01 January, 2026 12:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પહેલાં નૅચરલી જ લોકોની લાઇફસ્ટાઇલ હેલ્ધી હતી. લોકો ખેતી કરતા અથવા વેપાર કરતા ત્યારે અભાવને કારણે શારીરિક શ્રમ કુદરતી રીતે પણ કરવો પડતો. ખાનપાનની આદતો સારી હતી. સાત્ત્વિક અને ઘરનું ભોજન જ મોટા ભાગે ખવાતું. પૅકેજ્ડ ફૂડ આવ્યું નહોતું અને જે કંઈ બહાર થોડાક સૂકા નાસ્તા મળતા એમાં પર્યાયો ઓછા હતા. આ જ કારણ છે કે આપણા વડીલો અને એ પછી ઈવન અમારી પેઢી પણ પ્રમાણમાં સારી જીવનશૈલી જીવતી આવી છે. આપણા જીવનની અગવડોએ સ્વાસ્થ્યને જાળવવાનું કામ કર્યું છે. આજે જોકે મોજશોખના પર્યાયો અને જીવનની સવલતના પર્યાયો વધ્યા છે ત્યારે નાની ઉંમરમાં મોટી બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે. પચાસ પછી આવતો ડાયાબિટીઝ કે હૃદયરોગ આજે પચીસ વર્ષના યુવાનોમાં જોવા મળી રહ્યો છે. હું પોતાની ટેસ્ટિંગ લૅબોરેટરી ધરાવું છું અને મેં જોયું છે કે આજે બહુ જ યંગ લોકો રિપોર્ટ કઢાવવા આવે છે અને તેમના રિપોર્ટમાં બીમારીઓ આવી રહી છે.
૧૯૮૫થી આ જ ક્ષેત્રમાં છું પરંતુ આવી ગંભીર સ્થિતિ પહેલાં ક્યારેય નથી જોઈ. મારા માટે આ સંપૂર્ણ બાબત આંચકો આપનારી છે. ફોન અને બેઠાડુ લાઇફસ્ટાઇલ તરફ જઈ રહેલા આપણે સહુએ સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવાની જરૂર છે. બીમારીઓ આજે યુનિવર્સલી બધામાં જ જોવા મળી રહી છે, ગરીબો હોય કે શ્રીમંતો. દરેકમાં રોગો વધ્યા છે અને એ સામાજિક દૃષ્ટિએ ચિંતાનું કારણ છે. સમાજ જો સ્વસ્થ નહીં હોય તો પછી એની પાસેથી બીજી કોઈ અપેક્ષા રાખી જ નહીં શકાય. બે જ વાત મારે આજે આ માધ્યમથી કરવી છે કે હેલ્ધી રહો અને લોકોને હેલ્ધી રહેવા માટે મોટિવેટ કરો. હેલ્ધી રહેવા માટે સ્પોર્ટ્સ એક બહુ જ મોટું પરિબળ છે. દરેક સમાજના લોકો સ્વાસ્થ્ય માટે અવેરનેસ લાવવાની સાથે પોતાના સમાજના લોકોને વિવિધ રમતગમતમાં સક્રિય કરવાની દિશામાં ઍક્ટિવ પગલાં લેશે તો એનું પરિણામ સ્વાસ્થ્યમાં આપમેળે જ દેખાશે. સ્પોર્ટ્સ તમને મેન્ટલી અને ફિઝિકલી એમ બન્ને રીતે હેલ્ધી કરે છે અને તમારામાં એક બહેતર જીવનની આદત પણ પાડે છે.
- ગિરીશ છેડા (લેખક છેલ્લાં ૪૮ વર્ષથી એજ્યુકેશન અને સ્પોર્ટ્સ ક્ષેત્રે વિવિધ સંસ્થાઓ સાથે સેવાકીય કાર્યોમાં જોડાયેલા છે.)