આ ડૉક્ટરને રવિવારે મળવું હોય તો બૉર્ડર પર જવું પડે

24 October, 2021 11:26 AM IST  |  Mumbai | Shailesh Nayak

પિતાએ આપેલી શિખામણને જીવનમંત્ર બનાવીને તેમણે આ કામ શરૂ કરેલું અને અત્યાર સુધીમાં ૧૦,૫૦૦ જેટલા જવાનો માટે સેવા આપી ચૂક્યા છે

આ ડૉક્ટરને રવિવારે મળવું હોય તો બૉર્ડર પર જવું પડે

ગુજરાતમાં બૉર્ડર પર આવેલી જુદી-જુદી ચોકીઓ પર રવિવારે જઈને અમદાવાદના ડૉ. પ્રકાશ કુર્મી બીએસએફના જવાનો માટે હેલ્થ ચેકઅપ કરવાનું કામ કરે છે. પિતાએ આપેલી શિખામણને જીવનમંત્ર બનાવીને તેમણે આ કામ શરૂ કરેલું અને અત્યાર સુધીમાં ૧૦,૫૦૦ જેટલા જવાનો માટે સેવા આપી ચૂક્યા છે

કચ્છમાં આવેલી બૉર્ડર પર રવિવારે બીએસએફના જવાનોનું બૉડી ચેકઅપ કરીને જાતે જ કાર ડ્રાઇવ કરીને અમદાવાદ પાછા ફરેલા ડૉ. પ્રકાશ કુર્મીને થાકનો જરા પણ અહેસાસ થતો નથી, કેમ કે ગુજરાતમાં આવેલી ભારત–પાકિસ્તાનની સરહદ પર જઈને બીએસએફના  જવાનોના હેલ્થની સંભાળ રાખવાનું સેવાકાર્ય કરીને તેમને સુકૂનનો અહેસાસ થાય છે અને એટલે જ લૉન્ગ ડ્રાઇવ કરીને પણ તેમને થાક લાગતો નથી.
૨૦૧૬થી સેવાભાવ સાથે જવાનોના સ્વાસ્થ્યની દરકાર લઈ રહેલા ડૉ. પ્રકાશ કુર્મીને તેમના પિતા હરિશચંદ્રભાઈ જેઓ અમદાવાદની રોહિત મિલમાં કામ કરતા હતા તેમણે શિખામણ આપેલી કે જ્યારે એવું લાગે કે તમારી પાસે રિક્વાયરમેન્ટ કરતા વધારે પૈસા થયા છે તો ઍક્ચ્યુઅલ ઇન્કમના ૧૦ ટકા રકમ અને ૧૦ ટકા ટાઇમ સમાજસેવામાં વાપરજો. પિતાએ આપેલી આ શિખામણને ડૉ. પ્રકાશ કુર્મીએ જીવનમંત્ર બનાવ્યો છે અને બીએસએફના જવાનોના સ્વાસ્થ્યના સેવાના કાર્યમાં લાગી ગયા છે. બીએસએફના સત્તાવાળાઓ પાસેથી પરમિશન મેળવીને ગુજરાતમાં બૉર્ડર પરની જુદી-જુદી ચોકીઓ પર રવિવારે પહોંચી જઈને અમદાવાદના ડૉ. પ્રકાશ કુર્મી બીએસએફના જવાનોનું બૉડી ચેકઅપ કરે છે. તેઓ તેમની સાથે સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની સેવાભાવી ટીમ પણ લઈ જાય છે અને આ ટીમ જે-તે ચોકી પર પહોંચીને જવાનોનું મેડિકલ ચેકએપ કરીને નિદાન કરે છે અને દવાઓ આપે છે. અત્યાર સુધીમાં તેમણે અંદાજે સાડાદસ હજાર જેટલા જવાનોનું બૉડી ચેકઅપ કર્યું છે. 
આર્મીના જવાનો માટે સ્વાસ્થ્યનું ચેકિંગ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો એની વાત કરતાં ડૉ. પ્રકાશ કુર્મી કહે છે, ‘મને પહેલેથી જ જવાનો પ્રત્યે લગાવ છે. તેમની લાઇફસ્ટાઇલ મેં જોઈ છે. તેઓ વિપરીત સંજોગોમાં કામગીરી કરતા હોય છે. એ લોકો માટે આપણે કંઈક સેવા કરી શકીએ એવું મારા મનમાં હતું. દરમ્યાન ભચાઉ નજીક લુણવા ગામે એક મેડિકલ કૅમ્પ હતો. ત્યાંથી દૂર બીએસએફની ચોકી હતી. ડૉક્ટરોની ટીમ સાથે અમે ત્યાં ગયા અને જવાનોને મળ્યા અને તેમની નાની-મોટી તકલીફો ચેક કરીને દવાઓ આપી. જવાનો માટે આ સેવા કર્યા પછી થયું કે જવાનોની પાસે જઈને તેમનું હેલ્થ ચેકઅપ કરીને તેમની સેવા કરીએ. એટલે અમે જવાનોના મેડિકલ ચેકઅપનું પ્લાનિંગ કર્યું. ચોકી પર જતાં પહેલાં કૅપ્ટન સાથે વાત થાય, પરમિશન મળે પછી અમે મેડિકલ ચેકઅપ માટે જઈએ છીએ. પહેલાં જવાનોનાં બ્લડ-સૅમ્પલ લઈએ અને લૅબોરેટરીમાં બધા રિપોર્ટ કરાવીએ એટલે બધું ચેક થઈ જાય. પછી એની ફાઇલ બનાવીએ અને બીજા વીકમાં અમે ફિઝિશ્યન, આંખ, ઈએનટી, ડેન્ટલ, ઑર્થોપેડિક સહિતના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોને લઈને જવાનો પાસે જઈએ. સોનોગ્રાફી મશીન, ઇકો મશીન, કાર્ડિયોગ્રામ મશીન, શુગર મશીન તેમ જ દવાઓ સાથે લઈને અમે જઈએ છીએ. કોઈને દાંત, આંખ, પગની, સ્કિનની કે બીજી કોઈ તકલીફ હોય તો તપાસીએ અને જો એની દવા અમારી સાથે લીધેલી હોય તો એ જ આપીએ અથવા તો પ્રિસ્ક્રાઇબ કરી આપીએ. તેમને તેમની આ દવાઓ આર્મી હૉસ્પિટલમાંથી પણ મળી રહે છે. જે-તે ચોકી પર બૉડી ચેકઅપ કર્યું હોય ત્યાં ફરી ફૉલોઅપ પણ કરીએ છીએ. દર શનિ–રવિ હું બૉર્ડર પર હોઉં છું. શનિવારે ઘરેથી નીકળી જવાનું અને રાત્રે પહોંચી જઈને રવિવારે સવારથી કામ શરૂ કરી દેવાનું. ૨૦૧૬થી આ કામ શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં સાડાદસ હજાર જેટલા જવાનોનું બૉડી ચેકઅપ કર્યું હશે. જોકે બીએસએફના ડૉક્ટરો હોય છે, હૉસ્પિટલ હોય છે. ઘણા જવાનોને નર્સિંગનું નૉલેજ પણ હોય છે અને કોઈ જવાનને કંઈ તકલીફ થાય તો તેમના દ્વારા સારવાર મળી રહે છે.’ 
સોલર લાઇટનો પ્રકાશ
જવાનોના હેલ્થની સાથે સાથે છેલ્લા દોઢેક વર્ષથી સોલર લાઇટ આપવાનું કાર્ય શરૂ કર્યું છે એની વાત કરતાં ડૉ. પ્રકાશ કુર્મી કહે છે, ‘સરહદી વિસ્તારમાં ઘણી એવી જગ્યાએ હાઈ ટાઇડ વખતે પાણી ભરાઈ જતાં હોય છે. એટલે જમીનથી ચાર-પાંચ ફૂટ ઉપર પતરાના શેડ બનાવ્યા છે ત્યાં ઊભા રહીને જવાનો ચોકી કરતા હોય છે. અહીં લાઇટ ન હોવાથી અમે ઑટોમેટિક સોલર લાઇટ પૂરી પાડવાનું શરૂ કર્યું છે. એક વાર આ લાઇટ ફુલ ચાર્જ થઈ જાય એટલે ૩૬ કલાક ચાલે છે. અત્યાર સુધીમાં આવી ૨૪૦ સોલર લાઇટ આપી છે. આ લાઇટનો પ્રકાશ ખાસ્સે દૂર સુધી ફેલાય છે. સોલર લાઇટ ઉપરાંત અમે પ્લાન્ટેશન પણ કરી રહ્યા છીએ. વૃક્ષો વાવી રહ્યા છીએ. અમે આ બધી પ્રવૃત્તિ શિવમ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરીએ છીએ. અમે ૧૦ શાળાઓ દત્તક લઈને ૨૫૦૦ બાળકોને અભ્યાસ સાથે આરોગ્યની સેવા પૂરી પાડવાનું કાર્ય શરૂ કર્યું હતું.’ 

બીએસએફ પાસે પોતાના ડૉક્ટરો છે, હૉસ્પિટલ છે અને ત્યાં જવાનોની સારવાર અને નિદાન થાય છે. એમ છતાં આ ડૉક્ટરની સેવાઓથી જવાનોને ખાસ્સી મદદ મળે છે. કઈ રીતે આ ડૉક્ટરની સર્વિસ મદદરૂપ થાય છે એ વિશે બીએસએફનાં ઑફિશ્યલ સૂત્રો કહે છે, ‘આર્મીના ડૉક્ટરો ફીલ્ડ વિઝિટ પણ કરે છે અને વખતોવખત ચેકપોસ્ટ પર ફીલ્ડ વિઝિટ માટે પણ જતા હોય છે, પરંતુ જે ડૉક્ટરો ફીલ્ડમાં જાય છે તે સ્પેશ્યલિસ્ટ નથી હોતા. એમબીબીએસ ડૉક્ટરો જ હોય છે. અમારી પોતાની હૉસ્પિટલ છે તે ગાંધીનગર છે, બૉર્ડર પર નથી. ડૉ. પ્રકાશ કુર્મી અને તેમની ટીમના ડૉક્ટરો સ્પેશ્યલિસ્ટ છે. અહીં તેઓ આવે એટલે બ્લ્ડ-ટેસ્ટ, ઈસીજી, શુગર ચેક થઈ જાય અને ગ્રાઉન્ડમાં જ ઑન ધ સ્પોટ હેલ્થ ચેકઅપ થાય છે જેનાથી જવાનોને ઘણો ફાયદો થાય છે. એક જ અમ્બ્રેલા નીચે એક ટાઇમે ઘણાબધા સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરો અમને મળે છે - પછી તે નૅચરલ થેરપીના હોય કે ઑર્થોપેડિક હોય કે પછી અન્ય કોઈ પણ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરની સેવા મળે છે. રિમોટ એરિયામાં આ બધા મળવા મુશ્કેલ છે. કોઈ જવાનને કંઈ પ્રૉબ્લેમ થાય તો બટૅલ્યનના હેડક્વૉર્ટર અથવા નજીકની હૉસ્પિટલમાં જવું પડે છે, પણ આ લોકો આવે છે ત્યારે ફીલ્ડમાં એકસાથે અમને અનેક સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરો મળી જાય છે એનાથી જવાનોને ફાયદો થાય છે. તેઓ સારી સેવા કરી રહ્યા છે અને એનાથી જવાનો અને તેમની ફૅમિલી પણ લાભાન્વિત થઈ રહી છે. ડૉ. પ્રકાશ કુર્મી રેગ્યુલર આવે છે. પૂરા ડેડિકેશન સાથે સન્ડેએ આવીને કામ કરે છે જેનાથી જવાનોને ઘણો બેનિફિટ થયો છે. ડૉ. પ્રકાશ કુર્મીને હું છેલ્લાં ત્રણ વર્ષથી જાણું છું. તેમણે કોવિડમાં પણ સારી હેલ્પ કરી હતી. કોવિડની ફર્સ્ટ વેવ હતી ત્યારે મેડિસિન પણ આપી હતી અને અમારો એક પણ જવાન કોવિડમાં સપડાયો નહોતો.’ 

 ડૉ. પ્રકાશ કુર્મી અને તેમની સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની ટીમ ગુજરાત બૉર્ડર પર બીએસએફના જવાનોને કોઈ તકલીફ હોય તો નિદાન કરે છે, દવાઓ આપે છે અને ફૉલોઅપ પણ લે છે. જવાનોના મેડિકલ ચેકઅપ ઉપરાંત તેઓ ચોકીઓ પર સોલર લાઇટ પણ પહોંચાડે છે.

columnists shailesh nayak