ક્યારેય ભૂલવી નહીં એક વાત : મન સે રાવણ જો નિકાલે, રામ ઉનકે મન મેં હૈં

15 October, 2021 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાવણ દર વર્ષે બળે છે, બાળવામાં આવે છે અને પાપના અંતનો જયજયકાર કરવામાં આવે છે, પણ ક્યારેય કોઈએ વિચાર્યું છે ખરું કે જો રાવણનો અંત આવી ગયો હોય તો દર વર્ષે એને બાળવાની જરૂર કેમ પડે છે?

પ્રતીકાત્મક તસવીર

સૌથી પહેલાં તો ક્રેડિટ જાવેદ અખ્તરને અને આ ક્રેડિટ જાવેદ અખ્તરને મળી શકે એવી પરિસ્થિતિ ઊભી કરવાનો જશ એ. આર. રહમાન, આમિર ખાન અને આશુતોષ ગોવારીકરને. ફિલ્મ ‘લગાન’ના એક ગીતની અંતરાની આ પંક્તિ છે...

‘મન સે રાવણ જો નિકાલે, રામ ઉનકે મન મેં હૈં...’

રાવણ દર વર્ષે બળે છે, બાળવામાં આવે છે અને પાપના અંતનો જયજયકાર કરવામાં આવે છે, પણ ક્યારેય કોઈએ વિચાર્યું છે ખરું કે જો રાવણનો અંત આવી ગયો હોય તો દર વર્ષે એને બાળવાની જરૂર કેમ પડે છે? દુર્ગાએ વધ કરેલા મહિષાસુરનો વધ કેમ દર વર્ષે કરવામાં નથી આવતો, કેમ દુશાસનનો અંત દર વર્ષે કરવાની જરૂર નથી પડતી. રાવણ જ શું કામ અને કેમ રાવણનો જ દર વર્ષે વધ કરવો પડે છે અને દર વર્ષે વધ કર્યા પછી જીત માણવી પડે છે? તમે વિચાર્યું છે ખરું ક્યારેય?

‘મન સે રાવણ જો નિકાલે, રામ ઉનકે મન મેં હૈં...’

રાવણ હયાત નથી, પણ મનમાં રહેલા રાવણનો વધ કરવાનું ક્યારેય વિચાર્યું નથી. દાર્શનિક રાવણના વધને આજે પણ ખુશીથી માણવામાં આવે છે, પણ મનમાં રહેલા રાવણને દૂર કરવાની તૈયારી ક્યારેય કરી નથી અને એટલે જ દર વર્ષે, વર્ષો-વર્ષ રાવણદહનની ઉજવણી કરવામાં આવે છે. મનમાંથી રાવણ કાઢવાનો શ્રેષ્ઠ સંદેશ છે અને એ સંદેશ પણ કોણે આપ્યો છે.

જાવેદ અખ્તર, એ. આર. રહમાન અને આમિર ખાને. એક ગીતકાર, એક મ્યુઝિક કમ્પોઝર અને એક પ્રોડ્યુસર. જુઓ તમે સાહેબ, ત્રણેત્રણ મુસ્લિમ અને એ પછી પણ કેવી શ્રેષ્ઠ વાત કેટલા સરળ શબ્દોમાં કહી છે. હું કહીશ કે આ જ દેશમાં આ શક્ય બની શકે અને આ જ દેશનો નાગરિક આ કામ કરી શકે. માફ કરજો, પણ આપણે કબૂલવું રહ્યું કે આટલી ઝીણવટ સાથે જવલ્લે જ કોઈ હિન્દુ ગીતકારે ખુદા માટે વાત લખી હશે અને આ કબૂલાત જ દર્શાવે છે કે આ વાત પણ એક હિન્દુ જ કહી શકે અને એ પણ આ જ દેશમાં શક્ય બને. ઍનીવેઝ, વાત અત્યારે રામ

અને રાવણની છે.

રાવણના દાર્શનિક વધથી કશું નથી થવાનું. મનમાં રહેલા રાવણનો નાશ કરવાનો છે અને એ રાવણનો વધ કરો તો રામરાજ્યની સ્થાપના આપોઆપ થઈ જવાની છે. રાવણને ૧૦ મસ્તક હતાં, પણ એ ૧૦ મસ્તક કયાં હતાં એના વિશે ક્યારેય વિચાર્યું છે ખરું. અહંકારથી માંડીને ક્રોધ, મોહ, લોભ, ઈર્ષ્યા જેવા જે અવગુણો હતા એને કાઢવાનો સમય આવી ગયો છે. આ જ એ લાગણીઓ છે જે અંદરના રાવણને વધુ બળવાન બનાવે છે. આ જ એ લાગણીઓ છે જે અંદર જીવતા રાવણને શાંત પાડવાનું કામ નથી કરતી અને એને કારણે, મનમાં રહેલો રાવણ અંદર શ્વસતા રામને સપાટી પર આવવા નથી દેતો. રાવણનો વધ આજે પણ થશે અને આજે પણ વિજયોત્સવ મનાવવામાં આવશે, પણ આજે મનાવવામાં આવતા વિજયોત્સવ સાથે એક વખત જાતને પૂછજો કે રાવણદહન સાથે મનને પાપની દિશામાં વાળી જતી આ ભાવનાઓમાંથી કોઈ એકને આપણે આ વર્ષે બાળી શકીશું ખરા?

પૂછજો એક વાર અને પૂછ્યા પછી ટ્રાય પણ કરજો એ રાવણને અંદર જ બાળવાની.

columnists manoj joshi