આ બોલચાલ અને બોલાચાલી

21 December, 2025 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પણ એકલા માણસ જોડે બીજો એક માણસ જોડાઈ જાય છે ત્યારે બન્ને વચ્ચે વાતચીત થાય છે અને આ વાતચીતને આપણે બોલચાલ કહીએ છીએ. માણસ એકલો હોય ત્યારે બોલચાલ ન થાય પણ જેવો તે બેકલો થઈ જાય કે તરત જ બન્ને વચ્ચે કંઈ ને કંઈ શબ્દની આપલે થાય છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માણસ એકલો હોય ત્યારે દેખીતી રીતે કંઈ બોલતો હોય એવું આપણને લાગતું નથી. માણસના હોઠ બંધ હોય છે, તેનો અવાજ સંભળાતો નથી પણ એકલો-એકલો સુધ્ધાં તે અંદરખાનેથી શબ્દોની તડામાર બોલચાલ કરતો હોય છે. તેની વાતચીત ચાલુ જ હોય છે.
પણ એકલા માણસ જોડે બીજો એક માણસ જોડાઈ જાય છે ત્યારે બન્ને વચ્ચે વાતચીત થાય છે અને આ વાતચીતને આપણે બોલચાલ કહીએ છીએ. માણસ એકલો હોય ત્યારે બોલચાલ ન થાય પણ જેવો તે બેકલો થઈ જાય કે તરત જ બન્ને વચ્ચે કંઈ ને કંઈ શબ્દની આપલે થાય છે. આ આપલેને આપણે બોલચાલ કહીએ છીએ. હવે આ જ બોલચાલમાં થોડાક કાના માત્રાનો ફેરફાર કરીએ તો એ બોલચાલ બોલાચાલી બની જાય છે. બે માણસને બોલચાલ કરતાં વાર લાગતી નથી અને બોલાચાલી કરતાં પણ વાર નથી લાગતી. 
આ બોલાચાલીના પ્રદેશમાંથી આપણે સહુ પસાર થયા હોય છે. ઘરમાં પરિવારજનો વચ્ચે કે પછી પાડોશીઓ કે વ્યવસાયિક કર્મચારીઓ વચ્ચે આવતાં-જતાં, અનેક લોકોને હળતા–મળતા હોઈએ ત્યારે આવા બોલાચાલીના કેટલાય પ્રસંગો આપણી વચ્ચેથી પસાર થઈ જાય છે. બોલાચાલીનું કારણ સાવ નજીવું હોય છે અથવા સાવ બાલિશ હોય છે અને એમ છતાં તાત્પૂરતું બન્ને પક્ષો જાણે મહાયુદ્ધ હોય એમ શબ્દોની ફેંકાફેક કરવા માંડે છે. 
અહીં કહેવાનું તાત્પર્ય એ જ છે કે સાવ નજીવી બોલાચાલી માણસને ભારે અસ્વસ્થ કરી મૂકે છે. બોલાચાલી કદાચ થોડી વારમાં શમી પણ જાય પણ આમ છતાં એના શમન પછી આપણા મનમાં એનો ધૂંધવાટ ખૂબ લાંબો સમય સુધી ચાલે છે. અજાણ્યાઓ વચ્ચે થતી બોલચાલ તો ઠીક પરિચિતો કે પરિજનો વચ્ચે જ્યારે આવી બોલચાલ થાય છે અને પછી શમી જાય છે ત્યારે બોલચાલ દરમિયાન બોલાયેલા શબ્દો યાદ કરવા જેવા છે. બોલચાલની ઉગ્રતામાં આપણે પરસ્પરને ભૂતકાળના કેટલાક પ્રસંગો યાદ કરીને મહેણાંટોણા મારતા હોઈએ છીએ. આ મહેણાંટોણા સંભારીને જુઓ. ભૂતકાળમાં આવું કંઈ બન્યું ત્યારે આપણે એને અંતરમાં સંઘરી દીધું હતું. ‘તમે એ દિવસે આવું કર્યું હતું’ અને ‘તમે એ દિવસે આમ નહોતું કર્યું’ આમ કહીને આપણે એ દિવસ વડે ભુલાઈ ગયેલી વાત પરસ્પરને યાદ કરાવી દઈએ છીએ. આનો અર્થ એવો થયો કે ભૂતકાળની કોઈક કડવી બોલાચાલી પણ આપણે ભૂલ્યા નહોતા. આ યાદદાસ્ત લાંબા વખતે આજે પણ એવી ને એવી કડવાશ સાથે નજીવા કારણસર બહાર આવી છે. 

આવું કેમ થાય છે?

ઘરમાં પતિ-પત્ની હોય, માતા-પિતા હોય, ભાઈ-ભાઈ કે બહેન-બહેન હોય અને આ બધા વચ્ચે સુમેળ પણ હોય અને આમ છતાં ક્યારેક કંઈક એવું બને છે કે જેને બનવા માટે કોઈ વાજબી કારણ હોતું નથી. આ બધા વચ્ચે પણ એક વાતાવરણ પેદા થઈ જાય છે. આ વાતાવરણ ગઈ કાલની મીઠાશને કડવી કરી નાખે છે. વ્યક્તિગત આવી બોલચાલોને ઉગ્રતા બનતાં પણ વાર નથી લાગતી. આ પછી માણસ કદાચ પોતાની જાતને ડાહી ડમરી દેખાડવા માટે હળવાશથી વાત કરે તો પણ તેના ચહેરા પર પેલો જે અણગમો હોય છે એ દેખાયા વગર રહેતો નથી. 
દુનિયાના દેશો જે મહાયુદ્ધો કરે છે એના મૂળમાં પણ કોઈ ચોક્કસ કારણો હોતાં નથી. બીજા વિશ્વયુદ્ધ વખતે એવું કહેવાતું કે દુનિયામાં જો બાર શાણા માણસોએ આ યુદ્ધને અટકાવવા પ્રામાણિક પ્રયત્નો કર્યા હોત તો કદાચ યુદ્ધ રોકાઈ ગયું હોત. મહાયુદ્ધનાં કારણોમાં હિટલરને યહૂદીઓ પ્રત્યે અણગમો હતો. એ જ રીતે અણુબૉમ્બના વિસ્ફોટમાં અમેરિકાને પોતાની શક્તિનું સામર્થ્ય જગતને દેખાડવું હતું એટલે વિનાશ કર્યો. આમાં વ્યક્તિગત રીતે પ્રમુખ ટ્રુમેનને અથવા આઇઝન હોવરને જ જવાબદાર ગણી શકાય. 
સામાન્ય બોલચાલ હોય કે મહાયુદ્ધ, વ્યક્તિગત ઈર્ષા કે અહંકાર એના પાયામાં રહ્યાં હોય છે. દુર્યોધન યુધિષ્ઠિરની ઈર્ષા કરતો હોય છે અને એ ઈર્ષાને કારણે જ તે પોતે સુખપૂર્વક જીવતો નથી અને જીવવા દેતો પણ નથી. કુરુક્ષેત્રના યુદ્ધનું કારણ દુર્યોધનની આ ઈર્ષા છે. એ જ રીતે રામ-રાવણના મહાયુદ્ધનું કારણ રાવણનો અહંકાર કહી શકાય. રાવણ પોતાને અત્યંત શક્તિશાળી માનતો હતો અને ભાઈ, પુત્રો તથા અન્ય સાથીઓ રામના સૈન્યના હાથે હણાઈ ગયા પછી પણ તે આ અહંકારથી દૂર જઈ શકતો નથી. આ અહંકારે તેના મૃત્યુને નોતર્યું. 

ઈર્ષા સમજવા જેવી છે

સામાન્ય રીતે ઈર્ષાને આપણે એક જ અર્થ કરતા હોઈએ છીએ પણ ઈર્ષા બીજા એક છેડે દ્વેષ તરીકે પણ ઓળખવા જેવી છે. એક સ્થાન માટે બે પ્રતિસ્પર્ધીઓ પોતાનો દાવો મનોમન કરતા હોય ત્યારે બન્નેમાં સહજ ભાવે ઈર્ષા પેદા થાય. આ ઈર્ષાભાવ તેમને કેટલીય ન કરવા જેવી પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે. પણ કેટલીક વાર એવું બને છે કે જેનું સ્થાન આપણે ક્યારેય મેળવી શકવાના નથી અથવા તો આપણે જેના બરોબરિયા નથી એવા ઊંચેરા વ્યક્તિત્વની પણ આપણને અકારણ ઈર્ષા થાય છે. આ ઈર્ષાને દ્વેષ કહેવામાં આવે છે. ઈર્ષા સકામ માનવ વૃત્તિ છે પણ દ્વેષ વાંઝણી વ્યક્તિ છે જેમાંથી કશું જ પ્રાપ્ત કરી શકાતું નથી અને છતાં આ દ્વેષ સર્વનાશ તરફ દોરી જાય છે. (દાખલા તરીકે મહંમદ અલી ઝીણાને પાકિસ્તાન જોઈતું જ નહોતું. તેમણે અનેક વાર પાકિસ્તાનની રચનાનો વિરોધ પણ કર્યો હતો અને એમ છતાં અનેક કારણોસર તેમના ચિત્તમાં ગાંધી પ્રત્યે પારાવાર દ્વેષ પેદા થયો હતો. તેમના ચિત્તમાં ગાંધીનો આ દ્વેષ તેમને પાકિસ્તાન તરફ લઈ ગયો.)

સહેજ જોવા જેવું 

આ બધું આમ એક નજરે પકડાતું નથી. આપણા જીવનમાં રોજિંદા વ્યવહારોમાં જો આને શોધી શકીએ તો ક્યારેક આપણા ઉત્તાપો હળવા થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. આપણે સામાન્ય જીવનમાં આવી હળવાશ શોધી લેવી જોઈએ. અંતરમાં સંઘરેલી પેલી લાંબા ગાળાની કડવાશને જેટલી દૂર હડસેલાય એટલી આ હળવાશ વધારે નજીક મળશે.

columnists dinkar joshi gujarati mid day lifestyle news life and style