12 September, 2026 05:47 PM IST | Mumbai | Ruchita Shah
સંયમૈકલક્ષી આચાર્ય ભગવંત શ્રીમદ વિજય જગચ્ચંદ્ર સૂરીશ્વરજી મહારાજા પ્રેરિત ઉપાસના મંદિર પાઠશાળા
આજની પેઢી ધાર્મિક પરંપરા અને નીતિમત્તાથી જોડાયેલી રહે એ માટે નક્કર પ્રયાસો જૈન સમાજ દ્વારા પાઠશાળાને પ્રમોટ કરવાની સાથે થઈ રહ્યા છે. આજથી લગભગ સવાબસો વર્ષ પહેલાં શરૂ થયેલી પાઠશાળાઓનું સ્વરૂપ હવે બદલાયું છે. દરેક ઉંમરના લોકોને લાખો નહીં પણ કરોડોનાં ઇનામ આપીને પાઠશાળા જવા પ્રોત્સાહિત કરાય છે તો ક્યાંક સંપૂર્ણ શિક્ષણને આજની શૈલીમાં ડિજિટાઇઝ કરીને વધુ ને વધુ લોકો સાથે જોડાવાના પ્રયાસ થઈ રહ્યા છે. દરેક સમાજે ધ્યાનમાં લેવા જેવા આ પ્રયાસો વિશે વિગતવાર ચર્ચા કરીએ
‘મેં ભારતના ખૂણેખૂણામાં પ્રવાસ કર્યો છે અને મને એક પણ વ્યક્તિ એવી નથી મળી જે ભિખારી હોય કે ચોર હોય. મેં આ દેશમાં એટલી સંપત્તિ, એટલાં ઊંચાં નૈતિક મૂલ્યો અને એવા ઉચ્ચ કક્ષાના લોકો જોયા છે કે મને નથી લાગતું કે આપણે ક્યારેય આ દેશને જીતી શકીશું જ્યાં સુધી આપણે આ રાષ્ટ્રની કરોડરજ્જુને તોડી ન નાખીએ, જે એની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત છે. તેથી હું પ્રસ્તાવ મૂકું છું કે આપણે એની જૂની અને પ્રાચીન શિક્ષણવ્યવસ્થા અને સંસ્કૃતિને બદલી નાખવી જોઈએ. જો ભારતીયો એવું વિચારવા લાગશે કે બધું જ વિદેશી અને અંગ્રેજી વધુ સારું અને એમના પોતાના કરતાં શ્રેષ્ઠ છે તો તેઓ પોતાનું સ્વાભિમાન અને પોતાની સંસ્કૃતિ ગુમાવી બેસશે અને તેઓ એવા બની જશે જેવા આપણે તેમને બનાવવા માગીએ છીએ, એક સંપૂર્ણ ગુલામ રાષ્ટ્ર.’
૧૮૩૪માં ગવર્નર-જનરલની કાઉન્સિલના પ્રથમ કાનૂની સભ્ય તરીકે ભારત આવેલા લૉર્ડ મૅકોલેએ ૧૮૩૫ની બીજી ફેબ્રુઆરીએ બ્રિટિશ સંસદમાં આપેલા ભાષણમાં કંઈક આવું કહ્યું હતું. જોકે બ્રિટિશ સંસદમાં મૅકોલે આવું બોલ્યા કે બીજે ક્યાંક એને લઈને ઇતિહાસકારોમાં મતમતાંતર છે, પરંતુ બ્રિટિશ શાસનની આ માનસિકતા માટે લગભગ બધા જ એકમત છે. ઇતિહાસ સાક્ષી છે કે જે પણ ધર્મ કે સંસ્કૃતિના શિક્ષણમાં છીંડાં વળ્યાં એને નેસ્તનાબૂદ થતાં કોઈ બચાવી નથી શકતું. આ જ કારણ છે કે જૈનો શાસ્ત્ર અને ધર્મજ્ઞાનની દૃષ્ટિએ જૈન શિક્ષણને મહત્ત્વપૂર્ણ ગણે છે અને એને લગતા પ્રયાસો પણ કરતા રહે છે. સનાતન પરંપરામાં પણ ભગવદ્ગીતાથી લઈને વિવિધ ઉપનિષદના સ્વાધ્યાયની પાઠશાળાની પરંપરા પાંડુરંગ શાસ્ત્રીથી લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શરૂ કરી હતી જેણે ખૂબ જ વ્યાપક પરિણામ આપ્યું, પરંતુ અત્યારે ફરી એક વાર એની તીવ્રતા બદલાતા સમયે ઘટી હોય એવું લાગે છે ત્યારે જૈન પરંપરામાં અને ખાસ તો મુંબઈમાં પાઠશાળા દ્વારા જૈન ધર્મશાસ્ત્રો અને જૈન તત્ત્વજ્ઞાનથી નવી પેઢીને અવગત રાખવાના જડબેસલાક પ્રયાસો થઈ રહ્યા છે. આજે આવા જ પ્રયાસો વિશે ચર્ચા કરીએ.
ગૌરવમય ઇતિહાસ
જેમ સનાતન ધર્મમાં ભગવદ્ગીતા, વેદાંત, વિવિધ સ્તોત્ર અને શ્ળોક હોય છે એમ જૈન શિક્ષણપ્રણાલીમાં વિવિધ ગ્રંથોમાં આપેલા શ્ળોક, વિવિધ નિત્ય ક્રિયામાં બોલાતાં સ્તોત્ર અને મોટાં-મોટાં સૂત્રો ભણવાનાં હોય છે. એને મેમરાઇઝ પણ કરવાનાં અને અર્થ સાથે એને સમજવાનાં પણ. એક-એક સૂત્રમાં ૫૦-૬૦ જેવા શ્ળોક હોય અને એને યાદ રાખવાના અને પ્રતિક્રમણ જેવી ક્રિયાઓમાં ભરીસભામાં જોયા વિના બોલવાના. આ જ બહુ મોટું કારણ હતું કે જૈન પરંપરામાં પાઠશાળાનું મહત્ત્વ અદકેરું હતું, કારણ કે દરરોજની ક્રિયાઓ અને બહુ જ મોટા પાયે થતી પર્યુષણની આરાધનામાં થતી વિવિધ ક્રિયાઓમાં બહુ જ બહોળા પ્રમાણમાં સૂત્રોનું પઠન થતું. મુંબઈમાં જૈન પાઠશાળાનો ઇતિહાસ લગભગ ૨૦૦થી ૨૧૫ વર્ષ જૂનો છે. મુંબઈમાં ધાર્મિક શિક્ષણની શરૂઆત કોઈ એક સ્વતંત્ર સ્કૂલ તરીકે નહીં પરંતુ દેરાસર અને ઉપાશ્રય સાથે જોડાયેલી ગુરુકુળ પરંપરા તરીકે થઈ હતી. બ્રિટિશકાલીન સત્તાવાર ગૅઝેટિયરમાં મુંબઈનાં ધાર્મિક સ્થળો, શેઠ અમીચંદ, શેઠ મોતીશાહ અને ૧૮૧૨માં સ્થપાયેલા ગોડીજી મંદિર તેમ જ એની સાથે જોડાયેલી ધાર્મિક ગતિવિધિઓ અને દેશી પાઠશાળાઓનો વિગતવાર ઉલ્લેખ છે. એ મુજબ પહેલી જૈન પાઠશાળા સાઉથ મુંબઈના ફોર્ટ અને ત્યાર બાદ પાયધુની વિસ્તારમાં શરૂ થઈ. અઢારમી સદીના અંતમાં અને ઓગણીસમી સદીની શરૂઆતમાં ખંભાત, પાટણ, કચ્છ અને રાજસ્થાનથી મુંબઈ આવેલા અગ્રણી જૈન શ્રેષ્ઠીઓમાં મુખ્યત્વે શેઠ અમીચંદ, તેમના પુત્રો શેઠ મોતીશાહ અને શેઠ નેમચંદ સામેલ હતા.
મોતીશાહ દ્વારા ૧૮૧૨માં પાયધુની ખાતે શ્રી ગોડીજી પાર્શ્વનાથ દેરાસરમાં અને કોટના શાંતિનાથ દેરાસર પરિસરમાં જૈન મુનિઓ અને પંડિતોની નિશ્રામાં મુંબઈની સૌપ્રથમ વ્યવસ્થિત પાઠશાળાઓની શરૂઆત થઈ હતી. આ પરંપરા આશરે ૨૧૨થી ૨૧૫ વર્ષ પહેલાં એટલે કે લગભગ ૧૮૦૮થી ૧૮૧૨ની આસપાસના ગાળામાં શરૂ થઈ હતી, જ્યારે મુંબઈમાં પ્રથમ શિખરબંધી જિનાલયો અને ઉપાશ્રયો બંધાયાં. એ જમાનામાં ઉપાશ્રય કે દેરાસરની છત નીચે સાદડી કે પાટલા પર બેસીને ધાર્મિક શિક્ષક દ્વારા શિક્ષણ આપવામાં આવતું. જૈન ધર્મનાં મૂળભૂત સૂત્રો, સામાયિક-પ્રતિક્રમણનાં સૂત્રો, ધાર્મિક વિધિ, પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનું સામાન્ય જ્ઞાન તેમ જ અહિંસા, સત્ય, જીવદયા જેવાં નૈતિક મૂલ્યો શીખવવામાં આવતાં. પાઠશાળામાં ધાર્મિક સંસ્કારોની સાથે-સાથે વ્યાપારી વર્ગનાં બાળકોને વ્યાવહારિક ગણિત અને નામાની ટ્રેઇનિંગ તથા મહાજની લિપિનું શિક્ષણ પણ પાઠશાળાના પંડિતો દ્વારા અપાતું. ગોવિંદ નારાયણ માડગાવકર દ્વારા લખાયેલા ‘મુંબઈનો ઇતિહાસ’ નામના ઐતિહાસિક પુસ્તકમાં કોટ અને પાયધુની વિસ્તારમાં શ્રેષ્ઠીઓ દ્વારા ચલાવાતી પાઠશાળાઓ અને મંદિરોના નિર્માણનો ઉલ્લેખ મળે છે. પંડિત બેચરદાસ જીવરાજ દોશી જેવા જૈન ઇતિહાસકારો અને મુનિ દર્શનવિજયજીનાં ઐતિહાસિક સંશોધનો દ્વારા લિખિત ગ્રંથોમાં મુંબઈમાં પાયધુની ગોડીજી દેરાસરના પરિસરમાં પંડિતો દ્વારા અપાતા જ્ઞાનદાન અને પ્રાથમિક પાઠશાળા પદ્ધતિની નોંધ છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત રહેતી અને મુખ્યત્વે શ્રેષ્ઠી પરિવારોના પુત્રો આવતા. સમય જતાં કન્યાઓ માટે અલગ પાઠશાળાઓ અને વ્યવસ્થિત શૈક્ષણિક ટ્રસ્ટો અસ્તિત્વમાં આવ્યાં, જેણે આજના વિશાળ પાઠશાળા નેટવર્કનો પાયો નાખ્યો.
મુંબઈમાં ૨૦૦ વર્ષ પહેલાં નિર્મિત થયેલા અને એક લાખ ચોરસ ફુટમાં વિસ્તરેલા ભાયખલાના જૈન સંઘમાં છેલ્લાં ૮૦ વર્ષથી પાઠશાળા ચાલે છે જેમાં ભણેલા અભ્યાસીઓમાંથી લગભગ ૨૮ જણે દીક્ષા લીધી છે. પાઠશાળાના ઇતિહાસ વિશે ભાયખલા જૈન સંઘના મૅનેજિંગ ટ્રસ્ટી જગદીશ ચંદુલાલ મહેતા કહે છે, ‘મુંબઈમાં ચીમનલાલ પાલિતાણાકર નામના જૈન પંડિતજીનું પાઠશાળાના વિકાસમાં ખૂબ મોટું યોગદાન છે. તેઓ સંઘમાં ફરી-ફરીને પાઠશાળા માટે પ્રોત્સાહન આપતા અને એને માટેની જરૂરિયાતો પૂરી કરતા. મોતીશા જૈન પાઠશાળામાં અત્યારે અમારી પાસે પાંચ શિક્ષકો છે અને લગભગ બસોથી વધુ દરેક ઉંમરના વિદ્યાર્થીઓ ભણવા આવે છે. આજે લોકો પાસે સમય નથી એટલે અમારી પાઠશાળા આખો દિવસ ચાલે અને જ્યારે જેને સમય હોય ત્યારે તે આવી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે. અમારે ત્યાં જૈન સાહિત્યની વિશાળ લાઇબ્રેરી પણ છે. આજની પેઢીને ધાર્મિક જ્ઞાન આપવું ખૂબ જરૂરી છે અને આજે એટલે જ પાઠશાળામાં વિદ્યાર્થીઓ આવતા થાય એવા તમામ પ્રયાસો કરવા જોઈએ.’
મુંબઈના જૈનોએ પાઠશાળા માટે અજાણતાં જ એક નિયમ બનાવ્યો હતો જે અંતર્ગત જ્યાં પણ દેરાસર અને ઉપાશ્રય હોય ત્યાં પાઠશાળા બાય ડિફૉલ્ટ શરૂ થઈ જતી. અત્યારે મુંબઈમાં ઉપાશ્રયો સાથે શિખરબંધી દેરાસરોની સંખ્યા લગભગ ૩૦૦ જેટલી છે. પાઠશાળાની સંખ્યા એનાથી વધારે હોવાનું અનુમાન પાઠશાળાને લગતી વિવિધ સ્કીમ અમલમાં મૂકનારી સંસ્થાઓ માને છે.
બહુ જ અદ્ભુત પરિણામ
પાઠશાળાઓ શું કરી શકે એના ઢગલાબંધ દાખલાઓ જૈન સમાજમાં મળી રહેશે. વાતની શરૂઆત કરીએ ભાઈંદરમાં સક્રિય ઉપાસના મંદિરથી. સંયમૈકલક્ષી આચાર્ય ભગવંત શ્રીમદ વિજય જગચ્ચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી ભાઈંદરમાં ૨૦૦૯માં ‘ઉપાસના મંદિર પાઠશાળા’ની શરૂઆત થઈ. આ શુભકાર્ય માટે પોતાનો બંગલો ડોનેટ કરનારા પંડિત અશોકકુમાર મહેતા સાથે ઘણા આરાધકો જોડાયા. અશોકભાઈ કહે છે, ‘અમારા ગુરુદેવે કહ્યું કે દેશ-વિદેશમાં અનેક સંઘો છે જ્યાં આરાધના કરનાર વર્ગ છે, પરંતુ તેમને આરાધના કરાવનારા મળતા નથી અને દરેક જગ્યાએ મહાત્માઓ પહોંચી ન શકે. તેથી એવાં બાળકો તૈયાર કરવાં જે વિધિ સહિત પાઠશાળામાં ભણે અને એ વારસાને વિવિધ સંઘોમાં જઈને પહોંચાડે. આજના બદલાતા ડિજિટલ યુગમાં બાળકોને મોબાઇલ અને સ્ક્રીન-ટાઇમથી દૂર રાખીને પાઠશાળા સુધી લાવવા એ મોટો પડકાર હતો. એ માટે અમે બાળકોને મજા પડે એ રીતે પાઠશાળાની વ્યવસ્થા ઊભી કરી છે. ઉપાસના મંદિર પાઠશાળામાં જેમને લખતાં-વાંચતાં આવડતું હોય એવાં ૮ વર્ષથી વધુ ઉંમરનાં બાળકો માટે પાંચ વર્ષની યોજના તૈયાર કરવામાં આવી છે જેને જૈન ધર્મમાં C.A. બનવા સમાન ગણવામાં આવે છે. અહીં સૂત્ર, અર્થ, વિધિ અને અર્ક સાથે શિક્ષણ અપાય છે. પહેલાં બે વર્ષમાં બે પ્રતિક્રમણ કંઠસ્થ કરાવવામાં આવે છે. સભા વચ્ચે ઊભા રહીને ૧૦૦ લોકોની હાજરીમાં બોલી શકે એ માટે પ્રૅક્ટિકલી તૈયારી કરાવવામાં આવે છે. ત્રીજા વર્ષમાં બે પ્રતિક્રમણના અર્થ ભણાવવામાં આવે છે. ચોથા વર્ષમાં જીવવિચાર, પ્રથમ કર્મગ્રંથ અને સમકિતના ૬૭ ગુણ જેવા ગૂઢ વિષયોનું શિક્ષણ અપાય છે; એની પરીક્ષાઓ લેવાય છે અને ૬૦ ટકાથી વધુ માર્ક્સ લાવનારનું વિશેષ બહુમાન કરાય છે. છેલ્લા વર્ષે ભાષ્યપ્રેમ અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે. પાઠશાળાનો સમય પણ અત્યંત અનુકૂળ રખાયો છે. સવારે બે બૅચ (સાડાછથી સાડાઅગિયાર), બપોરે બે બૅચ (ત્રણથી પોણાપાંચ) અને સાંજે ૩ બૅચ (સાડાસાતથી અગિયાર) એમ દિવસ દરમ્યાન સતત શિક્ષણ ચાલે છે. અહીં માત્ર બાળકો જ નહીં, ૮૦ વર્ષથી વધુ વયના વડીલો પણ નવકાર મંત્રથી લઈને કર્મગ્રંથ અને સંસ્કૃત ચોપડીઓ ભણવા આવે છે. બીજી વાત, નિત્ય પાઠશાળા આવવા માટે અને સૂત્ર પ્રમાણે રોજની પ્રભાવના આપવામાં આવે છે. એક જ વર્ષમાં બે પ્રતિક્રમણ પૂરાં કરનારને ૧૫,૦૦૦ રૂપિયા સુધીનું બહુમાન કરાય છે. બાળક પાંચેય પ્રતિક્રમણ વિધિ સાથે પૂરાં કરે તેનું સોનાની ગીનીથી બહુમાન કરવામાં આવે છે. આ પ્રોત્સાહનની મોટી અસર એ થઈ છે કે નાનપણમાં પાઠશાળામાંથી ગિફ્ટ કે ઇનામ મેળવીને ગયેલાં બાળકો આજે જ્યારે મોટા થઈને સારી નોકરી કે બિઝનેસમાં કમાતા થયા છે ત્યારે તેઓ સ્વેચ્છાએ સામે ચાલીને પોતાની પાઠશાળાને ડોનેશન અને ભેટ આપે છે.’
સામાજિક પરિવર્તન
પાઠશાળામાં માત્ર શાસ્ત્રો નથી ભણાવાતાં, રવિવારે જનરલ નૉલેજ અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ પણ અપાય છે. એનાથી પરિવારોમાં અદ્ભુત પરિવર્તનો આવ્યાં છે. અશોકભાઈ કહે છે, ‘અનેક પરિવારોમાં કંદમૂળ અને રાત્રિભોજનનો ત્યાગ થયો છે. એક બાળકે તેના પિતાને ગુટકાનું વ્યસન છોડાવવા માટે મક્કમતા દર્શાવી અને પિતાએ અઠવાડિયામાં ગુટકા બંધ કરી દીધા. ઉપાસના મંદિર પાઠશાળાની સૌથી મોટી સિદ્ધિ એ છે કે અહીંથી ભણીને નીકળેલા અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કે એન્જિનિયર બનેલા આજે વર્ષે ૨૦ લાખનું પૅકેજ ધરાવતા વિદ્યાર્થીઓ પણ પર્યુષણ પર્વ દરમ્યાન રજાઓ લઈને આરાધના કરાવવા જાય છે. દર વર્ષે ૧૦થી ૨૫ વર્ષની વયનાં ૧૫૦થી ૨૦૦ બાળકો-બાલિકાઓ ભારતભરના મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બૅન્ગલોર, હૈદરાબાદ, આંધ્ર પ્રદેશ, રાંચી, તામિલનાડુ જેવા ૧૦૮થી ૧૧૮ જેટલા નાના-મોટા સંઘોમાં પર્યુષણની નિઃશુલ્ક આરાધના કરાવવા જાય છે. સંઘ જે પણ ભેટ આપે એ ભેગી કરીને સંસ્થા તમામ બાળકોનું એકસરખું સન્માન કરે છે. અહીં ભણેલા ૧૮ જેટલા યુવાનોએ તો દીક્ષા અંગીકાર કરી છે.’
અનબિલીવેલબ પ્રાઇઝ
બાળકોને પાઠશાળા તરફ આકર્ષવા અને આ પ્રવૃત્તિને ટૉક ઑફ ધ ટાઉન બનાવવા માટે પૂજ્ય હેમશેખરવિજયજી મહારાજસાહેબની પ્રેરણાથી સમકિત ગ્રુપ દ્વારા અનોખું પાઠશાળા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે અલ્પેશભાઈ કહે છે, ‘પૂજ્ય શ્રી હેમશેખરવિજયજી મહારાજસાહેબનું કહેવું હતું કે તમે કરોડો રૂપિયા ખર્ચીને આલીશાન ભવન ઊભાં કરશો, પણ જો બાળકોમાં સંસ્કાર જ નહીં હોય તો ત્યાં જવાવાળું કોઈ નહીં બચે. આમ પણ સમકિત ગ્રુપ વારસો અને વારસદાર એ બન્ને મુખ્ય ઉદ્દેશ પર કામ કરી રહ્યું હતું. પાઠશાળા જો પ્રમોટ થાય તો આ બન્ને બાબતો પ્રભાવિત થવાની હતી. આજના ડિજિટલ યુગમાં બાળકોનો સ્ક્રીન-ટાઇમ ચિંતાજનક રીતે વધી રહ્યો છે, વેબ-સિરીઝ અને સોશ્યલ મીડિયા વિકૃતિ તરફ દોરી રહ્યાં છે ત્યારે નવી પેઢીને ખરાબ સંગત અને વ્યસનોથી દૂર રાખીને ધાર્મિક સંસ્કારો તરફ વાળવી જરૂરી હતી. એની શરૂઆત ૨૦૧૫માં ‘ચાલો પાઠશાળા જઈએ’ અભિયાનથી થઈ. અંધેરીથી મીરા રોડ સુધી જે પણ બાળકો કે યુવાનો પાંચ પ્રતિક્રમણ કંઠસ્થ કરે તેમને સોનાની ચેઇન આપવાની જાહેરાત થઈ. આ યોજનાથી ૧૦૦થી વધુ યુવાનો તૈયાર થયા. હેતુ એ જ હતો કે યુવાનો સંઘમાં આરાધના કરાવવાયોગ્ય બને અને ભવિષ્યમાં પણ સ્વયં આત્મનિર્ભર થઈને પ્રતિક્રમણ કરી શકે. એ પછી ‘હમ ચલેં પાઠશાળા’ નામનો મુંબઈ ઉપરાંત સુરત, અમદાવાદ, બરોડા અને જૂનાગઢ જેવાં ચાર શહેરોને જોડીને મોટો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. એમાં આઠથી ૪૮ વર્ષની વયનાં ૩૬,૦૦૦ જેટલાં બાળકો અને સાધકો જોડાયાં. જે લોકો વર્ષમાં ૧૨૫ દિવસ પાઠશાળામાં હાજરી આપે અને ૬૮ ગાથા કરે તેમને દરેકને એક ઇનામ અને સાથે બધા જ લોકોમાંથી એકનો લકી ડ્રૉ નીકળે જેને ૨૫ લાખ રૂપિયાનું મુખ્ય ઇનામ હતું. અમારી ચર્ચાઓમાં એવું નીકળીને આવ્યું કે સામાન્ય ઇનામોને બદલે જો જાયન્ટ ઇનામ અપાય તો આ મુદ્દો આખા સમાજમાં ટૉક ઑફ ધ ટાઉન બનશે અને લોકોનું ધ્યાન પાઠશાળા તરફ ખેંચાશે.’
ધીમે-ધીમે ભારતથી આ વાત વિદેશમાં રહેતા જૈનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની. ઇનામોની ગુણવત્તા અને રાશિ વધતી ગઈ. બીજી સીઝનમાં એક કરોડ રૂપિયાનું ઇનામ, ત્રીજા વર્ષે ૧ કરોડ ૧૧ લાખ રૂપિયા ઇનામમાં હતાં. અન્ય ઇનામો અલગ. મહિને ચાંદીના સિક્કાઓ અપાતા લકી ડ્રૉમાં. લગભગ ત્રણથી ૪ કરોડ રૂપિયા એક વર્ષની સ્કીમમાં વપરાતા. ચોથા વર્ષે એક કિલો સોનું, અને ગયા વર્ષે ૫૦ કિલો ચાંદીનું ઇનામ મુખ્ય લકી ડ્રૉમાં આપવામાં આવ્યું હતું. દર મહિને ચાંદીના સિક્કાઓ અપાતાં લકી ડ્રૉમાં કુલ ૧૦૦ કિલો ચાંદી સ્કીમ દરમ્યાન ઇનામરૂપે અર્પણ થઈ હતી. અલ્પેશભાઈ કહે છે, ‘આ આખી પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવા માટે ટેક્નૉલૉજીનો ઉત્તમ ઉપયોગ કરવામાં આવ્યો. એમાં સમકિત ગ્રુપની ટેક ટીમે ખૂબ મોટા પાયે કામ કર્યું. હાજરીનો ડેટા મહિને-મહિને પાઠશાળાના શિક્ષકની સહી સાથે ઍપ પર અપલોડ કરવાનો રહે છે. ઑનલાઇન રજિસ્ટ્રેશનથી લઈને બધી પ્રોસેસ ડિજિટલ છે. આ વ્યવસ્થા ચલાવવા માટે સમગ્ર વિશ્વમાં ૨૫૭ કો-ઑર્ડિનેટર્સની ટીમ કાર્યરત હતી જે ગોવા, ત્રિપુરા, ચંડીગઢથી લઈને સ્વિટ્ઝરલૅન્ડ, ટાન્ઝાનિયા અને ન્યુ યૉર્ક સુધી ફેલાયેલી છે. ૧૮૦૦ પિનકોડ અને ૨૮૫૦થી વધુ પાઠશાળાઓ આ નેટવર્ક સાથે જોડાયેલી છે. જોકે આ વર્ષે અમે આ અભિયાનમાં વિરામ લીધો છે જેથી પરિણામ કેવું આવ્યું છે એનો રિવ્યુ કરી શકાય. આટલાં વર્ષો સુધી સ્પૂન-ફીડિંગ કર્યા પછી હવે એ જોવા માગીએ છીએ કે બાળકોમાં કેટલી સારી આદતો કાયમી ધોરણે પડી છે. અમે સ્થાનિક સંઘોને પણ વિનંતી કરી છે કે આ તમારો છોડ અને તમારો બગીચો છે, બાળકો તમારાં છે અને પાઠશાળા તમારી છે; અમારો પ્રયાસ તેમને પાઠશાળા સુધી લાવવાનો હતો; હવે આગળની જવાબદારી તમારે નિભાવવાની. ખરેખર એવું બન્યું છે કે સંઘોએ પોતાના પક્ષેથી વિવિધ સ્કીમ દ્વારા પાઠશાળા માટે પ્રોત્સાહન બનેલું રહે એવા પ્રયાસો આદર્યા છે. જોકે એ પણ કહીશ કે અત્યારનો વિરામ એ માત્ર અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નહીં.’
ડિજિટલ પાઠશાળા
આજના બદલાતા યુગમાં બાળકોને ધર્મ અને સંસ્કારો સાથે જોડી રાખવા માટે ‘ડિજિટલ જૈન પાઠશાળા’ (DJP) અને ‘જેન્યુઇન ફાઉન્ડેશન’ દ્વારા એક ક્રાન્તિકારી નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે જે અંતર્ગત જૂની પાઠશાળાઓને બંધ કરવાને બદલે એમની પદ્ધતિને આધુનિક શૈલીમાં અપગ્રેડ કરીને વધુ સુદૃઢ બનાવવામાં આવી રહી છે. આ સંદર્ભે ડિજિટલ પાઠશાળાના મૅનેજમેન્ટ સાથે સંકળાયેલા રાહુલ જૈન કહે છે, ‘સૌથી પહેલાં અમે પાંચથી ૧૫ વર્ષનાં બાળકો માટે ૯ લેવલનું સ્માર્ટ કરિક્યુલમ તૈયાર કર્યું છે જેમાં ટેક્સ્ટ-બુક, એક્ટિવિટી-બુક અને ૩૧ દિવસના રોજિંદા સદાચારને લગતા નિયમોને (જેમ કે જમતી વખતે ટીવી ન જોવું, વડીલોનો વિનય કરવો અને પાણી બચાવવું) નોંધવાની વર્ક-બુકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જૈન ધર્મના તત્ત્વજ્ઞાન, સ્યાદ્વાદ અને અનેકાંતવાદ જેવા ગૂઢ સિદ્ધાંતોને સાયન્સ અને લૉજિકના માધ્યમથી ડિજિટલી સમજાવતા વિડિયો બનાવ્યા છે. જ્યાં ઇન્ટરનેટ કે લૅપટૉપની સુવિધા નથી ત્યાં ઝારખંડ, બિહાર અને કચ્છના અંતરિયાળ વિસ્તારો સુધી શિક્ષણ પહોંચાડવા માટે ઇનબિલ્ટ કન્ટેન્ટ ધરાવતું ‘જ્ઞાન બૉક્સ’ નામનું સ્પેશ્યલ ડિવાઇસ વિકસાવવામાં આવ્યું છે જેને નેટ વગર સીધું પ્રોજેક્ટર કે TV સાથે જોડી શકાય છે. અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળક માત્ર ગોખણપટ્ટી ન કરે પરંતુ લૉજિક, વિજ્ઞાન અને ૩૧ દિવસની વર્ક-બુક દ્વારા ધાર્મિક મૂલ્યો અને સદાચારને પોતાના રોજિંદા જીવનમાં ઉતારે. અત્યારે વિશ્વના નવથી વધુ દેશોની ૪૫૦થી વધુ પાઠશાળાઓ અને ૨૨,૦૦૦થી વધુ બાળકો જોડાયેલાં છે.’
મુંબઈ સહિત દેશભરમાં પાઠશાળાના સંસ્કારોને આધુનિક શિક્ષણપ્રણાલીમાં વણી લેવાના હેતુથી સ્કૂલ-સિસ્ટમ પણ વર્ષો પહેલાં જૈનોના ક્રાન્તિકારી દૂરંદેશી મહાત્મા પૂજ્ય પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ દ્વારા આદરવામાં આવી હતી જેમાં તેમણે તપોવન સ્કૂલ શરૂ કરી હતી. લૌકિક એજ્યુકેશનની સાથે જૈનત્વના સંસ્કાર પણ બાલ્યાવસ્થામાં મળે એ આશયથી શરૂ થયેલી તપોવન સ્કૂલમાં આજે ભાઈંદર, ઘાટકોપર, જામનગર, નવસારી, અમદાવાદ, સુરત જેવી જગ્યાએ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંલગ્ન શિક્ષણવ્યવસ્થા ઊભી થઈ છે. એવી જ રીતે મુંબઈના ગોરેગામમાં ‘આદી ઍકૅડેમી’ નામની સ્કૂલ શરૂ થઈ છે જેમાં સવાસો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. પચીસથી વધુ ક્વૉલિફાઇડ શિક્ષકો સાથે નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ અંતર્ગત અભ્યાસક્રમ અને સાથે અન્ય વિષયોને સામેલ કરાયા છે. આ સ્કૂલની મૅનેજમેન્ટ કમિટીનો સભ્ય મોક્ષાર્થ વોરા કહે છે, ‘આધુનિક અભ્યાસક્રમ સાથે સંસ્કૃત ભાષા, વૈદિક મૅથ્સ, પક્ષપાત વગરનો સાચો ઇતિહાસ અને નાનપણથી જ ઑન્ટ્રપ્રનર સ્કિલ્સ શીખવવામાં આવે છે. ધાર્મિક તહેવારો અને પર્વો સાથે સ્કૂલના કૅલેન્ડરને અનુકૂળ રખાયું છે અને પોસાય એવી ફી રાખીને નૉન-પ્રૉફિટ મૉડલ સાથે સ્કૂલ ચલાવવામાં આવે છે.’
મુંબઈમાં ગોરેગામ ઉપરાંત મલાડ, બોરીવલી અને વિલે પાર્લેમાં પણ આદી ઍકૅડેમીની સ્કૂલ છે. એ સિવાય ચેન્નઈ, બૅન્ગલોર અને હૈદરાબાદમાં જૈન પરંપરા અંતર્ગત આધુનિક સ્કૂલો શરૂ થઈ ગઈ છે. એ અંતર્ગત આખા દેશમાં મળીને ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ સંસ્કારસભર આધુનિક શિક્ષણ મેળવી રહ્યા છે.