હૅપી બર્થ-ડે અગસ્ત્ય, હૅટ્સ ઑફ ઍલિસન

31 March, 2022 01:34 PM IST  |  Mumbai | JD Majethia

બેચાર મુશ્કેલી કે તકલીફો આવે અને માણસ ઢીલો પડી જાય પણ ધારો કે થોકબંધ મુસીબતો આવે અને એ પછી પણ હિંમત જરા પણ તૂટે નહીં, આગળ વધવાની ઇચ્છા સતત અકબંધ રહે અને આગળ વધે પણ ખરા તો એને તમે શું કહેશો? હું એને અગસ્ત્ય, ઍલિસન અને આતિશ કહીશ

હૅપી બર્થ-ડે અગસ્ત્ય, હૅટ્સ ઑફ ઍલિસન

ઘણી વાર કોઈ બુક વાંચીને કે પછી પિક્ચર જોઈને કે ક્યારેક છાપામાં કોઈ એવી સ્ટોરી વાંચીને કે આસપાસમાં બનેલી કોઈક એવી ઘટનાથી આપણે ઇન્સ્પાયર થતા હોઈએ છીએે. એ સમયે આપણને થાય કે આ જે ઇન્સ્પિરેશન છે એ આવી જ કોઈ વાતોમાંથી આપણને મળી શકે. પણ ના, સાવ એવું નથી. મેં ઘણી વાર જોયું છે કે તમે તમારી આસપાસ જુઓ તો તમારી આસપાસના અમુક લોકો પણ એવું જીવન જીવતા હોય છે જે જીવન એક આખી બાયોગ્રાફી લખવાને કાબિલ હોય છે અને એ પણ સાવ એમ જ નહીં, એ જીવનમાંથી તમને એટલું બધું શીખવા મળે અને એ વાતો તમને એટલું બધું ઇન્સ્પાયર કરે, તમે ઇન્સ્પાયર થઈ શકો કે તમારું આખું જીવન બદલાઈ શકે. મારી વાત કહું તો હું મારી આસપાસના ઘણા લોકોથી ઇન્સ્પાયર થયો છે. 
મારી સ્કૂલના શિક્ષક, કૉલેજના પ્રોફેસર, મારા મિત્રો કે પછી મારા પરિવારમાંથી. મારાં માબાપની તો મેં કેટકેટલી વાતો તમને કરી છે કે હું મારા પેરન્ટ્સના તો આખા જીવનમાંથી ખૂબ બધું શીખ્યો છું. ટ્રાવેલ કરતાં કોઈ એવી ઘટના થઈ હોય અને એ સમયે કોઈનું બિહેવિયર પણ મને શીખવી જાય તો ટ્રાફિક સિગ્નલ પર પણ કોઈનું વર્તન મને શીખવી જાય. મારી વર્કિંગ-પ્લેસમાંથી હું ઇન્સ્પાયર થયો છું અને મારાં બચ્ચાંઓ પાસેથી પણ હું ઘણું શીખીને ખૂબ ઇન્સ્પાયર થયો છું પણ આ બધામાં હું જો કોઈથી બહુ જ પ્રભાવિત થયો હોઉં, ખૂબ, ખૂબ, ખૂબ મને પ્રેરણા આપી હોય એવી કોઈ વ્યક્તિ મારી આસપાસ હોય તો એ છે ઍલિસન. 
ઍલિસન ફર્નાન્ડિસ, જે ઍલિસન આતિશ કાપડિયા છે. તમને થાય કે આટલાં વર્ષોમાં ઍલિસનની વાત મને આજે જ કેમ સૂઝી તો એનું એક કારણ છે. સચોટ અને એકદમ પર્ફેક્ટ કહેવાય એવું કારણ. આજે ૩૧ માર્ચ છે અને આજે અગસ્ત્ય ઍલિસન-આતિશ કાપડિયા એટલે કે ઍલિસન અને આતિશનો દીકરો સોળ વર્ષનો થશે અને આ અમારા માટે બહુ મોટી ખુશીની વાત છે. શું કામ બહુ મોટી ખુશી તો એનો જવાબ તમને આ આખો આર્ટિકલ વાંચ્યા પછી જ સમજાશે. 
જે લોકો મને ઓળખે છે એ લગભગ બધા લોકો આતિશને ઓળખે જ છે અને આ જે લોકો આતિશને ઓળખે છે એ લોકો માટે ઍલિસનને ઓળખવું પણ બહુ જરૂરી છે.
ઍલિસન અને આતિશનાં લવ મૅરેજ થયાં હતાં. હું અને આતિશ બન્ને ત્યારે જૉબ કરતા હતા. એમબીએ પૂરું કર્યું અને પછી બન્ને જૉબ પર લાગ્યા. હું મુદ્રા કમ્યુનિકેશનમાં અને આતિશ ઇન્ડિયન એક્સપ્રેસમાં. આ ઇન્ડિયન એક્સપ્રેસમાં આતિશનો ઍલિસન સાથે ભેટો થયો. 
કૅથલિક ઍલિસન અને આપણો ગુજરાતી આતિશ, બન્ને પ્રેમમાં પડ્યાં અને તેમનો પ્રેમ આગળ વધ્યો. બન્નેના કુટુંબીજનોને બહુ કંઈ વાંધો નહોતો. અમને બધાને પણ ઍલિસન સાથે બહુ ફાવતું હતું અને એકદમ સરસ છોકરી. દેખાવે સુંદર, સરસ સ્વભાવ અને એકદમ અદ્ભુત ડાન્સર. આતિશ અને ઍલિસનની સાથે અમારા પણ પ્રોગ્રામ બનવા માંડ્યા. ઍલિસનના ઘરે પાર્ટીઓ પણ થાય, અમે બધા એમાં જૉઇન થઈએ. બહારના પણ પ્રોગ્રામ બને અને એક વાર નાટક જોવા જવાનો પ્રોગ્રામ બન્યો. નાટકનો પ્રોગ્રામ તો બની ગયો પણ આતિશ એમાં જૉઇન થઈ શક્યો નહીં એટલે નાટક જોવા ઍલિસન અને અમારો એક મિત્ર ગયાં. નાટક પૂરું થયું અને રિટર્ન થતાં તેમની બાઇકનો ઍક્સિડન્ટ થયો.
વાંચતાં આપણને સહજપણે એમ થાય કે બાઇકનો ઍક્સિડન્ટ તો બહુ સાધારણ ઘટના કહેવાય. લાગે કે બાઇક પરથી પડી ગયાં હશે અને લાગી ગયું હશે, પણ ના, એવું નહોતું. એ એક બહુ જ મોટો અકસ્માત હતો. 
મને અત્યારે પણ યાદ છે એ રાતે હું એક જગ્યાએ ભજનમાં હતો અને મને આતિશનો ફોન આવ્યો કે તું ઝટ હિન્દુજા હૉસ્પિટલ પહોંચ. કારણ પૂછ્યું તો આતિશે મને કહ્યું કે ઍલિસનનો ઍક્સિડન્ટ થયો છે. હું ફટાફટ નીકળી ગયો.
હિન્દુજા હાસ્પિટલ જઈને જોયું કે પરિસ્થિતિ બહુ ગંભીર હતી. ડૉક્ટરોનું કહેવું હતું કે ઍલિસનનો જીવ બચાવવાનું બહુ અઘરું થશે અને એવી જ પરિસ્થિતિ હતી ઍલિસનની. એ પછી ઍલિસનનાં માબાપ અને બીજા બધાની પ્રાર્થના કામ લાગી તો ઍલિસનની સારપ અને ફૅમિલી આખાની જે બધા માટે કંઈક કરી છૂટવાની ભાવના એ બધું કામ આવ્યું તો ઍલિસનના પોતાના વિલપાવરથી માંડી આતિશ અને તેના પરિવારની અત્યંત ઝીણવટભરી કૅર અને સેવાચાકરીથી તો મિત્રો, તેમના ચર્ચના ફાધર અને બીજા અનેક લોકોની પ્રેયર્સથી તેના જાનનું જોખમ ઊતરી ગયું. પણ ઍલિસન એકથી સવા મહિનો જેટલો સમય કોમામાં રહી. અકલ્પનીય અને અત્યંત ધ્રુજાવી દે એવા એ દિવસો હતા પણ ઍલિસને એ બધું પાર પાડ્યું. મારા માટે પણ ફાઇટર કે સર્વાઇવરની જો કોઈ વ્યાખ્યા હોય તો એ ઍલિસન છે. બધી મુસીબતો અને મુસીબતો પણ કેવી, મુસીબત શબ્દ પોતે પણ બહુ નાનો પડે એવી. ઍલિસન એ બધા સામે લડી, તેના પર સર્જરીઓ થઈ એ બધા પછી પણ ઍલિસને સર્વાઇવ કર્યું પણ જોકે એ પછી પણ પરીક્ષાઓ તો હજી બાકી હતી.
કોમામાંથી બહાર આવ્યા પછી અને એ પછીની તકલીફો પણ સહન કરી લીધા પછી ડૉક્ટરે નિદાન કરતાં કહ્યું કે તે કદાચ કાયમ માટે બૅલૅન્સ નહીં રાખી શકે એટલે કે એ પોતાના પગભર એકદમ લાકડીના સહારા વગર એકલી નહીં ચાલી શકે. 
ધ્રાસકો લાગ્યો, ઝાટકો લાગ્યો હતો અમને બધાને. 
આટલી સુંદર ડાન્સર, વર્લ્ડના કેટકેટલા યુરોપિયન કન્ટ્રીમાં તેણે શો કર્યા હતા અને હવે એ જ વ્યક્તિ પોતાના પગ પર ચાલી નહીં શકે. એ સહન કરવું અમારા બધા માટે બહુ અઘરું હતું તો જરા વિચારો, ઍલિસન માટે તો કેવું હશે ત્યારે? પણ ઍલિસન જેનું નામ, તેણે બહુ હિંમતથી પોતાના કપરા દિવસો પસાર કર્યા. 
૧૯૯૩માં આ ઍક્સિડન્ટ થયો હતો અને ૧૯૯૮માં આતિશ-ઍલિસનનાં મૅરેજ થયાં. મારે કહેવું જ રહ્યું કે આતિશે ઍલિસનનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. ઍલિસનનું પોતાનું લગ્નજીવન આગળ વધતું ગયું અને વર્ષ ૨૦૦૦માં મારે ત્યાં દીકરી કેસર આવી. એ સમયે એવું લાગતું હતું કે ઍલિસનના જીવનમાં સંતાનની કોઈ શક્યતા નથી અને જે જૂની તકલીફો હતી એ પણ અકબંધ હતી. ઍલિસન પોતે પગભર ઊભી રહી શકે એ માટે તેણે ઘણો પરિશ્રમ કરવો પડતો હતો એમાં બાળક?
ત્યારે અમે સાથે બેઠાં હોઈએ અને બાળકોની વાત નીકળે તો વાત થાય કે કેસર મોટી થશે એટલે આતિશ અને ઍલિસન એનું કન્યાદાન કરશે. 
સમય પસાર થતો ગયો અને વર્ષ આવ્યું ૨૦૦પ-’૦૬નું. અમે વેકેશન પર ગયાં અને પાછા આવ્યા પછી અમને બે ગુડ ન્યુઝ એકસાથે મળ્યા. ઍલિસન અને નિપાના. પ્રેગ્નન્સીની બાબતમાં ઍલિસન થોડી આગળ હતી. અમારા બધા માટે એ બહુ આર્શ્ચયજનક પણ હતું અને ખુશીની લાગણી હતી. અમને વાતો પરથી ખબર પડી કે ઍલિસને બહુ હિંમત કરી. આતિશને બહુ ફિકર રહેતી હતી કે કેવી રીતે નિભાવી શકીશું. ઍલિસન પોતે પોતાનું ધ્યાન રાખવા માટે ખૂબ તકલીફમાંથી જવું પડે છે અને ઉંમર પણ થોડી વધારે હતી એટલે બાળકનું પણ કેવી રીતે કરશે. એ લોકોનો ફિયર ખોટો નહોતો અને એ પછી પણ ઍલિસને હિંમત કરી, પણ કુદરત હજી વધારે પરીક્ષા લેવા માગતી હતી અને પેલા જે ગુડ ન્યુઝ હતા એ મિસકૅરેજમાં પરિણમ્યા તો પણ સર્વાઇવર અને હિંમત જેનું નામ, ઍલિસને ફરીથી પ્રયત્ન કર્યો એટલે ફરી સારા દિવસો રહ્યા. અમારે ત્યાં જાન્યુઆરીમાં મિસરીનું આગમન થયું અને ઍલિસનને હજી વાર હતી પણ મારે જે કહેવું છે એ કહેવામાં હવે વાર નથી. હૅપી બર્થ-ડે અગસ્ત્ય. હૅટ્સ ઑફ ઍલિસન-આતિશ.
તમારા ત્રણની વાત આવતા ગુરુવારે કન્ટિન્યુ કરતાં પહેલાં એટલું કહેવાનું કે તમે ત્રણેય મારાં સૌથી મોટાં ઇન્સ્પિરેશન છો અને કાયમ રહેશો.

 કૅથલિક ઍલિસન અને આપણો ગુજરાતી આતિશ, બન્ને પ્રેમમાં પડ્યાં અને તેમનો પ્રેમ આગળ વધ્યો. બન્નેના કુટુંબીજનોને બહુ કંઈ વાંધો નહોતો. અમને બધાને પણ ઍલિસન સાથે બહુ ફાવતું હતું અને એકદમ સરસ છોકરી. દેખાવે સુંદર, સરસ સ્વભાવ અને એકદમ અદ્ભુત ડાન્સર.

columnists JD Majethia