ઇચ્છામૃત્યુમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને હું શુભ શરૂઆત માનું છું

17 March, 2026 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણી વાર એવું બને છે કે વ્યક્તિ ૯૦ વર્ષની ઉંમરે પહોંચી હોય, અસહ્ય બીમારીઓ ભોગવતી હોય અને તેને ખબર હોય કે તેની પાસે હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. તે વ્યક્તિ નથી ઇચ્છતી કે તેના પરિવાર પર મેડિકલ ખર્ચનો બોજ વધે.

ઍડ્વોકેટ ભરત જોશી

ઇચ્છામૃત્યુ વિશે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જે ચુકાદો આપ્યો છે એને હું એક અત્યંત આવકારદાયક અને શુભ શરૂઆત માનું છું. મારા મતે આ નિર્ણય ખરેખર તો આજથી ૩૦ વર્ષ પહેલાં જ આવી જવો જોઈતો હતો પણ મોડે-મોડે પણ ન્યાયતંત્રએ જે દિશા પકડી છે એ પ્રશંસનીય છે. જ્યારે કોઈ વ્યક્તિ વર્ષો સુધી વેજિટેટિવ સ્ટેટમાં એટલે કે જડ અવસ્થામાં જીવતી હોય ત્યારે તેની જિંદગી ખરેખર જિંદગી રહેતી નથી. આવી સ્થિતિમાં પરિવાર પાસે પૈસા ખૂટી જાય છે. દરદીની ઉપેક્ષા થવા લાગે છે અને તે વ્યક્તિ માત્ર શ્વાસ લેતી એક લાશ બનીને રહી જાય છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ પણ આવા કિસ્સાઓમાં સુનાવણી કરી હતી પરંતુ ત્યારે કોઈ ચોક્કસ કાયદો ન હોવાને કારણે કોર્ટ મર્યાદિત હતી. અગાઉ અરુણા શાનબાગનો કિસ્સો આપણી સામે છે જે વર્ષો સુધી પીડાયા બાદ અંતે કુદરતી મૃત્યુ પામ્યાં. હવે જ્યારે પ્રૉપર મેડિકલ બોર્ડ અને કાયદાકીય પ્રક્રિયાની વાત સામે આવી છે ત્યારે આ દિશામાં એક યોગ્ય મેકૅનિઝમ તૈયાર થશે. આમાં મેડિકલ બોર્ડ દ્વારા તપાસ થાય સર્જ્યનનો અભિપ્રાય લેવાય અને અંતે જજ દ્વારા તમામ પાસાંઓની ચકાસણી થાય એ અનિવાર્ય છે. આ વ્યવસ્થાને કારણે કાયદાનો દુરુપયોગ અટકશે અને ખોટી પ્રવૃત્તિઓ પર લગામ આવશે.

ઘણી વાર એવું બને છે કે વ્યક્તિ ૯૦ વર્ષની ઉંમરે પહોંચી હોય, અસહ્ય બીમારીઓ ભોગવતી હોય અને તેને ખબર હોય કે તેની પાસે હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. તે વ્યક્તિ નથી ઇચ્છતી કે તેના પરિવાર પર મેડિકલ ખર્ચનો બોજ વધે. જો મેડિકલ બોર્ડ એવું પ્રમાણિત કરે કે દરદીનું રિવર્સલ કે રિકવરી શક્ય જ નથી તો તેને ગરિમાપૂર્ણ રીતે વિદાય લેવાનો અધિકાર મળવો જોઈએ. અહીં હું એ સ્પષ્ટ કરવા માગું છું કે ઘણા લોકો ઇચ્છામૃત્યુને સંથારા સાથે સરખાવે છે, પરંતુ એ બન્ને જુદાં છે. જૈન ધર્મમાં જે સંથારો છે એ માત્ર મરવા માટે નથી, એ સંપૂર્ણ સમર્પણ અને આધ્યાત્મિક પ્રક્રિયા છે; જ્યારે ઇચ્છામૃત્યુ તબીબી રીતે લાચાર સ્થિતિમાંથી મુક્તિ મેળવવાનું પગલું છે. સંથારામાં વ્યક્તિ પોતાના શરીરને પોષણ આપવાનું બંધ કરીને મૃત્યુ ન થાય ત્યાં સુધી ભગવાનનું નામ લેવાનું પસંદ કરે છે, જ્યારે ઇચ્છામૃત્યુમાં વ્યક્તિ ઊંઘની ગોળીઓ કે અન્ય કોઈ તબીબી સહાયથી જીવનને સમાપ્ત કરવા માટે સક્રિય પગલું ભરે છે.

વર્તમાન સરકાર આ મામલે પૉઝિટિવ અભિગમ ધરાવે છે અને મોદી સરકારના આવ્યા પછી આ મેકૅનિઝમમાં ઝડપ આવી છે. જ્યારે કોઈ બાવીસ વર્ષનો યુવાન કોમામાં હોય અને તેના સાજા થવાની આશા નહીંવત‍્ હોય અને દાયકાઓ સુધી મિરૅકલની રાહ જોવી એ પ્રૅક્ટિકલ નથી. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય લોકશાહીમાં પ્રજાના અભિપ્રાય અને માનવીય સંવેદનાઓને માન આપતું પહેલું ડગલું છે. ખરેખર કાયદાના પાલનની શરૂઆતને ફરી એક વાર પ્રશંસાને પાત્ર માનું છું.

supreme court columnists lifestyle news life and style gujarati mid day