07 November, 2025 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ગયા રવિવારે દેશની દીકરીઓએ દુનિયાના કોઈ પણ ખૂણે વસતા ભારતીયોને ખુશ કરી દીધા. બીજી નવેમ્બરે વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના એક-એક રન પર અને દક્ષિણ આફ્રિકાની એક-એક વિકેટ પર ઝૂમતા, ચિલ્લાતા અને ખુશીઓથી છલકાઈ ઊઠતા ભારતીય ક્રિકેટપ્રેમીઓ માત્ર સ્ટેડિયમમાં જ નહોતા જોવા મળ્યા, દરેક ટીવી-સ્ક્રીન સામે આવાં દૃશ્યો સર્જાયાં હતાં. ભારતની મહિલા ક્રિકેટ-ખેલાડીઓને ચિયર-અપ કરતા પુરુષ દર્શકો અને વરિષ્ઠ ખેલાડીઓને જોઈને વિશેષ આનંદ થતો હતો. વણનોતર્યા પરોણાની જેમ ટપકી પડેલા વરસાદે ભલે મૅચનો આરંભ ધૂંધળો બનાવી દીધો, પણ પછી તો કરોડો ક્રિકેટપ્રેમીના પ્રબળ પ્રેમ સામે એય ઊભી પૂંછડીએ ભાગી ગયો. પછી જે થયું એણે ઇતિહાસ રચી દીધો. ખરેખર, મધરાત સુધી મૅચની એક-એક પળને માણવાનો રોમાંચ અવર્ણનીય હતો.
જોકે એ દિવસની અપેક્ષાનાં બીજ રોપાયાં એ ૩૦ ઑક્ટોબર પણ ઓછી શાનદાર નહોતી. સેમી-ફાઇનલમાં ઑસ્ટ્રેલિયન ટીમના ૩૩૯ રનના વિરાટ લક્ષ્યને પાર કરીને વિજયી બનેલી ભારતીય મહિલા ટીમે એક જબરદસ્ત પડકાર ઝીલી લીધો હતો. એમાં ૧૨૭ રને અણનમ રહેલી જેમિમા રૉડ્રિગ્સની જાનદાર રમતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગયા વરસે વિશ્વ કપમાં રમવાની તક જેને નહોતી અપાઈ એ જેમિમા ભારતીય ટીમ માટે ફાઇનલનાં દ્વાર ખોલી આપનાર મૅચની મુખ્ય ખેલાડી બની હતી!
જોકે કરોડો લોકોનાં દિલને સ્પર્શી ગઈ એ ક્ષણ તો હતી મૅચ બાદ જેમિમાએ પારદર્શકતાથી કરેલી પોતાના દિલની વાત. તેણે નિખાલસતાથી કહ્યું કે આ ટૂર દરમ્યાન લગભગ રોજ તે રડી હતી, અત્યંત ચિંતાગ્રસ્ત રહેલી. કલ્પના કરો કે સેમી-ફાઇનલના દિવસે તેને પાંચમા ક્રમને બદલે ત્રીજા ક્રમ પર મેદાનમાં ઉતારવાનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવાયો ત્યારે તેના મનની શી સ્થિતિ હશે! તેણે કહ્યું કે મને ખબર હતી કે મારે પરિસ્થિતિનો સામનો કરવાનો જ હતો. શરૂઆતમાં તો હું માત્ર રમતી જ હતી, પરંતુ છેલ્લે-છેલ્લે હું જાત સાથે વાત કરતી હતી અને બાઇબલની પંક્તિઓ કહેતી હતી. બસ, પછી તો જાણે હું માત્ર ત્યાં ઊભી હતી, પ્રભુ મારા વતી લડી રહ્યા હતા! જેમિમાના આ શબ્દોમાં મને નરસિંહના ભરોસાનો અને મીરાની શ્રદ્ધાનો રણકો સંભળાયો! તમને પણ?