ઘરમંદિરમાં મૂર્તિ સારી કે ફોટોગ્રાફ?

14 April, 2024 01:21 PM IST  |  Mumbai | Chandrakant Sompura

૧૦૦ ટકા મૂર્તિ જ સારી, પણ એ ક્યાં બની છે અને કેવી રીતે એનું સર્જન થયું છે એ પણ એટલું જ મહત્ત્વનું છે

પ્રતીકાત્મક તસવીર

મોટા ભાગનાં ઘરમંદિરોમાં લોકો પોતાના ઇષ્ટદેવનો ફોટો કે પછી નાનકડી પ્રતિમા રાખતા હોય છે. જો શક્ય હોય તો ઘરના મંદિરમાં મૂર્તિ જ રાખવી જોઈએ અને એ મૂર્તિ માટે પણ કહીશ કે શક્ય હોય તો એ માર્બલની મૂર્તિ રાખવી જોઈએ. જે માર્બલમાંથી મૂર્તિ બની હોય એ માર્બલમાં કાળી ઝાંય કે પછી બીજી કોઈ ડસ્ટનું પ્રમાણ ન હોય એ પણ જોવું જોઈએ. નરી આંખે દેખાય એ પ્રકારે તો એમાં કાળાશ ન જ હોવી જોઈએ. માર્બલના અંદરના ભાગમાં ક્યાંય કાળું ધાબું છે કે નહીં એ ચેક કરવાના રસ્તાઓ છે. એક તો મૂર્તિને સૂર્યની સામે રાખવામાં આવે તો અંદર રહેલો મેલ દેખાઈ આવી શકે અને ધારો કે સૂર્યપ્રકાશ સુધી તમે મૂર્તિને લઈ જઈ નથી શકતા તો ટૉર્ચના પ્રકાશથી પણ માર્બલમાં રહેલો મેલ ચકાસી શકાય છે. માર્બલની એકદમ પાસે ટૉર્ચનો પ્રકાશ રાખો તો એ માર્બલની આરપાર નીકળે છે પણ જે જગ્યાએ એ પ્રકાશ દબાઈ જાય એ જગ્યાએ એમાં ડસ્ટ છે એવું ધારી શકાય. જો શક્ય હોય તો એવી મૂર્તિ ઘરમાં પધરાવવી નહીં. આ પ્રકારનો ડસ્ટવાળો માર્બલ શક્ય હોય તો કિચનના પ્લૅટફૉર્મમાં પણ વાપરવો ન જોઈએ.

હવેના સમયમાં કિચનમાં કાળા કલરના ગ્રેનાઇટનો વપરાશ બહુ વધ્યો છે પણ શિલ્પશાસ્ત્ર કાળા કલરના પ્લૅટફૉર્મની ના પાડે છે. ફ્લૅટ બનતો હોય એવા સમયે જો ખબર પડી જાય કે કાળા કલરનું પ્લૅટફૉર્મ મળવાનું છે તો વધારાના પૈસા ખર્ચીને પણ વાઇટ કલરનું પ્લૅટફૉર્મ બનાવડાવવું. જો વાઇટ કલર ન ગમતો હોય તો ગ્રીન માર્બલ કે ગ્રેનાઇટ પણ ચાલી શકે, પણ બ્લૅક પ્લૅટફૉર્મ વાપરવું હિતાવહ નથી.

ઘરમંદિરની વાત પર ફરી આવીએ તો મંદિરમાં ફોટોગ્રાફ રાખવાનું ટાળવું જોઈએ; કારણ કે પેપરના ફોટોગ્રાફને હવામાન, દીવાબત્તીના તાપની અસર થતી હોય છે એટલે એનું આયુષ્ય લાંબું હોતું નથી. જો ફોટોગ્રાફ જ રાખવો હોય કે પછી રાખવો પડે એમ હોય તો એ ફોટોગ્રાફ ક્યારેય એમ જ રાખવો નહીં, એને ફ્રેમ કરાવીને જ મંદિરમાં મૂકવો. આ જે ફ્રેમ કરાવો એમાં પણ એક વાતનું ધ્યાન રાખવું. એ વુડની જ કરાવવી.

ઘરમંદિરમાં શક્ય હોય ત્યાં સુધી ત્રણ પ્રકારના મટીરિયલનો ઉપયોગ ટાળવો. પ્લાસ્ટિક, લોખંડ અને ઍલ્યુમિનિયમનો ઉપયોગ કરવો નહીં. ઘણા ઘરમંદિરમાં આ મટીરિયલમાંથી બનેલી મૂર્તિ પણ રાખતા હોય છે, પણ એ રાખવાને બદલે પ્રયાસ કરવો કે પંચધાતુની મૂર્તિ રાખવામાં આવે. મૂર્તિની બાબતમાં હજી પણ એક સૂચન કરવાનું. ઘરમંદિરમાં કે પછી ઘરમાં ક્યાંય પણ ભગવાનની મૂર્તિ રાખતા હો તો એ મૂર્તિ અંદરથી હોલો એટલે કે ખાલી ન હોવી જોઈએ. જગતમાં એક પણ ભગવાનની મૂર્તિને અંદરથી ખાલી રાખવામાં નથી આવતી. મૂર્તિ અંદરથી ભરેલી જ હોવી જોઈએ. ધારો કે ઘરમાં કોઈ એવી મૂર્તિ હોય અને તમારી એ મૂર્તિ પ્રત્યે પુષ્કળ આસ્થા હોય તો મૂર્તિના અંદરના ભાગમાં પંચધાતુ ભરાવી લેવી જોઈએ અને એ શક્ય ન હોય તો મૂર્તિની નીચેના ભાગથી એમાં વૅક્સ ભરી લેવું જોઈએ.

ઘરમંદિર આખા ઘરની સૌથી પૉઝિટિવ એનર્જી ધરાવતું સ્થાન છે એટલે મહત્તમ સમય એનાં દ્વાર ખુલ્લાં રહે એ જોવું જોઈએ તો સાથોસાથ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે માઠા પ્રસંગોએ એ દ્વાર બંધ પણ કરવામાં આવે. મંદિરની નિયમિત સાફસફાઈ થાય એ પણ બહુ જરૂરી છે. ખાસ કરીને માઠા પ્રસંગમાંથી બહાર નીકળ્યા પછી કે પછી ગ્રહણ જેવા યોગોમાંથી પસાર થયા પછી. એવું ન માનવું કે એ સાફસફાઈ શહેરનાં મંદિરો માટે જ જરૂરી હોય છે. ઘરમંદિરને પણ એ વાત લાગુ પડે છે.

ઘરમંદિરની સફાઈ કરવામાં જો ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે તો અતિઉત્તમ. ધારો કે ગંગાજળ ન હોય તો ગૌમૂત્રથી પણ ઘરમંદિરની સફાઈ થઈ શકે છે. ભગવાનની મૂર્તિની સફાઈ થતી હોય એ દરમ્યાન પણ એ મૂર્તિને જમીન પર સીધી મૂકવી નહીં. નીચે ચોખ્ખું પાથરણું કે પછી થાળ રાખવો અને એમાં જ મૂર્તિ મૂકવી. ઘરમંદિરની સફાઈ પછી જે પાણી વધે એ પાણીને ફેંકવાને બદલે એ પાણી છોડ કે ઝાડને પીવડાવવું જોઈએ. જો એવી સુવિધા ન મળે તો એ પાણી ગાયને પણ પીવડાવી શકાય છે.

એક ખાસ વાત, ઘરમંદિરમાં ક્યારેય જૂના દોરા-ધાગા કે રાખડીઓનો ભરાવો ન થવા દેવો. સમયાંતરે એનો નિકાલ કરતા રહેવું અને એને પાણીમાં પધરાવતા રહેવું. જો પાણીની સુવિધા ન મળે તો એ દોરાધાગાને પ્લાન્ટના કૂંડામાં પણ મૂકી શકાય છે પણ એવું કરતાં પહેલાં એમાં જો કોઈ પ્લાસ્ટિક કે મેટલની સામગ્રી હોય તો એ કાઢી લેવી જેથી પ્લાન્ટને નુકસાન ન થાય.

columnists gujarati mid-day