વારુ ત્યારે કહો જોઈએ, વાંચવું સારું કે પછી દૃશ્ય જોવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય?

04 December, 2022 10:06 AM IST  |  Mumbai | Manoj Joshi

ખરેખર શું સારું, વાંચવું કે જોવું? મારો જવાબ છે વાંચવું અને આવું હું માનું છું એની પાછળ મારું પોતાનું લૉજિક પણ છે અને એ લૉજિકના આધારે જ કહું છું કે વાંચવાથી કલ્પનાશક્તિ એટલે કે ઇમેજિનેશન ખીલે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હમણાં આ જ વિષય પર દલીલ થઈ અને એ તાર્કિક દલીલના અંતે યંગસ્ટર પાસેથી એવું સાંભળ્યું કે આ વિઝ્‍યુઅલનો જમાનો છે સર. એની જ ડિમાન્ડ રહે. મળેલા એ જવાબની સાથે જ મનમાં પ્રશ્ન પણ જન્મ્યો કે વાંચવું સારું કે પછી ફિલ્મ, ટીવી કે મોબાઇલ પર ભાતભાતના વિડિયો જોવા સારા? આ સવાલ સાથે પેટાસવાલ પણ મનમાં આવ્યો, નૉલેજ શાને લીધે વધે, વાંચવાથી કે જોવાથી?
આમ જોવા જઈએ તો આ સવાલના બે જવાબ હોઈ શકે. જો કોઈ વાંચનનો શોખીન હોય તો એ એવું કહી દે કે વાંચવું જ લાભદાયી છે અને જો કોઈ ફિલ્મ કે ટીવીનો શોખીન હોય તો એ એવું કહી દે કે નૉલેજ વધારે એવા શો જુઓ તો ટીવી કે ફિલ્મ જોવામાં કંઈ ખોટું નથી. દ્વિધા ઊભી કરનારી વાત છે આ. શું સારું. જો તમે જૂની સ્કૂલના સ્ટુડન્ટ હો તો જવાબ છે રીડિંગ અને જો તમે નવી જનરેશન સાથે જોડાયેલા હો અને ન્યુ સ્કૂલ સાથે બેસનાર વ્યક્તિ હો તો જવાબ છે વૉચિંગ, પણ સત્ય હંમેશાં એક હોય છે, એક વાત સાચી અને બીજી વાત ખોટી. આ બે સિવાય જગતમાં ક્યારેય કોઈ જવાબ હોતા નથી અને હોઈ પણ ન શકે. મિત્રો, ખરેખર શું સારું, વાંચવું કે જોવું? મારો જવાબ છે વાંચવું અને આવું હું માનું છું એની પાછળ મારું પોતાનું લૉજિક પણ છે અને એ લૉજિકના આધારે જ કહું છું કે વાંચવાથી કલ્પનાશક્તિ એટલે કે ઇમેજિનેશન ખીલે છે.
સમજાવું તમને.
જ્યારે તમે વાંચો છો ત્યારે તમારી આંખ સામે માત્ર અને માત્ર કાળા અક્ષર છે અને એના સિવાય બીજું કાંઈ નથી. આ કાળા અક્ષર વચ્ચે તમે વાંચવાનું શરૂ કરો છો એટલે તમારી નજર સામે એક આભાસી પિક્ચર ઊભું થવું શરૂ થાય છે અને એ આભાસી પિક્ચર વચ્ચે તમે એ લોકેશનનો અંદાજ બાંધવાનું શરૂ કરો છો, ત્યાર પછી તમારી આંખ સામે એ બધાં કૅરૅક્ટર આવવાનું શરૂ થાય છે અને એ કૅરૅક્ટર આવીને પોતપોતાની રીતે ડાયલૉગ્સ બોલવાનું શરૂ કરશે, એકબીજા સાથે સંવાદ કરશે. આ કૅરૅક્ટર કેવાં હશે, તેનો દેખાવ કેવો હશે અને તેની બીજી કઈ-કઈ શારીરિક ખાસિયતો હશે એ તમે નક્કી કરશો એટલે એ રીતે તમે કાસ્ટિંગ ડિરેક્ટરની ભૂમિકામાં આવી ગયા. તમારા મનથી તૈયાર થયેલી એ કાસ્ટ કેવી રીતે ઍક્ટિંગ કરશે અને કેવા આઘાત-પ્રત્યાઘાત આપશે એ પણ તમે જ નક્કી કરો એટલે એ રીતે થયા તમે ડિરેક્ટર અને તમારી નજર હવે એ જ રીતે ચાલતી રહેશે. ક્યાંક તમને એવું મન થશે કે આ વાર્તામાં આવું થવાને બદલે પેલું થયું હોત તો સારું હોત અને પેલું થયું એને બદલે જો ફલાણું થયું હોત તો સારું હોત, એટલે એ રીતે તમે થયા સ્ક્રિપ્ટ ડૉક્ટર અને આમ તમારી વાંચન સાથેની જર્ની ચાલતી રહે છે અને તમારી વિઝ્‍યુઅલ સેન્સ ડેવલપ થાય છે, પણ વાત જ્યારે જોવાની આવીને ઊભી રહે ત્યારે તમે માત્ર ઑડિયન્સ હો છો અને તમે દર્શક બનીને રહી જાઓ છો. એ સમયે બધું કાનમાં આવે છે, પણ એનાથી આગળ કંઈ નહીં. કહેવાનો સીધો અર્થ એટલો જ કે યાદ રહે કે જોવાથી માત્ર આંખને સંતોષ મળે, એનાથી આંતરિક વિકાસ નથી થતો.

columnists manoj joshi