કે. રુસ્તમ પર પ્રતિબંધ અને મુંબઈની કલ્ટ સમી આઇસક્રીમ સૅન્ડવિચ

14 July, 2026 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક આઇસક્રીમ પાર્લર પરનો પ્રતિબંધ હાઇજીન કે બિઝનેસની વાત માત્ર નથી, એ મુંબઈની સદી જૂની ઈરાની કૅફેની સંસ્કૃતિને ફરી યાદ કરવાનો મોકો પણ છે

ફાઇલ તસવીર

મુંબઈનો સ્વાદ માત્ર વડાપાંઉમાં નથી. એ બન-મસકાની સુગંધમાં પણ છે, એ ચાની રકાબીમાંથી ઊઠતી વરાળમાં પણ છે અને એ જૂની લોલકવાળી ભીંતઘડિયાળમાં પણ છે. મુંબઈમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં લોકો ફક્ત ખાવા નથી જતા, જૂની યાદોને વાગોળવા જતા હોય છે. ચર્ચગેટ પરની કે. રુસ્તમ ઍન્ડ કંપની આઇસક્રીમ પાર્લર પણ એવી જ એક જગ્યા હતી. કૉલેજમાંથી છૂટીને વેફર-બિસ્કિટ વચ્ચે મૂકેલા આઇસક્રીમને ખાતાં-ખાતાં‍ સામે દેખાતી સમુદ્રની લહેરો ઊછળી-ઊછળીને આજે પણ મનને પ્રફુલ્લિત કરે છે. એ‌ સમયે સાડાત્રણથી પાંચ રૂપિયામાં મળતી બટર પેપરમાં લપેટાયેલી આઇસક્રીમ સૅન્ડવિચનો સ્વાદ પૉકેટમની માટે લક્ઝરી હતો. પાંચ રૂપિયાનો મોટો સિક્કો કાઉન્ટર પર આપતાં જે આનંદ મળતો એ અમૂલ્ય હતો. બ્રેબર્ન સ્ટેડિયમ અને નરીમાન પૉઇન્ટની પાળ સાચે જ નૉસ્ટાલ્જિયા જગાવી જાય છે.

ખુદાબક્ષ રુસ્તમ ઈરાનીએ ૧૯૫૩માં શરૂ કરેલા આ પાર્લરમાં શરૂઆતમાં પોર્સલિન કે ચિનાઈ માટીની સુંદર પ્લેટોમાં આઇસક્રીમ પીરસવામાં આવતો. જોકે ગ્રાહકો પ્લેટ તોડી નાખતા અથવા સાથે લઈ જતા તેથી એમણે ક્રિસ્પી વેફરની વચ્ચે આઇસક્રીમનો જાડો ટુકડો મૂકીને આપવાની નવી રીત અજમાવી અને આ આઇસક્રીમ સૅન્ડવિચ મુંબઈની એક કલ્ટ ફેવરિટ આઇટમ બની ગઈ.

 કે. રુસ્તમ સાથે મુંબઈનાં ત્રીસેક આઉટલેટ્સને ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મેંઢેએ સખત પગલાં લઈને બંધ કરાવ્યાં અને લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં એ‌ માટે તેમને ચોક્કસ અભિનંદન. આવાં ઓપન-કાઉન્ટર આઉટલેટ્સથી માંડીને ફાઇવસ્ટાર હોટેલોનાં રસોડાં અને સ્ટોરહાઉસની અસ્વચ્છ અનહાઇજીનિક પરિસ્થિતિ જોતાં આવાં કડક પગલાં આવશ્યક હતાં જ. ‌નાની-નાની ડિશ માટે મોટી-મોટી કિંમતો વસૂલતી હોટેલોના કિચનમાં ઉંદરડા અને વાંદા ફરતા હોય એવી કલ્પના જ કેવી રીતે કરી શકાય? આઉટ-ઑફ-ડેટ થઈ ગયેલી સામગ્રી અને કામદારોની શારીરિક સ્વસ્થતાનાં પ્રમાણપત્રો‌નો‌ અભાવ‌ કેમ ચલાવી લેવાય? કોઈ માંદો કે રોગિષ્ઠ કર્મચારી તમારા માટે ખાવાનું બનાવતો હોય એ તમે સ્વીકારી જ કેવી રીતે શકો? કેટલાક લોકો આની‌ સરખામણી રસ્તા પરના ખૂમચાવાળાઓ અને વડાપાંઉવાળાઓ સાથે કરીને આવી કાર્યવાહી સિલેક્ટિવ કેમ‌ છે એવી દલીલ કરે છે. આ મહાનુભાવોને કહેવાનું કે કોઈ સ્વચ્છતા ન રાખતું હોય તો બીજાને અસ્વચ્છતાનો પરવાનો નથી મળી જતો. બ્રૅન્ડના નામની જ્યારે વિશેષ કિંમત વસૂલ કરવામાં આવતી હોય ત્યારે ગ્રાહકો વિશેષ તકેદારી અને માનપૂર્વકની સેવાની અપેક્ષા રાખે જ.

આવા પ્રતિબંધોના સમાચાર માત્ર સ્વચ્છતા અને ધંધા પૂરતા છે? શું આપણે મુંબઈની એક અનોખી સંસ્કૃતિને ધીમે-ધીમે‌ ગુમાવી‌ નથી રહ્યા?

આજે શહેરમાં માંડ ૨૫-૩૦ ઈરાની કૅફે બચી છે. પારસીઓ પછી હિન્દુસ્તાનમાં વીસમી સદીની શરૂઆતમાં આવેલા ઈરાનીઓએ કૅફે સંસ્કૃતિની શરૂઆત કરી હતી. આવી રેસ્ટોરાં હવે ઓછી થઈ ગઈ છે પણ એની વિશિષ્ટતાઓ હજી જળવાઈ રહી છે. દક્ષિણ મુંબઈના શાંત અને ભવ્ય બ્રિટિશ સ્થાપત્ય ધરાવતા બૅલાર્ડ એસ્ટેટમાં આવેલું પ્રખ્યાત બ્રિટાનિયા કૅફે, ધોબીતળાવ વિસ્તારમાં મેટ્રો થિયેટર સામેનું કયાની ઍન્ડ કંપની કૅફે, ફોર્ટ વિસ્તારમાં આવેલું મિલિટરી કૅફે અને આઇડિયલ કૉર્નર વગેરે પારસી-ઈરાની સંસ્કૃતિનો અણમોલ હિસ્સો છે. મુંબઈના બીજા વિસ્તારોમાં, ખાસ કરીને બિલ્ડિંગોની કૉર્નર પર આવેલાં આવાં કૅફે એમની વિશિષ્ટ શૈલી ધરાવે છે. એ વખતની સ્થાનિક માન્યતાઓને કારણે હિન્દુ વેપારીઓ ખૂણાની જગ્યાઓને શુભ માનતા નહીં. ઈરાની વેપારીઓએ આ તક ઝડપીને ખૂબ સસ્તા ભાવે આવા પ્લૉટ્સ ખરીદી લીધા અને ત્યાં બે‌ સાઇડના દરવાજાવાળાં ઓપન કૅફે શરૂ કર્યાં જે એમની ઓળખ બની ગયાં. દરેક કૅફેની વિશિષ્ટતા એટલે કડક મીઠી ઈરાની ચાય અને માખણથી ભરપૂર બન-મસકા. ‌ખારી બિસ્કિટની બરણી અને સ્વાદિષ્ટ માવા કેક પણ ભુલાય નહીં. ઇટલીના માર્બલ ટૉપવાળા ગોળ ટેબલ અને પોલૅન્ડની લાકડાની બેન્ટવુડ વિન્ટેજ ખુરસીઓ પર બેસીને ચા પીવાની મજા જ કંઈ ઑર છે. ભીંત પર લાગેલા જૂના અરીસાઓ અને કાચ પરનાં રંગીન ચિત્રો હજી જળવાઈ રહ્યાં છે. 

મુંબઈના ધબકારા સમી ઈરાની કૅફેની ખાસિયતોને નવી પેઢી (ન્યુ એજ જનરેશન) જાળવી રાખવા પ્રયત્ન કરી રહી છે. મુંબઈનો એક વર્ગ એવો છે જેને જૂની પરંપરા અને વિન્ટેજ લુકમાં વિશેષ રસ છે. એ ધ્યાનમાં રાખીને સોડાબૉટલઓપનરવાલાએ તેમની મૉડર્ન રેસ્ટોરાં ચેઇનમાં પરંપરાગત ઇન્ટીરિયર, કાચની બરણીઓ અને ઝુમ્મરો જાળવી રાખીને પણ નવો‌ ટચ આપ્યો છે. ગ્રૅન્ડમા’ઝ (Grandma’s) કૅફેમાં પણ મૉડર્ન મેનુ સાથે જૂની ઈરાની અને પારસી વાનગીઓની ઝલક જોવા મળે છે. એ આજની યુવાપેઢીને મુંબઈના જૂના વારસાની ઝાંખી કરાવે છે. 

બ્રિટિશકાળ દરમ્યાન મુંબઈમાં ઘણી ક્લબો અને રેસ્ટોરાંમાં ભારતીયોને પ્રવેશ પર પ્રતિબંધ હતો તેમ જ ધર્મના નામે હોટેલો અલગ રહેતી. ઈરાની કૅફે એવાં પ્રથમ સ્થાનો હતાં જે ખરેખર કૉસ્મોપૉલિટન હતાં. અહીં કોઈ પણ જાતિ, ધર્મ, અમીર, ગરીબ વ્યક્તિ આવીને એક જ ટેબલ પર બેસી શકતી. સામાજિક સમાનતાનું ઉત્તમ ઉદાહરણ.

મુંબઈની ઈરાની કૅફેમાં એક સમયે એક જ ટેબલ પર વેપારી, વકીલ અને મિલવર્કર સાથે બેઠેલા જોવા મળતા. કેટલાય લેખકો, પત્રકારો અને નાટ્યકારોએ પોતાની સર્જનયાત્રાની શરૂઆત અહીંથી કરી છે. ઈરાની કૅફેએ ફક્ત ચા‌ અને બન-મસકા જ નથી પીરસ્યાં, એણે મુંબઈને એક ટેબલ પર સાથે બેસીને કટિંગ ચા પીતાં પણ શીખવ્યું છે. 

બાય ધ વે

ઈરાની કૅફેમાં જોવા મળતાં કડક નિયમોનાં સાઇનબોર્ડ યાદ છેને? જેમ કે ‘અહીં લાંબો સમય બેસવું નહીં’, ‘વેઇટર સાથે દલીલો કરવી નહીં’, ‘ટેબલ પર સૂઈ જવું નહીં’, ‘બહારનું ખાવાનું લાવવું નહીં’, ‘No Credit Today, Tomorrow Also No Credit’. આવાં બોર્ડ આજે પણ હસાવી જાય છે. ખાસ એ વાંચવા જ તો હવે નજીકની ઈરાની કૅફેમાં નહીં જાઓને? જશો તો કદાચ જૂનો વેઇટર તમને પૂછશે, ‘સાહેબ, આજે બહુ દિવસ પછી આવ્યા?’

columnists exclusive gujarati mid day