ઇન્ટેન્સિટી અગત્યની : હિન્દી સિનેમા જો કંઈ ગુમાવે છે તો એ છે આત્મીયતાની તીવ્રતા

24 January, 2022 11:27 AM IST  |  Mumbai | Manoj Joshi

સિમ્પલ છે, કામ કરવું છે, પણ એને માટે ઇન્ટેન્સિટી લાવવાની તૈયારી નથી અને જો એવું જ રહ્યું તો, તો ક્યારેય એ ઊંચાઈ પ્રાપ્ત નહીં થાય જે મેળવવાનાં સપનાં જોવાય છે.

પ્રતીકાત્મક તસવીર

જ્યારે પણ અને જ્યાં પણ ઇન્ટેન્સિટી ગુમાવવામાં આવી છે ત્યારે-ત્યારે અને ત્યાં-ત્યાં વાચકથી માંડીને દર્શક સુધીના સૌકોઈનો ક્ષય થયો છે અને થતો જ રહેવાનો છે. હૉલીવુડની ફિલ્મોને પણ આ જ વાત લાગુ પડે અને બૉલીવુડની ફિલ્મોને પણ આ જ વાત લાગુ પડે છે. ઇન્ડિયન લિટરેચરને પણ આ જ વાત લાગુ પડે છે, તો ઇન્ટરનૅશનલ લિટરેચર સાથે પણ આ જ વાત લાગુ પડે છે. ઇન્ટેન્સિટી, તીવ્રતા, આક્રમકતા અને એ પણ લાગણી કે પછી આત્મીયતાની. બહુ અગત્યની છે આ ઇન્ટેન્સિટી.
આજે મોટા ભાગના લોકોના મોઢે સાઉથની ફિલ્મોની વાત છે. સાઉથની એ ફિલ્મોની વાતો છે જે ફિલ્મોએ ડબ થઈને પણ હિન્દી ઑડિયન્સનું મન જીતી લીધું છે. આવું શું કામ બન્યું એ સમજવાની કોશિશ સૌકોઈએ કરવી પડશે. જો આ વાત સમજાશે તો એ પણ સમજાશે કે ફિલ્મોને જ નહીં, તમામ પ્રકારના સર્જનને આ જ વાત લાગુ પડે છે. યોગ પહેલાં પણ હતા જ અને યોગાભ્યાસુઓ પણ દેશમાં હતા, પણ બાબા રામદેવે આવીને યોગને એક નવું જ કલેવર આપ્યું તો સાથોસાથ એ પણ એટલું જ સાચું કે બાબા રામદેવ દ્વારા આપવામાં આવેલું કલેવર લોકોએ સ્વીકાર્યું પણ ખરું. શું કામ, ઇન્ટેન્સિટી. તેમની વાતમાં, રજૂઆતમાં આક્રમકતા હતી અને એ આક્રમકતામાં પોતીકાપણું હતું. 
‘પુષ્પા’ ફિલ્મ ચાલી, એ પહેલાં પણ સાઉથની ફિલ્મો ચાલી તો એ ચાલવા પાછળનું કારણ જો કોઈ હોય તો એ હતી ઇન્ટેન્સિટી. મરાઠી ફિલ્મોમાં પણ ઇન્ટેન્સિટી હોય છે તો બંગાળી ફિલ્મોમાં પણ ઇન્ટેન્સિટી ભારોભાર છલકતી હોય છે. ભાવનાઓ જ્યારે ભારોભાર ભરી હોય અને એ વ્યક્ત કરવા માટે જીવ પર આવવાની માનસિકતા હોય ત્યારે એ ભાવના, એ લાગણી, એ ફીલિંગ્સ સામેની વ્યક્તિના હૈયાસોંસરવી ઊતરે જ ઊતરે. કોઈ એને રોકી ન શકે, કોઈ એને અટકાવી ન શકે. જ્યારે પણ ઇન્ટેન્સિટી સાથે કામ થયું છે ત્યારે એ કામને સફળતા મળી જ છે. ખાસ કરીને સર્જનાત્મકતાના ક્ષેત્રમાં. સર્જનાત્મકતા ક્યારેય અધૂરા હૃદયની ન હોય અને ઇન્ટેન્સિટી ત્યારે જ આવે જ્યારે પૂર્ણ હૃદયે કામ થયું હોય.
કહ્યું એમ, સર્જનના કોઈ પણ ક્ષેત્રમાં આ વાત લાગુ પડે છે. જુઓ તમે, ૭૦ અને ૮૦ના દસકાની ગુજરાતી ફિલ્મોને પણ અને જુઓ તમે એ જ સમયનાં ગુજરાતી નાટકોને પણ. વાત કહેવામાં જીવ રેડવામાં આવતો અને વાત લોકો સુધી પહોંચાડવા માટે એમાં ભાવના ભરવામાં આવતી. કામની રીતે કામ નહોતું થતું અને કામની રીતે કામ થાય ત્યારે એમાં તીવ્રતાનો ક્ષય આપોઆપ થઈ પણ જાય. ફિલ્મો કે રંગભૂમિ જ નહીં, સાહિત્યની વાતમાં પણ એ જ વાત લાગુ પડે છે. હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટથી માંડીને ચંદ્રકાન્ત બક્ષી સુધીના સૌ લેખકનું સર્જન ઇન્ટેન્સિટી સાથેનું હતું. એમાં ભાવનાત્મકતા ભારોભાર ભરાયેલી હતી અને એ ભાવના ભરવા માટે હાર્ડ વર્ક પણ એ સ્તરે થતું. હાર્ડ વર્ક એટલે દોડાદોડીનું હાર્ડ વર્ક નહીં, પણ એ ઘટના, એ પાત્રો અને એ કથાવસ્તુને તૈયાર કરવા માટે લેવામાં આવતી પીડાનું હાર્ડ વર્ક. આ જ કારણ છે કે એ સાહિત્ય આજે પણ પ્રસ્તુત રહ્યું છે અને આ જ કારણ છે કે એ સાહિત્યના સ્તરે આજનું સર્જન આવતું નથી. સિમ્પલ છે, કામ કરવું છે, પણ એને માટે ઇન્ટેન્સિટી લાવવાની તૈયારી નથી અને જો એવું જ રહ્યું તો, તો ક્યારેય એ ઊંચાઈ પ્રાપ્ત નહીં થાય જે મેળવવાનાં સપનાં જોવાય છે.

columnists manoj joshi