04 October, 2026 04:43 PM IST | Mumbai | Rashmin Shah
CBIએ રિભવ રિશી ઉપરાંત કુલ ૧૪ જણની અરેસ્ટ કરી હતી.
હરિયાણાના રિભવ રિશીએ કરેલા કાંડની આખી કથા તમે વાંચશો તો તમને સમજાશે કે વાઇટ કૉલર બૅન્કર પર જો લગામ મૂકવામાં ન આવે તો તે દેશ માટે કયા સ્તર પર જોખમી બની શકે છે
કામ, ક્રોધ, મોહ અને લોભ માણસની બુદ્ધિ ભ્રષ્ટ કરવા માટે પૂરતા સમર્થ છે.
આ ઉક્તિ શાસ્ત્રોમાં અઢળક જગ્યાએ નોંધાયેલી છે અને અલગ-અલગ જગ્યાએ દૃષ્ટાંત સાથે એને ટાંકવામાં પણ આવી છે. શાસ્ત્રો છોડો, અત્યારના સમયમાં પણ આપણે ત્યાં અઢળક કિસ્સાઓ એવા બનતા રહ્યા છે, જાહેરમાં આવતા રહ્યા છે જે આ વાતને સાર્થક પુરવાર કરે છે. એ પછી પણ માણસ સ્વભાવગત એવા આ ૪ દુર્ગુણ છોડી નથી શકતો અને પોતાની ટૅલન્ટનો દુરુપયોગ કરીને જીવનને બરબાદીના રસ્તે વાળી દે છે. આવું જ કર્યું આશિક મિજાજ બૅન્કર રિભવ રિશીએ.
રિભવ રિશીએ એક છોકરીના ચક્કરમાં આવીને ભારત સરકારની તિજોરીના પૂરા ૬પ૭ કરોડ રૂપિયા ભૂત કરી નાખ્યા! હા, હા... ભૂત કરી નાખ્યા. પ્રેમમાં આવીને રિભવે માત્ર હરિયાણા અને ચંડીગઢને જ નહીં, આખા દેશને ધ્રુજાવી દીધો.
અજાણ્યું કે બોલવામાં અટપટું લાગતું રિભવ નામ સંસ્કૃતિ અને વૈદિક પરંપરા સાથે જોડાયેલું છે. ઋગ્વેદમાં ઋભુ, વિભ્વા અને વાજ એમ ૩ દેવતાઓનો ઉલ્લેખ છે જેમને સામૂહિક રીતે ઋભવઃ કહેવામાં આવે છે. એનો અર્થ ચતુર, પ્રતિભાશાળી કે અતિશય હોશિયાર થાય છે.
IDFC ફર્સ્ટ બૅન્કની ચંડીગઢની આઇ. સી. કૉલોનીની બ્રાન્ચ-મૅનેજર રિભવ રિશીને મળતાંવેંત કોઈ પણ તેના પ્રેમમાં પડી જાય. અસ્ખલિત બ્રિટિશ અંગ્રેજી સાથેનો વાણીવ્યવહાર, સફેદ આરસ જેવો ચહેરો અને પૂરા છ ફુટ ઊંચા એવા રિભવની આ જ પર્સનાલિટીએ તેને બૅન્કિંગ સેક્ટરનો હીરો બનાવી દીધો હતો. ભલભલા ક્લાયન્ટને પોતાના વાક્ચાતુર્યથી કન્વિન્સ કરી લેનારો રિભવ ડિમ્પલ (નામ બદલ્યું છે)ને મળ્યો અને તેનું આખું જીવન બરબાદ થઈ ગયું. અલબત્ત, કહેવું પડે કે થૅન્કસ ટુ ડિમ્પલ, સરકારને રિભવ વિરુદ્ધ પુરાવા મળ્યા અને પોતાની જાતને બચાવી રાખવા ડિમ્પલે રિભવના એ બધા કાંડ પુરાવા સહિત CBIને આપી દીધા એટલે વાત આગળ વધતી અટકી ગઈ. અન્યથા રિભવ આગળ વધતો રહ્યો હોત અને આ કૌભાંડ સરકાર સુધી પહોંચતાં સુધીમાં હજારો કરોડ રૂપિયાનું થઈ ગયું હોત.
ઍનીવે, શું બન્યું હતું અને કેવી રીતે બન્યું હતું એ જરા વિગતવાર જાણીએ.
કોણ છે આ રિભવ રિશી?
ફાઇનૅન્સમાં માસ્ટર્સ કરનારા રિભવ રિશીએ કરીઅરની શરૂઆત બૅન્કિંગ ફીલ્ડથી કરી. મહત્ત્વાકાંક્ષી અને લક્ઝરી લાઇફસ્ટાઇલનાં સપનાં જોતા રિભવ રિશીએ બહુ નાની ઉંમરે ફાસ્ટ ભાગવાની લાયમાં મન પડે એવા વાયદાઓ કરીને નવાં અકાઉન્ટ્સ લાવવાથી માંડીને ઇન્શ્યૉરન્સ પૉલિસીઓ વેચવાના કાંડ કર્યા. જોકે એ બધી એકલદોકલ ઘટનાઓ હતી એટલે વાત સામે આવે ત્યારે બહુ ઊહાપોહ થતો નહીં અને રિભવ રિશી પ્રેમપૂર્વક વાતને વાળી દેતો. માત્ર ૬ વર્ષની કરીઅરમાં ૪ બૅન્ક બદલી ચૂકેલો રિભવ રિશી પકડાયો ત્યારે તે IDFC બૅન્કમાં બ્રાન્ચ-મૅનેજરના લેવલ પર પહોંચી ગયો હતો. હરિયાણા સરકારના મોટા-મોટા વિભાગોના અબજો રૂપિયાનાં અકાઉન્ટ્સનું હૅન્ડલિંગ બૅન્કની આ જ બ્રાન્ચમાંથી થતું હતું. બ્રાન્ચ-મૅનેજર હોવાના દાવે એ બધાં અકાઉન્ટ્સની કેટલીક મહત્ત્વની જવાબદારીઓ રિભવ રિશીના હાથમાં હતી. અહીં સુધી બધું બરાબર ચાલ્યું. બૅન્કિંગ-ફીલ્ડમાં રિભવે જબરદસ્ત લોકચાહના મેળવી લીધી. હરિયાણાની ઑલમોસ્ટ દરેક બૅન્ક રિભવને પોતાની બૅન્કમાં લેવા માટે તલપાપડ હતી તો સામા પક્ષે રિભવ રિશી પણ ઓછી માયા નહોતો.
મોટી પાર્ટીઓ, ગવર્નમેન્ટ ઑફિસરો અને સરકારી પ્રતિનિધિઓના સર્કલમાં રહેવા માટે તે સતત પાર્ટીઓ આપતો રહેતો, પાર્ટીઓમાં જતો રહેતો. શરાબથી માંડીને શબાબ સુધ્ધાં જ્યાં પીરસાતી એવી એક પાર્ટીમાં રિભવ રિશીનું દિલ એક ડાન્સર ડિમ્પલ પર આવી ગયું અને હરિયાણા સરકારની રીતસરની વાટ લાગી ગઈ. જોકે કેવી રીતે સરકારી પૈસા ભૂત થઈ ગયા એ જાણતાં પહેલાં ડિમ્પલ અને રિભવની લવસ્ટોરી જાણવી પડે.
પંજાબ-હરિયાણાના ટ્રાઇ સિટી (ચંડીગઢ-પંચકૂલા-મોહાલી) એરિયાના જાણીતા, સુશિક્ષિત અને હાયર-મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા રિભવ રિશીના દાદા અને પરદાદા પંડિત હતા અને નિયમિત હવન કરતા. ઋષિ જેવું જીવન જીવનારા વડીલોને કારણે જ પરિવારની અટક ઋષિ પડી અને એ રિભવના પપ્પાએ કન્ટિન્યુ કરી, પણ સમય જતાં અપભ્રંશ થઈને રિશી થઈ ગયું. જલદી પૈસાવાળા બનવાની અને વૈભવી જીવન જીવવાની લાયમાં રિભવ રિશી એવા વમળમાં ફસાયો કે તેણે આખા પરિવારની ઇજ્જત દાવ પર લગાવી દીધી.
કૌભાંડ બહાર આવ્યા પછી CBIએ રિભવના પરિવારના તમામ સભ્યોનાં બૅન્ક-ખાતાંઓ ફ્રીઝ કરી દીધાં છે અને તપાસ કરી રહી છે કે શું આ કૌભાંડની રકમમાંથી પરિવારના અન્ય સભ્યોનાં ખાતાંમાં પણ નાણાં ટ્રાન્સફર થયાં છે કે નહીં?
વાત એ મુલાકાતની
વાત ૨૦૨૫ના માર્ચ-એપ્રિલ મહિનાથી શરૂ થઈ. ચંડીગઢની એક પાર્ટીમાં VVIP લોકો આવ્યા હતા અને એ બધા વચ્ચે બિહારના સિવાન જિલ્લાની ડિમ્પલ સ્ટેજ પર ડાન્સ કરતી હતી. પાર્ટીમાં રહેલા કેટલાક લોકોની નજર ડિમ્પલનાં એક્સપોઝ થતાં અંગો પર હતી તો કેટલાકનું ધ્યાન પાર્ટીમાં આવેલી પોતાનાથી મોટા કદની વ્યક્તિઓ પર હતું, જેમની ગુડ બુકમાં તેમને આવવું હતું. જોકે પાર્ટીમાં રહેલા રિભવ રિશીની આંખો માત્ર ડિમ્પલની આંખો પર અને તેના ચહેરા પર ચોંટેલી હતી જેની ડિમ્પલ સુધ્ધાંને ખબર નહોતી. એ પાર્ટીમાં તો ડિમ્પલ કે રિભવ વચ્ચે કોઈ વાત થઈ નહીં, પણ રિભવની આંખોમાં ડિમ્પલ વસી ગઈ.
કહે છેને કેટલાંક બંધન કુદરત ઉપરથી જ સર્જી દેતી હોય છે.
ડિમ્પલ સાથે રિભવની બીજી મુલાકાત નક્કી જ હતી, જેની તે બન્નેમાંથી કોઈને ખબર નહોતી.
૨૦૨પના મે મહિનાના ત્રીજા વીકમાં રિભવ રિશીએ રાજસ્થાન જવાનું બન્યું. એક ગવર્નમેન્ટ ઑફિસરના ફાર્મહાઉસ પર રાખવામાં આવેલી એક પ્રાઇવેટ પાર્ટીમાં રિભવ રિશીને આમંત્રણ મળ્યું અને રિભવ જયપુર ગયો. ત્યાં આવેલી ડાન્સરમાંથી એક ડાન્સર ડિમ્પલ પણ હતી અને આ માત્ર ને માત્ર જોગાનુજોગ હતો. ડિમ્પલ અને રિભવ રિશી બન્ને ફરી આમને-સામને આવ્યાં અને આ વખતે રિભવે તક ગુમાવી નહીં.
તેણે સામે ચાલીને ડિમ્પલ સાથે વાત શરૂ કરી. પોતાની પહેલી મુલાકાતમાં રિભવે ડિમ્પલને સાચી ઓળખાણ આપી નહીં અને એવું દેખાડ્યું કે તે બહુ મોટો ઇન્ટરનૅશનલ ઇવેન્ટ-પ્લાનર છે અને ચોખાનો ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો બહુ મોટો બિઝનેસમૅન છે.
થોકબંધ પૈસો અને રુઆબદાર પર્સનાલિટીએ ડિમ્પલને પણ ઇમ્પ્રેસ કરી દીધી.
કોણ છે આ ડિમ્પલ?
રિભવ રિશીની ગર્લફ્રેન્ડ એવી બિહારી ડિમ્પલને મૉડલિંગ અને ફિલ્મસ્ટાર બનવાના અભરખા હતા. પાંત્રીસેક વર્ષની ડિમ્પલ પોતાની યંગ એજમાં મુંબઈ આવીને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ પણ કરી ચૂકી છે. જોકે કંઈ વળ્યું નહીં અને ખિસ્સાખર્ચી પણ રહી નહીં એટલે તે બિહાર પાછી ફરી અને પછી ભોજપુરી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પણ સ્ટ્રગલ કરી. આ સ્ટ્રગલ દરમ્યાન જ ડિમ્પલને ઇવેન્ટમાં ડાન્સ માટેની ઑફર આવવાની શરૂ થઈ એટલે ડિમ્પલે એ કામ લેવાનું પણ શરૂ કરી દીધું.
અગાઉના બીજા બધા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને CBIનું માનવું છે કે ડિમ્પલના મનમાં પણ એવો ભાવ હોઈ શકે છે કે આવી પાર્ટીમાંથી કોઈ માલતુજારને પટાવીને હવે ઠરીઠામ થઈ જવું, પણ ડિમ્પલના નસીબમાં રિભવ રિશી આવ્યો અને ઠરીઠામ થવાનાં સપનાં જોતી ડિમ્પલનું જીવન ઠીકરા જેવું નગણ્ય થઈ ગયું.
કહાની લવસ્ટોરી કી
જયપુરની એ મુલાકાત પછી ડિમ્પલ અને રિભવ વચ્ચે ફોન પર વાતો શરૂ થઈ અને ૧૦ જ દિવસમાં રૂબરૂ મુલાકાતો પણ શરૂ થઈ ગઈ. ૨૦૨પના જૂન મહિનામાં રિભવ રિશી અને ડિમ્પલ દિલ્હી અને ભોપાલમાં મળ્યાં. ડિમ્પલની ફ્લાઇટની ટિકિટથી માંડીને હોટેલમાં રૂમ પણ રિભવ જ બુક કરાવતો. આ બન્ને મીટિંગ વખતે ડિમ્પલ અને રિભવના રૂમ અલગ-અલગ બુક થયા હતા, પણ એ પછી પાંચમી જુલાઈએ ત્રીજી વાર મુંબઈની ધ સેન્ટ રેજિસમાં મળ્યાં ત્યારે પહેલી વાર બન્નેએ સાથે રૂમ શૅર કર્યો અને કપલની જેમ જ હોટેલમાં રહ્યાં.
રિભવે ડિમ્પલ સામે મુંબઈમાં જ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને ગળે ઉતાર્યું કે પત્ની દિવ્યા સાથે તેના કોઈ સંબંધો રહ્યા નથી, બન્ને બહુ જલદી ડિવૉર્સ લેવાના છે અને એ ડિવૉર્સ પછી પોતે ડિમ્પલ સાથે મૅરેજ કરી શકે છે. ડિમ્પલને રિભવે એવું પ્રલોભન પણ આપ્યું કે મૅરેજ પછી પોતે ડિમ્પલ માટે પ્રોડક્શન હાઉસ શરૂ કરશે અને એ ફીલ્ડમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરશે.
મુંબઈની ટ્રિપ દરમ્યાન જ રિભવે ડિમ્પલ પાસેથી પ્રૉમિસ લીધું કે હવેથી તે કોઈ સ્ટેજ-શો, ડાન્સ કે ઇવેન્ટમાં નહીં જાય અને તેના તમામ ખર્ચની બધી જવાબદારી રિભવની. ડિમ્પલ માટે તો આ આખી ઘટના અથાગ પ્રેમની નિશાની હતી. તેને ક્યાં ખબર હતી કે તેની પાછળ હવે જે પૈસો લૂંટાવાનો હતો એ હરિયાણાની જનતાના પરસેવાનો પૈસો હતો. અલબત્ત, આવું અત્યારે ડિમ્પલ CBIને દેખાડે છે, પણ એજન્સી એ વાત માનવા તૈયાર નથી. એજન્સીનું કહેવું છે કે શરૂઆતમાં ડિમ્પલને ન ખબર હોય એવું બની શકે, પણ સમય જતાં ડિમ્પલની સામે સત્ય આવી ગયું હોઈ શકે છે. જોકે હાથમાં આવતા અઢળક પૈસા જોઈને તેણે આંખ આડા કાન કરી લીધા હોઈ શકે છે.
ચંડીગઢની જિલ્લા કોર્ટમાં રિભવ રિશી.
ડિમ્પલ બની ક્વીન
ડિમ્પલે પોતાનું કામ છોડી દીધું અને બીજા જ મહિનાથી એટલે કે ઑગસ્ટ ૨૦૨પથી રિભવે તેને દર મહિને ખિસ્સાખર્ચી તરીકે પૈસા મોકલવાનું શરૂ કરી દીધું. રકમ હતી ૧૦ લાખ. હા, દર મહિને ૧૦ લાખ રૂપિયા રિભવ ડિમ્પલને મોકલતો, જે લગાતાર ૨૦૨૬ના જાન્યુઆરી મહિના સુધી પહોંચ્યા. મજાની વાત તો એ છે કે આ ૬ મહિનામાં રિભવે ડિમ્પલ સાથે મળીને ૫૬ લાખ રૂપિયા પણ ખર્ચ્યા. એમાં ટ્રાવેલિંગ અને હોટેલ ઉપરાંત ડિમ્પલ માટે ખરીદાયેલી ગિફ્ટ્સ પણ આવી ગઈ. વાત અહીં નથી અટકતી. ડિમ્પલે બિહારમાં રહેવું ન પડે એ માટે અને પોતે નિયમિત ડિમ્પલને મળી શકે, તેની સાથે રહી શકે એ માટે ૨૦૨પની ૧૮ જુલાઈએ રિભવે દિલ્હીના પૉશ એરિયા દ્વારિકામાં પોતાની ગર્લફ્રેન્ડ માટે એક આલીશાન ઘર ખરીદવાની ડીલ ફાઇનલ કરી, જેની કિંમત હતી પૂરા ૪ કરોડ રૂપિયા!
આ બંગલાનું પેમેન્ટ ડિસેમ્બરમાં પૂરું થયું અને ૨૦૨૬ની બીજી જાન્યુઆરીએ ડિમ્પલ એ આલીશાન મહેલ જેવા ઘરમાં રહેવા પહોંચી ગઈ. આ બધું તો પાશેરામાં પૂણી જેવું છે. ડિમ્પલ દિલ્હી રહેવા આવી એ પહેલાં જ રિભવે તેને સ્વર્ગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું.
૨૦૨પના ઑગસ્ટમાં બન્ને મકાઉ અને થાઇલૅન્ડ ફરવા ગયાં, જ્યાં રિભવે મોંઘા રિસૉર્ટ્સ અને કસીનોમાં ડિમ્પલની સાથે લાખો રૂપિયાનું પાણી કર્યું. નવેમ્બરમાં બન્ને દુબઈ પહોંચ્યાં અને દુનિયાની સૌથી મોંઘી સેવનસ્ટાર હોટેલ બુર્જ અલ અરબમાં રોકાયાં. ૬ દિવસની એ એક ટ્રિપમાં રિભવે ડિમ્પલ પાછળ ૪ કરોડ ૮૦ લાખ રૂપિયા ઉડાડ્યા! આ વર્ષે જાન્યુઆરીમાં ફરી દુબઈ ગયાં અને એ ટ્રિપમાં પણ તેણે પાંચેક કરોડ રૂપિયા ખર્ચ્યા!
દિલ્હીમાં ઘર ખરીદ્યા પછી પણ ડિમ્પલ અને રિભવ બન્ને નિયમિત બહાર રખડતાં રહેતાં અને એને જ લીધે બન્ને દુનિયાની નજરે ચડી ગયાં. હરિયાણાના અનેક રિસૉર્ટમાં પ્રાઇવેટ પાર્ટીઓ થતી રહે છે, જેમાં ડાન્સરથી માંડીને શરાબ અને જુગાર રમવાની સગવડ પૂરી પાડવામાં આવે છે. એકદમ રૉયલ એવી એ પાર્ટીમાં વ્યક્તિએ એન્ટ્રી માટે જ ૧૫થી ૨૦ લાખ રૂપિયા ચૂકવવા પડે છે. રિભવ આવી પાર્ટીઓમાં ડિમ્પલ સાથે જતો. આ પાર્ટીઓની સૌથી શૉકિંગ વાત જો કોઈ હોય તો એ કે એમાં માત્ર ઇન્ડસ્ટ્રિયલિસ્ટ જ નહીં, બૅન્કરો અને સરકારના અધિકારીઓ પણ સામેલ હોય છે.
મુદ્દો હવે એ આવે કે રિભવ પાસે આ પૈસો આવતો ક્યાંથી?
રિભવ રિશી જેને ડિવૉર્સ આપવાનો હતો તે તેની કાયદેસરની પત્ની દિવ્યા અરોરા માટે રિભવે ક્યારેય કોઈ કોર્ટમાં ડિવૉર્સની ઍપ્લિકેશન સુધ્ધાં કરી નહોતી. રિભવ રિશી ઘરમાં સામાન્ય હસબન્ડની જેમ જ રહેતો અને ડિમ્પલ સાથે આશિક બનીને રહેતો.
CBIની ઇન્ક્વાયરીમાં બહાર આવ્યું છે કે રિભવે સરકારી ખાતાંઓમાંથી બોગસ શેલ કંપનીઓ મારફત જે કરોડો રૂપિયા સેરવ્યા એમાંથી મોટી રકમ પત્ની દિવ્યાના બૅન્ક-અકાઉન્ટમાં પણ ટ્રાન્સફર થઈ છે. જોકે એ અકાઉન્ટ જૉઇન્ટ નામનાં હતાં એ પણ એટલું જ સાચું. દિવ્યા કહે છે કે એ બધાં અકાઉન્ટ રિભવ જ હૅન્ડલ કરતો એટલે એ ખાતાંમાં આવેલા ફન્ડ વિશે તેને ખબર નથી. હવે એજન્સી એ તપાસ કરે છે કે શું દિવ્યા સાચું કહે છે કે પછી દિવ્યા પણ રિભવ રિશીની સાથી રહી છે?
ઇન્કમનો સોર્સ, શેલ કંપની
ફાઇનૅન્સમાં માસ્ટર્સ કરનારા રિભવે પૈસા ખિસ્સે કરવાનો સૌથી ટૂંકો અને કડવો રસ્તો હાથમાં લીધો હતો. CBIનું માનવું છે કે રિભવે જે કામ કર્યું છે એ એકલા હાથે શક્ય નથી, એમાં સરકારી અધિકારીઓ સામેલ હશે. બાકી કોઈ બૅન્ક-મૅનેજર સરકારી ખાતામાંથી ૬૫૭ કરોડ રૂપિયા કેવી રીતે ઉપાડી શકે?
CBIએ એ જ દિશામાં તપાસ કરી અને તપાસમાં હરિયાણા કૅડરના સિનિયર IAS ઑફિસર પંકજ અગ્રવાલનું નામ સામે આવ્યું.
રિભવનો ખેલ એવો હતો કે હરિયાણા સરકારને સેન્ટ્રલ ગવર્નમેન્ટમાંથી ડેવલપમેન્ટનાં કામો માટે જે ફન્ડ આવતું એ બધાં અકાઉન્ટ અને સાથોસાથ હરિયાણા સરકારનાં બોર્ડ-નિગમોનું ફન્ડ ફિક્સ્ડ ડિપોઝિટ માટે રિભવ રિશીની બૅન્કમાં આવતું. રિભવ એ બોર્ડ-નિગમ અને સરકારના અધિકારીઓ સાથે મળીને ડુપ્લિકેટ ડૉક્યુમેન્ટ્સ ઊભા કરતો અને બોગસ શેલ કંપનીઓનાં અકાઉન્ટ્સ ખોલીને સરકારનું ફન્ડ એમાં ટ્રાન્સફર કરતો. પછી એ રકમ સરકારી અધિકારીઓને આપવાથી માંડીને પાર્ટીઓમાં ખર્ચાતી અને સાથોસાથ રિભવને પણ એમાં મોટી કટકી મળતી, જે કટકી પૈકીની કેટલીક રકમ રિભવ પોતાની ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચતો.
પ્રશ્ન એ થાય કે બધા જ કૂલડીમાં ગોળ ભાંગતા હોય તો પછી આખી વાત લીક કેવી રીતે થઈ?
હિસાબમાં ટાંગામેળ નહીં
આ આખું કૌભાંડ કોઈની માહિતીના આધારે નહીં પણ ફન્ડ રીકન્સિલિએશન એટલે કે હિસાબ-મેળવણીના કામ દરમ્યાન ખૂલ્યું. કાગળ પર ચાલતો આખો ખેલ જ્યારે રોકડ કૅશ સાથે અથડાયો ત્યારે જે ધડાકો થયો ત્યારે ભલભલા ધ્રૂજી ગયા.
આ આખી સિસ્ટમ ત્યાં સુધી મસ્ત ચાલતી રહી જ્યાં સુધી કાગળ પર નકલી ફિક્સ્ડ ડિપોઝિટ સ્લિપ, ફેક બૅન્ક-સ્ટેટમેન્ટ્સ અને મૉડિફાઇડ ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ્સ સરકારી ફાઇલોમાં ફરતાં રહ્યાં. જોકે વાત બગડી ત્યારે જ્યારે ૫૦ કરોડની માગણી સામે માત્ર ૧.૨૭ કરોડ રૂપિયા હાથમાં આવ્યા. બન્યું એવું કે હરિયાણા ગવર્નમેન્ટના એક ડિપાર્ટમેન્ટને પોતાના ચાલુ પ્રોજેક્ટ માટે બૅન્કમાંથી ૫૦ કરોડ ટ્રાન્સફર કરવાની જરૂર પડી. સરકારી રેકૉર્ડ મુજબ અકાઉન્ટમાં ૧૯૭ કરોડ રૂપિયા જમા હતા; પણ જ્યારે બૅન્કને આ ફન્ડ ટ્રાન્સફર કરવા માટે સત્તાવાર સૂચના અપાઈ ત્યારે બૅન્ક-ખાતામાંથી માત્ર ૧.૨૭ કરોડ જ ટ્રાન્સફર થયા, કારણ કે અકાઉન્ટમાં એટલી જ રકમ હતી. નૅચરલી, જે-તે ડિપાર્ટમેન્ટના અકાઉન્ટ ઑફિસરોને ઝાટકો લાગ્યો અને તેમણે બૅન્ક પાસે ફન્ડનું વેરિફિકેશન માગ્યું. રિભવ રિશી અને તેના મળતિયાઓ અત્યાર સુધી જે નકલી બૅન્ક-સ્ટેટમેન્ટ્સ પધરાવીને અધિકારીઓની આંખમાં ધૂળ નાખતા હતા એ અસલી બૅન્કિંગ સર્વર સાથે મેળ નહોતાં ખાતાં.
ખાતામાંથી કરોડો રૂપિયા બારોબાર ઊપડી ગયા હોવાની ખબર પડતાં વાત હરિયાણાના ચીફ સેક્રેટરી સુધી પહોંચી અને ઇન્ક્વાયરીમાં ખબર પડી કે અલગ-અલગ ૮ સરકારી વિભાગોમાંથી સેંકડો કરોડ રૂપિયા શેલ કંપનીઓમાં ડાઇવર્ટ થઈ ગયા છે. હવે તો IDFC ફર્સ્ટ બૅન્કનું હેડક્વૉર્ટર પણ ઍક્શનમાં આવી ગયું અને બૅન્કે તાત્કાલિક KPMG નામની ઇન્ટરનૅશનલ ઑડિટ ફર્મ પાસે બ્રાન્ચનું ફૉરેન્સિક ઑડિટ કરાવ્યું. ઑડિટમાં ખબર પડી કે બ્રાન્ચ-મૅનેજર રિભવ રિશી અને રિલેશનશિપ મૅનેજર અભય બહોરાએ સાથે મળીને બૅન્કની ઇન્ટર્નલ કન્ટ્રોલ સિસ્ટમને બાયપાસ કરીને ફેક સહીઓ અને ફેક ચેકથી ફન્ડ કાઢ્યું છે. બૅન્કના બે કર્મચારી એકલા મળીને આવું કાંડ ન કરી શકે એવું ધારીને હરિયાણા ગવર્નમેન્ટે આ કેસ સીધો CBIને સોંપ્યો અને CBI અને EDએ સાથે મળીને છાના ખૂણે શેલ કંપનીઓનાં સરનામાંઓ પર તપાસ કરી અને પછી એક જ રાતમાં ૪૨ જગ્યા પર દરોડા પાડીને રિભવ રિશી સહિત કુલ ૧૪ જણની અરેસ્ટ કરી, જેમાં ડિમ્પલ પણ આવી ગઈ.
પાડેલા દરોડાના આધારે ખબર પડી કે આ આખા કૌભાંડમાં કુલ ૬૫૭ કરોડ રૂપિયા વ્યક્તિગત રીતે વાપરી નાખવામાં આવ્યા છે!
CBIનું કામ ડિમ્પલે સૌથી આસાન કરી દીધું.
ડિમ્પલનો ડબલ ફેસ
રિભવના પૈસે રાતોરાત સ્વર્ગની સફર કરવા માંડેલી ડિમ્પલનું નામ પણ રિભવના અકાઉન્ટમાંથી નીકળતાં ઇન્ક્વાયરી ઑફિસરોએ ડિમ્પલને ઉપાડી લીધી. ડિમ્પલ સામે આવીને ઊભા રહી ગયેલા ૧પ અધિકારીઓ અને તેમની પૂછપરછમાં તેની ફેરીટેલ જેવી કથા ક્ષણવારમાં શૂન્ય થઈ ગઈ અને ડિમ્પલે હાથ ઊંચા કરી દીધા. ડિમ્પલને સમજાઈ ગયું કે રિભવ કોઈ બિઝનેસમૅન નથી, પણ તેણે દેશના અબજો રૂપિયાનું કૌભાંડ કર્યું છે.
ડિમ્પલ પાસે બે જ રસ્તા હતા. એક, કાં તો તે રિભવ સાથે જેલમાં જાય અને કાં તો તે સમય બગાડ્યા વગર પલટી મારીને CBIની મેઇન અપ્રૂવર એટલે કે મુખ્ય સાક્ષી બની જાય. ડિમ્પલે બીજો રસ્તો વાપર્યો અને રિભવ સાથેની એક-એક મુલાકાત, હોટેલનાં બિલો અને દ્વારિકામાં ખરીદાયેલા મકાનની તમામ વિગતો તેણે કાગળ પર સહી કરીને એજન્સીને સોંપી દીધી તો સાથોસાથ તેણે રિભવે આપેલી ગિફ્ટ્સ પણ CBIમાં જમા કરાવી દીધી.
તમને જાણીને હસવું આવશે પણ ડિમ્પલને પ્રપોઝ કરતી વખતે રિભવે તેને લાલ ગુલાબ ધર્યું હતું જે ડિમ્પલે સાચવી રાખ્યું હતું. ડિમ્પલે એ સુકાયેલું રોઝ પણ એજન્સીમાં જમા કરાવ્યું છે! જાણે કે એ રોઝમાંથી દેશના અબજો રૂપિયાની રિકવરી થવાની હોય.
એજન્સીએ ડિમ્પલને છોડી દીધી છે, પણ અત્યારે તે CBIની નજરકેદમાં છે. જ્યાં સુધી એજન્સી તેને પરમિશન ન આપે ત્યાં સુધી તેણે એ જ હાલતમાં રહેવાનું છે. ઇન્ક્વાયરી ઑફિસર એ વાત માનવા રાજી નથી કે ડિમ્પલ છેલ્લે સુધી આખી વાતથી અજાણ હોય. હા, એવું બની શકે કે તેની બૌદ્ધિકતા આ આખું કામ કેવી રીતે થાય છે એ સમજવાયોગ્ય ન હોય; પણ છેલ્લે સુધી રિભવ બૅન્કર નહીં પણ બિઝનેસમૅન છે એવું તે માનતી હોય એ વાતમાં માલ નથી. અલબત્ત, ઇન્ક્વાયરી ઑફિસર્સ માટે ડિમ્પલ સૌથી મોટી અને મહત્ત્વની એવી સાક્ષી છે જે કદાચ રિભવ સાથે મળેલા અને ભળેલા સરકારી અધિકારીઓને મળી હોય તો તેમની ઓળખ સમયે તે કામ લાગી શકે. આ જ કારણે CBI ડિમ્પલને પૂરતું પ્રોટેક્શન આપે છે. ત્યાં સુધી કે CBIએ ડિમ્પલના સોશ્યલ અકાઉન્ટની તમામ ફૂટપ્રિન્ટ્સ પણ મેટા અને ગૂગલને કહીને રીમૂવ કરી છે તો સાથોસાથ તેના પરિવારને પણ અજ્ઞાતવાસમાં મોકલી દીધો છે.
આ જ કારણ છે કે ડિમ્પલનું સાચું નામ પણ ક્યાંય જાહેર કરવામાં નથી આવ્યું. વિધિની વક્રતા તો જુઓ. અત્યાર સુધી દેશના પૈસે જલસો કરી લેનારી ડિમ્પલ અત્યારે એ જ દેશની સૌથી મોટી ઇન્ક્વાયરી એજન્સીના ખર્ચે જીવે છે.