06 August, 2026 04:55 PM IST | Mumbai | Heena Patel
કંગના રનૌત
થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશનાં ગવર્નર આનંદીબહેન પટેલે કહેલું, ‘દરેક માને રાંધતા આવડવું જ જોઈએ’. આ વાતને સમર્થન આપીને અભિનેત્રી-સંસદસભ્ય કંગના રનૌતે રાંધવાની કળાની સાથે ઉછેર અને સંભાળને સ્ત્રીના કુદરતી ગુણ ગણાવ્યા હતા. આજે કરીઅરના નામે અનેક સ્ત્રીઓ કિચનના કામને અવગણે છે ત્યારે જાણીએ
થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશનાં ગવર્નર આનંદીબહેન બહેન પટેલે કહ્યું હતું કે ‘આજે મહિલાઓએ પોતાના પરિવાર માટે રસોઈ બનાવતાં શીખવું જોઈએ, પછી ભલે તમે શિક્ષક બનો કે IAS અધિકારી. તમારે સૌથી પહેલાં એક કુશળ માતા બનવું જોઈએ. એક માતાની ફરજ શું છે? પોતાની પુત્રીને દરેક રીતે ઘડવી અને તાલીમ આપવી, જેથી તેને તેના સાસરે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને જો કોઈ તકલીફ આવે પણ ખરી તો તે પોતાની કાબિલિયતથી એને ઉકેલે. આપણે આપણી પુત્રીઓને એ શક્તિ આપવાની જરૂર છે.’
આ ટિપ્પણીને સમર્થન આપતાં અભિનેત્રી અને સંસદસભ્ય કંગના રનૌતે કહ્યું હતું કે ‘ઉછેર અને સંભાળનો ગુણ મહિલાઓમાં કુદરતી રીતે જ હોય છે. અમે નાનાં હતાં ત્યારે મારો ભાઈ ફુટબૉલ અને ક્રિકેટ રમતો હતો; પરંતુ હું ખૂબ જ કાળજીપૂર્વક ઢીંગલીઓનાં ઘર બનાવતી, એમનાં કપડાં સીવતી અને એમના માટે રસોઈ બનાવતી જે જોઈને ઘરના બધાને ખૂબ રમૂજ થતી. હું માટીના નાના ચૂલા બનાવતી અને ઢીંગલીની માતા હોવાનું નાટક કરતી. આ એવું કંઈ નથી જે આપણે શીખવાની જરૂર પડે. ભગવાને આપણને માનવતાનું પોષણ કરવાની અને એને ઉછેરવાની જવાબદારી સોંપી છે. એ આપણો સાચો સ્વભાવ છે. એટલા માટે જ સ્ત્રીઓને દેવી, શક્તિ, અન્નપૂર્ણા, માતા અને એવાં બીજાં ઘણાં સ્વરૂપોમાં ઓળખવામાં આવે છે. આ બધું જ છોડીને વિચારીએ તો પણ પ્રેમ કરવો, ખવડાવવું, ઉછેર કરવો એ એક અદ્ભુત આનંદ આપનારી અનુભૂતિ છે.’
સમય સાથે મહિલાઓની ભૂમિકા બદલાઈ છે, પરંતુ રસોઈ વિશેની ચર્ચા આજે પણ યથાવત્ છે. મૉડર્ન યુગમાં છોકરીઓને હવે કિચનનું કામ કંટાળાજનક લાગવા લાગ્યું છે તો કેટલીક મહિલાઓ રસોઈ આવડતી હોવા છતાં બાય ચૉઇસ કિચનમાં ભાગ્યે જ જાય છે. કુકિંગ એ જીવનજરૂરિયાતની બેસિક સ્કિલ્સમાંની એક હોવાથી માત્ર સ્ત્રીઓને જ એ આવડવું જોઈએ, પુરુષોને ન આવડે તો ચાલે એવી સંકુચિતતા પણ હવે સ્વીકાર્ય નથી. અન્નપૂર્ણાની ભૂમિકામાં ગૃહિણીઓને તો વાંધો નથી આવતો, પણ વર્કિંગ વિમેન કિચનની જવાબદારી માટે શું વિચારે છે, કઈ રીતે એ જવાબદારીઓ પૂરી કરે છે અને શું વિચારે છે એ જાણીએ.
દાદર અને જોગેશ્વરીમાં ક્લિનિક ધરાવતાં ડેન્ટલ સર્જ્યન ડૉ. મારિષા દેઢિયા આ વિષય પર પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરતાં કહે છે, ‘મારા મતે રસોઈ બનાવવી એ જીવન જીવવા માટેની એક અત્યંત મહત્ત્વની લાઇફ-સ્કિલ છે. એટલે પુરુષ હોય કે સ્ત્રી, દરેકને રસોઈ બનાવતાં આવડવું જ જોઈએ. જો ક્યારેક તમારા પતિ કે પુત્રને એકલા રહેવાનો વારો આવે તો તેઓ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે એ માટે પણ આ આવડત જરૂરી છે. સર્વાઇવલ માટે રસોઈ જેવી બેઝિક સ્કિલ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ. જોકે રસોઈ બનાવવી કે ન બનાવવી એ વ્યક્તિગત પસંદગી છે. જો આજે હું કુક કે હેલ્પર રાખવાનું પસંદ કરું તો એ મારો નિર્ણય છે. હું મારી જાતને થોડો સમય આપવા માગું, મારા પ્રોફેશન પર વધુ ધ્યાન આપવા માગું અથવા કોઈને રોજગારી આપવા માગું તો એમાં કંઈ ખોટું નથી. છોકરી છે એટલે તેણે જ રસોઈ કરવી જોઈએ એવું ફરજિયાત હોવું જોઈએ નહીં. પહેલાંના સમયમાં એવી માન્યતા હતી કે બાળકના ઉછેરની અને ઘરની જવાબદારી માત્ર સ્ત્રીની છે, જ્યારે આર્થિક જવાબદારી પુરુષની. જોકે આજે સમય બદલાઈ ગયો છે. બાળકના ઉછેરમાં માતા અને પિતા બન્નેની સમાન ભાગીદારી જરૂરી છે. બન્ને જ્યારે કમાતાં હોય ત્યારે ઘર અને પરિવારની જવાબદારીઓ પણ બન્નેએ સમાન રીતે વહેંચવી જોઈએ. સાથે જ હું રસોઈ શા માટે શીખું? આ અભિગમ પણ યોગ્ય નથી. રસોઈ કરવાથી કોઈ નાનું નથી થઈ જતું. એટલું જ નહીં, રસોઈ કોઈ ચોક્કસ જેન્ડરની ફરજ નથી, દરેક વ્યક્તિ માટે જરૂરી જીવનકૌશલ્ય છે. હું ડેન્ટિસ્ટ છું પરંતુ સાથે સારી કુક પણ છું. સવારે બ્રેકફાસ્ટ હું જાતે બનાવું છું, જ્યારે લંચ-ડિનર હેલ્પર તૈયાર કરે છે. આ વ્યવસ્થાથી હું મારા બાળકને વધુ સમય આપી શકું છું અને સાથે મારા પ્રોફેશનલ કામ પર પણ યોગ્ય ધ્યાન આપી શકું છું.’
મુલુંડમાં રહેતાં ૪૭ વર્ષનાં ફૅશન-ડિઝાઇનર પ્રીતિ રૂપેન ખોના પોતાનો અભિપ્રાય આપતાં કહે છે, ‘બાળપણથી જ મારા પપ્પાએ મને રસોઈ શીખવવાને બદલે આત્મનિર્ભર બનવાનું શીખવ્યું. તેમણે મને પૈસા કેવી રીતે કમાવા અને પોતાની ઓળખ કેવી રીતે બનાવવી એ શીખવ્યું. સદ્નસીબે લગ્ન પછી મારાં સાસરિયાંઓએ પણ મને એ જ સપોર્ટ આપ્યો. મારી સારી કમાણીને કારણે હું ઘરમાં કુક રાખી શકતી હતી એટલે ક્યારેય મારા પર રસોઈ કરવાની અપેક્ષા રાખવામાં આવી નહીં. આજે પણ મારા ઘરે ૨૪ કલાક રહેતી લિવ-ઇન હેલ્પર છે. મને નથી લાગતું કે રસોઈ બનાવવી દરેક વ્યક્તિ માટે ફરજિયાત લાઇફ-સ્કિલ હોવી જોઈએ. હા, એ એક ઉપયોગી કળા છે; પરંતુ દરેક વ્યક્તિની પસંદગી, પ્રાથમિકતા અને જીવનશૈલી અલગ હોય છે. આજના સમયમાં હેલ્ધી મિલ ડિલિવરી સર્વિસ, રેડી-ટુ-ઈટ વિકલ્પો અને સારી રેસ્ટોરાં જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. જો કોઈ વ્યક્તિ પોતાની ન્યુટ્રિશનલ જરૂરિયાતો જવાબદારીપૂર્વક પૂરી કરી શકે તો રસોઈ આવડવી જ જોઈએ એવું હું માનતી નથી. મારા માટે પરિવારની સંભાળનો અર્થ માત્ર રસોઈ બનાવવો નથી. હું મારા પરિવારને મારા સમય, પ્રેમ, હૂંફ, સપોર્ટ અને ધ્યાન દ્વારા સંભાળું છું. કોઈ વ્યક્તિ પોતાના સમયનો ઉપયોગ રસોડામાં કરે કે પોતાના પ્રોફેશન કે પછી શોખ અથવા અન્ય કૌશલ્ય વિકસાવવામાં કરે એ તેની વ્યક્તિગત પસંદગી હોવી જોઈએ. મારા મતે આ ચર્ચા માત્ર રસોડા સુધી મર્યાદિત નથી. આ વાત સમાનતા, વ્યક્તિગત સ્વતંત્રતા અને પોતાની પસંદગી પ્રમાણે જીવન જીવવાના અધિકારની છે. જેમ કોઈ વ્યક્તિને રસોઈ બનાવવાનો શોખ હોઈ શકે છે એમ કોઈને ન પણ હોઈ શકે અને એમાં કંઈ ખોટું નથી. ‘મને રસોઈ બનાવવી ગમતી નથી’ એ મારી વ્યક્તિગત પસંદગી છે અને ‘મારે રસોઈ શીખવાની જરૂર નથી લાગતી’ એ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. મારી આ પસંદગીનો અર્થ એ નથી કે હું મારા પરિવાર પ્રત્યે ઓછી જવાબદાર છું. હું માનું છું કે પરિવાર પ્રત્યેની જવાબદારી માત્ર થાળીમાં પીરસાતા ભોજનથી નહીં; સંબંધોમાં આપેલા સમય, પ્રેમ અને સાથથી પણ નિભાવાય છે.’
મુલુંડમાં રહેતાં અને પોતાની ગિફ્ટિંગ બ્રૅન્ડ ચલાવતાં ૩૮ વર્ષનાં વેદાંશી સચદે કહે છે, ‘હું વર્કિંગ પ્રોફેશનલ છું એનો અર્થ એ નથી કે હું ઓછી સારી ગૃહિણી છું અને હું સક્ષમ ગૃહિણી છું એટલે એવું પણ નથી કે હું ઓછી પ્રોફેશનલ છું. હું ઘર અને બિઝનેસ બન્ને સાથે સંભાળું છું અને એ જ મારી સૌથી મોટી સિદ્ધિ છે. મારા મતે માત્ર રસોઈ બનાવવી એ સારી ગૃહિણી હોવાનો એકમાત્ર માપદંડ નથી. જોકે બાળપણથી જ મને રસોઈનું મહત્ત્વ શીખવવામાં આવ્યું છે જેથી જરૂર પડે ત્યારે હું એ જવાબદારી નિભાવી શકું. આજે હું મારો બિઝનેસ પણ ચલાવું છું અને ઘરને પણ સંભાળું છું જેના માટે આયોજન, આવડત અને સમર્પણની જરૂર પડે છે. ઘરે કુક રાખવાથી મારી કાબિલિયત ઓછી નથી થઈ જતી અને રસોઈ બનાવવાથી હું કંઈ વધારે સ્ત્રી નથી બની જતી. મારી ઘણી ફ્રેન્ડ્સે ક્યારેય રસોડામાં પગ પણ નથી મૂક્યો, પરંતુ જો તેમના પરિવારમાં એ રીતે જવાબદારીઓ વહેંચાયેલી હોય અને તેમને સપોર્ટ મળતો હોય તો એમાં કંઈ ખોટું નથી. એ તેમની વ્યક્તિગત પસંદગી છે, તેમની ક્ષમતાનો માપદંડ નહીં. જ્યારે હું ટૂર પર હોઉં, એક્ઝિબિશનમાં હોઉં કે બિઝનેસના કામમાં વ્યસ્ત હોઉં ત્યારે ઘરની મદદ લેવી પડે છે; પરંતુ એનો અર્થ એ નથી કે હું ઘર સંભાળવાનું ભૂલી ગઈ છું. જરૂર પડે ત્યારે હું દરેક જવાબદારી ઉપાડી શકું છું. મારા માટે વુમન એમ્પાવરમેન્ટનો સાચો અર્થ એ છે કે કોઈ અફસોસ કે ગિલ્ટ વિના પોતાની પસંદગી પ્રમાણે જીવન જીવવાની સ્વતંત્રતા. રસોઈ આવડવી કે ન આવડવી એ વ્યક્તિગત પસંદગી હોઈ શકે, પરંતુ પોતાની જવાબદારીઓ સમજવી અને નિભાવવી જરૂરી છે; પછી એ જવાબદારી કિચનની હોય, બોર્ડરૂમની હોય કે બન્નેની.’
રિયલ ડાયમન્ડ જ્વેલરીના બિઝનેસમાં સક્રિય અને ઘાટકોપરમાં રહેતાં ૪૬ વર્ષનાં કિન્નરી ક્ષત્રિય કહે છે, ‘મારા મતે સ્ત્રીઓમાં સહજ રીતે જ નર્ચરિંગનો સ્વભાવ હોય છે. હું વર્કિંગ વુમન છું અને મારું શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત રહે છે. મારા ઘરે હેલ્પર છે જે પ્રેપરેશનમાં મને મદદ કરે છે, પરંતુ રસોઈ હું જાતે જ બનાવવાનું પસંદ કરું છું. મને મારા હાથનું ભોજન મારા પરિવારને પીરસવામાં આનંદ મળે છે. મારા માટે આ પરિવાર પ્રત્યે પ્રેમ અને કાળજી વ્યક્ત કરવાની એક રીત છે. જોકે નર્ચરિંગનો અર્થ માત્ર રસોઈ બનાવવો જ નથી. હકીકતમાં રસોઈ તો એનો એક નાનો ભાગ છે. બાળકને પ્રેમ અને હૂંફ આપવાં, પરિવારના સભ્યોની કાળજી રાખવી, યોગ્ય મૂલ્યો અને સંસ્કારોનું સિંચન કરવું, પરિવારની જરૂરિયાતો સમજવી અને એનું ધ્યાન રાખવું આ બધું નર્ચરિંગનો જ ભાગ છે. એટલે કોઈ સ્ત્રીને રસોઈ ન આવડતી હોય અથવા સમયના અભાવે તે રસોઈ ન બનાવતી હોય તો એનો અર્થ એવો નથી કે તે પોતાના પરિવારને સારું નર્ચરિંગ આપી શકે નહીં. અમારી જનરેશનનો ઉછેર જ એવો થયો હતો કે દરેક છોકરીને રસોઈ આવડવી જ જોઈએ, પરંતુ આજની જનરેશનની પરિસ્થિતિ અલગ છે. તેના પર અભ્યાસ, કરીઅર અને નોકરીનું ઘણું દબાણ હોય છે. તેથી દરેક યુવતીને રસોઈ આવડવી જ જોઈએ એવી અપેક્ષા રાખવી યોગ્ય નથી. મારી દીકરી બાવીસ વર્ષની છે. તેને ખાસ રસોઈ આવડતી નથી, પરંતુ જરૂર પડે ત્યારે તે પોતાની રીતે મૅનેજ કરી શકે છે. આજની યંગ જનરેશન કુક ટુગેધરના કન્સેપ્ટમાં માને છે એટલે રસોઈ હવે કોઈ એક વ્યક્તિ કે એક જ જેન્ડરની જવાબદારી રહી નથી’