17 September, 2026 08:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે ભારત પાસે વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી છે. આપણે ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું જે લક્ષ્ય રાખ્યું છે એ પ્રાપ્ત થશે કે નહીં એનો મોટો આધાર આ યુવાનો પર છે. આવનારા સમયમાં તો આખા વિશ્વમાં ભારતના યુવાનોનું યોગદાન મહત્ત્વનું રહેવાનું છે, કારણ કે ૨૦૨૯ સુધીમાં વૈશ્વિક વર્કફોર્સમાં ભારતીયોની સંખ્યા ૨૦ ટકાથી વધુ થઈ જશે એટલે કે પૃથ્વી પર કામ કરતો દર પાંચમો માણસ ભારતીય હશે એવું અનુમાન છે. એટલું જ નહીં, અત્યારે પણ વિશ્વમાં સૌથી વધુ વર્કિંગ પૉપ્યુલેશન ચીન અને ભારત પાસે છે અને આવનારાં વર્ષોમાં ભારત નંબર વન પર પહોંચી જશે. જોકે આ યુથ પાવરને સાચા અર્થમાં ઇકૉનૉમિક પાવરમાં બદલવા માટે માત્ર રોજગારીનું સર્જન પૂરતું નથી. દેશને એવી વ્યવસ્થાની જરૂર છે જેમાં કોઈ પણ વ્યક્તિ જીવનના કોઈ પણ તબક્કે નવી ટ્રેઇનિંગ લઈને નવી શરૂઆત કરી શકે અને સમય સાથે નવી તકોનો લાભ લઈ શકે. નીતિ આયોગનો તાજેતરમાં બહાર પડેલો અભ્યાસ આ હકીકત પ્રત્યે ધ્યાન દોરનારો છે.
Reimagining Skilling for Viksit Bharat@2047 નામના આ રિપોર્ટ પ્રમાણે પંદરથી ૨૯ વર્ષની ઉંમરના આશરે ૮.૭ કરોડ (યુવકો-યુવતીઓ બન્ને સામેલ) ભારતીયો એવા છે જેઓ શિક્ષણ, નોકરીધંધો કે તાલીમ એ ત્રણેયમાંથી એકેય સાથે હજી જોડાયેલા નથી. આ વર્ગને NEET એટલે કે Not in Education, Employment or Training તરીકેનું નામ આપવામાં આવ્યું છે.
આ રિપોર્ટમાં ભારતની અંદાજિત ૬૦ કરોડ જેટલી યુવા વસ્તીને પાંચ મુખ્ય વર્ગોમાં વહેંચીને સ્કિલિંગની જરૂરિયાતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, કૉલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ફૉર્મલ અને ઇનફૉર્મલ સેક્ટરમાં કામ કરતા લોકો તથા NEET યુવાનો અને મહિલાઓનો સમાવેશ થાય છે. જોકે એક સ્પષ્ટતા જરૂરી છે. આ ૮.૭ કરોડનો આંકડો બેરોજગારોની સંખ્યાનો નથી. આ NEET વર્ગમાં એવા લોકોનો સમાવેશ થયો છે જેઓ નોકરીધંધાની શોધમાં નથી પણ એક અથવા બીજા કારણને લીધે એજ્યુકેશન કે અન્ય ટ્રેઇનિંગ અને જૉબમાર્કેટથી બહાર છે. આ એવા યુવાનો છે જેઓ ઘરકામ અને પારિવારિક જવાબદારીઓ સાથે જોડાઈ ગયા છે. પેઢીગત કામકાજમાં જોડાઈ ગયેલા કે બીમારીને લીધે કામ ન કરતા યુવાનોનો પણ આ વર્ગમાં સમાવેશ છે.
ભારતે જો વિકસિત રાષ્ટ્રનું લક્ષ્ય હાંસલ કરવું હોય તો બેવડી સમસ્યા ઊભી થઈ છે. દેશમાં પંદરથી ૬૪ વર્ષની ઉંમર ધરાવતું ૧૦૧ કરોડ જેટલું વિરાટ વર્કિંગ પૉપ્યુલેશન છે. એમાં ૨૯ વર્ષની ઉંમર સુધીના લગભગ ૩.૫ કરોડથી ૪ કરોડ યુવાનો પાસે નોકરી નથી અને આ નવા રિપોર્ટ પ્રમાણે ૮.૭ કરોડ યુવાઓ જૉબમાર્કેટ અને એજ્યુકેશનની બહાર નીકળી ગયા છે. એટલે કે બેરોજગાર અને NEET વર્ગ મળીને આશરે ૧૧ કરોડ જેટલી નવી નોકરીઓના નિર્માણનો એક પડકાર છે અને બીજો પડકાર જે લોકો નોકરી નથી કરી રહ્યા તેમના માટે નોકરીમાં પાછા ફરવાનો માર્ગ સરળ કરી આપવાનો છે.
આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થયું છે કે ભારત માટે પાયાનો સવાલ માત્ર એટલો નથી કે આ યુવાઓને નોકરી કેમ નથી મળતી? મોટો પ્રશ્ન એ પણ છે કે કરોડો યુવાનો શિક્ષણ પૂરું કર્યા પછી કે અધૂરું મૂકીને બહાર કેમ નીકળી જાય છે અને એક વખત બહાર નીકળી ગયા પછી તેમના માટે ફરીથી જૉબમાર્કેટમાં આવવાનો રસ્તો કેટલો સરળ કે અઘરો છે?
દાયકાઓથી આપણા દેશમાં પરંપરાગત રીતે વ્યક્તિના જીવનની એક સીધી યાત્રા હતી સ્કૂલ, કૉલેજ, ટ્રેઇનિંગ કે ઇન્ટર્નશિપ અને ત્યાર પછી નોકરીધંધો. જોકે આજનું પ્રૅક્ટિકલ જીવન આટલું સીધું નથી રહ્યું. કોઈ વ્યક્તિ આર્થિક મુશ્કેલીને કારણે અભ્યાસ અધૂરો છોડી દે છે, કોઈને પરિવારની જવાબદારીને કારણે નોકરી છોડવી પડે છે. યુવતીઓ લગ્ન અને સંતાનોની જવાબદારીને કારણે કરીઅર પર બ્રેક મારી દે છે તો ઘણા યુવાનો માટે પાંચ-સાત વર્ષની નોકરી પછી તેમનું કામ હવે નવી ટેક્નૉલૉજી કરી લેતી હોવાથી નવેસરથી નવી સ્કિલ શીખવાની શોધમાં લાગવું પડે છે. નીતિ આયોગના રિપોર્ટનો નિષ્કર્ષ એટલો જ છે કે બેરોજગાર વ્યક્તિને એક કોર્સ કરાવીને જૉબ અપાવી દેવાની પ્રક્રિયા સ્કિલિંગ નથી પણ જીવનભર અવિરત ચાલતી રહે એવી શીખવાની એક વ્યવસ્થા તરીકે જોવી પડશે.
ભારતે છેલ્લા એક દાયકામાં સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ઘણું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ૨૦૧૪-’૧૫થી અત્યાર સુધીમાં ૭.૬૭ કરોડથી વધુ લોકોને વિવિધ સ્કિલિંગ પ્રોગ્રામ્સ હેઠળ તાલીમ આપવામાં આવી છે. પાછલા નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે સ્કિલિંગ સંબંધિત પ્રવૃત્તિઓ માટે આશરે ૩૪,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. જોકે સરકારના પ્રયાસો છતાં સ્કિલિંગનાં પરિણામો રાજી થઈ જવા જેવાં નથી. આ પરિસ્થિતિને પહોંચી વળવા કેટલાંક સૂચનોમાં નીતિ આયોગે ફ્લેક્સિબલ સ્કિલિંગ મૉડલની ભલામણ કરી છે. ઉપરાંત સ્કિલ ડિસ્કવરી પ્લૅટફૉર્મ, સ્કિલ વાઉચર, નૅશનલ ક્રેડિટ ફ્રેમવર્ક, મહિલાઓને નાણાકીય સહાય, બૅક ટુ સ્કૂલ પ્રોગ્રામ જેવા ઉપાયો પણ સૂચવ્યા છે.
આપણે એ સમજવું પડશે કે વિકસિત ભારતનું સપનું માત્ર વધુ યુનિવર્સિટીઓ, વધુ ટ્રેઇનિંગ સેન્ટર્સ અને વધુ સર્ટિફિકેટ આપી દેવાથી સાકાર નહીં થાય. ભારતને એવી સ્કિલિંગ વ્યવસ્થાની જરૂર છે જે લોકોના પ્રૅક્ટિકલ જીવનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય. ભારતને એવી વ્યવસ્થાની જરૂર છે જેમાં યુવાનો તાલીમ લઈ શકે, શીખી શકે, નોકરી કરી શકે, જરૂર પડે ત્યારે બ્રેક લઈ શકે, ફરીથી નોકરીમાં જોડાઈ શકે અને નવી સ્કિલની જરૂર પડે તો ફરી નવી સ્કિલની તાલીમ લઈ શકે અને જેટલી વાર જરૂર પડે એટલી વાર આ સાઇકલ ફરતી રહી શકે. તાજેતરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના સક્રિય થયા બાદ યુવા સહિતના વિશાળ વર્ગ માટે નવા પડકાર જોવા મળે છે. સૌએ સમય અને પરિવર્તન સાથે તાલ મિલાવવો પડશે.
-જયેશ ચિતલિયા