09 November, 2025 03:37 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
ફલાણા ઢીંકણા ભાઈ (ઉંમર વર્ષ ૨૦૨૫), તે નવા યુગના પુત્ર, ટેક્નૉલૉજીના પિતા, વ્યસ્તતાના પતિ પ્રભુશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી અને તમામ લૌકિક વ્યવહાર બંધ છે.
ઉપરની ટૂંકી કાલ્પનિક મરણનોંધ વાંચીને નવાઈ લાગી? હવેના સમયમાં મોટા ભાગની મરણનોંધમાં લૌકિક વ્યવહાર બંધ અને પ્રાર્થનાસભા નથી એવું જોવા મળશે. આ પરંપરા ઉત્તમ હોઈ શકે છે યા હતી, પણ હવે ધીમે-ધીમે બંધ થવા લાગી છે જેના પ્લસ-માઇનસ પૉઇન્ટ બન્ને સમજવા પડે. બન્ને પક્ષે દલીલ થઈ શકે, પરંતુ આપણે દલીલબાજીમાં ઊતરવા કરતાં પ્રાર્થનાસભામાં હવે શું થવા લાગ્યું છે એ જોઈએ.
જેમના સ્વજનનું અવસાન થાય છે એ પરિવાર તેનાં તમામ સગાંસંબંધી, મિત્રો વગેરે એક જ સ્થળે એકસાથે એ પરિવારજનોને મળી શકે એ હેતુથી પ્રાર્થનાસભા યોજાય છે. અન્યથા લોકો અલગ-અલગ દિવસે, જુદા-જુદા સમયે ઘરે મળવા આવતા રહે, જેમાં પરિવારજનોને વધુ તકલીફ પડે. વાત તો સાચી લાગે. બાય ધ વે, સ્વજનની વિદાયનું ખરું દુઃખ કોને હોય છે? માત્ર પરિવારના ગણ્યાગાંઠયા સભ્યોને હોય. માંડ ચાર-પાંચ જણ આવા હોઈ શકે. ઘણા કિસ્સામાં તો એક-બે જણ જ હોય. જોકે પ્રાર્થનાસભા રિવાજ મુજબ રાખવી પડે. આ સભામાં હાજર રહેનારા મોટા ભાગના નહીં જઈએ તો ખરાબ દેખાશે, માઠું લાગશે, વ્યવહારમાં જવું પડે, નહીંતર ઘરે જવું પડશે વગેરે કારણોને લીધે હાજર રહે છે.
હવેના સમયમાં પ્રાર્થનાસભામાં હાજર રહેતા મોટા ભાગના લોકો દૂર બેસીને મોબાઇલમાં વૉટ્સઍપ કે મેઇલ પર ચૅટ કર્યા કરે છે. ઘણા વળી મોબાઇલ પર ધીમે-ધીમે વાતો કરે, ઘણા સોશ્યલ મીડિયામાં રત. અનેક લોકો માટે તો આ પ્રસંગ ગેટ-ટુગેધર જેવો બની જાય છે, પ્રાર્થનાસભામાં પરિવારજનો બધાને તેમના ચહેરા ગંભીર દેખાય એમ બેથી અઢી કલાક માટે ફ્રન્ટમાં ગોઠવાઈ જાય છે. આવનારા લોકો માટે ભજનો-ગીતો ચાલતાં રહે છે, જેમાં બહુ ઓછા લોકોને રસ હોય છે. ઘણા તો એમ પણ કહે કે આ બધા ખર્ચા કરવા કરતાં સમાજના જરૂરતમંદ વર્ગ માટે આ નાણાં વપરાય તો સદ્ગતના આત્માને વધુ ગમે અને પરિવારને પોતાને પણ ખરો સંતોષ મળે. બાય ધ વે, પ્રથા સારી, પણ લોકોની વ્યથા ખોટી. માત્ર વ્યવહાર. મુંબઈ જેવા શહેરમાં તો એક સ્થળેથી બીજા સ્થળે જવાનું પણ કેવું કપરું બન્યું છે ત્યારે પ્રાર્થનાસભા ઘણા લોકોને પનિશમેન્ટ પણ લાગે.
હવે તો લૌકિક વ્યવહાર બંધ છે એ સાથે (ઘરે મળવા આવવાને બદલે) વૉટ્સઍપ મેસેજ કરવાની સ્પષ્ટતા પણ મરણનોંધમાં મુકાવા લાગી છે. તો શું પ્રાર્થનાસભા યોજવી જ નહીં? દરેકનો પોતાનો મત હોઈ શકે. જેને જે યોગ્ય લાગે તે કરે. જોકે આ વિષયમાં નવેસરથી વિચારવાની જરૂર ખરી.