સંયુક્ત મહેનત જ બેસ્ટ રિઝલ્ટ આપે

29 January, 2023 03:39 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

અને આ વાત ‘હેલ્લારો’ સહિત દરેક ફિલ્મમાં પુરવાર થઈ છે. જ્યારે સૌકોઈએ જીવ રેડી દીધો હોય ત્યારે એ જીવ ઊગીને બહાર આવ્યા વિના રહે જ નહીં

સંયુક્ત મહેનત જ બેસ્ટ રિઝલ્ટ આપે

ફિલ્મ ‘હેલ્લારો’ના ગરબા અને શૂટિંગ સમયનું એ વાતાવરણ ક્યારેય નહીં ભુલાય. આમ પણ કચ્છની ગરમી જો તમે એક વાર અનુભવી હોય તો એ પછી ક્યારેય તમને ભુલાય નહીં અને અમે તો ‘હેલ્લારો’ના ગરબાનું શૂટિંગ માર્ચ અને એપ્રિલ મહિનામાં કર્યું હતું. ગુજરાત જ નહીં, દેશના બહુ ઓછા વિસ્તારો એવા છે જ્યાં આ સમયગાળામાં ઉનાળો શરૂ થઈ ગયો હોય અને કચ્છ એમાંનું એક છે.

માર્ચ પૂરો થતાં સુધીમાં કચ્છમાં કાળઝાળ તાપ શરૂ થઈ જાય અને એમાં પણ અમારે કામ રણવિસ્તારમાં કરવાનું હતું. અસહ્ય તાપ અને સવારે દસ વાગે તો જમીન રીતસર તપવા માંડી હોય. ધગધગતી એ જમીન પર ઉઘાડા પગે ચાલો તો પણ એ ચટકા ભરે, જ્યારે અહીં તો ગરબા કરવાના હતા. ગરબાની એ પ્રક્રિયામાં તમારે સૌથી મોટું ધ્યાન જો કોઈ રાખવાનું હોય તો એ કે આર્ટિસ્ટના ગરબા ચાલુ હોય તો પણ ભૂલથીયે એ તાપની અસર તેના એક્સપ્રેશનમાં આવી ન જાય.

શૂટિંગ દરમ્યાન જે કોઈ હાજર હતું એ તમામેતમામની હાલત એવી ખરાબ હતી કે ન પૂછો વાત! રેતીને કારણે અમે સૌએ મોઢા પર રૂમાલ બાંધ્યા હતા અને તાપથી બચવા માટે છત્રી નીચે બેસતા તો એ પછી પણ તાપ લાગતો એટલે વધારાના એ તાપથી બચવા માટે માથા પર રૂમાલ બાંધી રાખતા. વર્કશૉપ તો અમે અમદાવાદમાં કરી જ હતી; પણ એ વર્કશૉપ પછીયે તમારે લોકેશન પર જઈને રિહર્સલ્સ તો કરવાં જ પડે, જે અમે કચ્છના લોકેશન પર કર્યાં હતાં.

એ રિહર્સલ્સ અમે સવારના સમયે કરી લેતા જેથી આર્ટિસ્ટને કોઈ હાનિ ન પહોંચે, પણ ઍક્ચ્યુઅલ શૂટ તો રિયલ ટાઇમ પર જ કરવું પડે અને એ તમે જેમ ફિલ્મમાં જોયું એમ તડકામાં જ ગરબા કરવા પડે.

ફિલ્મમાં જે તડકામાં તમને ગરબા જોવા મળે છે એ ગરમીમાં જ શૂટ થયા છે. બધાના ઉઘાડા પગ અને નીચે રણની રેતી. ગરબા જ્યારે શૂટ થતા હતા ત્યારે એક પણ ઍક્ટ્રેસ એવી નહોતી જેના પગમાં ફોલ્લા ન પડ્યા હોય, એક પણ ઍક્ટ્રેસ એવી નહોતી જેના પગની ચામડી બળી ન હોય અને એક પણ ઍક્ટ્રેસ એવી નહીં હોય જેની આંખમાં આંસુ ન આવ્યાં હોય. ભોગવેલી એ પીડા, એ તકલીફ અને એ વેદનાએ જ જાણે કે પરિણામ આપ્યું હોય એમ ‘હેલ્લારો’ નૅશનલ અવૉર્ડ લઈને આવી અને એણે ગુજરાતી ફિલ્મોની રીતસર શાન વધારી દીધી.

‘હેલ્લારો’માં અમે પહેલી વાર શ્રદ્ધા ડાંગર સાથે કામ કર્યું. એ સમયની શ્રદ્ધા કરતાં આજની શ્રદ્ધા વધારે બહેતર છે એવું કહેવાનું અમે ચૂકીશું નહીં. ‘હેલ્લારો’ પછી અમે શ્રદ્ધા સાથે ‘કહેવતલાલ પરિવાર’માં કામ કર્યું, પણ કહેવું પડે કે શ્રદ્ધાએ પોતાના પર બહુ મહેનત કરી છે અને આગળ વધવાની આ જ સાચી રીત છે. તમે આજે છો એના કરતાં આવતી કાલે એક સ્ટેપ જો આગળ ન હો તો તમારા વચ્ચેના ચોવીસ કલાકનું કોઈ મહત્ત્વ નથી રહેતું. શ્રદ્ધા તો એક દાખલો છે. અનેક એવા કલાકારો અમે જોયા છે જેમણે માત્ર કામ પૂરું કરવાના હેતુથી કામ ન કર્યું હોય, પણ સતત લર્નિંગ એક્સ્પીરિયન્સ તરીકે શીખવાની પ્રોસેસ કરી હોય.

અમારે એ પણ કહેવું જ રહ્યું કે ‘હેલ્લારો’ની વાત હોય ત્યારે કોઈ એકની ચર્ચા ન જ થઈ શકે. ‘હેલ્લારો’ ટીમવર્કનું જ પરિણામ હતું અને એના ગરબાની વાત નીકળે તો ફિલ્મ સાથે જોડાયેલી તમામેતમામ ઍક્ટ્રેસને અમારે યાદ કરવી પડે. એકસાથે આટલી ઍક્ટ્રેસ હતી એટલે નૅચરલી એ નામો લેવા જતાં એકાદ નામ ભુલાઈ જાય તો બીજાને દુઃખ લાગે એવું અમારે નથી કરવું. હા, એટલું તો કહેવું જ છે કે બ્રેવો. એ બધી ઍક્ટ્રેસે કરેલી મહેનતને કારણે, મહેનતને પરિણામે જ આ રિઝલ્ટ આવ્યું છે. એ જે સિન્ક્રોનાઇઝેશન હતું એ અદ્ભુત હતું.

ગરબામાં એ બહુ જરૂરી છે તો સાથોસાથ એ પણ બહુ જરૂરી છે કે દરેકેદરેકના ચહેરા પર ખુશી પણ ઝળકતી રહે. તમે જોશો તો તમને દેખાશે કે ‘હેલ્લારો’ની જે વાત છે એ વાત એ ગરબામાં જોવા મળે છે કે તેમને ગરબા રમવાની ખુશી મળે છે અને એ ખુશી રીતસર તેમના ચહેરા પર ઝળકે છે અને એ જે ઝળકાટ છે એ સૌની મહેનતનું પરિણામ છે. કોરિયોગ્રાફીથી લઈને મ્યુઝિક, લિરિક્સ અને આર્ટિસ્ટની મહેનતનું પરિણામ એટલે બેસ્ટ ક્રીએશન અને આ વાત ક્યારેય ભૂલવી નહીં.

columnists