રોડના ખાડાના સમાધાન માટે આંદોલનો કરવાં પડે એ વિકસિત ભારત માટે ખેદજનક છે

30 September, 2022 05:36 PM IST  |  Mumbai | Bhavini Lodaya

હાઇવે પર તો એક ચોક્કસ અંતરે ટોલ ટૅક્સ આપવાનો નિયમ છે, જે દરેક લોકો ભરે છે એ છતાં આ પૈસાનો યોગ્ય અને આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરવામાં કેમ નથી આવતો?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે. મુંબઈ જેવા દેશના ફાઇનૅન્શિયલ હબ કહેવાય એવા શહેરમાં કાચા અને ખાડાવાળા રસ્તાઓને કારણે ખૂબ ટ્રાફિક જૅમ થઈ જાય છે, જેનાથી સંપૂર્ણ વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે. શહેરોના આંતરિક રસ્તાઓની વાત તો ઠીક, હાઇવે પર પણ સ્થિતિ કંઈ ઠેકાણાવાળી નથી. હાઇવે પર તો એક ચોક્કસ અંતરે ટોલ ટૅક્સ આપવાનો નિયમ છે, જે દરેક લોકો ભરે છે એ છતાં આ પૈસાનો યોગ્ય અને આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરવામાં કેમ નથી આવતો?

આ સમસ્યાનો ખૂબ સરળતાથી ઉકેલ લાવી શકાય એમ છે. જો એરિયા પ્રમાણે ત્યાંના સંસદસભ્યો, વિધાનસભ્યો અને નગરસેવકની ટીમ આ કાર્ય આયોજનપૂર્વક કરે તો પાકા રસ્તાનું કામ શક્ય છે. ઘણા સમાજસેવકો વ્યક્તિગત ધોરણે કામગીરી કરી રહ્યા છે, પરંતુ તેમની પાસે સત્તા અને પાવર નથી. જો આવા સમાજસેવકોને પણ ટીમમાં સામેલ કરવામાં આવે તો નાનામાં નાના રસ્તાને મજબૂત બનાવી શકાય.

લોકો પત્રો દ્વારા ફરિયાદ નોંધાવે છે, એ છતાં સમસ્યાનું નિવારણ નથી થઈ રહ્યું. આટલું બેદરકારીભર્યું વલણ આજના વિકસિત ભારતમાં આવકાર્ય નથી. આયોજનનો અભાવ અને કેટલા સમયમાં કેટલું કામ પૂરું થવું જોઈએ, એવી કોઈ યોજના નથી.

ઘણા રસ્તાઓ તો પૂરેપૂરા ખાડાથી ભરેલા છે. શું એ એરિયાના એક પણ સત્તાધારીને આ વાતની ખબર નહીં હોય?

મારા વિચાર પ્રમાણે સરકારી તમામ વિભાગે હવે ઍક્ટિવ થવાની જરૂર છે. એક મજબૂત અને પ્રામાણિક ટીમ બનાવી પાકા રોડનું કામ શરૂ થવું જોઈએ અને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દરેક રોડ મજબૂત બને છે કે નહીં, કારણ કે હાલમાં જ અમદાવાદમાં તાજેતરમાં બનાવેલા ડામરના રોડના ચાર દિવસમાં જ પોપડા ઊખડી ગયા હતા, માટે મજબૂત કામ કરાવવાની જવાબદારી પણ યોગ્ય રીતે નિભાવવી જોઈએ.

આપણે ત્યાં એવો દાવો કરવામાં આવે છે કે ખાડા પડ્યા હોય તો બીએમસીમાં ફરિયાદ કરો, ૪૮ કલાકની અંદર એને ભરી દેવામાં આવશે, પણ સમજવા જેવું એ છે કે લોકોને ફરિયાદ નોંધાવવી પડે એવી નોબત જ કેમ આવે છે? 

લોકો ફરિયાદ નોંધાવીને લક્ષ દોરે છે તો ખરેખર બીએમસીના દાવા મુજબ તાત્કાલિક સમાધાન થાય છે ખરું, એ પણ મોટો સવાલ છે. દરેક સમસ્યાના સમાધાન માટે લોકોએ આંદોલનનો આશરો લેવો પડે એ વિકસિત ભારત માટે ખેદજનક છે.

શબ્દાંકનઃ ભાવિની લોડાયા

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists mumbai potholes