IBનું A to Z

08 February, 2026 01:47 PM IST  |  Mumbai | Rashmin Shah

દેશનો સૌથી અગત્યનો અને છતાં લાઇમલાઇટથી બિલકુલ દૂર રહેતો આ ઇન્ટેલિજન્સ બ્યુરો દેશની એકમાત્ર એવી એજન્સી છે જે અત્યારે તમારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નૅપચૅટથી લઈને તમામ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર નજર રાખવાની સત્તા ધરાવે છે.

પ્રતિકાત્મક તસવીર

વિશ્વના સૌથી જૂના ગુપ્તચર તંત્રમાં સ્થાન પામતા ભારતના ઇન્ટેલિજન્સ બ્યુરોને ટેક્નિકલી સ્ટ્રૉન્ગ અને અલ્ટ્રામૉડર્ન બનાવવાની દિશામાં સરકાર દ્વારા નિર્ણાયક પગલાં લેવાનું શરૂ થયું છે ત્યારે ઇન્ટેલિજન્સ બ્યુરો શું છે, એ કેવી રીતે કામ કરે છે એ અને બ્યુરોનાં અન્ય પાસાંઓ પર વિગતવાર જાણીએ

ગયા રવિવારે પ્રસ્તુત કરવામાં આવેલા બજેટમાં જ્યારે નિર્મલા સીતારમણે દેશની સુરક્ષાને લગતા બજેટ વિશે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે કેટલીક વાતોને વિરોધ પક્ષોએ પણ તાળીઓ સાથે વધાવી લીધી હતી. એ વાતો પૈકીની એક વાત હતી ઇન્ટેલિજન્સ બ્યુરોને વધારે મજબૂત બનાવવા માટે ફાળવવામાં આવેલા બજેટની. હા, મોટા ભાગના લોકોને દેશની તિજોરીમાં રૂપિયો આવશે ક્યાંથી એ જાણવામાં જ ઇન્ટરેસ્ટ હોય છે, કારણ કે એ આપણાં ખિસ્સાંમાંથી જવાનો હોય છે અને એટલે જ તિજોરીમાં આવેલો રૂપિયો ખર્ચાશે ક્યાં એ વાતો સાંભળવાને બદલે ટીવી બંધ કરી દે અને એટલે જ મહત્ત્વની વાત મહદ્ અંશે દબાઈ જતી હોય છે. આ વખતે પણ એવું જ બન્યું.

ગયા વર્ષે ઇન્ટેલિજન્સ બ્યુરોને વધુ સ્ટ્રૉન્ગ બનાવવા માટે જે કૅપિટલ એક્સપેન્ડિચર માત્ર ૯૮ કરોડ રૂપિયા હતો એને આ વર્ષે બજેટમાં દસગણો વધારીને ૧૦૧૧ કરોડ કરવામાં આવ્યો અને ઇન્ટેલિજન્સ બ્યુરોનું જે બજેટ ગયા વર્ષે ૩પ૦૦ કરોડ હતું એ પણ વધારીને ૩૮૭૫ કરોડ કરવામાં આવ્યું. બજેટમાં આવેલો આ વધારો મારા-તમારા અને દેશના હિતમાં થયો છે. કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓને વીણી-વીણીને માર્યા અને ગયા મહિને લાલ કિલ્લા પાસે જે કાર-બ્લાસ્ટ થયો એ ઘટનાઓને ધ્યાનમાં રાખીને દેશનું જાસૂસી નેટવર્ક ગણાતા ઇન્ટેલિજન્સ બ્યુરોને વધારે સ્ટ્રૉન્ગ બનાવવા માટે ભારત સરકારની આ પહેલ છે. વધારવામાં આવેલા આ બજેટ થકી હવે ઇન્ટેલિજન્સ બ્યુરોને અલ્ટ્રામૉર્ડન ગૅજેટ્સ આપવાથી માંડીને સર્વેલન્સ-સિસ્ટમ અને અન્ય ટેક્નૉલૉજીથી વધુ સજ્જ કરવામાં આવશે. આતંકવાદીઓ જ્યારે મૉડર્ન ટેક્નૉલૉજી અપનાવતા થઈ ગયા છે એવા સમયે IBના શૉર્ટ ફૉર્મથી પૉપ્યુલર એવા ઇન્ટેલિજન્સ બ્યુરોને પણ સ્ટ્રૉન્ગ બનાવવો અને એ બનાવવા માટે એને પણ મૉડર્ન ટેક્નૉલૉજી આપવી અનિવાર્ય છે એવું સમજાવતાં ઇન્ટેલિજન્સ બ્યુરોના એક ઑફિસર ઑફ ધ રેકૉર્ડ ‘મિડ-ડે’ને કહે છે, ‘સાઇબર સિક્યૉરિટી વધારે સ્ટ્રૉન્ગ થાય એ બહુ જરૂરી છે. સોશ્યલ મીડિયા અને ડાર્ક વેબની શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવે તો જ રિયલ-ટાઇમ ઇન્ટેજિલન્સ પર કામ થઈ શકે. હવે એ સમય નથી જેમાં માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ પર મદાર રાખી શકાય. આજના સમયમાં ટેક્નિકલ ઇન્ટેલિજન્સ પર આધાર રાખ્યા વિના ચાલે જ નહીં, પણ એ માટે તમે એટલા અપગ્રેડેડ હોવા જોઈએ કે તમે આતંકવાદી કે દુશ્મનો પર બારીકીથી નજર રાખી શકો.’

ઇન્ટેલિજન્સ બ્યુરો દેશની હોમ મિનિસ્ટ્રી હેઠળ આવે છે. ગૃહ પ્રધાન અમિત શાહ સમયાંતરે ઇન્ટેલિજન્સ બ્યુરો સાથે મીટિંગ કરતા રહે છે.

ઇલેક્શન અને ઇન્ટેલિજન્સ

સબસિડિયરી ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે જે-તે રાજ્યમાં રહેલા ઇન્ટેલિજન્સ બ્યુરોની જવાબદારીમાં આવે છે કે એ રાજ્ય સરકાર વિરુદ્ધ થતી ઍક્ટિવિટી પર પણ નજર રાખે અને રાજ્ય સરકારને એ દિશામાં માહિતી પણ આપતો રહે છે. સત્તાની રુએ વિરોધ પક્ષની હિલચાલ પણ આંશિક નજર રાખવાના હક પણ સ્ટેટ-IB પાસે હોય છે. આ જ કારણે સત્તા પર રહેલી પાર્ટી સતત બ્યુરોના કૉન્ટૅક્ટમાં રહે છે કે તેમના દ્વારા થઈ રહેલાં કામોથી કોઈ અસંતોષ કે નારાજગી પ્રસરી રહી છે કે નહીં. આ આખી પ્રક્રિયા દરમ્યાન ઇન્ટેલિજન્સ બ્યુરો પાસે મોટા ભાગે પિક્ચર ઊપસતું રહે છે કે આવતા ઇલેક્શનમાં શું રિઝલ્ટ આવી શકે છે જે એણે ઑફિશ્યલ ગવર્નમેન્ટને આપવાનું રહે છે. પણ હા, સૌથી અગત્યની વાત. આ સઘળું કામ એણે સેન્ટ્રલ ગવર્નમેન્ટ માટે કરવાનું હોય છે. રાજકીય વિશ્લેષકો એને પણ એક કારણ માને છે કે કેન્દ્રમાં બેઠેલી સરકારને અન્ય રાજ્યોમાં જીતવાની તક ઊભી કરે છે.

વાત સો ટકા સાચી અને મુદ્દાની છે. હવે ફિલ્મ-સ્ટાઇલ જાસૂસીનો સમય નથી રહ્યો. હવે નેવું ટકા તમારે ટેક્નૉલૉજી પર આધારિત રહેવું પડે અને ટેક્નૉલૉજીને જાસૂસીનું કામ સોંપવું પડે જેના માટે હાઈ-ગ્રેડ સૉફ્ટવેરથી માંડીને પછીની ઍક્શન માટે તમારી પાસે મૉડર્ન ગૅજેટ્સ અને વેપન્સ હોવાં જોઈએ. ખાસ કરીને ત્યારે જ્યારે દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી ઇન્ટેલિજન્સ બ્યુરોના હાથમાં છે. ખાસ કરીને ત્યારે જ્યારે દેશની બાહ્ય સુરક્ષાની પણ આંશિક જવાબદારી ઇન્ટેલિજન્સ બ્યુરોના હાથમાં છે.

દેશનો સૌથી અગત્યનો અને છતાં લાઇમલાઇટથી બિલકુલ દૂર રહેતો આ ઇન્ટેલિજન્સ બ્યુરો દેશની એકમાત્ર એવી એજન્સી છે જે અત્યારે તમારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નૅપચૅટથી લઈને તમામ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર નજર રાખવાની સત્તા ધરાવે છે. વાયર-લાઇનથી માંડીને સૅટેલાઇટ-લાઇન એટલે કે સાદા ફોનથી લઈને તમારા મોબાઇલ અને સૅટેલાઇટ ફોનની વાતો સુધ્ધાં સાંભળી શકે છે અને એ પણ સત્તાવાર રીતે.

આજની તારીખે દેશની સુરક્ષા માટે આડત્રીસ લાખથી વધારે ફોન રેકૉર્ડ કરતો ઇન્ટેલિજન્સ બ્યુરો છે શું એ પહેલાં સમજી લો.

IB – એક ઇતિહાસ

ઇન્ટેલિજન્સ બ્યુરો વિશ્વની સૌથી જૂની જાસૂસી સંસ્થાઓ પૈકીની એક છે. ઈસવી સન ૧૮૮પમાં તૈયાર થયેલી આ સંસ્થા શરૂ કરવામાં બ્રિટિશ મેજર જનરલ ચાર્લ્સ મૅક્ગ્રેગરનો મોટો હાથ હતો. એ સમયે અફઘાનિસ્તાનમાં રશિયન સૈનિકોની હિલચાલ બહુ રહેતી. મેજર જનરલ ચાર્લ્સ મૅક્ગ્રેગરને શંકા હતી કે રશિયન મિલિટરી અફઘાનિસ્તાનથી બ્રિટિશ સલ્તનતના ભારત પર હુમલો કરશે એટલે તેમણે રશિયન સૈનિકો પર નજર રાખવાના હેતુથી પોતાની એક ખાસ ટીમ બનાવી. આ ટીમને કોઈ નામ આપવામાં આવ્યું નહોતું. એ ટીમમાં ૨૦૦થી વધારે લોકો જોડાયેલા હતા. તેમને સૅલેરી બ્રિટિશ તિજોરીમાંથી મળતી. તેમનું માત્ર એક કામ હતું કે જાસૂસી કરે.

રશિયન સેનાનો ખતરો ઓસરી ગયા પછી પણ એ લોકોને મૅક્ગ્રેગરે કન્ટિન્યુ કર્યા અને હવે તેમને કામ સોંપવામાં આવ્યું હિન્દુસ્તાનમાં રહીને બ્રિટિશ સરકારની બદબોઈ કરનારાઓની માહિતી સરકારને આપવાનું. એ સમયે એટલે કે કામે લાગી ગયાનાં બે વર્ષ પછી ૧૮૮૭ની ૨૩ ડિસેમ્બરે છેક આ ટીમને ઑફિશ્યલ કરવામાં આવી અને એને નામ આપવામાં આવ્યું સેન્ટ્રલ સ્પેશ્યલ બ્રાન્ચ. એ પછી ફરી એક ફેરફાર આવ્યો ૧૯૦૯માં. એ વર્ષે ઇંગ્લૅન્ડમાં ‘ઇન્ડિયન પૉલિટિકલ ઇન્ટેલિજન્સ’ એટલે કે IPIની ઓળખ મળી જે આગળ જતાં દેશનો ઇન્ટેલિજન્સ બ્યુરો બન્યો. જોકે એને હજી વાર હતી.

ઇન્ડિયન પૉલિટિકલ ઇન્ટેલિજન્સે સ્કૉટલૅન્ડ યાર્ડ એટલે કે બ્રિટિશ પોલીસ અને MI5 એટલે કે બ્રિટિશ જાસૂસી તંત્ર સાથે સંપર્કમાં રહી તેમના વતી કામ કરવાનું હતું, જે છેક દેશની આઝાદી સુધી ચાલુ રહ્યું અને આઝાદી પછી આ ડિપાર્ટમેન્ટ બંધ કરવાનો નિર્ણય લૉર્ડ માઉન્ટબેટને લઈ લીધો હતો પણ સરદાર વલ્લભભાઈ પટેલે એ ચાલુ રખાવ્યો અને પોતાની હોમ મિનિસ્ટ્રીમાં આ ટીમનો સમાવેશ કરી એને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના નામે પુનર્ગઠિત કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલે જ આ ટીમનાં કામોમાં વધારે સ્પષ્ટતા આપી અને ઇન્ટેલિજન્સ બ્યુરોને મોટો કરવાનું પણ કામ કર્યું.

IB – એક જવાબદારી

ઇન્ટેલિજન્સ બ્યુરોની જે જવાબદારીઓ છે એમાં દેશમાં ઊભી થતી સિક્યૉરિટીની સમસ્યાઓથી માંડીને આતંકવાદી પ્રવૃત્તિ પર નજર રાખવી છે તો સાથોસાથ વિદેશી જાસૂસી એજન્સીઓ ભારતમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતી હોય તો એની માહિતી મેળવી એમના ઇરાદાઓને તોડી પાડવાનું કામ પણ કરવાનું રહે છે. એટલું જ નહીં, ભારતના પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટરથી લઈને અન્ય મહાનુભાવોની સિક્યૉરિટી માટે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ લાવવાનું કામ પણ એમનું છે તો ગવર્નમેન્ટના ઉચ્ચ હોદ્દાઓ, રાજદ્વારીઓ અને મૅજિસ્ટ્રેટની અપૉઇન્ટમેન્ટ પહેલાં તેમના બૅકગ્રાઉન્ડની તપાસ કરવાની જવાબદારી પણ તેમની છે અને પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર જેમને મળવાના હોય એ વ્યક્તિની બધી માહિતી લાઇટનિંગ સ્પીડમાં લાવવાનું કામ પણ આ જ બ્યુરો કરે છે.

આઝાદી પછી પાકિસ્તાની સેના કાશ્મીરમાં ઘૂસી અને કાશ્મીરને ભારત સાથે રાખવા માટે યુદ્ધ કરવું પડ્યું. આ ઘટના પછી સરદાર પટેલે જ નિર્ણય લીધો અને ૧૯પ૧માં સરહદી વિસ્તારમાં પણ જાસૂસી કરવાની જવાબદારી ઇન્ટેલિજન્સ બ્યુરોને સોંપવામાં આવી, જે છેક સિત્તેરના દશક સુધી અકબંધ રહી. જોકે ૧૯૬૨માં ભારત-ચાઇના વૉર અને ત્રણ વર્ષ પછી ૧૯૬પનું
ભારત-પાકિસ્તાન વૉર થયું. આ બન્ને વૉર અને વૉર પહેલાં ઊંઘતા ભારત માટેનાં માછલાં IB પર ધોવાયાં અને એને ઇન્ટેલિજન્સ બ્યુરોની નિષ્ફળતા ગણાવવામાં આવી કે એણે દુશ્મન દેશોની હિલચાલ પર ધ્યાન આપ્યું નહીં. ઇન્ટેલિજન્સ બ્યુરોએ પણ પોતાની નિષ્ફળતા સ્વીકારી લીધી અને ભારત સરકારની હોમ મિનિસ્ટ્રીએ ૧૯૬૮માં રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિન્ગની એટલે કે R&AW (રૉ)ની સ્થાપના કરી. આ સ્થાપના સાથે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોમાંથી સેન્ટ્રલ શબ્દ હટાવવામાં આવ્યો.

રૉની સ્થાપના પછી પછી લાંબો સમય સુધી બન્ને બ્યુરો વચ્ચે પાવર બાબતમાં મતભેદ રહ્યા અને એને લીધે દેશમાં ઠેર-ઠેર આતંકી હુમલાઓ થતા રહ્યા. ૨૦૧પ પછી બન્ને બ્યુરો વચ્ચે કામ બાબતમાં ઘણી ક્લૅરિટી આવી, બન્ને વચ્ચેનો તાલમેલ સુધારવામાં આવ્યો અને પરિણામ આપણી સામે છે, દેશ પહેલાં કરતાં વધારે સુરક્ષિત થયો.

આ યશકલગી IBના નામે

તમને જાણીને નવાઈ લાગશે પણ ઇન્ટેલિજન્સ બ્યુરોને ભાગ્યે જ ક્યાંય યશ મળે છે કારણ કે તેમના દ્વારા થયેલી સફળતાની અસર લોકોને જોવા નથી મળતી, પણ જો ક્યાંય અટૅક થાય કે બૉમ્બ-બ્લાસ્ટ થાય અને જાનહાનિ થાય તો તરત માછલાં IB પર ધોવાય છે. બીજી વાત, એ પણ એટલું જ સાચું કે તેમને મળેલી સફળતાને તે દર્શાવી પણ નથી શકતા. હા, તેમણે પોતાનું કામ ખાનગી જ રાખવાનું રહે છે તો સાથોસાથ તેમણે ડિરેક્ટ કોઈ ઍક્શન લેવાની નથી હોતી એટલે મોટા ભાગનો જશ પોલીસ ડિપાર્ટમેન્ટ કે સેનાના નામે જમા થઈ જતો હોય છે. જોકે એ પછી પણ કેટલીક જાહેર થયેલી મોટી સક્સેસ જાણવા જેવી છે.


ઑપરેશન બ્લુસ્ટાર

એંસીના દશકમાં જ્યારે પંજાબમાં આતંકવાદ ચરમસીમા પર હતો ત્યારે ખાલિસ્તાની ઉગ્રવાદીઓની માહિતી સરકાર સુધી પહોંચાડવાનું અને ખાલિસ્તાન માટે જનરલ ભીંદરાંવાલે હુમલો કરે એ પહેલાં તેની યોજના તોડી પાડવાનો જશ ઇન્ટેલિજન્સ બ્યુરોને જાય છે. ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા જ ઑપરેશન બ્લુસ્ટાર અને ઑપરેશન બ્લૅક થન્ડર પ્લાન થયા અને એમાં સફળતા મળી.
દર વર્ષે ઇન્ટેલિજન્સ બ્યુરો અઢળક સ્લીપર સેલ્સ અને આતંકવાદી હુમલો કરે એ પહેલાં જ પકડે છે. તહેવારો દરમિયાન દિલ્હી અને મુંબઈ જેવાં શહેરોમાં મોટા ધડાકાનાં કાવતરાંઓને એણે અનેક વાર નિષ્ફળ બનાવ્યાં છે.
યાસીન ભટકલની ધરપકડ: ઇન્ડિયન મુજાહિદ્દીનના આકાઓને પકડવા માટે વર્ષો સુધી ચાલેલું ઑપરેશન ઇન્ટેલિજન્સ બ્યુરોની મોટી સફળતા છે. યાસીન ભટકલની અરેસ્ટમાં પણ ઇન્ટેલિજન્સ બ્યુરોએ આપેલી માહિતી જ કારણભૂત રહી છે.


યાસીન ભટકલની અરેસ્ટ

છેલ્લાં થોડાં વર્ષોથી ગુજરાતના દરિયાકાંઠેથી પકડાતું અમર્યાદિત માત્રાનું ડ્રગ્સ પણ ઇન્ટેલિજન્સ બ્યુરોની માહિતીની સીધી સફળતા છે.

IB - એક નેટવર્ક

ઇન્ટેલિજન્ટ્સ બ્યુરોના આખા સ્ટાફને ત્રણ કૅટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. A, B અને C એમ ત્રણ કૅટેગરીમાં કામ કરતા અધિકારીઓમાં મેઇનલી પોલીસ ડિપાર્ટમેન્ટ અને સેનાના ઑફિસર હોય છે. જોકે બ્યુરોના ડિરેક્ટર પદ પર હંમેશાં IPS ઑફિસર રહે છે. આ ડિરેક્ટર માત્ર બ્યુરોના જ હેડ નથી પણ તે દેશના સ્ટ્રૅટેજિક પૉલિસી ગ્રુપ અને નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના મેમ્બર પણ હોય છે. દેશના ગણ્યાગાંઠ્યા અધિકારીઓને જ અપૉઇન્ટમેન્ટ વિના સીધી વડા પ્રધાન કે ગૃહપ્રધાન સાથે મીટિંગ કરવાના અધિકારો છે, જેમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટરનો સમાવેશ થાય છે. પદની દૃષ્ટિએ ડિરેક્ટરને સેનાના વડા એટલે કે ફોર-સ્ટાર જનરલની સમકક્ષ માનવામાં આવે છે. આ જે A ગ્રેડ છે એમાં ડિરેક્ટરની નીચે પાંચ અધિકારી છે. બસ, અહીં A ગ્રેડનું ગ્રુપ પૂરું.

A ગ્રેડના અધિકારીઓ અને એમાં પણ સિલેક્ટિવ ઑફિશ્યલ્સ સિવાય ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓને પોતાની ઓળખ આપવાની મનાઈ છે જે તેમની અપૉઇન્ટમેન્ટ સમયે જ લેખિતમાં આપી દેવામાં આવે છે. IBના એક સિનિયર ઑફિસર ‘મિડ-ડે’ને કહે છે, ‘ઇન્ટેલિજન્સ બ્યુરોનો નેવું ટકાથી વધારે સ્ટાફ ક્યારેય પોતાની ઓળખ જાહેર નહીં કરે. કમ્પલ્શન ઊભું થાય તો તે પોતાને પોલીસ તરીકે ઓળખાવશે પણ બ્યુરો સાથે જોડાયેલા છે એવું નહીં કહે.’

ઇન્ટેલિજન્સ બ્યુરોમાં અત્યારે દેશભરમાં ત્રીસ હજારથી વધારેનો સ્ટાફ હશે. આ સ્ટાફ પૈકીના અડધોઅડધ સ્ટાફના તો ફૅમિલી-મેમ્બર્સને પણ ખબર નહીં હોય કે તેમના પપ્પા, ભાઈ કે દીકરો ઇન્ટેલિજન્સ બ્યુરો સાથે કામ કરે છે તો ઘણી વાર તો બહાર જતી વખતે તેમણે પોતાનું લોકેશન પણ ઑફિશ્યલી છુપાવવાનું રહે છે. આ જ કારણ છે કે ઑપરેશન દરમ્યાન જો ક્યારેક દાવ ઊંધો પડી જાય અને ઑફિસરનો જીવ જાય તો તેને નૅશનલ સન્માન આપી નથી શકાતું અને બ્યુરોના કોઈ ઑફિસરને એનો સંકોચ પણ નથી હોતો. તે જાણે જ છે કે તેણે આમ જ કામ કરવાનું છે અને દેશને સુરક્ષિત રાખવાનો છે.

એક ખાસ વાત, ઇન્ટેલિજન્સ બ્યુરો પાસે જેટલો સ્ટાફ છે એટલો જ તેમની પાસે ફ્રીલાન્સ સ્ટાફ પણ છે જે તેમના વતી જાસૂસીનું કામ કરે છે. આ એવા જાસૂસો છે જે ગુમનામ છે. આ જાસૂસો પાસેથી કામ કરાવવા માટે ઇન્ટેલિજન્સ બ્યુરોને ખાસ બજેટ પણ આપવામાં આવે છે.

આ કલંક IBના નામે


દિલ્હી બ્લાસ્ટ

તાજેતરની જ સૌથી મોટી નિષ્ફળતા જો કોઈ હોય તો એ પહલગામનો અટૅક અને દિલ્હીમાં થયેલો બ્લાસ્ટ છે. જો ઇન્ટેલિજન્સ બ્યુરો ઍક્ટિવ રહ્યો હોત અને કોડ ઉકેલી શક્યો હોત તો પહલગામ હુમલો ચોક્કસપણે રોકી શકાયો હોત.


પહલગામ અટૅક

૧૯૯૯માં કારગિલમાં પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હોવાની જાણકારી મેળવવામાં પણ ઇન્ટેલિજન્સ બ્યુરો ફેલ રહ્યો હતો. R&AW એટલે કે રૉની દલીલ હતી કે કારગિલના સ્થાનિક લોકોના સહકાર વિના આ પ્રવૃત્તિ શક્ય જ નથી, ઇન્ટેલિજન્સ બ્યુરોની લાપરવાહીને કારણે કારગિલ વૉર થયું.


મુંબઈ ટેરર અટૅક

૨૦૦૮ના મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના હુમલામાં પણ ઇન્ટેલિજન્સ બ્યુરોની નિષ્ફળતા દેખાય છે. દરિયાઈ માર્ગે આતંકવાદીઓ આવશે એવી સચોટ અને સમયસરની માહિતીના અભાવને કારણે દુનિયા આખી સામે આતંકવાદીઓએ ક્રૂર હત્યાકાંડ કર્યો.


પુલવામા અટૅક

૨૦૧૯માં પુલવામામાં થયેલો અટૅક યાદ હશે. વિસ્ફોટકોથી ભરેલી ગાડી સુરક્ષા કૉન્વોય સુધી કેવી રીતે પહોંચી એનો જવાબ ઇન્ટેલિજન્સ બ્યુરો પાસે આજે પણ નથી.

સૌથી મોટી નિષ્ફળતા જો કોઈ હોય તો એ છે ૧૯૬૨નું ભારત-ચીન વૉર અને ૧૯૬પનું ભારત-પાકિસ્તાન યુદ્ધ. એ સમયે ઇન્ટેલિજન્સ બ્યુરો ફેલ થયો અને એની પાસેથી સત્તા આંચકીને ભારત સરકારના ગૃહ મંત્રાલયે R&AWની સ્થાપના કરી.

IB – એક યુનિટ

IB પાસે પોલીસથી પણ વધારે પાવર છે પણ આ એવો પાવર છે જેનો તેમણે ઉપયોગ નથી કરવાનો. મજાની વાત જુઓ, પોલીસ કરતાં વધારે પાવર હોવા છતાં તે ક્યારેય કોઈ અરેસ્ટ નથી કરી શકતા. તેમણે માહિતીના આધારે પોલીસ ડિપાર્ટમેન્ટને કહીને પગલાં લેવડાવવાનાં રહે છે.

વાયર-ટૅપિંગથી માંડીને સોશ્યલ મીડિયા અને ઈ-મેઇલ હૅક કરવા સુધીના પાવર ધરાવતા બ્યુરોની કામગીરીને જો બારીકાઈથી જોઈએ તો આખો બ્યુરો બે વિભાગમાં વહેંચાયેલો છે. પહેલો વિભાગ ફીલ્ડ ઑપરેશન્સ છે. આ ડિપાર્ટમેન્ટે રિયલમાં ગ્રાઉન્ડ પર જઈને માહિતી લાવવાનું કામ કરવાનું રહે છે. આ જ ડિપાર્ટમેન્ટમાં SIU એટલે કે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન યુનિટ અને ટેક્નિકલ વિન્ગ છે. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન યુનિટ ચોક્કસ કેસ કે આતંકવાદી સંગઠનો પર નજર રાખે છે જ્યારે ટેક્નિકલ વિન્ગ ફોનટૅપિંગ, સર્વેલન્સ અને સાઇબર જાસૂસીનું કામ કરે છે. બજેટમાં જે ૧૦૧૧ કરોડનો વધારો કરવામાં આવ્યો છે એનો મહત્તમ ઉપયોગ આ ડિપાર્ટમેન્ટને જ સ્ટ્રૉન્ગ બનાવવા માટે થશે.

હવે વાત કરીએ ઇન્ટેલિજન્સ બ્યુરોના બીજા ડિપાર્ટમેન્ટની, જે છે ઍનૅલિસિસ વિન્ગ. ફીલ્ડ-ઑપરેશન દરમ્યાન મળતી માહિતી અહીં આવે છે અને આ ડિપાર્ટમેન્ટ એ માહિતી પર કામ કરે, પોસ્ટમૉર્ટમ કરે અને પછી નક્કી કરે કે કઈ વાત પર તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. તૈયાર થયેલો એ રિપોર્ટ ઇન્ટેલિજન્સ બ્યુરોના પોતાના સિનિયર્સ સુધી અને સિનિયર્સ પાસેથી એ માહિતી મલ્ટિ-એજન્સી સેન્ટર દ્વરા દેશની અન્ય એજન્સીઓને એટલે કે નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્‍સ, રૉ, સ્ટેટ પોલીસ કે જે-તે સ્ટેટમાં રહેલી IBની ઑફિસ સાથે શૅર કરવામાં આવે છે.

હા, તમે બરાબર વાંચ્યું. સ્ટેટમાં રહેલી IB ઑફિસ.

દેશના દરેક રાજ્ય અને મેટ્રો સિટીમાં ઇન્ટેલિજન્સ બ્યુરોની ઑફિસ છે જેને સબસિડિયરી ઇન્ટેલિજન્સ બ્યુરો કહેવામાં આવે છે. આ જે સ્ટેટ ઑફિસ છે એના પર એક વધારાની જવાબદારી પણ છે. તેમણે રાજકીય પરિસ્થિતિઓ પર નજર રાખવાની હોય છે તો સાથોસાથ કોમી એકતા અકબંધ રહે એ દિશામાં પણ જોતા રહેવાનું હોય છે.

columnists terror attack Pahalgam Terror Attack mumbai terror attacks anti terrorism squad amit shah gujarati mid day Rashmin Shah