14 September, 2026 08:50 AM IST | Mumbai | Ruchita Shah
આચાર્ય પદ્મદર્શનસૂરિજી મહારાજ
યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મહારાજસાહેબ પાસે ૪૫ વર્ષ પહેલાં દીક્ષા લેનારા આચાર્ય પદ્મદર્શનસૂરિજી મહારાજે જમણા પગમાં તકલીફ વચ્ચે પણ ૩૫ વર્ષ સુધી હજારો કિલોમીટરનો પગપાળા વિહાર કર્યો છે. સાધુજીવનના કઠિન નિયમપાલનમાં મનની મક્કમતા શરીરની નબળાઈઓ સામે કેવી રીતે જીતી ગઈ એની પ્રેરણાદાયક વાતો પ્રસ્તુત છે
‘હું તો મરીને જ પાછો આવ્યો છું એટલે મરવાનો ડર તો સાવ નીકળી જ ગયો હતો. આ જ કારણ હતું કે ૩૦ કિલોમીટર વિહાર (જૈન સાધુ પગપાળા યાત્રા કરે એને વિહાર કહેવાય) કરવાનો હોય તો પણ આજુબાજુ ચાલતાં વાહનોનો ડર મને નથી લાગતો. ગુરુકૃપા અને પ્રભુ માટેની શ્રદ્ધાને કારણે ટકી ગયો.’
આચાર્ય પદ્મદર્શનવિજયજી મહારાજસાહેબને ૪૫ વર્ષ પહેલાં ગુરુદેવ પાસેથી રજોહરણની પ્રાપ્તિ થઈ એ સમયની તસવીર.
સંસારીપણામાં પદ્મદર્શનવિજયજી મહારાજસાહેબ તેમના પરિવાર સાથે.
૪૫ વર્ષનો સંયમપર્યાય ધરાવતા અને અત્યારે ભિવંડી જૈન સંઘમાં ચાતુર્માસ કરી રહેલા ૬૮ વર્ષના આચાર્ય પદ્મદર્શનસૂરિજી મહારાજસાહેબના આ શબ્દો છે. ૩ વર્ષની ઉંમરે તેમને જમણા પગમાં લકવો થયો ત્યારથી લઈને ૧૩ વર્ષની ઉંમરે ડૉક્ટર પણ તેમને મૃત જાહેર કરી ચૂક્યા હતા એમાંથી ફરી બેઠા થવાની અને પછી સંસારમાંથી મન ઊઠી જવાથી સાધુપણાનો સ્વીકાર કરનારા આ મહારાજસાહેબની જીવનકથા પ્રેરણાની ખાણ સમી છે. તેમના જીવનમાં પડકારો આવતા રહ્યા અને તેઓ સ્વીકારતા ગયા. લડવાનું નહીં પણ સ્વીકારી લેવાનું એ તેમના ગુરુદેવની વાત તેમણે ગાંઠે બાંધીને જીવનમંત્ર બનાવી દીધો. વાહનનો ઉપયોગ નહીં, પગમાં ચંપલ નહીં, ભોજન પણ ભિક્ષાના રૂપમાં ઘરે-ઘરે જઈને લેવાનું અને કોઈ પણ સાધનસામગ્રીનો ઉપયોગ કે વસ્તુઓનો સંગ્રહ ન કરવો જેવા આકરા નિયમ જૈન સાધુજીવનના પાયામાં છે. અહિંસા, સત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન અને અપરિગ્રહવાદ જેવાં પાંચ મહાવ્રતને પાળવાનું વધુ કઠિન બને જ્યારે શારીરિક રીતે કંઈક અક્ષમતા હોય. પૂજ્ય પદ્મદર્શનવિજયજી મહારાજસાહેબે પોતાની અક્ષમતાને સક્ષમતામાં કેવી રીતે પરિવર્તિત કરી એની રસપ્રદ વાતો પ્રસ્તુત છે.
વિહાર સમયે પૂજ્ય પદ્મદર્શનવિજયજી મહારાજસાહેબ.
દીક્ષા કેમ લીધી?
આમ તો દીક્ષા લેવાના ભાવ જાગે એવા કોઈ સંયોગો નહોતા. પરિવાર કે ગામમાં દૂર-દૂર સુધી કોઈએ સાધુતાનો સ્વીકાર કર્યો નહોતો. એવામાં પોલિયો સાથે આ મહારાજને દીક્ષા લેવાનું મન કેમ થયું એ જાણવા માટે તેમના બાળપણના દિવસો જાણવા પડે. ૬ ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે આવતા આ મહારાજસાહેબ નૉર્મલ બાળકની જેમ બાળપણમાં રમી નથી શક્યા. પૂજ્ય પદ્મદર્શનવિજયજી મહારાજસાહેબ કહે છે, ‘બનાસકાંઠા જિલ્લાના આરખી ગામમાં મારો જન્મ થયો. અચાનક જ પગમાં લકવો થયો. જમીન પર પગ ન મુકાય. એ જમાનામાં પોલિયોની રસી નહોતી. મારાં મમ્મી મારી સારવાર માટે ઘણી જગ્યાએ ફર્યાં છે. ૧૦૦૦થી વધુ ઇન્જેક્શન્સ મેં એ ગાળામાં લીધાં હશે. રમવા જેવી તો પગમાં તાકાત નહોતી એટલે ભણવા પર ધ્યાન આપ્યું. ભણતી વખતે જ ઘરમાં જે દૈનિક ધર્મઆરાધના કરતાં મમ્મી-પપ્પાને જોતો તેથી મને પણ જિજ્ઞાસા જાગતી. મારી સ્થિતિ એવી હતી કે પરમાત્માને જ ભાઈબંધ બનાવીને તેમને બધી વાતો કરતો. એ પ્રભુપ્રેમનું બીજ ધીમે-ધીમે અંદર મોટું થઈ રહ્યું હતું. ૮ વર્ષનો હોઈશ જ્યારે અમે પરિવાર સહિત નજીકના ડીસા નામના નાનકડા શહેરમાં શિફ્ટ થયા. ભણવાનું, દેરાસર જવાનું અને મિત્રો સાથે ક્રિકેટની વાતો કરવાની. સંગીતનો શોખ હતો મને. પ્રવચનમાં જતો. ધર્મ માટે રુચિ હતી.’
જોકે એ દરમ્યાન એક ઘટના એવી ઘટી જેણે જીવનની દિશા જ બદલી નાખી.
અંતિમયાત્રા જ બાકી હતી
૧૩ વર્ષની ઉંમરે મૃત્યુના મુખમાંથી પાછા આવ્યાની વાત કરતાં પૂજ્યશ્રી કહે છે, ‘મને ખૂબ જ તાવ હતો. ઘણાબધા ડૉક્ટરો અને વૈદ્ય વગેરેની દવાઓ પછી પણ ફરક નહોતો પડતો. શરીર નંખાઈ ગયું હતું અને ધીમે-ધીમે અશક્તિ વચ્ચે એક દિવસ બન્યું એવું કે હું બેભાન થઈ ગયો. ડૉક્ટર ઘરે આવ્યા. આંખો ઊંડી જતી રહી હતી. ધબકારા ચેક કર્યા તો તેમને એ પણ ન મળે. તેમણે મને મૃત જાહેર કરી દીધો. એ વખતે સંસારીપણાના મારા પિતાજી મંછાભાઈનો ગામમાં દબદબો સારો હતો એટલે જેવા આ સમાચાર બહાર ગયા એમ લોકો સ્વાભાવિક રીતે ઘરે આવવા માંડ્યા. ડીસાના ૨૦૦૦થી વધુ લોકો અમારા ઘરની આસપાસ ભેગા થઈ ગયા હતા. મારાં સંસારી મમ્મી અને અન્ય બહેનો પોક મૂકીને રડી રહ્યાં હતાં. પિતાજીનું હૈયું ભારે હતું. તેમને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન પર ખૂબ શ્રદ્ધા એટલે તેમણે શંખેશ્વરદાદાને યાદ કરીને એક માળા ગણી. હાથમાં પાણી સાથે સંકલ્પ કર્યો અને જાપ કરેલું એ પાણી મારા શરીર પર છાંટ્યું. સાંભળવામાં કદાચ લોકોને અંધશ્રદ્ધા લાગે પણ આ જ હકીકત છે કે જળના એ સ્પર્શથી હું થોડોક સળવળ્યો એટલે પિતાજીએ ફરી એ જળ છાંટ્યું અને આંખો ખોલીને હું બેઠો થઈ ગયો. હાજર બધા જ લોકો અચંબામાં. ડૉક્ટરને બોલાવાયા તો તેઓ કહે કે આ ખરેખર ભૂત તો નથીને? મારી અંતિમયાત્રા અને અંતિમ દર્શન માટે આવેલા લોકો મને જોતા જ રહી ગયા. મારા જીવનની આ ઘટના પછી મનમાં મેં નક્કી કરી લીધું હતું કે હવે તો આ સંસારના ચક્કરમાંથી બહાર નીકળીશ.’
ગુરુદેવ સાથે મિલન
સાધુજીવન પહેલાં પ્રકાશ નામ ધરાવતા પૂજ્ય પદ્મદર્શનવિજયજી મહારાજસાહેબના પિતાજીની ઇચ્છા હતી કે તેમનો પુત્ર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બને. ભણવામાં તે પહેલેથી જ એક્સ્ટ્રા-ઑર્ડિનરી હતા. પિતાજીનું મન રાખવા કૉલેજ જતા પ્રકાશે તેમના ગામમાં આવેલા મહારાજસાહેબના ચાતુર્માસ વખતે પોતાના ગુરુ મળી ગયા એનો અંદેશ આવી જતાં કૉલેજ છોડી દીધી. એ પ્રસંગ યાદ કરતાં પૂજ્યશ્રી કહે છે, ‘એમાં બન્યું એવું કે પૂજ્ય ચંદ્રશેખરવિજયજી મહારાજસાહેબનું ડીસામાં ચાતુર્માસ હતું. તેમના પ્રવચનો સાંભળવાં મને ગમવા માંડ્યાં એટલે મેં કૉલેજમાં જવાનું બંધ કર્યું. પહેલા જ ૩ દિવસમાં પિતાજીએ મને પકડી પાડ્યો એટલે આજે કૉલેજ છે જ નહીં એમ કહીને બહાનું કાઢ્યું. ત્રીજા દિવસે તેઓ મને લઈને કૉલેજમાં ગયા અને પ્રિન્સિપાલને પૂછ્યું કે આ લોકોને અત્યારે રજા છે? તો પ્રિન્સિપાલે ના પાડી. એટલે તેમણે મને બધાની વચ્ચે જ લાફો માર્યો, થોડુંક વઢ્યા પણ ખરા. એ દરમ્યાન મારા મનમાં ગુરુદેવનાં વચનો ચાલતાં. સંકટનો સ્વીકાર. પિતાજીને સમજાવીને કૉલેજ છોડવાનું નક્કી કર્યું અને ગુરુદેવ પાસે રહેવાનું શરૂ કર્યું. પાઠશાળા જતો, ગીતો ગાતો અને ક્રિકેટને માણતો. બસ, દીક્ષામાં સંગીત અને ક્રિકેટ આ બે જ નબળાઈ હતી, પણ ગુરુદેવની વાતો સામે પછી તો એ ફિક્કી થવા માંડી. ગુરુદેવ સામે દીક્ષાની ભાવના વ્યક્ત કરી. ગુરુદેવ કહે, એમ દીક્ષા ન મળે, પહેલાં પૌષધ કર. સાચું કહું તો નાહવાનું ન હોય એ એક કારણથી મને પૌષધ ઓછાં ગમતાં, પણ ત્યારે તો ગુરુજીનો આદેશ હતો. ૩ દિવસ પૌષધ કર્યાં એટલે ગુરુદેવે કહ્યું કે હું તને દીક્ષા માટે પાસ કરું છું. મારા પગની તકલીફ ગુરુદેવ માટે ગૌણ હતી. એ સમયે ગુરુદેવની આજ્ઞા લઈને પિતાજીને મનાવ્યા. પિતાજીએ માત્ર એક શરત રાખી કે મારી દીક્ષા અમારા આરખી ગામમાં કરવી. ગુરુદેવ પૂજ્ય ચંદ્રશેખરવિજયજી મહારાજસાહેબ તો હાજર ન રહી શક્યા કારણ કે તેમના માટે એટલો વિહાર શક્ય નહોતો, પરંતુ પૂજ્ય આચાર્ય રામચંદ્રસૂરિ મહારાજની હાજરીમાં દીક્ષા થઈ. ૧૩ દિવસનો મહોત્સવ યોજાયો. ગામની પહેલી દીક્ષા હતી.’
ખરી કસોટી
સાધુજીવન આમ પણ કસોટીઓથી ભરપૂર હોય છે. એમાં અહીં તો શારીરિક પડકાર પણ હતો. પૂજ્યશ્રી કહે છે, ‘હા, પગપાળા વિહાર મારા માટે થોડોક વધુ અઘરો હતો, પરંતુ ગુરુઆજ્ઞા તહત્તિ એ એક જ વિચાર હતો. ધીમે ચાલતો, પગ ખૂબ દુખતા. એવામાં એક વાર પગ પર સાંબેલું પડવાથી વધુ ઈજા પણ થઈ હતી, પણ હિંમત ન હાર્યો. સાધુજીવનનો અર્થ જ છે મનની સ્થિરતા સાથે શરીરની પીડાને સહેતા જવી. એ જ કર્યું. ભણવાનું શરૂ કર્યું. એક વાર ગુરુદેવે કહ્યું હતું કે તું પ્રવચન પ્રભાવક થઈશ એટલે ધીમે-ધીમે એ દિશામાં આગળ વધ્યો અને આજે ૪૫ વર્ષના સાધુજીવનને જોતાં એમ જ લાગે છે કે જે નિર્ણય લીધો એ ભગવાનની બહુ જ મોટી કૃપા વરસી અને ગુરુકૃપાએ એને બમણી કરી નાખી. ખમાસમણા ઊભા થઈને આપવા, ગુરુઓની સેવા કરવી, ગોચરી વહોરવા જવું (ભિક્ષા માટે) વગેરે બધું જ નૉર્મલ સાધુઓની જેમ જ કર્યું. ક્યારેય પગની ખોડને મન પર હાવી ન થવા દીધી. ૩૫ વર્ષના દીક્ષાપર્યાય પછી ગુરુદેવે જ્યારે કહ્યું કે હવે વ્હીલચૅર વાપર ત્યારે વ્હીલચૅર પર જવાનું શરૂ કર્યું. સંયમજીવનમાં ગુરુઆજ્ઞા સર્વોપરી હોય છે અને એને હંમેશાં મેં મારા જીવનની GPSની જેમ જ અનુસરી છે.’