13 September, 2024 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુક્તિ રાંદેરિયા
જો તમે મહેનત કરો અને જો તમે પ્રેમથી કોઈને અપનાવો તો સામે કોઈ પણ હોય, તે તમને અપનાવ્યા વિના રહે નહીં. હું આ વાત અમદાવાદ માટે કરું છું. મને દૂર-દૂર સુધી નહોતું કે હું મારું સુરત છોડીને અમદાવાદ આવીશ અને મને અમદાવાદ અપનાવી લેશે. હું અમદાવાદ શૂટના કામસર આવી અને પછી મને મારી પહેલી ફિલ્મ ‘સૈયર મોરી રે...’ મળી અને એ પછી તો એક પછી એક ફિલ્મો શરૂ થઈ ગઈ અને અમદાવાદે મને એવી રીતે અપનાવી લીધી જાણે કે હું અહીંની જ હોઉં.
અમદાવાદ આવ્યાં પછી મારું ઍક્ટ્રેસ બનવાનું એક જ નહીં, બીજાં પણ અનેક સપનાં પૂરાં થયાં જેમાંનું મારું એક ડ્રીમ તો એવું હતું કે જેની હું નાનપણથી રાહ જોતી હતી, કથ્થક શીખવાનું. ક્લાસિકલ ડાન્સ મને હંમેશાં ઍટ્રૅક્ટ કરે, પણ સુરત હતી ત્યારે મને એ શીખવાનો ચાન્સ મળ્યો નહીં અને પછી બધાને એવું કહેતા સાંભળ્યા કે ક્લાસિકલ ડાન્સ જો બેસ્ટ રીતે શીખવો હોય તો એ તો તમારે નાનપણથી શરૂ કરવો પડે એટલે આપોઆપ જ મેં કથકને મારાથી દૂર કરી દીધું, પરંતુ જ્યારે પણ જ્યાં ક્લાસિકલ ડાન્સ જોઉં કે તરત મારી અંદરની આ ઇચ્છા જાગે અને મને કથક શીખવાનું મન થાય, પણ પછી તરત યાદ આવે કે ૨૦-૨૫ વર્ષ કંઈ કથક શીખવાની ઉંમર ન કહેવાય અને મારી ઇચ્છા પડી ભાંગે; પણ ફાઇનલી, એવું થયું કે મને મારામાંથી જ જવાબ મળ્યો કે મારે કયા કોઈ કૉમ્પિટિશનમાં જઈને પર્ફોર્મ કરવું છે. મારે તો મને મજા આવે, મને ખુશી મળે એની માટે કથક શીખવું છે તો એને અને ઉંમરને કંઈ લાગતું-વળગતું જ નથી. હું મારા આનંદ માટે તો એ કરી જ શકું અને મેં કથક શીખવાનું શરૂ કર્યું. અફકોર્સ, હજી તો એકાદ વર્ષ થયું છે અને બીજાં પાંચ-છ વર્ષ શીખવાનું છે, પણ મને મારું આ સ્ટેપ ખરેખર ગમ્યું.
મારે અહીં પણ બધા રીડરને કહેવું છે કે તમે તમારી એજ વિશે બહુ નહીં વિચારો. એજ ઇઝ જસ્ટ અ નંબર્સ, ખુશી મહત્ત્વની છે અને ખુશીને ઉંમર સાથે કંઈ લાગતું-વળગતું નથી. જો તમે કોઈ ચોક્કસ એજ ક્રૉસ કરી ગયા હો અને એ પછી પણ તમને કોઈ સ્કિલ શીખવાની ઇચ્છા હોય તો તમારે ડેફિનેટલી નાસીપાસ થયા વિના એ શીખવાનું શરૂ કરવું જોઈએ. હું તો કહીશ કે એજ ક્રૉસ કરી લીધા પછી તો ઊલટું કૉમ્પિટિશનની સ્ટ્રેસ વિના આગળ વધી શકાય છે અને ક્યારેય ભૂલતા નહીં, ખુશી સૌથી મહત્ત્વની છે એટલે હંમેશાં તમારી ખુશીને ઇમ્પોર્ટન્ટ આપજો.
- યુક્તિ રાંદેરિયા (જાણીતી ફિલ્મ-ઍક્ટ્રેસ યુક્તિ રાંદેરિયાએ ‘સૈયર મોરી રે...’ અને ‘વૅનિલા આઇસક્રીમ’ જેવી અનેક ગુજરાતી ફિલ્મો કરી છે.)