બે દિવસમાં સુરતીઓ ખાઈ જશે પચીસ હજાર કિલો ઘારી

09 October, 2022 02:01 PM IST  |  Surat | Shailesh Nayak

બે દિવસમાં ઘારીની એવી જબરદસ્ત ડિમાન્ડ રહે છે કે કંદોઈઓને શ્વાસ લેવાની ફુરસદ નથી હોતી. દેશ-વિદેશમાં ફેમસ સુરતી ઘારીની શોધ ક્યારે થઈ અને એની સાથે સ્વતંત્રતા સંગ્રામના તાત્યા ટોપેની લોકવાયકા શું છે એની મધમીઠી વાતો જાણીએ

બે દિવસમાં સુરતીઓ ખાઈ જશે પચીસ હજાર કિલો ઘારી

‘ચંદી પડવા’ની રાતે લગભગ અડધું સુરત રસ્તાના ડિવાઇડર પર બેસીને ઘારી-ભૂંસું ખાવા નીકળી પડે છે. આ બે દિવસમાં ઘારીની એવી જબરદસ્ત ડિમાન્ડ રહે છે કે કંદોઈઓને શ્વાસ લેવાની ફુરસદ નથી હોતી. દેશ-વિદેશમાં ફેમસ સુરતી ઘારીની શોધ ક્યારે થઈ અને એની સાથે સ્વતંત્રતા સંગ્રામના તાત્યા ટોપેની લોકવાયકા શું છે એની મધમીઠી વાતો જાણીએ

ઘારીનું નામ પડે જ એટલે વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓને સૌથી પહેલાં સુરતનું નામ જ યાદ આવે. શરદ પૂનમ અને ચંદી પડવો આ બે દિવસ માટે ઘારી માત્ર મીઠાઈ નથી રહી, એક પરંપરા બની ગઈ છે. આ બે દિવસમાં  સુરતમાં અંદાજે ૨૫ હજાર કિલો ઘારી વેચાય છે, જે સુરતમાં જ નહી મુંબઈ પણ આયાત થાય  છે અને દેશ-વિદેશમાં પણ જાય છે. 
ઘારી ખાધી તો બહુ હશે, પણ એની શોધ ક્યારે થઈ? કોણે કરી? અને ચંદી પડવામાં ઘારીનું મહત્ત્વ કેમ છે એની પાછળની વાતો રોચક છે. ઘારીનો ઇતિહાસ સુરત સાથે સદીઓથી જોડાયેલો છે એની વાત કરતાં સુરતમાં છેલ્લા ૧૨૩ વર્ષથી માવાની ઘારી બનાવવામાં પાયોનિયરની ભૂમિકા ભજવી રહેલા શાહ જમનાદાસ સી. ઘારીવાળાના મનોજ ઘારીવાળા કહે છે, ‘૧૮૫૭માં બળવો થયો હતો. બળવાના મુખ્ય સૂત્રધારો પૈકીના એક તાત્યા ટોપે પણ હતા. તેઓ લગભગ ૧૮૭૨–૭૪માં સુરત આવ્યા હતા. એ વખતે ઘારીની શોધ સુરતના દેવશંકરકાકાએ કરી હતી. તેમણે તાત્યા ટોપે અને આખા રસાલાને ઘારી ખવડાવી હતી અને બધાને એ બહુ પસંદ પડી હતી. જે દિવસે આ ઘારી તાત્યા ટોપે અને આખા રસાલાને ખવડાવી એ દિવસ આસો વદ પડવો હતો એટલે કે ચંદી પડવાનો દિવસ હતો. શરદ પૂનમ પછીનો બીજો દિવસ હતો એટલે સુરતમાં એ દિવસ ચંદી પડવા તરીકે વર્ષોથી ઊજવાય છે. સુરતના રહેવાસીઓ એ જમાનાથી ઘારી ખાઈને ચંદી પડવાની ઉજવણી કરતા આવ્યા છે.’ 

ઘારી મૂળ વૈષ્ણવોની હવેલીમાં ભગવાનને ભોગમાં ધરાવાતી ચણાના લોટની એક વાનગી હતી અને ઘારીનો આઇડિયા ત્યાંથી લેવાયો હોવાની વાત કરતાં મનોજ ઘારીવાળા કહે છે, ‘ઘારીની શોધ દેવશંકરકાકાએ કરી હતી. તેઓ મૂળ બ્રાહ્મણ હતા અને લગ્નમાં રસોઈ કરતા હતા એ સમયે ઘારીની તેમણે શોધ કરી હતી. વૈષ્ણવોની હવેલીમાં ચણાના લોટમાંથી ઘારી અને રવાના ઘૂઘરા બનાવતાં હતાં. એ જમાનામાં તેમણે ઘારીનું જે સ્વરૂપ આપેલું અને એ વખતથી સુરતમાં ઘારીનું ચલણ ચાલ્યું છે. હવેલીમાં અન્નકૂટ થાય એમાં એ જમાનામાં છપ્પનભોગમાં ઘારી મુકાતી હતી.’ 
મૂળ ચણાના લોટમાંથી બનતી ઘારીમાં કેવી રીતે માવાનો ઉપયોગ શરૂ થયો એની વાત કરતાં મનોજ ઘારીવાળા કહે છે, ‘સુરતમાં જમનાદાસની એન્ટ્રી ૧૮૯૯થી થઈ હતી. જમનાદાસ મારા પરદાદાના દાદા થાય. અમે ચોથી પેઢીએ છીએ. મૂળ ઘારીમાં જમનાદાસે ફેરફાર કરીને ચણાના લોટને બદલે માવાની ઘારી બનાવવાની શરૂ કરી. તેમણે માવો અને એલચી નાખીને ઘારી બનાવવાની શરૂઆત કરી હતી. મૂળ તેઓ લગ્નના જમણવારમાં મિષ્ટાન્ન બનાવતા હતા. ઘારીનો ઍક્ચ્યુઅલી આઇડિયા વૈષ્ણવોની હવેલીમાંથી આવ્યો અને અત્યારે માવા પર કામ ચાલે છે તે જમનાદાસે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. આજે પણ દિવાળીના સમયે અને રક્ષાબંધનના સમયે અન્નકૂટ થાય છે એમાં છપ્પનભોગમાં ઘારી અને ઘૂઘરાનો ભોગ ધરાવાય છે. ઘારી અને ઘૂઘરો રાજા-રાણી તરીકે ઓળખાતાં. ઘૂઘરો રાજા કહેવાતો અને ઘારી રાણી કહેવાતી.’ 

શરદ પૂનમ અને ચંદી પડવો એમ બે દિવસમાં સુરતમાં ઘારીનો ધૂમ ઉપાડ થાય છે ત્યારે આ બે દિવસમાં થતા ઘારીના બિઝનેસ અંગે વાત કરતાં મનોજ ઘારીવાળા કહે છે, ‘ઘારીના બિઝનેસનો ખરેખર અંદાજ આવી શકે એમ નથી, છતાં ઓવરઑલ અંદાજ માંડીએ તો સુરતમાં બે દિવસમાં લગભગ ૨૫ હજાર કિલો ઘારી બને છે. એમાં સંસ્થાઓ કે મંડળવાળા સહિતના બધા આમાં આવી જાય.’ 

મુંબઈ અને વિદેશમાં ડિમાન્ડ

સુરતની ઘારીની ડિમાન્ડ મુંબઈ અને વિદેશમાં બહુ રહે છે એની વાત કરતાં સુરતમાં શાહ જમનાદાસ સી. ઘારીવાળાની પાંચમી પેઢીએ ઘારીનો બિઝનેસ સંભાળતા પ્રણવ ઘારીવાળા કહે છે, ‘આ મહિનામાં અમારે ત્યાંથી મુંબઈનાં લોકો ઘારી મગાવે છે. ઘારી માટે મુંબઈના લોકોનો ક્રેઝ છે. નવરાત્રિથી લઈને દિવાળી સુધી મુંબઈથી ઘારીના અઢળક ઑર્ડર આવે છે. મુંબઈ ઉપરાંત અમેરિકા, કૅનેડા, યુકે, યુએઈ, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડથી પણ લોકો ઘારી મગાવે છે. શરદપૂર્ણિમા અને ચંદી પડવો બાદ દિવાળીના તહેવારો આવતા હોવાથી ફૉરેનના લોકો સુરતથી ઘારી મગાવે છે. અહીં જેવી ટ્રેડિશનલ આઇટમ ત્યાં મળતી નથી. ત્યાં કાજુની આઇટમ મળે એટલે દિવાળી માટે અહીંથી ઘારી મગાવે છે. વિદેશમાં ઘારી મોકલવા મૅપ પૅકિંગ એટલે કે મૉડિફાઇડ ઍટમૉસફિયર પૅકિંગ કરવું પડે. એમાં  પ્રિઝર્વેટિવ કે રેફ્રિજરેશન વગર માલ મોકલી શકાય. સામાન્ય રીતે ઘારીની સાતેક દિવસની લાઇફ હોય છે, પણ મૅપ પૅકિંગ કરીને મોકલીએ તો ઘારીની આવરદા ૧૮થી ૨૦ દિવસ સુધીની થઈ જાય.’

ગોલ્ડન ઘારી

સુરતમાં જેમણે ગોલ્ડન ઘારીને ઇન્ટ્રોડ્યુસ કરી હોવાનું કહેવાય છે એવા અને વર્ષોથી ઘારીના બિઝનેસ સાથે સંકળાયેલા એસ. મોતીરામ સ્વીટના હિમાંશુ સુખડિયા સોનાના વરખવાળી ઘારીની વાત કરતાં કહે છે, ‘કૉર્પોરેટમાં ગિફ્ટ આપવા માટે ગોલ્ડના વરખવાળી ઘારીનું ચલણ છે. અમે ઇનોવેટ કરેલી આ ઘારીમાં પ્રીમિયમ ડ્રાયફ્રૂટ્સ અને કાજુનું લેયર આવે. કાજુની પેસ્ટમાં ડ્રાયફ્રૂટ્સનું સ્ટફિંગ કરીને એના પર ઇટેબલ ૨૪ કૅરૅટના ગોલ્ડ વરખથી ડેકોરેશન કરીએ છીએ. એક પીસના પૅકિંગના ૭૦૦ રૂપિયા ભાવ અને ત્રણ પીસના ૨૧૦૦ રૂપિયા છે. કૉર્પોરેટમાં ગિફ્ટ આપવા માટે ઑર્ડર આવે છે. એટલું જ નહીં, ખાવાના શોખીનોને તો ભાવ નડતો નથી અને ઑર્ડર આપીને ઊભા-ઊભા ગોલ્ડના વરખવાળી ઘારી ખાઈ જતા હોય છે.’ 
ટ્રેન્ડ છે કેસર-બદામ-પિસ્તાનો : ઘારીમાં ચાલતા લેટેસ્ટ ટ્રેન્ડ વિશે વાત કરતાં હિમાંશુ સુખડિયા કહે છે, ‘૧૫–૨૦ વર્ષ પહેલાં બદામ-પિસ્તાની ઘારીનું ચલણ વધુ હતું. હવે સૌથી વધુ રૉયલ કેસર બદામ-પિસ્તા ઘારીનો ઉપાડ છે. આ ઉપરાંત શુગર-ફ્રી ઘારી પણ ઊપડે છે. ચંદી પડવાના દિવસે સુરતમાં ઘારીની સાથે સેવ, ચેવડો, પાપડી, ગાંઠિયાના કૉમ્બિનેશન સાથેનું સુરતી મિક્સ ભૂસું પણ ખવાય છે.’ 

મશીનમેડ ઘારી

છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી જેમને ત્યાં ઘારી બનાવવાનું મશીન આવ્યું છે એ પ્રણવ ઘારીવાળા કહે છે, ‘મશીનમાં એક તરફથી ઘારીનું ખીરું મૂકીએ, બીજી તરફથી મેંદાનું પડ ચડે અને ઑપોઝિટ સાઇડથી બન્ને ભેગું થાય અને ઘારી ભરાઈને બહાર આવે એટલે એને માત્ર ફ્રાય કરવાની રહે. એક કલાકમાં ૨૫થી ૩૦ કિલો ઘારી મશીનમાંથી બનીને નીકળે છે.’

columnists surat shailesh nayak