સમય સૅન્ટા બનવાનો, સમય સુદામાને સાથ આપવાનો

12 June, 2021 03:02 PM IST  |  Mumbai | Aatish Kapadia

હૃદય અને હાથ ખુલ્લાં કરીને તમારાથી જે બની શકે એ મદદ કરવા માટે પ્રયાસ કરો, યાદ રાખજો કે આવો સમય ઘડી-ઘડી નહીં મળે

અમે ત્રણમાંથી એક પણ વ્યક્તિ ઘરમાંથી બહાર નીકળ્યાં નથી. આ સમયનો ભરપૂર આનંદ લીધો અને આનંદ લેવાની સાથોસાથ એ પણ વિચાર્યું કે આવો જ આનંદ બીજા પણ કેમ ન લઈ શકે.

અત્યારના સમયમાં ઘણી વાતો કહેવી છે. ઘણા લોકોને અત્યારે કકળાટ કરતા જોઉં છું તો નવાઈ લાગે છે. મનમાં થાય કે જે લૉકડાઉને તમને હાથ અને હૈયું ખોલતાં શીખવ્યું અને સમજાવ્યું કે ઓછી જરૂરિયાતોમાં પણ આપણે જીવવા માટે સક્ષમ છીએ એવા સમયે જેની પાસે કંઈ જ નથી એની મદદ કરવા માટેની તત્પરતા કેમ નથી દેખાડતા. સર્વન્ટ નથી આવતો એનો કકળાટ કરનારા લોકો આટલા મહિના સર્વન્ટ જૉબ પર આવ્યો નહીં એમ કહીને પગાર કાપી નાખે છે. આવું કેમ થઈ શકે? મરજીથી થોડી તેણે રજા રાખી છે. આવા સંજોગોમાં વગરકામે પણ તમે તેને થોડા વધુ મહિના સાચવીને તેનો પગાર ચાલુ રાખો તો કાંઈ તમારી સંપત્તિ ઓછી નથી થઈ જવાની! એક વાત યાદ રાખજો કે ક્રાઇસિસ આવે ત્યારે જ વ્યક્તિનો ખરો રંગ બહાર આવતો હોય છે. સામાન્ય દિવસોમાં બધા જ સારા લાગે, પરંતુ સંકટના સમયે કોણ સાથ આપે એનું જ મહત્ત્વ છે. કોરોનાએ ભલભલાના સાચા રંગ ઉઘાડા કર્યા. મેં મારી આજુબાજુના ઘણા લોકોના સાચા રંગ જોયા. સારા રંગ પણ જોવા મળ્યા અને લોકોનું છીછરાપણું પણ જોવા મળ્યું અને નાના લોકોને પોતાનાથી નબળા લોકોની મદદ કરતા જોયા. હું કહીશ કે મહામારીએ આપણા સૌના જીવનમાં બ્યુટિફુલ ટીચર તરીકે કામ કર્યું છે, પણ મહત્ત્વનું એ પણ છે કે એ ટીચર જે શીખવી રહ્યા છે એ શીખીએ અને જીવનમાં એ ઉતારીએ. જો પાછા પડીશું તો આવું લેશન જીવનમાં બીજી વાર નહીં મળે એ નક્કી છે. કેટકેટલું શીખવ્યું આ કોરોનાકાળે આપણને.

મારી વાત કહું તમને. અમારા ઘરમાંથી મારા સિવાય ૧૧ મહિના સુધી મારી વાઇફ કે દીકરાએ ફ્લૅટની બહાર પૅસેજમાં પણ પગ નથી મૂક્યો. આ ૧૧ મહિના ઘરની અંદર રહીને સંબંધોને વધુ નજીકથી માણ્યા છે અમે. સાથે રસોઈ બનાવી, મ્યુઝિક સાંભળ્યું, ફિલ્મો જોઈ, ગેમ્સ રમ્યાં અને એ બધા વચ્ચે કોઈના જીવનમાં આપણે બહેતર શું કરી શકીએ એ વિશે વિચારીને એના પર પગલાં પણ લીધાં અને સાચું કહું છું, બહુ નાની-નાની બાબતો પણ લોકોને બહુ ઉપયોગી બની જતી હોય છે. મારી વાઇફે તેને આવતા વ્યાજની પૂરેપૂરી રકમ એક સંસ્થાને ડોનેટ કરી દીધી, આપવાની આ પ્રક્રિયા આજે પણ ચાલુ જ છે. એ વ્યાજની રકમ જરૂરિયાતમંદોની વસ્તુઓ માટે ખર્ચાઈ. આ વાત કરીને અમારો કંઈક ગ્રેટ કરી રહ્યાં છીએ એવું સ્થાપિત કરવાનો આશય નથી, પણ એક રસ્તો દર્શાવું છું કે આ પણ એક રીત હોઈ શકે. અરે, તમે કોઈને એક ટંકનું ભોજન ખવડાવી દો એ પણ એક રીત હોઈ શકે. એક દાખલો આપું.

અમારા પાડોશી જેમની પાસે અપાર સંપત્તિ છે તેમને કોરોના થયો. તેમનો દીકરો નાનો અને સાવ એકલો. મારી વાઇફ કહે કે એ દીકરાને આપણે ત્યાંથી જમવાનું મોકલીએ તો? કેટલા દિવસ બહારનું ખાશે. મારી વાઇફ પોતે કૅથલિક છતાં તેણે ગુજરાતી શાક-દાળ-ભાત-રોટલી બનાવ્યાં અને મારા દીકરાને તેના ઘરે આપવા માટે મોકલ્યો. એ વખતે પૈસાની જરૂર એ પરિવારને નહોતી. ક્યારેક સંજોગો તો ક્યારેક પરિસ્થિતિ વિપરીત હોઈ શકે છે. આનાથી હજાર ગણું લોકો અત્યારે કરી રહ્યા છે. હું દરેકેદરેકને વિનંતી કરું છું કે તમે તમારા સ્તર પર તમારાથી જે થઈ શકે એ કરો. કંઈ પણ, કોઈના ચહેરા પર સ્મિત પથરાય, કોઈક માટે એક ટંકનું ભોજન જ પૂરું પાડી શકાય અથવા કોઈક દૂરના મામાના દીકરાને ફોન કરીને પૂછી તો જુઓ કે ભાઈ બધું બરાબર છેને. કંઈ જરૂર હોય તો કહેજે. એક વાર આ રીતે ફોન લગાડી તો જુઓ.

બહુ દૂર નથી જવું આપણે. કમસે કમ તમારા ઇમિડિયેટ હેલ્પર્સ અત્યારે દુખી ન હોય, તેમના ઘરમાં પૂરતી સુવિધા હોય અને તેમને પગાર મળતો રહે એટલી ચોકસાઈ તમે રાખજો. બની શકે કે અત્યારે કામ કરવા નથી આવી શકાયું તેમનાથી, પણ તેમણે તમારા માટે વર્ષો સુધી કામ કર્યું છે એની કદર કરવાની છે અને એ કદરને ધ્યાનમાં રાખીને મહેતાજી બનવાને બદલે એને પૂરું વળતર આપી દેજો. તમારી આ સમયની એ સંભાળ તેમનામાં નવું બળ જન્માવશે. થોડા મહિના વગરકામે પગાર આપી દેવાથી તમે કંગાળ નથી થઈ જવાના. એકાદ પ્રસંગ ઓછો કરીને કે પછી બે-ચાર વાર હોટેલમાં જવાનું ટાળીને એ સમયે પૈસા બચાવી લેજો, પણ અત્યારે સ્ટાફનો પગાર કાપીને પૈસા બચાવવાની વૃત્તિ ન રાખતા મનમાં.

સેકન્ડ વેવ ઑલમોસ્ટ પૂરી થવા આવી છે ત્યારે આ વાત કરવાનો હેતુ એટલો જ કે હજીયે લોકોની જરૂરિયાત અકબંધ છે. અત્યારે મહત્ત્વની કોઈ બાબત છે તો એ છે રિચઆઉટ થવાની એટલે કે તેમના સુધી પહોંચવાની. હા, લોકો સાથે સંપર્ક કરીને તેમના હાલચાલ જાણો અને તેમને માટે જે થઈ શકે એ કરો. ક્યારેક તમારી નાની કૅર પણ બહુ સરસ પરિણામ લાવી શકે છે. હજી હમણાંનો જ એક કિસ્સો કહું...

અમારા ઘરે રસોઈ કરનારાં બહેન છે. મારો દીકરો જન્મ્યો ત્યારે પણ તેમણે જ મારી વાઇફનું બધી રીતે ખૂબ ધ્યાન રાખ્યું હતું. એ પછી તેમને દીકરો આવ્યો. એ પણ લગભગ ચાર વર્ષનો અને અમારા ઘરે જ મોટો થયો છે. તેનો ચોથો બર્થ-ડે આવ્યો ત્યારે હું અને વાઇફ મુંબઈમાં નહોતાં છતાં અમે જ્યાં હતાં ત્યાંથી મુંબઈના તેમના ઘરે કેક, જૂસ અને વેફર્સ જેવો બર્થ-ડેનો સામાન પહોંચે એવી વ્યવસ્થા કરી. એ દીકરાએ ચાલીનાં પચીસેક બાળકોને બોલાવીને બર્થ-ડે ઊજવ્યો. તેમના ચહેરા પર જે આનંદ હતો એનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. આ બધી વાતો સાંભળીને મને અફસોસ થયો કે શું કામ મેં એક કિલોને બદલે બે કિલોની કેક મોકલવાનો વિચાર ન કર્યો. તેના પપ્પા અમારી ટીમમાં સ્પૉટબૉય છે. અમે તેમના હાથે અમારા શૂટિંગના સેટ પર કેક કટ કરાવી અને એ જ દિવસે અમારા પ્રોજેક્ટ મૅનેજરની દીકરીનો પણ જન્મદિવસ હતો તો તેમના હાથે અમે સેટ પર કેક કટ કરાવી. આમાં અમે કંઈ ગ્રેટ કર્યું નહોતું, પણ બસ એક નાનકડી સંભાળ હતી, કૅર હતી જેની બહુ ઘેરી અસર પડતી હોય છે અને એટલે જ તમને કહું છું કે આ સમય છે સૅન્ટા ક્લૉઝ બનીને બહાર નીકળવાનો.

ઝોલામાં તમે જે નાખી શકો એ નાખીને હો-હો કરીને લોકોમાં સાથે લીધેલી વસ્તુ વહેંચવાનો. આ જ સમય છે કૃષ્ણ બનીને સુદામાને ખબર પણ ન પડે એ રીતે તેની વહારે આવવાનો. મિડલ ક્લાસ બોલતાં અચકાય, તેને ક્ષોભ થાય. આ બધું હું કહી શકું છું, કારણ કે પાંચ વર્ષની ઉંમરે આ પ્રકારની ઉદારતાનો અનુભવ મેં કર્યો છે. મારા પપ્પા ૧૯૭૦માં અબજોપતિ હતા. એકાએક લૉસ ગયો અને બધું સાફ થઈ ગયું. એ સમયે અજાણ્યા લોકો અમારા ઘરની બહાર અનાજ મૂકીને ગયા હતા. ત્યારે હું બહુ નાનો હતો છતાં એ વાત આજે પણ હું ભૂલ્યો નથી. બસ, એટલું જ કહીશ કે પૈસા ન હોય તો વાંધો નહીં, પણ કોઈકની કોઈ પણ રીતે મદદરૂપ થવાના જે થઈ શકે એ પ્રયાસ કરતા રહો.

columnists