પોતાના ધામમાં આવતા ભિખારીઓ હટાવવાની ઝુંબેશ ભગવાનજી શરૂ કરે તો?

23 January, 2026 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્દોરના મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરને ભિખારીમુક્ત બનાવવાની કામગીરી  શરૂ કરાઈ હતી અને મ્યુનિસિપાલિટીની ટીમ જ્યારે શહેરના સરાફા બઝારમાંથી ભિખારીઓને હટાવવાની કવાયત કરી રહી હતી ત્યારે તેમને એક અનોખો ભિખારી હાથ લાગ્યો

ઇન્દોરના સરાફા બઝારનાે શારીરિક રીતે અક્ષમ કરોડપતિ ભિખારી માંગીલાલ

દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ખ્યાતિ પામેલું ઇન્દોર શહેર નવા વર્ષની શરૂઆતમાં જ મીડિયામાં ગાજી રહ્યું છે. હજી તો ૨૦૨૬નો આરંભ જ થયો ત્યાં આ સ્વચ્છ શહેરના ભાગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણીએ કેટલાય લોકોના જાન લઈ લીધાના સમાચાર આવ્યા. સ્વચ્છ શહેરની ગંદકીભરી પાણીની પાઇપલાઇનની તસવીરો અને વિડિયોએ દર્શકોને થથરાવી દીધા. ઉપરછલ્લી સ્વચ્છતા અને સાચકલી સ્વચ્છતા વચ્ચેનું અંતર અનેક આંખો ઉઘાડી ગયું હતું, પરંતુ મીડિયામાં આ બધી ‘ન્યુઝ-સ્ટોરીઝ’ (હા, સમાચારો માટે મીડિયામાં આ શબ્દપ્રયોગ પ્રચલિત છે) બીજી કોઈ ચટાકેદાર સ્ટોરી ન આવે ત્યાં સુધી જ જીવતી રહે છે. જેવી કોઈ નવી રસપ્રદ

ન્યુઝ-સ્ટોરી આવે કે અગાઉની ગમે એટલી ગંભીર કે મહત્ત્વની બાબત પણ પડદા પાછળ ધકેલાઈ જાય છે. આ અઠવાડિયે ઇન્દોરને ચમકાવતા આવા જ એક નવા સમાચાર  આવ્યા છે.

ઇન્દોરના મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરને ભિખારીમુક્ત બનાવવાની કામગીરી  શરૂ કરાઈ હતી અને મ્યુનિસિપાલિટીની ટીમ જ્યારે શહેરના સરાફા બઝારમાંથી ભિખારીઓને હટાવવાની કવાયત કરી રહી હતી ત્યારે તેમને એક અનોખો ભિખારી હાથ લાગ્યો. મીડિયાનું ફોકસ ભાગીરથપુરાની ભયંકર કરુણાંતિકા પરથી હટીને સરાફા બઝારના આ કરોડપતિ ભિખારી પર આવી બેઠું. અહેવાલોમાં જણાવ્યા મુજબ માંગીલાલ નામનો એ શારીરિક રીતે અક્ષમ ભિખારી ચાર પૈડાં પર લગાવેલા એક પાટિયાની ગાડી પર બેસીને બન્ને હાથમાં જૂતાં પહેરી ગાડીને ધકેલીને ચલાવે છે. સરાફા બઝારમાં તે એક ખૂણે બેસે છે. તે કોઈની પાસે ભીખ નથી માગતો પણ તેની લાચારીભરી સ્થિતિ જોઈને આવતા-જતા લોકો તેના કટોરામાં પૈસા નાખતા રહે છે.  કહે છે કે આમ તે રોજના હજાર-પંદરસો રૂપિયા કમાઈ લે છે. ભીખના ધંધામાંથી કમાયેલી રકમ તે વ્યાજ પર ફેરવે છે. તેની પાસે ત્રણ ઘર અને એક ગાડી છે અને તેની ત્રણ ઑટોરિક્ષા ભાડા પર ચાલે છે. પોલીસો રસ્તા પરથી ભિખારીઓને પકડીને કોઈ આશ્રમમાં મૂકી આવ્યા છે. માંગીલાલને પણ આ રીતે પકડવામાં આવ્યો ત્યારે તેની કરોડાધિપતિ અવસ્થા પ્રગટ થઈ. પોલીસ અને મીડિયા બન્ને આભા બની ગયા, પણ હાલ તો માંગીલાલનેય પોલીસે ઉજ્જૈનના એક આશ્રમમાં રાખ્યો છે અને ઇન્દોર પોલીસ આ કરોડપતિ ભિખારીની અસ્કયામતોની તપાસના કામે લાગી ગઈ છે. આ કિસ્સાએ મુંબઈના એક કરોડપતિ ભિખારીની કહાણી તાજી કરાવી દીધી છે. ભરત જૈન નામના એ ભિખારીની પાસે સાત કરોડથીયે વધુ રકમની સંપત્તિ હોવાના રિપોર્ટ્‌સ આવ્યા છે. મીડિયાએ તેને ‘દુનિયાનો સૌથી અમીર ભિખારી’ કહીને ચમકાવ્યો હતો.

આ ધનાઢ્ય ભિક્ષુકો વિશે વાંચતા એક વિચાર આવ્યો. ધારો કે ઉપરવાળો કે ભગવાનજી પણ પોતાના ધામમાં (મંદિરો, મસ્જિદો, દેવળો કે કોઈ પણ દેવસ્થાનોમાં) આવતા ભિખારીઓ હટાવવાની ઝુંબેશ શરૂ કરે તો?

જાત-જાતની ભીખ માગતા અગણિત ભિખારીઓની એ ટોળીમાંય માંગીલાલ જેવા અનેક ભિખારીઓ મળી આવે. ટૂ BHKમાં રહેતો ને થ્રી BHKની ભીખ માગતો ભિખારી, બે ફૅક્ટરીવાળો ભિખારી ચાર ફૅક્ટરીની ભીખ માગતો હોય, ચાર બંગલાવાળો ભિખારી પાંચ પેન્ટહાઉસની ભીખ માગતો હોય, વિદ્યાર્થીથી લઈને વેપારી અને વિવિધ પ્રોફેશનલ્સ, ઍક્ટર, ક્રિકેટર, પૉલિટિશ્યન ને સેલિબ્રિટીઝ સુધ્ધાં એ ટોળામાં ભીખ માગતા જોવા મળી આવે અને ભગવાનની એ ‘ભિખારીમુક્ત દુનિયા’ની ઝુંબેશના ટીમ-મેમ્બરો આ બધા ભીખ માગતા ભિખારીઓની તપાસ કરે ત્યારે તેમનીયે આંખો ચાર થઈ જાય. ઇન્દોરમાં પ્રશાસનની થઈ એમ જ.

એક રમૂજી પ્રસંગ યાદ આવે છે : નાની હતી ત્યારે મેં બાલકન-જી-બારી નામની બાળકોની સંસ્થાના એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલો. એમાં એક આઇટમ હતી જેમાં એક છોકરો ભિખારીની ભૂમિકા કરતો હતો. કાર્યક્રમના ડિરેક્ટરે છોકરાને ઘરેથી કટોરો લાવવાનું કહ્યું અને છોકરો નવોનક્કોર ચમકતો સ્ટીલનો એક કટોરો લઈને આવ્યો. એ જોઈને ડિરેક્ટર અને હાજર રહેલા સૌકોઈ ખડખડાટ હસી પડ્યા હતા. એ છોકરો તો બિચારો ખરેખર અબુધ હતો પણ આપણાં ભક્તિધામોમાં કે ઘરના મંદિર પાસે હાથ જોડી પ્રભુ પાસે ‘વધુ’ ને ‘હજી વધુ’ની ભીખ માગતા અમીર ભિખારીઓ પૂરી સભાનતા અને સિન્સિયારિટીથી એ કામ કરતા હોય છે. ભગવાનજીની ટીમ જ્યારે આ અમીર ભિખારીઓની સંપત્તિની તપાસ કરે ત્યારે તેઓ આઘાતથી બેભાન ન થઈ જાય?

 અને હા, આ લખું છું ત્યારે આ વિશ્વનો મોટામાં મોટો ભિખારી, ભિખારીભૂષણ કે ભિખારીરત્ન રાજકારણી નજર સામેથી ખસતો નથી. ‘જ્યાં જ્યાં નજર મારી પડે, એ સઘળું જ મુજ ચરણે ચડે અને સદૈવ મુજ કરમાં પડે’ની ફિલસૂફી ધરાવતો વિશ્વનો આ અજોડ ભિક્ષુક હાલ તો પોતાની પ્રચંડ ભૂખ ભાંગવા જગતભરમાં ઝાંવાં નાખી રહ્યો છે. તેની ભીખ અને ભૂખ જોઈ મને શાહરુખ ખાન પર ફિલ્માવાયેલું ‘યસ બૉસ’નું પેલું ગીત યાદ આવી રહ્યું છે. તેના કેટલાક શબ્દો તો જાણે આ ભિક્ષુસમ્રાટ માટે જ લખાયા હોય એવા છે. જુઓ :

જો ભી ચાહૂં, વો મૈં પાઉં

સારી દુનિયા પર મૈં છાઉં

બસ ઇતના સા ખ્વાબ હૈ

બસ ઇતના સા ખ્વાબ હૈ...

માન જા અય ખુદા, ઇતની સી હૈ દુઆ

મૈં બન જાઉં સબ સે બડા

મૈં ઝ્યાદા નહીં માંગતા

મૈં ઝ્યાદા નહીં માંગતા

મેરે પીછે, મેરે આગે

હાથ જોડ યે દુનિયા ભાગે

બસ ઇતના સા ખ્વાબ હૈ...

સારી દૌલત, સારી તાકત

સારી દુનિયા પર હકૂમત

બસ ઇતના સા ખ્વાબ હૈ...

વાચકમિત્રો, સાચું કહેજો, આ શબ્દો વાંચતાં તમારા દિમાગના કૅન્વસ પર કોની છબી ઊપસે છે? એ બિચ્ચારાને જેના ઓરતા છે એ પ્રાઇઝ ભલે ન મળે, પણ દુનિયાના અવ્વલ દરજ્જાના અમીર ભિખારીનું પારિતોષિક પામવાની તેની પાત્રતા વિશે કોઈ બેમત ન હોઈ શકે.

 

- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે.)

columnists exclusive gujarati mid day indore