આ દાદાની નજરે પંખીઓને જોશો તો મન મોહી પડશે

09 June, 2021 01:41 PM IST  |  Mumbai | Rohit Parikh

ઘાટકોપરના ૭૪ વર્ષના રજનીકાંત પારેખને દીકરાએ અમેરિકાથી રંગો અને પીંછી લાવી આપ્યાં અને તેમનો નાનપણનો પેઇન્ટિંગ કરવાનો અધૂરો શોખ જાગી ગયો. નિવૃત્તિ બાદ પીંછી ઉપાડીને તેમણે નિસર્ગનાં દૃશ્યોને કૅન્વસ પર ખૂબ અદ્ભુત રીતે ઉતાર્યાં છે

આ દાદાની નજરે પંખીઓને જોશો તો મન મોહી પડશે

નાનપણના શોખને મોટી ઉંમરે જીવંત કરીને ૭૪ વર્ષના ઘાટકોપર (વેસ્ટ)ના કપોળ મિત્ર મંડળ અને કપોળ સમાજના અગ્રણી કાર્યકર રજનીકાંત વામનરાય પારેખે કુદરતી દૃશ્યોને નિહાળીને એને કાગળ પર કંડારવામાં જબરી મહારત હાંસલ કરી લીધી છે. એમાંય લૉકડાઉનના સમયનો સદ્દુપયોગ કરીને તેમણે કુદરતી સૌદર્યનાં ૩૦થી વધુ આકર્ષક પેઇન્ટિંગ્સ કર્યાં છે. જીવનને સ્ટ્રેસમાં જીવવા કરતાં સંગીત અને પેઇન્ટિંગના માધ્યમથી હસીન બનાવવાનો જીવનમંત્ર આજે ૭૪ વર્ષની વયે પણ રજનીકાંતભાઈને તંદુરસ્ત રાખે છે. રજનીકાંત પારેખને પેઇન્ટિંગનો શોખ નાનપણથી હતો, પરંતુ એ શોખને તેઓ ત્યારે પૂરો કરી શક્યા નહોતા. જોકે ૨૦૧૧માં તેમનો પુત્ર અમેરિકાથી તેમના માટે ડ્રૉઇંગબુક, વૉટર કલર્સ અને પેઇન્ટિંગ બ્રશો લઈને આવ્યો હતો. એનો સદુપયોગ એ વખતે જેટલો ન થયો એટલો ૨૦૨૦-’૨૧ના લૉકડાઉનમાં થયો. રજનીકાંત પારેખે કહે છે, ‘હું ૨૦૧૮માં બિઝનેસમાંથી સંપૂર્ણ નિવૃત્ત થઈ ગયો. ત્યાર પછી જીવનને રંગબેરંગી બનાવવા માટે વૉટર કલર્સ અને પીંછી હાથમાં લીધાં. હું વધારે પડતાં પક્ષીઓનાં ડ્રૉઇંગ્સ અને પેઇન્ટિંગ્સ કરું છું, કેમ કે મને પક્ષીઓનાં કદ, આકાર અને સૌથી વધારે કલર બહુ ગમે છે. ઈશ્વરે પોતાની આકર્ષક કળા વનસ્પતિ, ફૂલો અને પક્ષીઓમાં રંગ પૂરીને વેરી છે જે બીજામાં બહુ ઓછી જોવા મળે છે. મને વૉટર કલર્સનો ઉપયોગ કરવો વધારે ગમે છે. એને મિક્સ કરીને અનેક રંગોને નિખારી શકાય. એ પેઇન્ટિંગને એકદમ જીવંત બનાવી દે છે. કલરફુલ પેઇન્ટિંગ કરવા માટે પહેલાં પેન્સિલ ડ્રૉઇંગ પર્ફેક્ટ હોવું બહુ જરૂરી છે. પક્ષીઓ પછી મને પહાડો અને સુંદર ઝરણાં-વનરાઈઓનાં લૅન્કસ્કૅપ બનાવવા ગમે છે, કારણ કે એ બધું કુદરતની બહુ સમીપ છે.’
કોઈ પણ કળાને જો પ્રેમથી આત્મસાત્ કરીએ તો એ આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની રહે છે જે તમને જીવનમાં એક મુકામ સુધી લઈ જાય છે એમ જણાવીને રજનીકાંત પારેખ કહે છે, ‘કોઈ પણ સુંદર દૃશ્ય નજરે પડે તો એને પીંછીમાં ઉતારવા મન વ્યાકુળ બની જાય છે. પછી એ સુંદર ફૂલો હોય, રંગબેરંગી પક્ષીઓ હોય, સુંદર સંધ્યા ખીલી હોય કે સમુદ્રકિનારે સનસેટ હોય. લૉકડાઉનમાં લોકોનો સમય પસાર થતો નથી અને મને બિલકુલ ફુરસદ નથી. મને સંગીતનો શોખ પણ છે. સોસાયટીના લોકો પહેલાં મને સિંગર તરીકે ઓળખતા હતા જે હવે મને પેઇન્ટર તરીકે પણ ઓળખવા લાગ્યા છે.’

આર્ટ્સનું ભણવું હતું, પણ અધૂરું રહી ગયું

રજનીકાંતભાઈ એક વર્ષ માટુંગાની ખાલસા કૉલેજમાં આર્ટ્સમાં ભણ્યા, પણ આગળ ભણી શક્યા નહીં. તેમણે ૧૯૬૬થી ૧૯૭૦ સુધી નોકરી કરી. નોકરીની સાથે બાંદરા કૉલેજ ઑફ આર્ટ્સમાં કમર્શિયલ આર્ટ્સમાં ઍડ્મિશન લીધું, પરંતુ નાણાકીય ભીડને કારણે કૉલેજ અધવચ્ચેથી જ છોડવી પડી હતી. તેઓ સ્કૂલમાં ભણતા હતા ત્યારે સાઇડ ઇન્કમ માટે ફૅબ્રિક પેઇન્ટથી સાડી અને રૂમાલ પેઇન્ટ કરતા હતા. મૂળ શિહોર-ભાવનગરના રજનીકાંત પારેખ માને છે કે ‘એકલતામાં અને નિવૃત્ત જીવનમાં તમારો સારામાં સારો સાથી કળા બની શકે છે. મારા જીવનને મારા શોખની સાથે મારી પત્ની નીલા, પુત્ર કશ્યપ, પુત્રવધૂ જાનકી અને પુત્રી જિજ્ઞાએ રંગીન બનાવી દીધી છે.’ 

columnists rohit parikh