07 April, 2026 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પેઇન્ટિંગ
હજી બહુ જૂની વાત થઈ ગઈ ન કહેવાય. થોડાં જ વર્ષો પહેલાંની વાત છે. દર દિવાળીએ નવું ડટ્ટાવાળું કૅલેન્ડર ઘરની દીવાલ પર સજાવવાનો એક ઉમંગ હતો. લક્ષ્મીજીના ચિત્રવાળા કૅલેન્ડરની સ્વાભાવિક રીતે વધુ ડિમાન્ડ રહેતી. કમળ પણ ઊભેલાં લાલ સાડીવાળાં લક્ષ્મીજી અને ડાબે-જમણે સૂંઢમાં કમળ ફરકાવતા બે હાથીનું ચિત્ર જે અત્યારે મારી કલ્પનામાં ઊપસી રહ્યું છે એ જ તમારી કલ્પનામાં પણ ઊપસતું હશે, કારણ કે લગભગ બધાના ઘરે આ જ ચિત્ર જોવા મળતું. એ રીતે જ સરસ્વતી, ગણપતિ, રાધાકૃષ્ણ વગેરેનાં એકસરખાં જ ચિત્રો જોઈને બે-ત્રણ પેઢીઓ મોટી થઈ છે. એક પેઢીની કલ્પનાની શકુંતલા કે દમયંતી કે સીતા એ જ રૂપરંગમાં બીજી પેઢીએ પણ જોઈ છે. વીણા વગાડતાં શુભ્રવસ્ત્રા ચતુર્ભુજ સરસ્વતીદેવીની બેઠેલી મુદ્રા સૌના મન પર અંકિત થઈ ગઈ છે. સ્વર્ગનાં દેવદેવીઓને આપણા ઘર-ઘરમાં અવતારિત કરનાર હતા મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા.
મુખ્યત્વે રાજાઓના મહેલો માટે વિશાળ ચિત્રો બનાવનારા આ મહાન ચિત્રકારે પછી તો મુંબઈ આવીને સામાન્ય માણસને પરવડે એ માટે ઓલિયોગ્રાફિક પ્રિન્ટ્સ બનાવીને તેમનાં ચિત્રો ઘરે-ઘરે પહોંચાડ્યાં. એમાંથી ‘કૅલેન્ડર આર્ટ’ નામની એક નવી શાખાનો ઉદય થયો જેને કારણે દર દિવાળીએ જાતજાતનાં મનોહર ચિત્રોવાળાં કૅલેન્ડરો આપવા-લેવાની પ્રથા શરૂ થઈ. જર્મનીથી મગાવેલી અદ્યતન મશીનરીથી તેમણે ઉચ્ચ કક્ષાનાં પેઇન્ટિંગ્સ સામાન્ય વર્ગ માટે સુલભ બનાવ્યાં. એમાં પ્રથમ ચિત્ર હતું શકુંતલા-જન્મનું. પછી તો રામાયણ-મહાભારતના પ્રસંગોનાં અનેક ચિત્રો પણ તેમણે બનાવ્યાં. દ્રૌપદી વસ્ત્રહરણ વખતે ચીર પૂરતા કૃષ્ણનું ચિત્ર હજી આંખ સામે તરવરે છે. તેમનાં જટાયુવધ અને ગંગા અવતરણનાં ચિત્રો ચિરંજીવ બની ગયાં છે. સ્વર્ગમાં બિરાજતાં હિન્દુ દેવદેવીઓને ભારતીય દેખાવમાં, દેશી પોશાકમાં તેમણે રજૂ કર્યાં જેને કારણે સૌને એમાં પોતીકાપણું લાગ્યું. ભારતીય નારીનું કુદરતી ગૌરવ અને માન જળવાય એ રીતે તેમણે પુરાણકથાઓને કાગળ પર અવતરિત કરી. જોકે એક વર્ગ એવા મતનો પણ હતો કે ભગવાન આપણા જેવા દેખાવા ન જોઈએ. ગમે તે હોય, જનતાને તો પોતે પહેરે એવી સાડીમાં જ લક્ષ્મીદેવીને જોવાં ગમી ગયાં હતાં.
મહારાજા સયાજીરાવ ત્રીજાના આમંત્રણથી વડોદરાના રાજમહેલ માટે તેમણે રામાયણ અને મહાભારતના પ્રસંગો પર અનેક ચિત્રો બનાવ્યાં, જે આજે લક્ષ્મી વિલાસ પૅલેસની શોભા વધારી રહ્યાં છે. એમાં પુરાણકથાઓ પર આધારિત ૧૪ વિશાળકાય ચિત્રો છે. એવાં જ મોટાં ચિત્રો મૈસૂરના રાજમહેલમાં અને દિલ્હીની આર્ટ ગૅલરીમાં પણ છે. યુરોપિયન વાસ્તવિક શૈલીનો તેમણે ભારતીય શૈલી સાથે વિશિષ્ટ રીતે ઉપયોગ કર્યો. એટલે જ રાજઘરાનાઓમાં તેમની ડિમાન્ડ રહેતી, માન-સન્માન મળતાં રહેતાં. લૉર્ડ કર્ઝનના હસ્તે બ્રિટિશ સરકારે પણ કૈસર-એ-હિન્દ ખિતાબ અને સુવર્ણચંદ્રકથી તેમની કળાની કદર કરી હતી. હકીકતમાં તો ત્યારથી જ તેઓ ‘રાજા’ તરીકે ઓળખાવા લાગ્યા. તેમની લોકપ્રિયતાનું કારણ એ કે તેમણે રંગોને માત્ર કૅન્વસ પર ઉતાર્યા નથી પરંતુ એમને ભારતીય સંસ્કૃતિના શ્વાસ સાથે જીવંત કર્યા છે. પુરાણોના વૈભવ અને નારીસૌંદર્યની મૃદુતાનું કાવ્ય જાણે કૅન્વસ પર કંડાર્યું છે.
તેમને યાદ કરવાનું કારણ આપ સૌ સમજી જ ગયા હશો. તાજેતરમાં જ તેમના ૧૩૦ વર્ષ જૂના એક ચિત્રએ વેચાણના તમામ વિક્રમો તોડ્યા. બાળ કૃષ્ણ અને ગાય દોહતાં માતા જશોદાના આ જીવંત ચિત્રનું સૅફ્રન આર્ટ દ્વારા ઑક્શન કરવામાં આવ્યું. ૮૦-૧૨૦ કરોડના અંદાજિત કિંમતના આ ચિત્રને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના મૅનેજિંગ ડિરેક્ટર સાયરસ એસ. પૂનાવાલાએ ૧૬૭.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યું. આવી ઘટના સામે મારા-તમારા જેવા સામાન્ય માનવીનો પહેલો પ્રતિભાવ એ હોય કે એક પેઇન્ટિંગની આટલી બધી કિંમત? પછી બીજો પ્રશ્ન એ થાય કે શું આ માત્ર એક ચિત્રની કિંમત છે કે સંપત્તિનું પ્રદર્શન? આજના સમયમાં કલા એક ઇન્વેસ્ટમેન્ટ બની ગઈ છે. સ્ટૉકમાર્કેટમાં જેમ શૅર ખરીદાય એમ આર્ટ પણ હવે ખરીદાય છે. એટલું જ નહીં, ઍસેટ્સ (સંપત્તિ) તરીકે બૅલૅન્સશીટમાં બતાવાય પણ છે. ઉદ્યોગપતિઓ અને કલેક્ટર્સ માટે આ એક સ્ટેટસ સિમ્બૉલ બની ગયું છે. તેથી આ કિંમત વાંચીને ગૌરવની લાગણી થતી નથી, કારણ કે આપણા સમાજને અસ્વસ્થ કરી મૂકે એવું એક સત્ય એમાં ઉજાગર થઈ રહ્યું છે. કલા શું લક્ઝરી બની રહી છે? રાજા રવિ વર્માના ઉદાત્ત હેતુની વિરુદ્ધ દિશામાં આ નથી થઈ રહ્યું? ખાનગી સંગ્રહમાં જતી ધરોહર મૂલ્યવાન થઈ કે એનું અવમૂલ્યન થયું?
આ એપ્રિલ મહિનામાં જ તેમનો જન્મદિવસ આવે છે એ કેવો યોગાનુયોગ. ૧૮૪૮ની ૨૯ એપ્રિલે કિલિમાનૂર ખાતે એ વખતના ત્રાવણકોર રાજ્ય (આજનું કેરલમ)માં તેમનો જન્મ. અનેક માન-અકરામ મેળવનારા આ પ્રતિભાવંત ચિત્રકારનું માત્ર ૫૮ વર્ષની ઉંમરે ૧૯૦૬ની બીજી ઑક્ટોબરે મૃત્યુ થયું; પણ યુગો-યુગો સુધી તેમનું નામ પૃથ્વી જ નહીં, પૃથ્વીની બહાર પણ અમર રહેશે કારણ કે મર્ક્યુરી (બુધ) ગ્રહની સપાટી પરના એક ક્રૅટર (ખાડા)ને ‘વર્મા ક્રૅટર’ નામ અપાયું છે. ૫૦૦૦થી વધુ પેઇન્ટિંગ્સનો સમૃદ્ધ વારસો મૂકી જનારા રાજાનું છેલ્લું ચિત્ર હતું ‘કાદંબરી’ અને અધૂરા રહી ગયેલા એક ચિત્રનું નામ છે ‘પારસી નારી’.
બાય ધ વે, તમને ખબર છે કે આપણા કેતન મહેતાએ તેમના જીવન પર ‘રંગરસિયા’ (૨૦૧૪) નામની એક ફિલ્મ રણદીપ હૂડા અને નંદના સેનને લઈને બનાવી હતી? તો તેમના ‘ઉર્વશી અને પુરુરવા’ નામના ચિત્રની આસપાસ એક રોમૅન્ટિક કથાને તેમની જિંદગી સાથે વણીને ‘મકરમંજુ’ (૨૦૧૧) નામની મલયાલમ ફિલ્મ પણ બની છે. ઉપરાંત ‘ચિત્રાંગદા’ નામની કન્નડ ફિલ્મને કારણે તેમની આખી જિંદગી કચકડે અમર થઈ ગઈ છે.
તમારા ઘરમાં લક્ષ્મીજીનું એ ચિત્ર ચોપડામાં કે પૂજાના સ્થળે કે ક્યાંક ને ક્યાંક તો હશે જ. જરા ખાંખાંખોળા કરશો તો ધનલાભ જરૂર થશે.