માટે કામ કરતા ગ્રુપ ‘તારે ઝમીન પે’ સાથે સંકળાયેલા છે અને આર્થિક સહાયથી લઈને સેવા આપે છે.)