01 June, 2026 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. રાજશ્રી ત્રિવેદી લેખક છે અને મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજનાં પ્રિન્સિપાલ છે
૪૫ વર્ષ અને એથી વધુ ઉંમરની મહિલાઓ, જેમણે પોતાના ઘર અને પરિવારને સંભાળવામાં વર્ષો વિતાવ્યાં છે તેમને અમુક વર્ષો પછી જુદા પ્રકારનો ખાલીપો હેરાન કરતો હોય છે. હમણાં જ મને મળવા જાણીતા સધ્ધર ઘરની સ્ત્રી આવી.
તેણે કહ્યું, ‘મને કોઈ કામ શોધવામાં મદદ કરો. મને ઘરમાં ગૂંગળામણ થાય છે. મારી દીકરી પરિણીત છે અને તેની કારકિર્દી તથા તેના ઘરસંસારમાં વ્યસ્ત છે. મારો દીકરો ઑસ્ટ્રેલિયામાં ભણે છે. મારા પતિ તેમના બિઝનેસમાં વ્યસ્ત છે અને મને લાગે છે કે આ દુનિયામાં હું એકલી જ બચી છું જેની પાસે કરવા માટે કંઈ જ નથી. હું ગ્રૅજ્યુએટ છું. મેં મારા BAમાં ફર્સ્ટ ક્લાસ મેળવ્યો હતો, છતાં આજે મને લાગે છે કે મારી પાસે મારી ઓળખ વિશે કહેવા માટે કંઈ જ અર્થપૂર્ણ નથી. કૃપા કરીને મને નોકરી મેળવવામાં મદદ કરો.’
હું તેમની વાતને સમજી. મને આવી સ્ત્રીઓ માટે એક જુદી લાગણી છે. વર્ષો નિ:સ્વાર્થ બનીને પરિવારને આપ્યા પછી જો કોઈ સ્ત્રી ખુદ માટે કઈ કરવા માગે તો સ્ત્રી તરીકે મારે તેને સાથ આપવો જોઈએ એમ મને લાગે છે. મેં સહજતાથી તેને પૂછ્યું, ‘કયા પ્રકારનું કામ તમને ફાવે? તમે કઈ વસ્તુમાં કુશળ છો?’
આ પ્રશ્ન પછી મેં જવાબની અપેક્ષા રાખી હતી, પણ મને મળી એકદમ નીરવ શાંતિ. તેમને સમજાયું જ નહીં કે જવાબમાં બોલવું શું જોઈએ. તેમણે એટલે મને સામે પ્રશ્ન કર્યો કે બેન, તમે મને જણાવો કે આજની તારીખે જો કામ શરૂ કરવું હોય તો શેમાં કુશળતા મેળવવી જરૂરી છે? મને એ વાતનો હાશકારો હતો કે ભલે તેમની પાસે મારા પ્રશ્નનો જવાબ નહોતો, પરંતુ તેમનો સવાલ એકદમ સાચો હતો.
આજે શિક્ષણ અને રોજગારની ગતિશીલતા પહેલાં કરતાં વધુ બદલાઈ રહી છે. દાયકાઓ પહેલાં મેળવેલી ડિગ્રીની આજે ફરી સમીક્ષા કરવાની જરૂર પડે છે. જો કોઈને ખરેખર એક ઉંમર પછી કામ કરવું હોય તો પોતાની સ્કિલ્સને અપગ્રેડ કરવાની જરૂર છે.
જો તમે પણ આ જ પરિસ્થિતિમાં છો અને તમને પ્રશ્ન થઈ રહ્યો હોય કે શરૂઆત કેવી રીતે કરવી તો તમારે આટલું કરવું. પહેલાં તો માર્કેટ રિસર્ચ કરો. હાલમાં કયા કોર્સ અને કૌશલ્યની ડિમાન્ડ છે એ શોધો. એ પછી આટલાં બધાં ક્ષેત્રોમાંથી એ ક્ષેત્રને ઓળખો જેમાં તમને સ્વાભાવિક રીતે રસ હોય. એ પછી આત્મવિશ્વાસ વધારવા માટે ટૂંકા ગાળાના સર્ટિફિકેટ કોર્સથી શરૂઆત કરો અને જેમ-જેમ તમારું લક્ષ્ય સ્પષ્ટ થતું જાય એમ-એમ ધીમે-ધીમે ડિપ્લોમા અથવા ડિગ્રી પ્રોગ્રામ તરફ આગળ વધો.
સ્ત્રીઓને હું કહીશ કે શિક્ષણની બારીઓ ખોલો તો તમે જોશો કે તકોના દરવાજા તમારી સામે આપોઆપ ખૂલી રહ્યા છે. નવેસરથી શરૂઆત કરવા માટે, તમારી જાતને ફરી શોધવા માટે કે તમારી પોતાની એક નવી ઓળખ ઊભી કરવા માટે ક્યારેય મોડું નથી થતું.