લાઇક્સ વિના સૂનો સંસાર

11 June, 2021 01:29 PM IST  |  Mumbai | Varsha Chitaliya

સોશ્યલ મીડિયા પર મોટા ભાગે લાઇક્સ મેળવવાની હોડમાં જ શૅરિંગ વધુ થતું હોય છે ત્યારે સોશ્યલ મીડિયામાંથી લાઇક્સની બાદબાકી સંભવ છે ખરી?

પ્રતીકાત્મક તસવીર

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાંથી લાઇકના બટનને હાઇડ કરવાનો ઑપ્શન થોડા દિવસ પહેલાં જ શરૂ થયો છે. સોશ્યલ મીડિયા પર મોટા ભાગે લાઇક્સ મેળવવાની હોડમાં જ શૅરિંગ વધુ થતું હોય છે ત્યારે સોશ્યલ મીડિયામાંથી લાઇક્સની બાદબાકી સંભવ છે ખરી? આ નવા આવેલા ફીચર માટે યુવા પેઢીનાં રીઍક્શન જાણવા વર્ષા ચિતલિયાએ કેટલાક યંગસ્ટર્સ સાથે વાત કરી તો શું જાણવા મળ્યું એ રસપ્રદ છે

પોસ્ટ શૅર કરવાનો ક્રેઝ ખતમ થઈ જાય

પબ્લિકને તમારી ફેસબુક અને ઇન્સ્ટા પોસ્ટ ગમી કે નહીં એ જોવા માટેનો ઑપ્શન છુપાવી દેવાથી ફોટો શૅર કરવાની મજા ખતમ થઈ જશે એવો અભિપ્રાય આપતાં દાદરની મૈત્રી સંઘવી કહે છે, ‘લાઇક્સ બટનને કારણે લોકોને આ પ્લૅટફૉર્મનું આકર્ષણ છે. ફોટો અપલોડ કર્યા પછી યંગ જનરેશન દર દસ મિનિટે પેજ ઓપન કરીને જોઈ લેતી હોય છે કે લાઇક્સ કેટલા થયા. આ બાબત અંદરોઅંદર ચર્ચા પણ થતી હોય છે. ઘણીબધી લાઇક્સથી ખુશી મળે છે તો ઘણા લોકો ઓછી લાઇક્સ મળવાને લીધે નિરાશ પણ થઈ જાય છે. આ ફીચરનો ઉપયોગ કરવો કે નહીં એ પર્સનલ ચૉઇસ છે. જેમને કૉમ્પિટિશનમાં રહેવું છે એ લોકો ઉપયોગ કરવાના છે. સોશ્યલ મીડિયા એવું પ્લૅટફૉર્મ છે જ્યાં મોટા પાયે બિઝનેસ પ્રમોશન થાય છે. પ્રોડક્ટ્સના રિવ્યુ અને પબ્લિક રિસ્પૉન્સ માટે લાઇક્સ ઉપરાંત કમેન્ટ્સ પણ મહત્ત્વની છે. મારા મતે નવા ફીચરનો ઉપયોગ કોઈ કરવાનું નથી.’

લાઇક્સ બટન વગર ફોટોશૂટ શું કામનું?

યંગ જનરેશનમાં ઇન્સ્ટાગ્રામ પેજનો જબરદસ્ત ક્રેઝ છે. હું પણ ગીતો અને ફોટો પોસ્ટ કરું છું. જો લાઇક્સ અને ઇનબૉક્સ કમેન્ટ્સ હાઇડ કરવામાં આવે તો આ પ્લૅટફૉર્મનો કોઈ મતલબ રહેતો નથી એવો મત વ્યક્ત કરતાં જોગેશ્વરીનો ટ્વેલ્થનો સ્ટુડન્ટ પ્રથમ પૂજ કહે છે, ‘સૉન્ગ શૅર કરું અને ખબર જ ન પડે કે કેટલા લોકોને મારી પોસ્ટ ગમી છે તો ફરી શૅર કરવાનું મન ન થાય અને ધીમે-ધીમે પોસ્ટ ઓછી થતી જાય. લાઇક બટન તો મહત્ત્વનું છે. એના કારણે ફૉલોઅર્સ અને સબસ્ક્રાઇબર્સની સંખ્યાનો અંદાજ આવે છે. નવાં ફીચર્સથી ફોટોગ્રાફીનો ક્રેઝ પણ ઘટી જશે. સોશ્યલ મીડિયા પોસ્ટ માટે લોકો ખાસ ફોટોશૂટ કરાવે છે. સેલિબ્રિટીઝ તો એ માટે પૈસા પણ ખર્ચે છે. વાસ્તવમાં આ પ્લૅટફૉર્મ તમારી પૉપ્યુલરિટીનું ઇન્ડિકેટર હોવાથી લાઇક બટનને હાઇડ ન કરવું જોઈએ.’

નવા ફીચરથી ગાડરિયો પ્રવાહ અટકશે

વ્યક્તિગતરૂપે સોશ્યલ મીડિયા પ્રત્યે હું તટસ્થ છું, લાઇક્સ ગમતી હશે તેઓ બટનનો ઉપયોગ કરશે અને જેને ફરક નથી પડતો એ લોકો હાઇડ કરશે એવો સરળ જવાબ આપતાં ઘાટકોપરની ડાન્સર અને યોગ ઇન્સ્ટ્રક્ટર દિયા અનમ કહે છે, ‘સોશ્યલ મીડિયાની લાઇક્સને મહત્ત્વ આપવાની જરૂર નથી. લોકપ્રિયતાને લાઇક્સની સંખ્યા સાથે જોડી દેનારી યુવા પેઢીએ ટોળાના ગાડરિયા પ્રવાહને સમજવાં જોઈએ. આ પ્લૅટફૉર્મ પર કેટલા લોકો તમને પસંદ કરે છે અથવા તમારા માટે શું અભિપ્રાય ધરાવે છે એ જાણવાથી પર્સનલ ગ્રોથ નથી થવાનો. સોશ્યલ મીડિયાની પ્રશંસા અને વાસ્તવિક જીવન વચ્ચેની રેખા સ્પષ્ટ થાય એ માટે લાઇક્સનું બટન હાઇડ કરવાના ફીચરને હું વેલકમ કરું છું. લાઇક્સ-ડિસલાઇક્સને ધ્યાનમાં રાખીને પોસ્ટ કરવાની જરૂર ન રહેતાં રિયલ આર્ટિસ્ટિક પોસ્ટ જોવા મળશે અને દેખાદેખીમાંથી બહાર નીકળવામાં મદદ મળશે.’

લાઇક્સ મળે એ ગમે, પણ સંખ્યા મહત્ત્વની નથી

સોશ્યલ મીડિયા પર તમારી પોસ્ટને લાઇક્સ મળે કે ન મળે, પરંતુ પબ્લિકને દેખાવાની હોવાથી સમજી-વિચારીને શૅર કરવું જોઈએ એવો જવાબ આપતાં વસઈનો ટીનેજર ધ્રુવ રાજા કહે છે, ‘મારા માટે સોશ્યલ મીડિયા ટાઇમપાસનું સાધન છે. ફેસબુક પર મારા માંડ બસો જેટલા ફ્રેન્ડ્સ છે. એમાંથી અડધોઅડધ લોકો મારી પોસ્ટને લાઇક કરે છે. પબ્લિક પ્લૅટફૉર્મ પર સારો લાગે એવો ફોટો શૅર કરવાની તકેદારી ચોક્કસ રાખું છું. જોકે લાઇક્સ બટનને હાઇડ કરવાની જરૂર લાગતી નથી, કારણ કે પ્રશંસકોની સંખ્યાથી મને ફરક પડતો નથી. ટીનેજર્સમાં લાઇક્સ માટે પાગલપંતી જોવા મળે છે ખરી. મારો એક ફ્રેન્ડ ઇન્સ્ટાગ્રામ પર ફૉલોઅર્સ વધારવા રીતસર ધમપછાડા કરે છે. ફૉલોઅર્સ નહીં બઢ રહે, ક્યા કરું? કૈસી પોસ્ટ શૅર કરું? આવા સવાલો તે પૂછ્યા કરે. સોશ્યલ મીડિયામાં ક્રેઝી બનો તો ડિપ્રેશન આવે, અન્યથા પચાસ લાઇક્સ પણ ખુશી આપે છે.’

નિષ્ણાત શું કહે છે?

સોશ્યલ મીડિયાની લાઇક્સ સંદર્ભે વાત કરતાં ઘાટકોપરનાં સાઇકિયાટ્રિસ્ટ અને કાઉન્સેલર ડૉ. દીપ્તિ શાહ ગડા કહે છે, ‘મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી લોકોની પ્રશંસા જીવનમાં મહત્ત્વ રાખે છે. તમે કોઈ પણ ઍક્ટિવિટી કરો છો એમાં લોકોની લાઇક્સ અથવા સોશ્યલ અપ્રૂવલ મળવાથી સેલ્ફ-એસ્ટીમમાં વધારો થાય છે. વાસ્તવમાં આપણને બધાને એની જરૂર છે. જોકે સોશ્યલ મીડિયા પોસ્ટ પર બધું આર્ટિફિશિયલ લાગે છે. આ પ્લૅટફૉર્મને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે પ્રશંસાની સરખામણી થવા લાગે છે. વ્યક્તિ બીજાની અને ક્યારેક પોતાની જુદી-જુદી પોસ્ટ પર મળેલી ઓછી-વધુ લાઇક્સની તુલના કરવા લાગે છે. વધારે ફૉલોઅર્સ હોવા જોઈએ એવો ટ્રેન્ડ બની જતાં ટીનેજર્સ અને યંગ ઍડલ્ટના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ છે. યંગ જનરેશનમાં લાઇક્સના કારણે મેન્ટલ ડૅમેજ થવાનું કારણ છે આઇડેન્ટિટી ફૉર્મેશનની એજ. અત્યાર સુધી પેરન્ટ્સના નામથી ઓળખાતી પેઢી જ્યારે પોતાના અસ્તિત્વની ઓળખ ઊભી કરવાની દિશામાં ડગ માંડે છે ત્યારે સોશ્યલ મીડિયાની લાઇક્સ તેના માટે મહત્ત્વની બની જાય છે. ઓછી લાઇક્સ અને નેગેટિવ કમેન્ટ્સ તેને ઘાયલ કરે છે. કેટલાક કેસમાં તે એક્સ્ટ્રીમ સ્ટેપ પર પહોંચી જાય છે. આઇડેન્ટિટી ફૉર્મેશનની એજમાં રાઇટ અપ્રૂવલ અગત્યનું છે, પરંતુ સોશ્યલ મીડિયાને કારણે કૉમ્પ્લિકેટેડ બની ગયું છે. ઇમેજિનરી વર્લ્ડનો જે ક્રેઝ છે એને લીધે સૉલિડ ફાઉન્ડેશન થતું નથી. જોકે લાઇક્સ બટનને હાઇડ કરવાનું ફીચર્સ માર્કેટિંગ ગિમિકથી વિશેષ કંઈ નથી. સમજદાર યુવાનોને લાઇક્સની સંખ્યાથી ફરક પડતો નથી અને જે કાલ્પનિક દુનિયાથી પ્રભાવિત છે તેઓ લાઇક બટનને હાઇડ કરે એ વાતમાં કોઈ દમ નથી.’

columnists Varsha Chitaliya