નોકરી છૂટી, સમાજસેવા કરી અને એમાંથી મળ્યો નવો બિઝનેસ આઇડિયા

15 March, 2021 01:08 PM IST  |  Mumbai | Varsha Chitalia

નોકરી છૂટી, સમાજસેવા કરી અને એમાંથી મળ્યો નવો બિઝનેસ આઇડિયા

નોકરી છૂટી, સમાજસેવા કરી અને એમાંથી મળ્યો નવો બિઝનેસ આઇડિયા

લૉકડાઉનમાં જ્યારે બધું સ્થગિત થઈ ગયું અને જૉબ છૂટી ગઈ ત્યારે જુહુ સ્કીમમાં રહેતા ફોટોગ્રાફર મનીષ મહેતાએ ડેઇલી જીવનજરૂરિયાતની ચીજોની દુકાન શરૂ કરીને પ્રોફેશનલ લાઇફની નવી જ શરૂઆત કરી. આમ તો ત્રણ-ચાર વર્ષમાં નિવૃત્ત થવાના હતા, પણ અનાયાસે જ મળી ગયેલી નવી દિશાએ તેમને નવું ક્ષેત્ર ખોલી આપ્યું

વર્ષા ચિતલિયા
varsha.chitaliya@mid-day.com
ફોટોગ્રાફરનું કામ જ હોય છે જીવનની વાસ્તવિક ઘટનાઓને કૅમેરામાં કંડારવાનું. જોકે આજે આપણે એક એવા ફોટોગ્રાફરની વાત કરવી છે જેણે જીવનના બદલાયેલા અને સહેજ નીરસતા તરફ દોરી જતા ચિત્રમાં કલ્પનાના રંગો પૂરીને એક નવી અને સમાજ સામે દાખલારૂપ તસવીર રજૂ કરી છે. લૉકડાઉનની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી હોય ત્યારે દરેક પ્રોફેશનના લોકો પર એની વધતેઓછેઅંશે અસર પડી જ છે. જોકે આવેલી વિપદાને તકમાં ફેરવી નાખવાનું કામ જે લોકોએ કર્યું તેઓ આમાંથી તરી ગયા અને વિલે પાર્લેમાં રહેતા મનીષ મહેતા એમાંના એક છે.
મનીષભાઈને આમ તો ફોટોગ્રાફીનો હુન્નર વારસામાં મળ્યો છે, પણ ગયા વર્ષે આવેલી કટોકટીએ તેમને એક બિઝનેસમૅન જેવું જિગર દાખવતા કરી દીધા. આમ તો માત્ર તેર વર્ષની ઉંમરે મનીષભાઈએ પહેલી વાર હાથમાં કૅમેરા પકડ્યો હતો. એ વખતનાં મુંબઈનાં લગભગ તમામ અખબારોમાં તેમણે ક્લિક કરેલી તસવીરો છપાતી ટેલિવિઝન મીડિયા ટ્રાન્સફૉર્મેશન બાદ વિડિયોગ્રાફીની દુનિયામાં પગ મૂક્યો. કિસ્મત કહો કે ઈશ્વરીય સંકેત, કોરોનાએ જીવનની દિશા બદલી નાખી.
કરીઅરની દૃષ્ટિએ કોરોનાકાળ ખૂબ ડિફિકલ્ટ રહ્યો. નોકરી ગુમાવ્યા બાદ ડિપ્રેશનમાં આવી ગયેલા મનીષભાઈ પત્ની અને પુત્રી સાથે વર્સોવાથી શિફ્ટ થઈને વિલે પાર્લેમાં રહેતા પેરન્ટ્સના ઘરે રહેવા આવી ગયા. એ વખતે સર્જાયેલી ઘટમાળ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘આવી સરસ નોકરી ગુમાવ્યા બાદ ફૅમિલીના મૉરલ સપોર્ટની સૌથી વધુ જરૂર હતી. પેરન્ટ્સનો પણ આગ્રહ હતો કે અમારી પાસે આવી જા. તેમની સાથે રહેવા આવ્યા બાદ દિલને થોડું સાંત્વન મળ્યું. ફોટોગ્રાફીની જેમ સમાજસેવાના સંસ્કારો પણ વારસામાં જ મળ્યા છે. યુનાઇટેડ સિટિઝન ઑફ વર્સોવા નામની બિનસરકારી સંસ્થા હેઠળ આ વિસ્તારના રહેવાસીઓના વેલ્ફેર માટે હું પહેલેથી કાર્યરત હતો. એટલે લૉકડાઉન દરમિયાન જીવનાવશ્યક વસ્તુઓની ખરીદી માટે કોઈને બહાર નીકળવાની જરૂર ન પડે એવા હેતુથી અમે લોકોએ અપના માર્કેટ નામથી વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું. લોકો પોતાના ઑર્ડર લખાવે અને અમે મોટા સુપરમાર્કેટ સાથે કૉન્ટૅક્ટ કરી ટ્રક મગાવી લેતા. ધીમે-ધીમે કરતાં છ ગ્રુપ બની જતાં મારું મન લાગી ગયું.’
સમાજસેવામાંથી જ નવા વ્યવસાયની દિશા મળી ગઈ અને શરૂ થયો એક નવો જ બિઝનેસ. કઈ રીતે એને પ્રોફેશનલ વળાંક મળ્યો એ વિશે ઉત્સાહપૂર્વક જણાવતાં તેઓ કહે છે, ‘સોશ્યલ વર્કમાં અમારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા હતા. ભાવિકા છેડા એમાંની એક. તે વ્યવસાયે ફૅશન ડિઝાઇનર હતી. બુટિક ખોલવા માટે વિલે પાર્લેમાં તેણે શૉપ ભાડે રાખી હતી, પરંતુ અચાનક લૉકડાઉન આવી જતાં બુટિક ખોલી શકી નહીં. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પડેલો આર્થિક ફટકો અને ઉપરથી દુકાનનું ભાડું ચડી જતાં તે પણ નિરાશ હતી. સામાજિક કામકાજથી ઇમ્પ્રેસ થઈને તેણે મને અપ્રોચ કર્યો. એ સમયગાળો એવો હતો જ્યાં જીવનાવશ્યક ચીજવસ્તુઓ સિવાય બીજો કોઈ ધંધો કરવાનું રિસ્ક ન લઈ શકાય. ઘણા વિચારવિમર્શ બાદ પાર્ટનરશિપમાં ડેઇલી ફ્રેશના નામે શોપ શરૂ કરી, જેમાં શાકભાજી, ફળો, દૂધ અને રોજિંદી જીવનજરૂરિયાતની ફ્રેશ આઇટમો રાખીઅે છીઅે. વિશ્વના
મોટા ભાગના કૉન્ફિલક્ટ એરિયામાં જીવનનો ખાસ્સો સમય ગાળ્યો છે, પણ મારો અંગત અનુભવ કહે છે કે પરિવારના સાથ વગર તમે કોઈ જંગ જીતી ન શકો.’
આર્થિક કટોકટીનો ગાળો પૂર્ણ થયા બાદ ફરીથી નોકરી મળે તોય અખબાર જગત સાથે જોડાવાનો મનીષભાઈનો ઇરાદો નથી. ડિવાઇન પાવરના સંકેતથી આજે નવા વ્યવસાયમાં તેઓ સેટલ થઈ ગયા છે. તેમનું માનવું છે કે નિવૃત્તિ બાદ પણ પ્રવૃત્ત રહે એવી વ્યવસ્થા ઉપરવાળાએ કરી આપી છે. વિપરીત સંજોગોમાં ફોકસ ચેન્જ કરીએ તો કંઈક નવી જ દિશા મળી જાય એ વાતને સાચા અર્થમાં સાકાર કરવાનું સાહસ કાબિલેદાદ છે.

યુનાઇટેડ સિટિઝન ઑફ વર્સોવા નામની બિનસરકારી સંસ્થા હેઠળ આ વિસ્તારના રહેવાસીઓના વેલ્ફેર માટે હું પહેલેથી કાર્યરત હતો. એટલે લૉકડાઉન દરમિયાન જીવનાવશ્યક વસ્તુઓની ખરીદી માટે કોઈને બહાર નીકળવાની જરૂર ન પડે એવા હેતુથી અમે લોકોએ અપના માર્કેટ નામથી વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું. જરૂરિયાત પ્રમાણે લોકો પોતાના ઑર્ડર લખાવે અને અમે મોટા સુપર માર્કેટ સાથે કૉન્ટૅક્ટ કરી ટ્રક મગાવી લેતા. ધીમે-ધીમે કરતાં છ ગ્રુપ બની જતાં મારું મન લાગી ગયું.
મનીષ મહેતા, ફોટોગ્રાફર-કમ-બિઝનેસમૅન

ફોટોગ્રાફીનું પૅશન
ફોટો જર્નલિઝમના ફીલ્ડમાં હાઇએસ્ટ પે સ્કેલ મેળવનારા નસીબદારોમાંના એક મનીષભાઈએ વર્લ્ડની મોટામાં મોટી અને જૂનામાં જૂની મનાતી ન્યુઝ એજન્સી અસોસિએટ પ્રેસના મુંબઈ ચીફ બ્યુરો તરીકે બાવીસ વર્ષ ફરજ બજાવી છે. ભૂતકાળમાં તેઓ દૂરદર્શન, રૉઇટર અને બીબીસી સાથે કામ કરી ચૂક્યા છે. તેમની લાસ્ટ જૉબ વિદેશની પ્રતિષ્ઠિત ન્યુઝ-ચૅનલમાં હતી. કાશ્મીર, અફઘાનિસ્તાન, કારગિલ જેવા કૉન્ફ્લિક્ટ ઝોનમાં ફોટોગ્રાફી અને વિડિયો શૂટિંગનો અનુભવ લઈ ચૂકેલા મનીષભાઈની લાઇફની તમામ ઇવેન્ટ્સ લાર્જર ધૅન ફોટોગ્રાફી રહી છે એમ કહી શકાય.

Varsha Chitaliya columnists