આસારામ કે રામરહીમ નવેસરથી ન જન્મે એ જોવાની જવાબદારી તમારી છે

16 May, 2022 11:53 AM IST  |  Mumbai | Manoj Joshi

આવી ફસામણી ન થાય એ માટે સૌથી પહેલાં તો લાલચને ત્યજી દેવી જોઈએ અને પોતાની લાલચને દરિયામાં પધરાવી દેવી જોઈએ.

મિડ-ડે લોગો

શ્રદ્ધાને પણ મર્યાદાની જરૂર હોય છે, એને જ્યારે મર્યાદા નથી મળતી, જ્યારે એ મર્યાદાથી પર થઈને રહે છે ત્યારે જ આસારામ અને રામરહીમ જેવા રાક્ષસોનો જન્મ થાય છે. આસારામને સજા થઈ, હવે તે બળાત્કારી છે. રામરહીમ સાથે પણ એ જ થયું અને એ પણ હવે જેલમાં છે, પણ આપણે સૌએ એ વાત સમજવાની જરૂર છે કે આ પ્રકારનાં દૂષણ હવે ન જન્મે અને એ માટે આપણે ક્યાંય નિમિત્ત ન બનીએ. જો એ કરવામાં આપણે પાછા પડીશું કે એ કરવામાં આપણે ઢીલા પડીશું તો ચોક્કસ આ પ્રકારના પાખંડીઓ જન્મ લેશે અને ફરી એક વખત તેઓ પોતાનું પાશવીપણું ફેલાવશે અને સમાજને દૂષિત કરશે.
બૉબી દેઉલની વેબ-સિરીઝ ‘આશ્રમ’ની ત્રીજી સીઝનનું ટ્રેલર જોયું અને એમાંથી જ આ ટૉપિક સૂઝ્‍યો છે. જો શ્રદ્ધાની ઓથમાં પાશવીપણું ન ફેલાય એ જોવું હોય અને જો સમાજ દૂષિત ન થાય એની તકેદારી રાખવી હોય તો સૌથી પહેલી કાળજી એ વાતની રાખો કે વ્યક્તિપૂજા બંધ થાય. વ્યક્તિપૂજા અયોગ્ય છે, ખાસ કરીને અયોગ્ય વ્યક્તિની વ્યક્તિપૂજા દૂષણ જન્માવનારી છે. સંસાર છોડીને જનારાઓને શા માટે કેન્દ્રમાં રહેવું હોય છે અને ભક્તજનોથી જોડાયેલા રહેવું છે એ પ્રશ્ન હંમેશાં થયો છે અને મનમાં જન્મેલા એ પ્રશ્નનો કોઈ જવાબ ક્યારેય મળ્યો નથી, પણ અહીં મુદ્દો એ છે કે ધર્મના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનીને ફરી રહેલા અને વ્યક્તિપૂજાને સીધી જ રીતે મહત્ત્વ આપતા લોકોથી દૂર રહેવું. ધર્મ એ આપણું કામ છે, સંસ્કાર એ આપણી મૂડી છે અને સંસ્કૃતિ એ આપણી ધરોહર છે, પણ એ બધા માટે કોઈને પૂજનીય બનાવીને તેને ભગવાનની તુલના આપી દેવી એ અયોગ્ય છે, એ પણ યાદ રાખવું જોઈએ.
બીજા નંબરે કાળજી રાખવા જેવી વાત એ છે કે પરિવારની મહિલા સભ્યો ધર્મની આડશમાં બેઠેલા આવા પાખંડીઓની નજીક ન જાય અને આખો વખત તેના નામની માળા ન જપે એનું ધ્યાન રાખવું જોઈએ. આ ધ્યાન રાખવાનું કામ ઘરના પુરુષસભ્યનું છે. પુરુષસભ્યની અવગણના જ સામાન્ય રીતે આવી પરિસ્થિતિને આગળ ધકેલવાનું કામ કરી બેસતી હોય છે. દીકરી કે બહેન કે વાઇફ કોને મળે છે, શું કામ મળે છે અને મળવા પાછળનું કારણ શું છે, તાત્પર્ય શું છે એ બાબતમાં જો આપણા સમાજના પુરુષો જાગૃતિ કેળવે તો ખરેખર આસારામ અને રામરહીમ જેવા રાક્ષસો પોતાનું ઝેર ઓકવાનું આપોઆપ બંધ કરી દે અને તે એક નિયત અંતર રાખીને સમાજ સાથે વર્તે, પણ એવું નથી થતું એટલે આવા પાખંડીઓની તાકાત વધે છે. જો તેમની તાકાત વધવા ન દેવી હોય, તેમના ઝેરના દાંતને ઊગવા ન દેવા હોય તો આ બાબતમાં જેકોઈ જરૂરી કાળજી લેવી જોઈએ એ લેવાનું કામ પુરુષોએ કરવું જોઈએ.
ત્રીજી અને મહત્ત્વની વાત, આર્થિક લાભની લાલચમાં ન આવવું. જેકોઈ બાવાઓ અત્યારે જેલમાં છે એ બધાએ આ જ કામ કર્યું છે અને કુમળી વયની માસૂમોને ફસાવી છે. આવી ફસામણી ન થાય એ માટે સૌથી પહેલાં તો લાલચને ત્યજી દેવી જોઈએ અને પોતાની લાલચને દરિયામાં પધરાવી દેવી જોઈએ. જો એમ થશે તો જ સ્વસ્થ સમાજ સ્વસ્થ રહેશે અને આસારામ-રામરહીમ જેવા પાપીઓનો વંશ આગળ વધતો અટકશે.

columnists manoj joshi