અમેરિકાનાં રીજનલ સેન્ટરોએ નાદારી નોંધાવીને રોકાણકારોના પૈસા ડુબાડ્યા છે?

09 June, 2023 04:01 PM IST  |  Mumbai | Dr. Sudhir Shah

જો રોકાણ કરવામાં જોખમ હોય તો રોકાણ શા માટે કરવું જોઈએ? અમેરિકાની સરકારે આવો જોખમી ઈબી-૫ પ્રોગ્રામ શા માટે ઘડ્યો?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

એવું સાંભળવા મળ્યું છે કે અમેરિકામાં આવેલાં અનેક રીજનલ સેન્ટરોએ નાદારી નોંધાવી છે અને રોકાણકારોના પૈસા ડુબાડી દીધા છે. શું આ વાત સાચી છે?

અમેરિકાના એમ્પ્લૉયમેન્ટબેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ કૅટેગરી, જેને આપણે સૌ ટૂંકામાં ઈબી-૫ પ્રોગ્રામ કહીએ છીએ, એ ‘ઍટ રિસ્ક’ એટલે કે ‘જોખમભર્યો’ છે. દરેકેદરેક રોકાણકારને એ વાતની જાણ કરવામાં આવે છે. તેઓ રીજનલ સેન્ટર જોડે જે ઍગ્રીમેન્ટ કરે છે એમાં પણ ચોખ્ખેચોખ્ખું જણાવવામાં આવે છે કે રોકાણકારનાં રોકાણ કરેલાં નાણાં ‘ઍટ રિસ્ક’ એટલે કે ‘જોખમમાં’ છે. તમે નવા બિઝનેસમાં ન્યુ કમર્શિયલ એન્ટરપ્રાઇઝમાં રોકાણ કરો છો એટલે એ વાતનું તો તમને સામાન્ય જ્ઞાન હોવું જોઈએ કે બિઝનેસમાં નફો થઈ શકે અને નુકસાની પણ જઈ શકે. અમેરિકામાં આજે સેંકડો રીજનલ સેન્ટરો છે અને એ બધાં જ સારા હેતુથી કોઈ ખાસ પ્રોજેક્ટ જે હાથમાં લીધો હોય એ પૂરો કરવાના મક્સદથી જ ખોલવામાં આવે છે. એમાંનાં એકાદ-બે રીજનલ સેન્ટરોના પ્રમોટરો બદમાશ નીકળી છે, છેતરપિંડી આચરે છે અને રોકાણકારોના પૈસા ઓહિયાં કરીને નાદારી નોંધાવીને હાથ ઊંચા કરી દે છે. એવું જોવા મળ્યું છે કે પૂરતી જાંચતપાસ કરી હોય, ડ્યુડિલિજન્સ કર્યું હોય અને સઘળું વ્યવસ્થિત લાગતું હોય તો પણ અચાનક રીજનલ સેન્ટરના પ્રમોટરો છેતરપિંડી આચરે છે, નાદારી નોંધાવે છે અને રોકાણકારોના પૈસા ખાઈ જાય છે. આવા થોડાઘણા કિસ્સાઓ જરૂરથી બન્યા છે એટલે જ રોકાણકારોએ રોકાણ કરતાં પહેલાં દસ વાર વિચાર કરવો જોઈએ. રીજનલ સેન્ટર અને પ્રમોટરો વિશે પૂરતી જાણકારી મેળવવી જોઈએ અને પછી એ વાત ખ્યાલમાં રાખીને કે તેમની રોકાણની રકમ જોખમમાં છે રોકાણ કરવું જોઈએ. આમ જુઓ તો તમારે કંઈ પણ કાર્ય કરવાનું હોય તો એમાં રિસ્ક તો લેવું જ પડે છે, પણ જો સમજી-વિચારીને અને પૂરતી જાંચતપાસ કરીને રીજનલ સેન્ટરની પસંદગી કરવામાં આવે તો તમારી રોકાણની રકમ સુરક્ષિત રહેશે. બાકી કોનું નસીબ ક્યારે ફૂટી જાય એ કહેવું મુશ્કેલ છે. ચેતતો નર સદા સુખી.

જો રોકાણ કરવામાં જોખમ હોય તો રોકાણ શા માટે કરવું જોઈએ? અમેરિકાની સરકારે આવો જોખમી ઈબી-૫ પ્રોગ્રામ શા માટે ઘડ્યો?

અમેરિકાની સરકારે જે ઈબી-૫ પ્રોગ્રામ ઘડ્યો છે એ એક ખૂબ જ સારો પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામને લીધે પરદેશીઓને રોકાણ કરતાં ગ્રીનકાર્ડ પ્રાપ્ત થાય છે, અમેરિકાને પરદેશનાં નાણાં મળે છે અને અમેરિકન સિટિઝનોને નોકરી મળે છે. એટલે અમેરિકાની સરકારે ઈબી-૫ પ્રોગ્રામ સારા હેતુથી જ શરૂ કર્યો છે, પણ અમુક રીજનલ સેન્ટરના પ્રમોટરો ગેરરીતિ આચરે છે, છેતરપિંડી કરે છે અને નાદારી નોંધાવીને રોકાણકારોના પૈસા ડુબાડે છે. આમાં અમેરિકાની સરકારનો કંઈ જ વાંક નથી.

columnists united states of america