સફર ગુજરાત કી

05 May, 2022 12:47 PM IST  |  Mumbai | JD Majethia

ગુજરાત જવાની વાત આવે ત્યારે મને અઢળક આનંદ થાય, પણ ગયા સોમવારે ગુજરાતની જે ટૂર થઈ એમાં તો આનંદનો ઉમેરો થાય એવી ઘણી વાતો બની. અમે ‘વાગલે કી દુનિયા’ માટે અનેક ઇન્ટરવ્યુ આપ્યા અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને પણ પર્સનલી મળ્યા

‘વાગલે કી દુનિયા’ની ટીમ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે

ચોવીસ કલાક પહેલાં મને ટ્રાફિકનો કડવો અનુભવ થયો એટલે મેં નક્કી કર્યું કે બધા કલાકારોને વહેલા છોડી દેવા છે જેથી ઍરપોર્ટ પહોંચવામાં વાંધો નહીં. બીજા દિવસે અમે એમ જ કર્યું, પણ એ દિવસે કોઈ ટ્રાફિક નહીં અને કલાકમાં એટલે કે ત્રણ વાગ્યે બધા ઍરપોર્ટ પર અને ફ્લાઇટ ઊપડી રાતે ૧૧.૧૦ વાગ્યે!

‘વાગલે કી દુનિયા’ને માર્ચમાં એક વર્ષ પૂરું થયું એ વાત મેં તમને કરી, પણ આ એક વર્ષ પૂરું થવા નિમિત્તે બીજું પણ ઘણું બન્યું એની વાત મારે તમને કહેવી છે. સામાન્ય રીતે સિરિયલ શરૂ થતી હોય ત્યારે એના પ્રમોશન માટે અલગ-અલગ શહેરોમાં જવામાં આવે, સિટી વિઝિટ થાય, ઇન્ટરવ્યુઓ થાય અને એવું ઘણુંબધું બને જેમાં કહેવામાં આવે કે અમારો શો જોજો, એમાં આવું-આવું અને આવું છે. જોકે ‘વાગલે કી દુનિયા’ લૉન્ચ થઈ ત્યારે અમે કોઈ પ્રમોશન ટૂર નહોતી કરી. આમ જોવા જઈએ તો આ થોડી ટેન્શનવાળી વાત કહેવાય. માત્ર ટીવી પર પ્રોમો દેખાડીને કે પછી હોર્ડિંગ્સ લગાડીને અને ન્યુઝપેપરમાં ઍડ આપીને શોની વાત લોકો સુધી પહોંચાડવાનું કામ થોડું અઘરું તો છે, પણ માબાપના આશીર્વાદ અને ઈશ્વરની મહેરબાનીથી ‘વાગલે કી દુનિયા’એ એ કામ ખૂબ સારી રીતે કર્યું અને શો હિટ થઈ ગયો.

હમણાં જ્યારે શોને એક વર્ષ પૂરું થયું ત્યારે એના પ્રમોશન માટે અમારે અમદાવાદ જવાનું થયું. ગયા સોમવારની જ વાત છે. અમદાવાદ જઈને સાધારણ રીતે અમે પ્રેસ-કૉન્ફરન્સ અને રેડિયો ઇન્ટરવ્યુ અને એવુંબધું કરીએ, પણ આ વખતે એ વાત અમને એટલી અસરકારક લાગી નહીં. અમારે કંઈક વિશિષ્ટ પણ કરવું હતું અને એ વિશિષ્ટની જ વાત આજે તમારા બધા સાથે શૅર કરવી છે.

‘વાગલે કી દુનિયા’ સફળતા સાથે એક વર્ષથી ચાલે છે અને બહુ લોકપ્રિય છે. એની લોકપ્રિયતાની વાત કહું તો ગયા વર્ષે એટલે કે ૨૦૨૧માં સૌથી વધારે જોવાયા એવા ટૉપ ટેન પ્રોગ્રામમાં આપણા આ શોને સ્થાન મળ્યું તો આ વર્ષના અવૉર્ડ ફંક્શનમાં એને બેસ્ટ ટીવી-સિરિયલનો અવૉર્ડ મળ્યો. ટ્વિટર પર ભાગ્યે જ કોઈ ટીવી-પ્રોગ્રામ ટ્રેન્ડ થતો હોય છે, પણ ‘વાગલે કી દુનિયા’ ટ્રેન્ડ થયો અને યંગસ્ટર્સે પણ એને વધાવી લીધો. છેલ્લા દોઢ વર્ષમાં આપણે ત્યાં કુલ ૨૯ નવા શો લૉન્ચ થયા, જેમાંથી પાંચેક શો ચાલ્યા અને એમાં એક ‘વાગલે કી દુનિયા’ છે એટલે સ્વાભાવિક રીતે એ પણ વાત થવાની હતી અને અમે એ વાત કરી પણ ખરી.

લોકોને શો ગમે છે એટલે સામે એવો જ પ્રતિસાદ અમને પણ મળ્યો જેની ખુશી પણ થઈ તો સાથોસાથ અમે રેડિયો જૉકી દેવાંગ, નિશિત, યુવરાજ અને બીજા મિત્રો સાથે ઇન્ટરવ્યુ પણ કર્યા. ગુજરાતમાં અમારી વ્યુઅરશિપ બહુ સારી છે એટલે નૅચરલી અમને એ ખુશી પણ હતી અને એ ખુશીને લીધે જ અમારે કંઈક વિશિષ્ટ કરવું હતું. શું કરવું એ વિશે વિચારતાં-વિચારતાં મનમાં આવ્યા ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્રભાઈ સીએમ બન્યા ત્યારે તેમને વિશ કરવાનું મન હતું, પણ કરી શક્યા નહોતા. ભૂતકાળમાં હું મોદીસાહેબ, આનંદીબહેન પટેલ અને વિજયભાઈ રૂપાણીને કોઈ ને કોઈ કારણોસર મળ્યો છું અને તેમણે સમય આપ્યો ત્યારે શુભેચ્છા પણ આપી છે.

આ વખતે મને થયું કે ભૂપેન્દ્રભાઈ પાસે ‘વાગલે કી દુનિયા’ની ટીમને લઈને જઈએ. મનમાં વિચાર તો આવ્યો, પણ એ વિચારની સાથોસાથ સ્વાભાવિક વિચાર પણ આવ્યો કે ચીફ મિનિસ્ટર પણ એમ વિચારે કે મને મળે શું કામ કે પછી હું આમને શું કામ મળું?

આ સવાલનો જવાબ મારા મનમાં ક્લિયર હતો કે શું કામ મળીએ? આ જે ‘શું કામ?’ છે એનો જવાબ હું આગળ જતાં તમારી સાથે શૅર કરીશ, પણ એ પહેલાં આ મુલાકાત માટે જે કોઈ મદદરૂપ બન્યા છે તેમનો આભાર મારે માનવો જ રહ્યો. એક મિત્ર છે - ભૂમિકા. તેણે મને સજેસ્ટ કર્યું કે તમે આ વાત આમ-આમ અને આમ કરો તો કામ થઈ શકે છે. મેં ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનાં ડૉટર અનારબહેન પટેલ સાથે વાત કરી અને તેમણે આ મુલાકાત ગોઠવી આપી. અનારબહેનનો ખૂબ-ખૂબ આભાર. એ પછી વાત કરતાં-કરતાં મુખ્ય પ્રધાનના પીએ ધ્રુમિલભાઈ સાથે વાત થઈ અને તેમણે સમય ગોઠવી આપ્યો.

નક્કી થયેલા સમય મુજબ અમે મળવા ગયા, પણ એ પહેલાં તમને મુંબઈથી અમદાવાદ આવવાની અમારી જે જર્ની હતી એની વાત કહું. એ પણ બહુ મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ છે.

અમદાવાદની જર્ની માટે અમે નક્કી કર્યું હતું કે અમદાવાદ માટે સવારની ફ્લાઇટ લેવી નહીં. મોટા ભાગે મેં જોયું છે કે સવારની ફ્લાઇટમાં થોડું આઘુંપાછું થઈ જાય છે અને એ બે-ચાર કલાક લેટ પડતી હોય છે. અમે નક્કી કર્યું કે આપણે આગલા દિવસની સાંજની ફ્લાઇટમાં જ જવું. સાંજે સાડાછની ફ્લાઇટ એટલે મનમાં એમ કે આરામથી આઠેક વાગ્યા સુધીમાં અમદાવાદ, સાડાઆઠે હોટેલ પર અને પછી ડિનર લઈને સૂઈ જઈશું અને સવારે મસ્ત રીતે વહેલું કામ શરૂ કરી દઈશું. મનમાં આ પ્રકારનું શેડ્યુલ ક્લિયર હતું, પણ અમદાવાદ જવાના આગલા દિવસે જ મને ટ્રાફિકનો એવો કડવો અનુભવ થયો કે મેં નક્કી કર્યું કે ભાઈ, આપણે કોઈ રિસ્ક લેવાનું નથી અને બધા કલાકારોને વહેલા છોડી દેવા છે જેથી મીરા રોડથી ઍરપોર્ટ પહોંચવામાં બે-અઢી કલાક થાય તો પણ વાંધો નહીં. હું ટ્રાફિકમાં અટવાયો હતો એટલે બીજા દિવસે અમે આમ જ કર્યું અને બધા કલાકારોને વહેલા છોડી દીધા. એ દિવસે કોઈ ટ્રાફિક નહીં અને બધા ત્રણેક વાગ્યામાં ઍરપોર્ટ પર અને અમારી ફ્લાઇટ ઊપડી રાતે ૧૧.૧૦ વાગ્યે.

હા... હા... હા...

છથી સાત કલાક લેટ પડેલી એ ફ્લાઇટ માટે કોનો વાંક કાઢવો એ હજી સુધી હું નક્કી નથી કરી શક્યો અને સાવ સાચું કહું, એવું નક્કી પણ કરવું નથી; કારણ કે અમારા એ ફ્રી ટાઇમમાં અમે પુષ્કળ મજા કરી છે. અમારો વાગલે પરિવાર તો હતો જ, તો સાથે સોની સબ ટીવીના નીરજ વ્યાસ પણ હતા. અફકોર્સ, તેમણે ઍરપોર્ટ પર બેસીને પોતાનું થોડું કામ પણ કર્યું તો મેં પણ થોડું કામ કરી લીધું, પણ સરવાળે ઍરપોર્ટ પર મળી ગયેલા એ વેકેશનમાં બહુ મજા આવી ગઈ.

અમદાવાદ હોટેલ પર પહોંચતાં અને ચેક-ઇન કરતાં સુધીમાં અમને રાતે દોઢ વાગી ગયો. જર્નીની મજા અને આરામની જરૂરિયાત બન્ને આંખોમાં દેખાતાં હતાં તો આનંદ અને થાક એમ એ બન્ને પણ દેખાતાં હતાં. બધા ફટાફટ પોતપોતાની રૂમમાં ગયા અને વહેલી પડે સવાર એવા વિચાર સાથે સૂઈ ગયા. સવાર પડી એટલે અમારી નાની-મોટી વાત પૂરી કરીને અમે બધા નીકળી ગયા અમારા શેડ્યુલ મુજબના કામ પર.

રેડિયો પ્રોગ્રામ થયા, ટીવી-ઇન્ટરવ્યુ થયા તો પર્સનલ ઇન્ટરવ્યુ પણ થયા. ફોટોસેશન પણ કરવામાં આવ્યું. એ બધું પૂરું થયા પછી અમે નીકળ્યા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા તેમના બંગલે. ત્યાં જઈને અમને એવો તે સુખદ અનુભવ થયો જેની અમે કલ્પના પણ નહોતી કરી. ત્યાં પહોંચ્યા કે તરત બંગલાની બહાર હતા એ સિક્યૉરિટી ગાર્ડ અમને મળ્યા. એ ગાર્ડ પણ ‘વાગલે કી દુનિયા’ની ટીમને જાણતા હતા. ત્યાં પહોંચ્યા અને સુખદ આશ્ચર્ય વચ્ચે અમારું બધેબધું કામ તેમના ઓએસડી પ્રણવભાઈ અને તેમના પીએ ધ્રુમિલભાઈએ આસાન કરી આપ્યું હતું. 
પ્રણવભાઈએ એકદમ સરસ રીતે અમારી વાતો સાંભળી અને અમને બહુ જ સરસ રીતે મુદ્દાસર બીજી ઇન્ફર્મેશન શૅર પણ કરી તો આનંદભાઈ શાહે તેમની ઑફિસમાંથી સરસ રીતે બધું કો-ઑર્ડિનેટ કર્યું. અમે પહોંચ્યા. સરસ રીતે અમારું સ્વાગત થયું. આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર બિઝી હતા. નૅચરલી તેમને ખૂબબધું કામ હતું. તે ફ્રી થાય ત્યાં સુધી અમે નિરાંતે બેઠા. બહાર બેઠા હતા ત્યારે મેં એક મોટી ફ્રેમમાં તેમનો ફોટો જોયો. તેમને જોઈને મને એક વ્યક્તિની ઝાંખી થઈ. એ કઈ વ્યક્તિ એની વાત કરીશું આપણે હવે આવતા ગુરુવારે, કારણ કે અત્યારે અહીંથી જવાનો સમય થઈ ગયો છે અને ત્યાં સીએમ હાઉસમાં અમારો મુલાકાતનો સમય થઈ ગયો છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia