હે મૉડર્ન સ્ત્રી, મલ્ટિટાસ્કિંગ કરીને મહાન બનવાની પેરવીમાં ભૂલીશ નહીં કે તું માણસ છે, મશીન નહીં

02 March, 2026 02:27 PM IST  |  Mumbai | Jigisha Jain

જ્યારથી વિમેન્સ ડે કે વીક ઊજવવાની શરૂઆત થઈ છે ત્યારથી લોકો સ્ત્રીઓનાં અલગ-અલગ પાસાંને મૅગ્નિફાઇંગ ગ્લાસથી ચેક કરીને બોલ્ડ લેટર્સમાં ઉજાગર કરી રહ્યા છે જેમાં મૉડર્ન નારીનું એક પાસું જે સૌથી વધુ સેલિબ્રેટ કરવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

હમણાં એક ખૂબ જ સરસ રીલ જોઈ. એક યોગના ક્લાસમાં સ્ત્રીઓ સ્પેશ્યલ બૅચમાં ધ્યાનમાં બેઠી છે. આ મેડિટેશન દરમ્યાન આ સ્ત્રીઓના મનમાં શું ચાલી રહ્યું છે? કૅમેરા એક પછી એક સ્ત્રી પર ફોકસ થઈ રહ્યો છે. દરેકના મનમાં ધ્યાન દરમ્યાન જુદા-જુદા વિચારો ચાલી રહ્યા છે; આજે છોલે પલાળવાના તો રહી જ ગયા. પ્રેસવાળો આજે કેમ ન આવ્યો? દીકરીને રૂમાલ આપવાનું જ રહી ગયું, તેને કેટલી શરદી હતી આજે. અહીં આવતાં પહેલાં કપડાં મશીનમાં નાખીને આવી હોત તો ધોવાઈ પણ જાત. આજે મેઇડ સમય પર આવી જાય તો સારું. કાલે આમને સિલિન્ડર બુક કરવાનું કહ્યું હતું પણ તે ભૂલી જ ગયા હશે. સૉકેટ ખુલ્લું રહી ગયું, બાબો એમાં આંગળી તો નહીં નાખેને? રાત્રે શું બનાવીશ જમવામાં? ઍમૅઝૉનથી આજે પણ ઑર્ડર ન આવ્યો?

દરેક સ્ત્રી કોશિશ તો કરી રહી હતી ધ્યાનમાં બેસવાની, પણ તેનું મગજ ૨૪ કલાક ચાલુ જ રહે છે, તેના ક્યારેય ખતમ ન થનારા કામના પ્લાનિંગમાં એ શાંત થઈ શકતું નથી.

આજથી ઇન્ટરનૅશનલ વિમેન્સ વીક શરૂ થઈ રહ્યું છે. જ્યારથી વિમેન્સ ડે કે વીક ઊજવવાની શરૂઆત થઈ છે ત્યારથી લોકો સ્ત્રીઓનાં અલગ-અલગ પાસાંને મૅગ્નિફાઇંગ ગ્લાસથી ચેક કરીને બોલ્ડ લેટર્સમાં ઉજાગર કરી રહ્યા છે જેમાં મૉડર્ન નારીનું એક પાસું જે સૌથી વધુ સેલિબ્રેટ કરવામાં આવ્યું છે એ છે તેનું મલ્ટિટાસ્કિંગ. મૉડર્ન સમાજ જેની વાહવાહી કરી રહ્યું છે એ છે એકસાથે પચાસ મોરચે લડતી સ્ત્રી. થોડા સમય પહેલાં એક ઇમેજ પણ ખાસ્સી પૉપ્યુલર થઈ હતી જેમાં દેવીના છ-આઠ હાથ હોય છે એમ આજની સ્ત્રીના પણ એટલા જ હાથ દેખાડવામાં આવ્યા હતા જેમાં એક હાથમાં કુકિંગ પૅન, બીજા હાથમાં બાળક, ત્રીજા હાથમાં લૅપટૉપ, ચોથા હાથમાં બુક, પાંચમા હાથમાં ઝાડુ અને છઠ્ઠા હાથમાં શાકભાજીના થેલા અને માથે ટકોરા મારતો સમય દેખાડવામાં આવ્યો હોય છે. જેણે આ ઇમેજ વિચારી છે એ મૉડર્ન સ્ત્રીને અને તેના જીવનને ઘણી જ સારી રીતે નજીકથી જોઈ શક્યા હશે એ સમજી શકાય.

આશરે ૨૫-૩૦ વર્ષ પહેલાંની વાત કરું તો હું સ્કૂલમાં હતી ત્યારે મમ્મીના મિત્રો સાથે થયેલી ચર્ચામાં મેં સાંભળેલું કે મુંબઈમાં પહેલાં છોકરાવાળા છોકરીને જોવા આવે ત્યારે છોકરીને અમુક સવાલ પૂછતા : જેમ કે જો તમે રસોડામાં દૂધ ગરમ કરતા હો ત્યારે તમે સાંભળો કે ક્યાંક નળ ખુલ્લો રહી ગયો છે, પાણી ફેંકાઈ રહ્યું છે; ત્યાં જ તમારું બાળક ઊંઘમાંથી ઊઠ્યું અને એકદમ જોરથી રડવા લાગ્યું; ત્યારે જ બેલ વાગે અને બાજુના ગૅસ પર મૂકેલું શાક બળવાની વાસ આવે તો તમે શું કરશો? આ વાતનો જવાબ જેવો મળે એ પ્રમાણે છોકરીની પસંદગી થાય. સ્પષ્ટ છે કે છોકરાવાળા જોવા માગે છે કે છોકરી કેટલી મલ્ટિટાસ્કિંગ છે, કઈ વાતને પહેલું પ્રાધાન્ય આપે છે અને કઈ રીતે સમજદારીથી ચારે તરફ ફેલાયેલા કામને સંભાળે છે. આમ ખૂબ નાની ઉંમરમાં મારું કન્ડિશનિંગ એવું થયેલું કે તમે બે હાથેથી એકસાથે પચાસ કામ સંભાળી શકો તો તમે સારી, હોશિયાર અને પસંદ કરી શકાય એવી સ્ત્રી ગણાઓ. હું માનું છું કે અઢળક સ્ત્રીઓ આ વાત વહેલા-મોડા સમજી જતી હોય છે કે તેણે એકસાથે જીવનમાં ઘણા મોરચાને સંભાળવાના છે.

એ સમયની દીકરીઓ અને મોટી થાય પછી વહુઓનો ઉછેર કંઈક આ પ્રકારનો હતો (દીકરીનો જ નહીં, વહુઓનો પણ ઉછેર થતો હોય છે એ દરેક પરિણીત સ્ત્રીને ખબર છે). રસોઈ અને ઘરનાં કામ તો દીકરીને આવડવાં જ જોઈએ, આટલી તક આપીએ છીએ ત્યારે ભણવું તો જોઈએ જ, કરીઅર તો બનાવવી ખૂબ જરૂરી છે, ઘરનાં ભલે આવડે પણ બહારનાં કામ પણ આજની તારીખે શીખવાં જ જોઈએ, આર્થિક રીતે પગભર થવું જરૂરી છે, ડ્રાઇવિંગ આવડવું જરૂરી છે, નોકરી કરવી જરૂરી છે, કંઈક બનીને બતાવવું જરૂરી છે, પૈસાની સમજ હોવી જોઈએ, લોકોને કઈ રીતે સાચવવા એ આવડવું જોઈએ, પ્રેમથી પરિવારને બાંધીને રાખતાં આવડવું જોઈએ, બાળકનું શ્રેષ્ઠ લાલન-પાલન કરવું જ જોઈએ. આ બધી અપેક્ષાઓ મોટા ભાગની છોકરીઓ પાસેથી તેના પરિવારને હોય જ છે એટલું જ નહીં, છોકરીને ખુદથી પણ એ અપેક્ષા હોય જ છે.

આને તમે કન્ડિશનિંગ કહો કે સ્વભાવ, પણ સ્ત્રીઓને થોડાથી ચાલતું નથી. કહેવાય છેને કે અમને ‘મહાન` બનવાનો શોખ છે. જો સ્ત્રી સારું ગુજરાતી ખાવાનું બનાવતી હોય તો એટલું તેને પૂરતું નથી, તેને કૉન્ટિનેન્ટલ શીખીને પોતાના ઘરના લોકોને ઘરે હોટેલ જેવી ફીલિંગ અપાવડાવવી હોય છે. ઘરના ચાર માણસો માટે તે મહત્ત્વની હોય એટલું પૂરતું નથી, તેને આખા ખાનદાન માટે જાત ઘસીને લોકોનું ભલું કરવું છે. સારી રસોઈ બનાવતી હોય તો એટલું તેના માટે પૂરતું નથી, તેને કાર ચલાવતાં શીખવી હોય છે. જો તે કોઈ કંપનીમાં ટૉપ પોઝિશન પર હોય તો એટલું તેના માટે પૂરતું નથી, તેને એક બેસ્ટ મધર પણ બનવું જ હોય છે. જો તેનાં ઘરમાં વખાણ થતાં હોય કે વહુ તરીકે તે બેસ્ટ છે તો એટલું તેના માટે પૂરતું નથી, તેને તેના બિઝનેસમાં પણ ક્લાયન્ટ્સ પાસેથી એટલાં જ વખાણ સાંભળવાં હોય છે. તે ઘરમાં બચત કરે છે એટલું તેના માટે પૂરતું નથી, તેને શૅરબજાર શીખીને એ બચેલા પૈસાને ચારગણા કરવા હોય છે.

હા, આ સ્ત્રી છે જેના માટે ચાર ઘોડા પર સવાર થવું એ તેની પ્રકૃતિ બની ગઈ છે. પણ આ મલ્ટિટાસ્કિંગને કારણે તેની માનસિક શાંતિ છીનવાઈ રહી છે, તે એક કામ પર ફોકસ નથી કરી શકતી, તે નાની-નાની વાતો ભૂલી રહી છે, દિવસમાં તેને જે પાંચ હજાર નિર્ણયો લેવાના હોય છે એ નિર્ણય લેવાનો તેને થાક લાગી રહ્યો છે, આખો દિવસ તેનાં નેણ ભેગાં થયેલાં હોય છે કારણ કે તેની આજુબાજુ ચાલતું સર્કસ હવે તેને સમજાઈ નથી રહ્યું, તેનાં ડાર્ક સર્કલ થોડાં વધુ ઘેરાં બન્યાં છે, તે વાળને બ્લો ડ્રાય કરાવીને પ્રેઝન્ટેબલ રાખે છે પણ તેને ખબર છે કે એની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી બધું ઘટી રહ્યું છે, જે એકદમ મૃદુભાષી હતી તે હવે ગમે ત્યારે બરાડી ઊઠે છે, જે કામ તે પહેલાં બે મિનિટમાં કરી લેતી એ હવે બે કલાકમાં પણ નથી થઈ રહ્યું, તેને સમજાતું નથી કે તેણે ફેલાવેલું આ તેનું જગત નામનું રાઈતું દરરોજ આટલી મહેનતથી તે સમેટે છે અને પાછું કેમ ફેલાઈ જાય છે.

દેખાય છે, મહેસૂસ થાય છે કે આજની મૉડર્ન સ્ત્રીઓને મલ્ટિટાસ્કિંગનો થાક લાગી રહ્યો છે. હા, અમને બધું જ કરવું છે, બધું જ જોઈએ છે પણ એ મેળવતાં પહેલાં, કરતાં પહેલાં થોડી ખુદ પ્રત્યે સહાનુભૂતિ કેળવી લઈએ. જે વલણ આપણે દુનિયા માટે અપનાવ્યું છે કે ચાલશે, ફાવશે અને દોડશે એ આપણા માટે પણ અપનાવીએ. થોડા સંબંધોને નહીં સાચવી શકાય તો ચાલશે, થોડા પૈસા ઓછા કમાઈશું તો ફાવશે, લાઇફને પર્ફેક્ટ ન બનાવી શકાય તો દોડશે. દર વખતે બીજાની કે ખુદની અપેક્ષાએ ન પહોંચી વળાય તો ચાલશે, કોઈ વખત ઘર અને બહારનું બૅલૅન્સ ખોરવાશે તો ફાવશે, થોડી અચીવમેન્ટ જીવનમાં ઘટી જશે તો દોડશે, મલ્ટિટાસ્કિંગ છોડી એક સમયે એક જ કામ પર ધ્યાન આપી શકાય છે. જો નથી થતાં પચાસ કામ તો પાંચ પણ સારી રીતે કરી શકાય છે. શ્વાસ લઈ શકાય છે. આખરે, હે મૉડર્ન સ્ત્રી! મલ્ટિટાસ્કિંગ કરીને ‘મહાન’ બનવાની પેરવીમાં ભૂલીશ નહીં કે તું એક ‘માણસ’ છે, ‘મશીન’ નહીં. 

columnists exclusive gujarati mid day international womens day