આ જમાનામાં સીધા-સરળ રહેવાય?

19 June, 2022 09:00 AM IST  |  Mumbai | Kana Bantwa

સીધા હોવું, સરળ હોવું એ દુર્ગુણ છે? ખરેખર જીવનમાંથી સરળતાનો કાંકરો કાઢી નાખવા જેવો છે ખરો?

પ્રતીકાત્મક તસવીર

જીવનમાં જો થોડા વાંકાચૂકા થવાની જરૂર હોય તો ઘણા સરળ બનવાની પણ આવશ્યકતા છે. પણ અહીં સરળતાને, સીધાપણાને સમજવાની જરૂર છે. કોઈ વ્યવસ્થાને અનુરૂપ થઈ જવું, અનુકૂળ થઈ જવું અને વિના વિરોધ એના મુજબ જ જીવવું એ સીધાપણું માનવામાં આવે છે, પણ છે નહીં. એ નબળાઈ છે, એ પુરુષાર્થ કરવાની આળસ છે, એ પ્રતિકાર કરવાની અક્ષમતા છે

એક જંગલમાં એક છોડવો ઊગ્યો. આજુબાજુ ઘટાદાર વિશાળ વૃક્ષો અને એની વચ્ચે આ નાનકડો છોડ ઉત્તુંગ વૃક્ષ બનવાના ઉત્સાહમાં રાતે ન વધે એટલો દિવસે અને દિવસે ન વધે એટલો રાતે વધી રહ્યો હતો. એવામાં એક દિવસ જંગલનાં વૃક્ષોમાં હાહાકાર થઈ ઊઠ્યો. વૃક્ષો વાતો કરવા માંડ્યાં કે કઠિયારો જંગલમાં આવ્યો છે, હવે તો ઈશ્વર જ બચાવે. કઠિયારાએ પોતાની કુહાડીની ધાર બરાબર તેજ કરી અને બપોર સુધીમાં એક ઊંચા વૃક્ષને કાપી કાઢ્યું. એ પછી થોડાં વૃક્ષો તપાસ્યાં. એને છોડીને એક વૃક્ષને સાંજ સુધીમાં કાપી નાખ્યું. બીજા દિવસે કઠિયારો ફરીથી જંગલમાં આવ્યો. ફરી વૃક્ષો તપાસ્યાં, થોડાં વૃક્ષો છોડીને વળી એક વૃક્ષ કાપ્યું. પેલો છોડવો કુહાડીની ચમકતી ધાર જોઈને ધ્રૂજતાં-ધ્રૂજતાં કઠિયારાની દરેક હરકતનું નિરીક્ષણ કરતો હતો. તેણે બાજુમાં ઊભેલા એક મોટા ઝાડને પૂછ્યું, ‘આ કઠિયારો એક પછી એક દરેક વૃક્ષને કાપતો નથી. તે ઝાડનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે, એને તપાસે છે અને પછી અમુક ચોક્કસ વૃક્ષને જ કાપે છે, અમુકને છોડી દે છે. કઠિયારો ચોક્કસ વૃક્ષને જ શા માટે કાપે છે?’ 

પેલા જમાનાના ખાધેલ પુરાતન વૃક્ષે પોતાની વાંકીચૂકી ડાળીઓને હલાવીને જાણે માથું ધુણાવ્યું અને છોડવાને ગુરુજ્ઞાન આપ્યું : ‘કઠિયારો વૃક્ષને તપાસે છે ત્યારે એ જુએ છે કે ઝાડ સીધું છે કે વાંકું? એના થડમાંથી મોટી ડાળીઓ ફૂટીને એને વિચિત્ર આકારનું બનાવે છે કે ડાળીઓ વગરનું લાંબું સીધું થડ છે? અને પછી કઠિયારો સીધું હોય એ ઝાડને કાપે છે, કારણ કે સીધા ઝાડને કાપવું સરળ છે, શાખાઓ અને પેટાશાખાઓ કાપવી પડતી નથી અને એનું મૂલ્ય પણ વધુ ઊપજે છે.’

સીધાં ઝાડ વહેલાં કપાય
માણસ માટે પણ આ કહેવત આ દુનિયામાં સાચી છે કે સીધાં ઝાડ વહેલાં કપાય. વધુપડતાં સીધા હોવાનો કોઈ ફાયદો નથી. જગત તેને વગર કુહાડીએ કાપી નાખશે. જો અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો થોડું ટેઢું થવું પડે, થોડી અકોણાઈ દેખાડવી પડે. સાવ સીધા, ભોળા, સરળ રહેવાથી બીજા તમારો ફાયદો ઉઠાવી જશે, તમને નુકસાન પહોંચાડશે અને ઉપરથી ભોટ ગણશે એ તો લટકામાં. છાશમાં માખણ જાય અને વહુ ફૂવડ કહેવાય એવું થશે. બરકત વીરાણી ‘બેફામ’નો એક શેર છે, સારા હોય છે એની દશા સારી નથી હોતી. દુનિયા બહુ જ ક્રૂર છે. એ જરાય દયા-માયા દેખાડતી નથી. નબળાને કચડીને આગળ વધી જવામાં એને જરાજેટલો પણ ખચકાટ થતો નથી. ભૌતિક જગત આવું જ હતું, આવું જ રહેશે. પરાપૂર્વથી આવું જ હતું અને આવનારા ભવિષ્યમાં પણ આવું જ રહેશે. સાવ સીધા, સરળ ન રહેવું એ વ્યાવહારિક ડહાપણ છે. મારા દાદા કહેતા, ‘બહુ સારાને બધા સતાવે’. એ તેમનું વ્યાવહારિક ડહાપણ હતું.

ટકી રહેવાનું શાણપણ
વ્યાવહારિક ડહાપણ જનરલાઇઝ હોય છે. એ બહુ લાંબા ગાળાના, દાયકા અને સદીઓના અનુભવને કારણે પેદા થયેલી સામાન્ય સમજ હોય છે. સામાન્ય રીતે આવું જ પરિણામ આવે, આવું જ બને એવું એ ઇંગિત કરતું હોય છે અને વ્યવહારુ રસ્તા દેખાડતું હોય છે. એ ટકી રહેવા માટેનું શાણપણ છે. એનાથી આ દુનિયા સામે ઝઝૂમી શકાય. એ માર્ગદર્શક છે, એનાથી રસ્તો જાણી શકાય. જીવનનાં બધાં પાસાં માટે આવું વ્યાવહારિક ડહાપણ ઉપલબ્ધ છે. સફળતાની ચાવીઓ તરીકે એ ધૂમ વેચાય છે પણ ખરું. સામાન્ય માણસે આ જગતમાં જ જીવવાનું છે અને તેમને ટકી રહેવા માટે, એમાં સફળ થવા માટે આધ્યાત્મિક જ્ઞાનનો ઉપયોગ કરતાં આવડતું નથી અને વાસ્તવિકતા તો એ છે કે આધ્યાત્મિક જ્ઞાનના નામે અત્યારે ધર્મપુરુષો દ્વારા જે વેચાય છે એ કચરો માત્ર છે. નથી એ આધ્યાત્મિક કે નથી એ જ્ઞાન. એમાંથી આ ભૌતિક દુનિયામાં ટકવા માટેનું સત્ત્વ શોધવું લગભગ અસંભવ છે. સામાન્ય માણસનો તો એમાં ગજ વાગે જ નહીં. કેટલાય બાવા સાધુઓ સફળતાની ચાવીનાં પુસ્તકોના બેસ્ટ સેલર મોટિવેશનલ લેખકોના ભૌતિકવાદી વિચારોને આધ્યાત્મિક સમજણ સાથે ધરાર જોડીને લાકડે માંકડું વળગાડી દઈને મોટિવેશનલ ભાષણો આપતા થઈ ગયા છે. તેમના કરતાં જૂના જમાનાનું વ્યાવહારિક જ્ઞાન થોડું સારું. વધુપડતા સીધા-સરળ ન બનવું જોઈએ એવું વ્યાવહારિક ડહાપણ ખોટું નથી જ. છતાં વિચારો કે સીધા હોવું, સરળ હોવું એ દુર્ગુણ છે? ખરેખર જીવનમાંથી સરળતાનો કાંકરો કાઢી નાખવા જેવો છે ખરો? માત્ર આદર્શ કે માત્ર વ્યાવહારિક ડહાપણથી જિંદગી જીવી શકાય નહીં. જીવનમાં જો થોડા વાંકાચૂકા થવાની જરૂર હોય તો ઘણા સરળ બનવાની પણ આવશ્યકતા છે. પણ અહીં સરળતાને, સીધાપણાને સમજવાની જરૂર છે. કોઈ વ્યવસ્થાને અનુરૂપ થઈ જવું, અનુકૂળ થઈ જવું અને વિના વિરોધ એના મુજબ જ જીવવું એ સીધાપણું માનવામાં આવે છે, પણ છે નહીં. એ નબળાઈ છે, એ પુરુષાર્થ કરવાની આળસ છે, એ પ્રતિકાર કરવાની અક્ષમતા છે. આપણે સીધા હોવાને, સરળ હોવાને સાદગી સાથે જોડીએ છીએ એ ભૂલ છે, એ સરળતા નથી. સીધો-સરળ માણસ કોઈને નડતો નથી, ખોટો ઈગો કરતો નથી, દેખાડા કરતો નથી, અંદર જેવો છે એવો રહેવાનો પ્રયત્ન કરે છે. તેને જગત તરફ પ્રેમ છે, તે તમામને સારા ગણે છે, તેને દરેક બાબતમાં કશુંક સારું દેખાય છે, તે દરેક બાબતને પૉઝિટિવ દૃષ્ટિથી જુએ છે, તપાસે છે અને પછી યોગ્ય નિર્ણય લે છે. તે ખોટી પળોજણમાં પડીને પોતાનો કે બીજાનો સમય બગાડતો નથી. તે કોઈનું બૂરું ઇચ્છતો નથી કે કોઈનું બૂરું કરતો નથી. પોતાને નુકસાન પહોંચાડનારને પણ માફ કરી દેવાની તેની હિંમત છે અને સાથે જ ખોટાને ખોટું કહી દેવાની, ભૂલ બતાવી દેવાની તેનામાં તાકાત છે. આ જગતમાં સૌથી મજબૂત માણસ સીધો-સાદો માણસ છે. સીધા-સાદા માણસને નમાવવો મુશ્કેલ છે.

સીધો-સાદો કોણ કહેવાય?

ત્રીજા પાંડવ અર્જુનના નામનો અર્થ અદ્ભુત છે : અર્જુન એટલી અ-રીજુ. જે વાંકોચૂકો નથી તે અર્જુન. જે સીધો-સાદો-સરળ છે તે અર્જુન. અર્જુન યોદ્ધો હતો છતાં સરળ હતો. જ્ઞાની હતો છતાં સરળ હતો. શાસક હતો છતાં સરળ હતો. તેની તાકાત તેના સીધાપણામાં હતી અને જે સીધો હોય તે જ કરુણાવાન હોય, સંવેદનશીલ હોય. સરળ બન્યા વગર સંવેદનશીલ બનવું અસંભવ છે. સરળ અને સીધા બનવું, બની રહેવું સરળ નથી; અત્યંત મુશ્કેલ છે. સીધા બનવા માટે સૌથી વધુ તાકાતની જરૂર પડે. જે સંવેદનશીલ અને લાગણીશીલ હોય એમાં સરળતા ઊગે છે, વિકસે છે, વિસ્તરે છે. સરળતા મનને અને વિચારને આર્દ્ર બનાવે છે, એમાંથી કઠોરતા ઓછી કરે છે. જે ખરો સીધો માણસ છે તેને આ ક્રૂર દુનિયામાં ટકી રહેવામાં મુશ્કેલી પડતી નથી. તે પોતાના માર્ગે ચાલે છે. તેને કોઈના માર્ગે ચાલવું નથી, કોઈના વાદે ચડવું નથી. પોતાની લીટી લાંબી કરવામાં જ તેને રસ છે. ખરો સીધો-સાદો માણસ દુનિયાની નકામી પરવા કરતો નથી. તેની તિતિક્ષા દુનિયાની ક્રૂરતા અને અસહિષ્ણુતા સામે ઊભા રહેવાની તેને તાકાત આપે છે. પણ આ બધું એ સાચો સીધો-સાદો માણસ જ કરી શકે જે અંદરથી કૂણો હોય, ઋજુ હોય, કરુણાશીલ હોય, સંવેદનશીલ હોય. સાદા-સીધા હોવાનો દેખાડો કરનાર કે મજબૂરીથી સાદા-સીધા રહેવું, દેખાવું પડતું હોય એવા માણસોને જગત પોતાની આંગળીએ નચાવશે. ખરો સીધો-સરળ માણસ તમારી આસપાસ શોધજો, મળી આવશે. કદાચ તમારી અંદર પણ ટૂંટિયું વાળીને પડ્યો હોય, કોને ખબર.

 

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

columnists kana bantwa