24 March, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શ્રદ્ધા હોય તો બધે અયોધ્યા અને શંકા હોય તો બધે લંકા
રામ-સીતા તો પ્રતીક માત્ર છે. દરેક દંપતીના મીઠા ઝઘડાની વાત છે આ. લવિંગ કેટલું ને એની લાકડી કેટલી? વળી એ લાકડીથી રામ સીતા પર ગુસ્સો કાઢે તો એ ગુસ્સો પણ કેટલો? અને સામે સીતા વેર વાળે એય કેવી રીતે? ફૂલના દડાથી. આ કંઈ લડાઈ કહેવાય? પ્રેમી ચૂંટી ખણે ને પ્રેમિકાનું આખું અંગ લાલ-લાલ થઈ જાય. પ્રેમિકા સામે નાનકડું બચકું ભરે ને પ્રેમીના બત્રીસે કોઠે દીવા થઈ જાય. આ લાલ-લાલ થઈ જવાની વાત પેલી ગોપીની ફરિયાદ જેવી છે. કહે છે કે તેની મટુકી પર કાન્હાએ હજી કાંકરી નથી મારી. તેથી કહે છે, ‘અબ લગ કંકર એક ન લાગ્યો, ગયાં ભાગ્ય મુજ ફૂટી’. કંકર માર્યો એટલે નહીં પણ ન માર્યો એમાં ભાગ્ય ફૂટી ગયાં. મટુકી ન ફૂટી એમાં ગોપીનાં ભાગ્ય ફૂટી ગયાં છે. દુન્યવીને આ લીલા નહીં સમજાય. પતિ-પત્ની વચ્ચે નાના-નાના ઝઘડા થતા રહેવા જોઈએ. રાધા રિસાય તો માનકુંજમાં જતાં રહે એમ કહેવાય. માનવા-મનાવવાની મજા એક ઉંમર પછી નથી રહેતી. ખોટું લગાડવાની, રીસે ભરાવાની પણ એક ઉંમર હોય છે. એ ઉંમરને માણી લેવાની. હાથે મેંદી લગાવવાની ઉંમર છે ત્યાં સુધી ‘છમ્મ પ્રિયતમ્મ’ને છંછેડી લેવાનો. હથેળી સાથે ચહેરો પણ લાલ-લાલ કરી લો તો એ આખો પાણી-પાણી થઈ જશે. હાથની મેંદી માથે લગાવવાની ઉંમર થશે ત્યારે બન્ને પોતપોતાના વિચારોના એકદંડિયા મહેલમાં જતા જ રહેવાના છે. આ કુદરતી ક્રમ છે. યુવાનીમાં રામ-સીતાની જેમ પંચવટીની પર્ણકુટિમાં રહેવાની મજા છે. પછીથી મૌનની પર્ણકુટિ જ વધુ ગમશે. ધમનીમાં લોહી ઊછળે છે ત્યાં સુધી ઊછળતા સ્નેહસાગરની લહેરોમાં તણાઈ જવું. ચોપાટીની રેતીમાં ખોવાઈ ગયેલી વીંટી શોધવાની સાંજ ફરી નહીં મળે. વરસતા વરસાદમાં ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’ ગીતમાં તમારી કલ્પનામાં તમારા યુવા ચહેરા જ શોભે. ‘ફિર ભી રહેગી નિશાનિયાં’નો નશો ફરેબી નથી જ. ચહેરા પર ચમક છે ત્યાં સુધી ચૂંટી ખણી લો, કાનની બૂટને નાનકડું બચકું ભરી લો. ઉપવનની મહોરેલી લીલાશ ફરી નહીં મળે, ઝૂકેલું આકાશ ફરી-ફરી નહીં મળે.
મનમાં થનગનાટ હશે તો જીવન આખું નૃત્ય જ છે. કોરી વાતો કરશો તો જીવન ગદ્ય છે. એમાં જો થોડો લહેકો ઉમેરી દો તો પદ્ય થઈ જાય. આપણા લાડીલા કવિ ન્હાનાલાલ અપદ્યાગદ્ય શૈલીમાં લખતા (તેમનો જન્મદિવસ હમણાં ૧૬ માર્ચે જ ગયો). જીવનના ગદ્યને પદ્યમાં ગાતું-રમતું કરવાનું તમારાં રામ-સીતાના હાથમાં જ છે. સીતા માટે રામ પર્ણકુટિ પણ બનાવે અને સુવર્ણમૃગ પકડવા દોડી પણ જાય. સોનેરી હરણ પકડવા રામ ગયા અને રાવણે સીતાનું હરણ કરી લીધું. સીતાવિરહમાં રામ વન-વન ભટકે છે. વાલ્મીકિએ આલેખેલી ‘રામવિલાપ’ની શબ્દસરિતામાં આકંઠ નહાવા જેવું તો છે જ. અશોકવનમાં સીતા શોકમગ્ન બેઠાં છે (શબ્દરમત જુઓ). રામ સીતે-સીતે આલાપતા ભટકે છે. પિયર ગયેલી પત્નીનો વિરહ મીઠો લાગે છે. પરદેશ ગયેલો પતિ પાછો આવવાનો જ છે એથી એ વિરહ સહેવાય છે. મેઘદૂતમાં યક્ષને શ્રાપ મળવાથી પત્નીવિરહમાં પ્રજળે છે. તેને વહેતા વાદળમાં પણ સંદેશો લઈ જનારો દૂત દેખાયો. અલકાનગરીમાં કૃશકાય થઈ ગયેલી પત્નીનું કાલિદાસે કરેલું વર્ણન વાંચો તો કોઈ પત્ની પતિને પોતાનાથી દૂર થવા જ ન દે.
મધ્યકાલીન સાહિત્યમાં અપભ્રંશ ભાષામાં એક દોહો છે. એનો અર્થ થાય છે, ‘કાગડાને ઉડાડતી હતી ને તેણે સહસા પિયુને આવતો જોયો બારીએથી. એમાં અડધાં બલોયાં વિરહકૃશ હાથ પરથી ધરતી પર પડી ગયાં અને અડધાં પ્રિયદર્શને ફૂલી ન સમાતાં તડ દઈને ફૂટી ગયાં.’ કાગડો તો રોજ બારીએ આવતો’તો, પણ પિયુ ન’તા આવતા. તેથી આજે ગુસ્સે થઈ કાગડાને ઉડાડવા ગઈ ને પિયુને આવતા જોયા. એમાં બધાં બલોયાં તૂટી ગયાં (બલોયાં એટલે હાથમાં પહેરવાનાં ઘરેણાં - બંગડીથી થોડાં મોટાં). કવિની કલ્પના કેવી મોહક છે! પિયુને જોતાં જ કૃશકાય પ્રિયા ખુશીથી ફૂલી સમાતી નથી. એમાં હાથ પણ ફૂલી ગયા અને બલોયાં તડ-તડ તૂટી ગયાં.
પિયુ સામે હોય તો તડ-તડ તૂટી જવું પણ ગમે. બાકી શણગાર કરવો તો કોના માટે? બારણાં સૂનાં જ રહેવાનાં હોય તો બની-ઠનીને બેસવાનું કોના માટે? કહે છે કે રામદર્શન વિના સીતાના શરીરમાં વિરહનો અગ્નિ એવો પ્રજળતો હતો કે દાસી ત્રિજટા ફૂલોનો હાર અને ગજરા લઈ આવતી તો એ પણ પળવારમાં કરમાઈ જતા. રામ સીતે-સીતે વિલાપતા તો સીતાના પ્રત્યેક ધબકારે પણ રામ ધબકતા. સીતાને શબ્દોની શી જરૂર? પક્ષીઓ ક્યાં બોલે છે? એમની પ્રેમક્રીડાને ક્યાં શબ્દોની જરૂર હોય છે? સરયૂ કિનારે ક્રૌંચ યુગલ વૃક્ષની કો’ ડાળ પર શબ્દોની પાર જઈને કેલિ કરતું હતું ને કોઈ નિર્દયી પારધીએ યુગલને ખંડિત કર્યું. માદા ક્રૌંચ પક્ષીના વિલાપને સાંભળીને ત્યાંથી પસાર થતા વાલ્મીકિના મુખમાંથી શબ્દો સરી પડ્યા ને રામાયણનો પ્રથમ શ્લોક સર્જાયો:
मा निषाद प्रतिष्ठां त्वमगम: शाश्वती: समा: ।
यत्क्रौंचमिथुनादेकम् अवधी: काममोहितम् ।।
પ્રેમ હોય તો પથ્થરો પણ તરે ને સાગર આખો તરી જવાય. શ્રદ્ધા હોય તો બધે અયોધ્યા ને શંકા હોય તો બધે લંકા.
બાય ધ વે, અંગ્રેજ કવિ ઑડેનની પ્રેમની પરિભાષા કેવી બદલાઈ એ જોવા જેવી છે. પહેલાં તેમણે એક પંક્તિ લખેલી, ‘વી મસ્ટ લવ વનઅનધર ઍન્ડ ડાય.’ પછી એ પંક્તિ સુધારી અને લખ્યું, ‘વી મસ્ટ લવ વનઅનધર ઑર ડાય.’ આપણે એકમેકને પ્રેમ કરવો અથવા મરવું. પ્રેમ જ સત્ય છે. પ્રેમમાં જ જીવનનું સાતત્ય છે. એમાં લેવાનું નથી હોતું પણ વિશેષ તો આપવાનું હોય છે.