ભાવતું ખાવું હોય તો એ ડાઇજેસ્ટ કરવાની તૈયારી રાખવાની

25 January, 2022 05:27 PM IST  |  Mumbai | Rashmin Shah

મન ભાવે એ બધું કૌશિકી ખાય છે એટલે જ દિવસમાં મિનિમમ બેથી અઢી કલાક વર્કઆઉટ કરે છે

ભાવતું ખાવું હોય તો એ ડાઇજેસ્ટ કરવાની તૈયારી રાખવાની

આવો સિમ્પલ ફન્ડા અપનાવ્યો છે ‘સ્ટોરી નાઇન મન્થ્સ કી’, ‘કૃષ્ણા ચલી લંડન’, ‘ગુડિયા હમારી સબ પે ભારી’ જેવી ટીવી-સિરિયલ અને ‘ટ્રાયેન્ગલ ટ્રૅપ’ જેવી સસ્પેન્સ વેબ-સિરીઝની લીડ ઍક્ટ્રેસ કૌશિકી રાઠોડે. મન ભાવે એ બધું કૌશિકી ખાય છે એટલે જ દિવસમાં મિનિમમ બેથી અઢી કલાક વર્કઆઉટ કરે છે

તમે કંઈ પણ ખાઓ, ખાઈ શકો અને એ પછી પણ તમારી બૉડી પર એક્સ્ટ્રા ફૅટ એકઠી ન થવા દે એનું નામ ફિટનેસ. રિસ્ટ્રિક્શન્સને પાસે ન આવવા દે એનું નામ ફિટનેસ અને તમારા પર જાતજાતનાં બંધનો ન મૂકે એનું નામ ફિટનેસ. હું માનું છું કે આ જ સાચી રીત છે અને જો આ રીતે તમે રહી શકતા હો તો જ તમે લાઇફ જીવો છો એવું કહેવાય.
આ બધી વાત મારી સાથે લાગુ પડે છે. હું કોઈ બંધનમાં માનતી નથી. મને ક્યારેય કોઈ રિસ્ટ્રિક્શન્સ ગમતાં નથી અને હું એ પાળવામાં માનતી પણ નથી પણ મને અત્યારથી આ વાતની ખબર છે એટલે મેં મારું ફોકસ પણ એવું જ રાખ્યું છે. જેટલું ખાધું એટલું વર્કઆઉટ કરો. જેવું ખાધું એવું વર્કઆઉટ કરો. જો મેં ગઈ કાલે ખાવામાં કોઈ બંધન ન રાખ્યાં હોય તો પછી આજે વર્કઆઉટમાં કોઈ કચાશ નહીં રાખવાની, કોઈ આળસ નહીં કરવાની. પણ હા, આ વાત યંગ એજમાં જ લાગુ પડી શકે. જો તમે મિડલ એજ પર હો અને ભૂતકાળમાં વર્કઆઉટ પર કોઈ ધ્યાન ન આપ્યું હોય તો આ નિયમ પાળી ન શકાય અને ધારો કે પાળવો હોય તો તમારે તમારું મેટાબોલિઝમ એ લેવલ પર ડેવલપ કરવું પડે. હું માનું છું કે માણસ ધારે તો એ કરી જ શકે છે પણ તે ધારતો નથી અને ધારતો નથી એટલે તેણે કંજૂસાઈ સાથે જીવવું પડે અને વધારે પડતું વર્કઆઉટ પર ધ્યાન આપવું પડે.
મારી વાત કરું તો હું દિલ્હીની છું અને દિલ્હીના લોકો ફૂડી ન હોય તો એ દિલ્હીના ન કહેવાય. એવું ક્યારેય બને નહીં કે મેં કોઈ ફૂડ આઇટમ મિસ કરી હોય. ફેવરિટ આઇટમ ખાવાની એટલે ખાવાની, એમાં કોઈ કન્ટ્રોલ નહીં રાખવાનો. છોલે હોય કે પછી મારી ફેવરિટ સ્વીટ ડિશ હોય, મને ભાવતું બધું ખાવાનું અને એ પણ કન્ટ્રોલ વગર પણ એ કર્યા પછી હું એ જ નિયમને ફૉલો કરું જે તમને અત્યારે કહ્યો. જિમ કરવાનું, વર્કઆઉટ કરવાનું, યોગ કરવાના અને સ્ટ્રેચિંગ, જૉગિંગ અને સાઇક્લિંગ પણ કરવાનું. ટૂંકમાં કહું તો હું દિલથી ખાવામાં અને દિલથી જીવવામાં માનું છું અને આ જ મારી લાઇફનો નિયમ છે. મને એક વાત ખબર છે કે હું કામ ખાવા માટે જ તો કરું છું એટલે ફૂડ સાથે કોઈ ચેડાં નહીં અને મને એ પણ ખબર છે કે ખાવાનું તો જ મળશે જો હું કામ કરીશ એટલે હું હેલ્થની બાબતમાં પણ જરાસરખી બાંધછોડ નથી કરતી.
વર્કઆઉટમાં અવ્વલ
મારું વર્કઆઉટ મારી આગલા દિવસની ડાયટ પર નિર્ભર હોય. જો મેં આગલા દિવસે બહુ બધું એવું ખાધું હોય જે ડાયટના લિસ્ટમાં ન આવતું હોય તો હું બેથી અઢી કલાક વર્કઆઉટ કરું અને જો રૂટીન દિવસ ગયો હોય તો હું એકથી દોઢ કલાક વર્કઆઉટ કરું. મારું રૂટીન અર્લી મૉર્નિંગથી શરૂ થાય.
વહેલા જાગીને સૌથી પહેલું કામ હું ખાલી પેટ ભરવાનું કરું અને મધ-લીંબુ સાથે હૂંફાળું ગરમ પાણી પીઉં. એ પછી સ્ટ્રેચિંગ આવે અને એ પછી મારો બ્રેકફાસ્ટ આવે. બ્રેકફાસ્ટમાં ઓટ્સ, અવાકાડો ફ્રૂટ અને સાથે અલગ-અલગ સીડ્સ હોય તો વીકમાં એક વાર મારા બ્રેકફાસ્ટમાં આલૂ પરાઠાં, પૂરી-ભાજી પણ હોય. બ્રેકફાસ્ટ પછી હું જિમમાં જાઉં. જિમમાં જવા માટે હું સાઇકલ યુઝ કરું છું. માસ્કને કારણે આઇડેન્ટિટી રિવીલ નથી થતી એ સારી વાત છે અને એ બહાને હું આરામથી સવારના આઠ-દસ કિલોમીટર સાઇક્લિંગ પણ કરી શકું છું. 
જો શૂટ હોય તો હું ઘરે વર્કઆઉટ કરું. ઘરમાં જ મેં અમુક જિમ ઇક્વિપમેન્ટ્સ મંગાવી લીધાં છે જેથી વર્કઆઉટમાં બ્રેક ન પડે. યોગ માટે મેં સાંજ રાખી છે. એવરીડે હું સાંજે યોગ કરું. પિસ્તાલીસ મિનિટનું એ સેશન હોય અને એ સેશન પછી હું વૉક કે સાઇક્લિંગ માટે જાઉં. તમે માનશો નહીં પણ મેં સાઇકલ પર આખું મલાડ જોયું છે, મલાડનો એકેએક એરિયા હું ફરી આવી છું.
ફન, ફૂડ અને ફન્ડા
મારો બહુ સિમ્પલ ફન્ડા છે કે ફૂડ અને ફન માટે ક્યારેય જાતને બાંધવાની નહીં એટલે ખાવાપીવાની બાબતમાં હું એવું કરું જ કરું કે મને મન થાય તો હું એ ખાઈ લઉં અને એ વાતનું પણ ધ્યાન રાખું કે દરેક મિનિટે મન ન થવું જોઈએ.
રૂટીનની વાત કરું તો હું દિવસ દરમ્યાન ચારથી છ લિટર લિક્વિડ લઉં, પછી એ પાણી હોય કે જૂસ હોય. સેટ પર દર કલાકે મને અલગ-અલગ જૂસ કે નાળિયેરપાણી મળતું રહે તો ઘરે હું જાતે અમુક જૂસ ઇન્વેન્ટ કરું. બીટ-લાઇમ જૂસ અને એમાં ફુદીના વૉટર ઍડ કરીને મેં જાતે એક નવો જૂસ બનાવ્યો છે તો પાઇનૅપલ અને ડ્રૅગન ફ્રૂટના કૉમ્બિનેશન સાથે મેં ડ્રૅગન-પાઇના પણ જાતે ડેવલપ કર્યો છે. 
નૉર્મલી મારું ટિફિન ઘરેથી જ આવે પણ ઘણી વાર હું સેટ પર ટિફિન એક્સચેન્જ કરીને પણ બહારના ફૂડનો આનંદ લઈ લઉં. હા, હું સાંજે સાત વાગ્યા પછી કશું ખાતી નથી. કંઈ ખાવાનું નહીં તો હું રેડી-ટુ-ઈટ પૅકે્ટસ પણ ખાતી નથી. ક્યારેય નહીં. આઇટમ બગડે નહીં એની માટે એમાં જે પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવે છે એ તમારા મેટાબોલિઝમ માટે બહુ નુક્સાનકર્તા હોય છે એટલે બહેતર છે કે તમે પણ એ અવૉઇડ કરજો.
મેં હમણાં-હમણાં એક નવી સ્ટાઇલ ડેવલપ કરી છે. હું મહિનામાં એકાદ વાર ડાયટ પ્લાન ચેન્જ કરું. જેમ કે દસ દિવસ બિલકુલ નેચરોપથી પર આવી જાઉં તો એવું લાગે તો પંદર દિવસ હું ટોટલી ગ્લુટન-ફ્રી ડાયટ શરૂ કરી દઉં, જેને લીધે ટેસ્ટમાં પણ મોટો ચેન્જ મળે તો સાથોસાથ હેલ્થ માટે પણ એ લાભદાયી બની જાય.

ગોલ્ડન વર્ડ્સ
આઉટર અને ઇનર હેલ્થ માટે યોગ સૌથી બેસ્ટ છે. યોગ કરતી વખતે જો મેડિટેશનનું મ્યુઝિક સાંભળી શકાય તો બેસ્ટ.

columnists Rashmin Shah