બ્રેસ્ટ-કૅન્સર તો મને ન થાય

23 May, 2022 08:57 PM IST  |  Mumbai | Ruchita Shah

શું તમે પણ એવું માનો છો? તો સાવધ રહેવું જરૂરી છે. તાજેતરમાં થયેલું એક રિસર્ચ કહે છે કે પુરુષોની ઇન્ફર્ટિલિટી તેમનામાં બ્રેસ્ટ-કૅન્સરનું રિસ્ક વધારી શકે છે. બ્રેસ્ટ-કૅન્સરના દર ૧૦૦માંથી એક કેસ પુરુષોનો હોય છે

બ્રેસ્ટ-કૅન્સર તો મને ન થાય

શું તમે પણ એવું માનો છો? તો સાવધ રહેવું જરૂરી છે. તાજેતરમાં થયેલું એક રિસર્ચ કહે છે કે પુરુષોની ઇન્ફર્ટિલિટી તેમનામાં બ્રેસ્ટ-કૅન્સરનું રિસ્ક વધારી શકે છે. બ્રેસ્ટ-કૅન્સરના દર ૧૦૦માંથી એક કેસ પુરુષોનો હોય છે. આપણે ત્યાં હજી પણ પુરુષોમાં આ કન્ડિશન વિશે જોઈએ એટલી અવેરનેસ નથી ત્યારે આ કન્ડિશન કયા સંજોગોમાં પુરુષોમાં આવે અને એની વર્તમાન સ્થિતિ શું છે એ જાણી લઈએ

કૅન્સરનો ઇલાજ હવે શક્ય છે અને ઘણા કેસમાં એ થર્ડ સ્ટેજ સુધી પણ ક્યૉર કરી શકાય છે એ બાબતે આશાનું કિરણ લોકોમાં જગાવ્યું છે તો સાથે જ વધી રહેલા કૅન્સરના કેસે ક્યાંક ને ક્યાંક આપણી જીવનશૈલી અને ખાનપાનમાં કંઈક મોટા પાયે ખોટું હોવાનું પણ સતત દર્શાવ્યું છે. કૅન્સરની પ્રકૃતિ અને એના ઇલાજને લગતાં રિસર્ચો બ્રૉડર લેવલ પર સતત વિશ્વભરમાં ચાલી રહ્યાં છે. તાજેતરમાં બ્રેસ્ટ-કૅન્સર રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલો એક અભ્યાસ કહે છે કે ઇન્ફર્ટિલિટી અને બ્રેસ્ટ-કૅન્સર વચ્ચે કનેક્શન હોઈ શકે છે. ૨૦૦૫થી ૨૦૧૭માં બ્રેસ્ટ-કૅન્સરથી ડાયોગ્નાઇઝ્ડ થયા હોય એવા ૧૫૯૭ પુરુષોના ડેટાનો અભ્યાસ કરીને રિસર્ચરોને આ સંભાવના દેખાઈ છે. અલબત્ત પુરુષોમાં બ્રેસ્ટ-કૅન્સરનું પ્રમાણ ઓછું છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ કહે છે કે બ્રેસ્ટ-કૅન્સરના કુલ કિસ્સામાંથી લગભગ અડધોથી એક ટકાના કેસ પુરુષોમાં જોવા મળે છે. અમેરિકન કૅન્સર સોસાયટીનો ડેટા કહે છે કે બ્રેસ્ટ-કૅન્સરના દર ૧૦૦ કેસમાંથી એક પુરુષને બ્રેસ્ટ-કૅન્સર હોય છે. ભલે રૅર હોય, પરંતુ એ પછી પણ એના વિશે જાગૃતિ હોય એ જરૂરી છે. આ સંદર્ભે તાતા મેમોરિયલ સેન્ટરના મેડિકલ ઑન્કોલૉજી વિભાગનાં પ્રોફેસર ડૉ. સીમા ગુલિયા સાથે વાત કરીએ. 
મુખ્ય કારણ?
આમ તો પુરુષોમાં બ્રેસ્ટ કૅન્સરનું જોખમ મોટી વયે વધારે હોય છે, પરંતુ હવે મિડલ-એજમાં પણ એનું પ્રમાણ જોવા મળે છે. સ્ટ્રેસ અને ખાણી-પીણી તથા રહેણી-કરણીની ખોટી આદતોને કોઈ પણ જાતના કૅન્સર પાછળ મુખ્ય કારણ મનાય છે, પરંતુ પુરુષોમાં થતા બ્રેસ્ટ-કૅન્સરમાં લાઇફસ્ટાઇલ ઉપરાંત જિનેટિક્સ બહુ મોટું કારણ છે એમ જણાવીને ડૉ. સીમા કહે છે, ‘આપણે ત્યાં પણ પુરુષોમાં થતા બ્રેસ્ટ-કૅન્સરનું પ્રમાણ બહુ જ રૅર છે. એક ટકા કરતાં પણ ઓછો રેશિયો ભલે હોય, એ પછી પણ આપણે એની ઇન્ટેન્સિટીને ડિસ્કાઉન્ટ તો ન જ કરી શકીએ. મહિલાઓને થતા બ્રેસ્ટ-કૅન્સરનાં ઘણાં કારણો હોઈ શકે, પરંતુ પુરુષોને થતા બ્રેસ્ટ-કૅન્સર પાછળ મુખ્યત્વે જિનેટિક કારણ વધુ જોવા મળે છે. પેરન્ટ્સમાંથી આવતા અમુક જીન્સમાં મ્યુટેશનથી બ્રેસ્ટ-કૅન્સર થયું હોવાની સંભાવના અત્યાર સુધીના મોટા ભાગના કેસમાં અમે ઑબ્ઝર્વ કરી છે. તાતા હૉસ્પિટલમાં દર વર્ષે માનો કે પાંચ હજાર કેસ બ્રેસ્ટ-કૅન્સરના આવતા હોય તો એમાં એક ટકા કરતાં ઓછા કેસ પુરુષોના હોય. મહિને લગભગ એકથી બે કેસની ઍવરેજ હોય છે. મોટા ભાગના પેશન્ટમાં હેરિડિટરી હિસ્ટરીમાં માતા કે પિતાની સાઇડ પર કોઈને ને કોઈને કૅન્સર હોવાનું અમે ઑબ્ઝર્વ કર્યું જ છે.’
લક્ષણો અને ટ્રીટમેન્ટ
બ્રેસ્ટ-કૅન્સરના પુરુષોમાં કૉમન જોવા મળતાં લક્ષણો વિશે ડૉ. સીમા કહે છે, ‘પુરુષોમાં બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ જોવા મળે, ત્યાં દુખાવો થતો હોય, છાતીના ભાગમાં અથવા તો આર્મપિટ એટલે કે બગલમાં ગાંઠ કે લમ્પ જેવું કંઈક દેખાય, છાતીની ચામડીમાં લાલાશ આવી જાય કે ઉઝરડા જેવું દેખાય, નિપલમાંથી ડિસ્ચાર્જ થાય અથવા તો નિપલ એરિયામાં દુખાવો થતો હોય જેવાં કેટલાંક લક્ષણો કૉમનલી જોવા મળતાં હોય છે. મહિલા હોય કે પુરુષ, બ્રેસ્ટ-કૅન્સરની ટ્રીટમેન્ટમાં કોઈ ખાસ ફરક નથી હોતો. એટલું જરૂર હોય છે કે મહિલાઓમાં અમે પહેલો પ્રયાસ તેમના બ્રેસ્ટ ટિશ્યુને રિમૂવ કર્યા વિના ટ્રીટમેન્ટ શક્ય છે કે નહીં એ પૉસિબિલિટી ચેક કરીએ છીએ જેની પુરુષોના કેસમાં જરૂર નથી પડતી. બાકી સર્જરી, કીમો-થેરપી, રેડિયેશન-થેરપી અને હૉર્મોનલ-થેરપી વગેરે જ લાઇન ઑફ ટ્રીટમેન્ટ હોય છે. ત્રીજા સ્ટેજ સુધીનું કૅન્સર હોય તો એ ક્યૉરેબલ છે. એમાં પણ જેન્ડર ડિફરન્સ ક્યાંય આવતો નથી. ચોથા સ્ટેજમાં ટ્રીટમેન્ટ દ્વારા બીમારીને કન્ટ્રોલમાં રાખી શકાય. જોકે કોઈ પણ ટ્રીટમેન્ટ શરૂ કરતાં પહેલાં અમે પેશન્ટની ડીટેલમાં કેસ-હિસ્ટરી લેતા હોઈએ છીએ, કારણ કે આગળ કહ્યું એમ પુરુષોમાં બ્રેસ્ટ-કૅન્સર થવા પાછળ હેરિડિટી મુખ્ય કારણ છે.’ 

સામાજિક સ્તરે શરમજનક અવસ્થા

કૅન્સર વિશે આપણે ત્યાં અઢળક અવેરનેસ આવી હોવા છતાં પુરુષોમાં જો બ્રેસ્ટ-કૅન્સર ડિટેક્ટ થાય તો એ તેમના માટે સાઇકોલૉજિકલી સ્વીકારવું ખૂબ અઘરું હોય છે. આ સંદર્ભે ડૉ. સીમા ગુલિયા કહે છે, ‘જ્યારે પણ આવા પેશન્ટ અમારી પાસે આવે છે ત્યારે આ બીમારી કરતાં પણ આ ભાગમાં તેમને આ બીમારી આવી એ બાબતને લઈને વધુ ભાંગી પડતા હોય છે. શરીરનો આ હિસ્સો મહિલાઓ સાથે સંકળાયેલો છે અને તેમને આ ભાગમાં કૅન્સર આવ્યું છે એ હકીકત સ્વીકારતાં અને એને પચાવતાં જ સારોએવો સમય લાગી જતો હોય છે. 
આ માટેનો જે સોશ્યલ સ્ટિગ્મા છે એ દિશામાં સોસાયટીના દૃષ્ટિકોણમાં બદલાવ આવવો જોઈએ. તેમને ઓપીડીથી લઈને કીમો અને રેડિયેશન માટે જાય ત્યારે સતત મહિલાઓ વચ્ચે પોતે સાવ એકલા છે એવો અહેસાસ થયા કરતો હોય છે જે સાઇકોલૉજિકલી બહુ જ ડિસ્ટર્બિંગ પણ છે.’

columnists ruchita shah