‘દુઃખ ન જોઈએ’ એને બદલે ‘દુઃખ આપવું ન જોઈએ’ એ માન્યતા ગોઠવવી

18 April, 2024 07:09 AM IST  |  Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj

જીવનને સાચે જ જો આપણે નિખાર આપવા માગીએ છીએ તો આપણી કેટલીક માન્યતામાં આપણે આમૂલચૂલ બદલાવ લાવી દેવો જોઈએ.

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

સદ્ગુણો મારા આકર્ષણનો વિષય ન બન્યા હોય એ સંભવિત છે, પણ સુખ? એ તો મારા આકર્ષણનો વિષય કાયમ માટે બની જ રહ્યું છે. દુર્ગુણો પ્રત્યે મારા મનમાં નફરત ન જન્મી હોય એ સંભવિત છે, પણ દુઃખ પ્રત્યે? એ તો કાયમ માટે મારી નફરતનો વિષય જ બન્યું છે. અત્તર મને હંમેશાં નથી પણ ગમ્યું, પણ વિષ્ટાથી તો હું હંમેશાં દૂર જ રહ્યો છું. ગંગાજળ મારી પસંદગીનો વિષય નથી, પણ બન્યું તોયે ગટરજળ તો મારી અરુચિનો વિષય બની જ રહ્યું છે. ટૂંકમાં, બધું જ ઉત્તમ અને બધું જ શ્રેષ્ઠ કદાચ મારા આકર્ષણનું વિષય નથી પણ બન્યું તોયે બધું જ અધમ અને બધું જ કનિષ્ઠ તો મારી અરુચિનું અને મારી નફરતનું વિષય બની જ રહ્યું છે.

દાતરડા જેવો પ્રશ્ન જે છે એ આ છે કે મારું સુખ જ મને ગમે છે કે પછી બીજાના સુખ માટે પણ હું પ્રયત્નશીલ બની રહું છું? મારું દુઃખ જ મને ત્રાસરૂપ લાગે છે કે પછી બીજા પર આવેલું દુઃખ, બીજાને પડતી તકલીફ પણ મને અકળાવે છે? જીવનને સાચે જ જો આપણે નિખાર આપવા માગીએ છીએ તો આપણી કેટલીક માન્યતામાં આપણે આમૂલચૂલ બદલાવ લાવી દેવો જોઈએ.
‘સુખ જોઈએ’ એ આપણી જે માન્યતા છે એનાં સ્થાને ‘સુખ આપવું જોઈએ’ એ માન્યતાને આપણે ગોઠવી દેવી જોઈએ અને ‘દુઃખ ન જોઈએ’ની આપણી જે માન્યતા છે એનાં સ્થાને ‘દુઃખ આપવું ન જોઈએ’ એ માન્યતાને આપણે ગોઠવી દેવી જોઈએ. 

જવાબ આપો. તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં રોજ સવારે કચરો કાઢવા આવતા માણસને તમે જોયો તો હશે જને? કચરો કાઢતાં ઊડી રહેલી ધૂળ તેના નાકમાં અને ગળામાં જતી પણ તમે જોઈ જ હશેને? તમને ક્યારેય એ માણસ માટે ‘માસ્ક’ ખરીદવાનું મન થયું ખરું? દસ-વીસ કે વધીને પચીસ રૂપિયાનો આવતો સારી ક્વૉલિટીનો માસ્ક એના શરીરને ખાંસી-શરદી-કફ-દમ જેવી બીમારીનો શિકાર બનતાં અટકાવી શકે છે એવો તમને ક્યારેય વિચાર પણ આવ્યો ખરો? જો આ પ્રયોગ ન કર્યો હોય તો એક વાર કરી જોજો. માસ્ક મળી જવાથી એ માણસના ચહેરા પર ફરકી જતું સ્મિત નિહાળીને તમે કદાચ સ્તબ્ધ થઈ જશો. કોરોનાથી વધારે ભયાનક વિષાણુ તો આજે પણ હવામાં છે, એની સાથે રોજ પનારો પાડતા પેલા નાના માણસ વિશે કેમ ક્યારેય કોઈને વિચાર નથી આવતો?

પ્રવચનમાં વાત કરી અને બીજા દિવસે એક ભાઈ તેના દીકરા સાથે આવ્યા.

columnists life and style jain community