12 May, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મિત્રતા એક કલા છે, જેમ લગ્ન એ કલા છે. લગ્ન કાંઈ કુદરતે નિર્મેલી વસ્તુ નથી. માણસે અને આપણા સમાજે લગ્નસંસ્થાનું નિર્માણ કર્યું છે. કુદરતને તો માનવજાતિનો તંતુ ચાલ્યા કરે એટલો જ સ્ત્રી-પુરુષમાં રસ છે. મૈત્રી બે ઉદાત્ત માણસોનું લગ્ન છે. આપણા સાહિત્યકાર મણિલાલ ન. ત્રિવેદીએ પોતાના આત્મવૃત્તાંતમાં લખ્યું છે, ‘પોતાના હૃદયનું રસબિંદુ બની રહે તેવો મિત્ર મળે અને એ પણ સ્ત્રી હોય અને તે વળી પોતાની પરણેલી સ્ત્રી હોય તો કેવું?’ એવી ઝંખના તેમણે અત્યંત તીવ્રપણે અનુભવી છે. સ્નેહલગ્ન અને લગ્નસ્નેહનું ગાન ગાનાર કવિ ન્હાનાલાલે પોતાની કવિતામાં પત્નીને માટે ‘સખી’ એવું સંબોધન પ્રચલિત કર્યું એમાં ઔચિત્ય છે. તો ગુણવંત શાહે લખ્યું છે, ‘માણસ પત્નીને પ્રાપ્ત કરે છે અને પ્રિયતમાને પામે છે.’ પ્રિયતમા પત્ની હોવી જરૂરી નથી હોતી. જેમણે મિત્રતાની કલા કેળવવા થોડો પણ પ્રયત્ન કર્યો હશે તેમને સમજાયું હશે કે જેમનું સરખું શીલ હોય કે જેમને માથે સરખી આફત હોય તેવી બે વ્યક્તિઓ વચ્ચે મૈત્રી ઉદ્ભવે એ પૂર્ણ સત્ય નથી. બલકે એથી ઊલટું હોવાનો પૂરો સંભવ છે. માણસ પોતાનામાં ન હોય એવી વસ્તુઓ જેનામાં જુએ તેની તરફ વધુ આકર્ષાય છે. મિત્રો ઘણી વાર એકમેકને પૂરક હોય છે. મિત્રતાની કલાનો વિરોધાભાસ હોય તો એ એ છે કે બે અસમાન વૃત્તિવાળાઓએ સમાનતાની ભૂમિકા પર સાથે ઊભા રહેવાનું છે. આવો મેળ બરાબર જળવાતો નથી ત્યારે મિત્રતામાં ઊણપ આવે છે. મને તો એ જ સમજાતું નથી કે જેઓ પોતાનાથી ભિન્ન જીવનસાથી (પતિ કે પત્ની) ને પ્રેમ કરી શકે છે તેઓ પોતાના મિત્રોમાં સહેજ ભિન્નતા કેમ સહન કરી શકતા નહીં હોય? કદાચ આ ભેદોને સ્નેહથી ભૂંસવામાં જ મિત્રતાની કલા રહેલી હશે. મિત્રતાની કલાની મુખ્ય ચાવી સામાની શરતે પ્રેમ કરવાની તૈયારીમાં રહેલી છે. જો અપેક્ષા ન હોય તો જ આવું થઈ શકે. જે સાચવવો પડે એ સંબંધ જ નથી. પણ કેટલીક વાર મિત્ર આડે માર્ગે જતો હોય એમ ચોખ્ખું દેખાય ત્યારે મિત્રતાનો અંત આવશે એવા ડરથી મૂંગા રહેવા કરતાં છૂટા પડવાનું જોખમ વહોરવામાં પણ ઔચિત્ય હોય છે. તમે સામી વ્યક્તિના દોષોના મિત્ર છો કે તેનામાં રહેલા સત તત્ત્વના? મિત્ર માટે મિત્રતાનો ભોગ આપવા તમે તૈયાર ન હો તો તમે તેના મિત્ર જ નથી. બીજો એક અભ્યાસ દર્શાવે છે કે ઘણા વિકસિત આત્માઓને કોઈ અંગત મિત્ર નથી હોતો. આધ્યાત્મિક જીવન જીવવામાં આગળ વધેલા ઘણા મહાપુરુષોને અંગત મિત્ર ન હોવાના દાખલાઓ પણ છે પણ તેમનું કારુણ્ય એવું વિશ્વભરમાં ચોમેર પ્રસરતું હોય છે કે એના વહેણમાં પરિપ્લાવિત બનીને સૌ હૃદયો તેમની મૈત્રી અનુભવતાં હોય છે. પોતાના સુકુમાર આચારથી મધુર વ્યક્તિત્વ ધરાવતા આવા સજ્જનને સૌ કોઈ વાંછે છે. આવા મહાન જ્યોતિર્ધરોના પ્રેમમાં ક્યાંય શરત નથી હોતી.