સંબંધી સાથે બિઝનેસ કરો ત્યારે....

14 November, 2022 03:25 PM IST  |  Mumbai | Jigisha Jain

ઘણા કેસમાં એવું બનતું જ હોય છે. આજે મળીએ તેમને જેઓ સંબંધીઓ સાથે વેપાર અને વહેવાર બંને સારી રીતે સાચવી જાણે છે. તેમને જ પૂછીએ કે તેઓ કઈ રીતે આ અઘરું લાગતું કામ પાર પાડે છે

પ્રતીકાત્મક તસવીર

ઘણા લોકો કહે છે કે પર્સનલ અને પ્રોફેશનલ રિલેશનશિપને ભેગી ન કરાય, કારણ કે એકને સાચવવા જતાં બંને ડહોળાઈ શકવાની શક્યતા ભારે રહે છે. ઘણા કેસમાં એવું બનતું જ હોય છે. આજે મળીએ તેમને જેઓ સંબંધીઓ સાથે વેપાર અને વહેવાર બંને સારી રીતે સાચવી જાણે છે. તેમને જ પૂછીએ કે તેઓ કઈ રીતે આ અઘરું લાગતું કામ પાર પાડે છે

પહેલાંના સમયમાં ફૅમિલી બિઝનેસ ઘણા હતા. સગા ભાઈઓ એકસાથે, કાકા-બાપાના ભાઈઓ એકબીજા સાથે, સાળો અને બનેવી એકબીજા સાથે કામ કરવામાં હરખ અનુભવતા. એટલું જ નહીં, વડીલો માનતા કે ઘરનો પૈસો ઘરમાં જ રહે એ માટે આ જરૂરી છે. આપણા લોકોને આપણે કામ નહીં આપીએ તો કોણ આપશે એ પણ એક વિચાર હતો. કોઈ વ્યક્તિ ઊલટું બહાર કામ કરતી હોય તો વડીલો ખિજાતા કે આપણું આટલું કામ છે તો તારે બહાર શું કામ જવું જોઈએ, આ કામ જ શીખ અને કર. આજની તારીખે પરિસ્થિતિ બદલાયેલી છે. લોકો એવું માનતા થઈ ગયા છે કે બિઝનેસ તો જુદા જ સારા, ખોટી ખટપટ નહીં; ભેગું હોય એટલી માથાકૂટ; સંબંધ પણ બગડે અને કામ પણ એટલે પૈસાની બાબતોથી સંબંધોને જેટલા વેગળા રાખીએ એટલું સારું, નહીંતર બાવાનાં બેય વગડે. આ બંને પક્ષો પોતપોતાની રીતે સાચા છે. જોકે એ વાતને નકારી શકાય નહીં કે જો પરિવાર મળીને બિઝનેસ કરતો હોય તો એનાથી રૂડું કંઈ નહીં. જે ખટરાગ થવાની શક્યતા છે એને કઈ રીતે દૂર કરી શકાય એના પર ફોકસ રાખીએ તો પરિવારના સદસ્ય સાથે કામ કરવાનો નિર્ણય એકદમ યોગ્ય બની જાય છે. મળીએ આજે કેટલાક એવા લોકોને જે પરિવાર સાથે જ પોતાનો બિઝનેસ કરીને ઘણા ખુશ છે અને સંબંધોને પણ એટલા જ પ્રેમથી સાચવીને બેઠા છે. 

સામૂહિક ગ્રોથ 

ડૉ. મિરલ પટેલ અને કાર્તિક પટેલ અને સમીર પારેખ

હિતેશ પારેખ અને સમીર પારેખ બંને ભાઈઓ છે જેઓ સાથે મળીને ઇન્ડસ્ટ્રિયલ મશીન કૂલિંગ ટાવરના મૅન્યુફૅક્ચરિંગનો બિઝનેસ સંભાળે છે. હિતેશભાઈએ આ બિઝનેસ ૧૯૯૩માં શરૂ કર્યો એનાં લગભગ ૧૦ વર્ષ પછી તેમના નાના ભાઈ સમીરભાઈ એમાં જોડાયા. એ પછી હિતેશભાઈ મુંબઈથી અંકલેશ્વર શિફ્ટ થયા અને ત્યાં મૅન્યુફૅક્ચરિંગ તેઓ સંભાળે છે. અહીં ઍડ્મિનિસ્ટ્રેશન અને માર્કેટિંગ સમીરભાઈ સંભાળે છે. હિતેશભાઈનો દીકરો પણ હાલમાં આ જ બિઝનેસમાં જોડાયો છે. પોતાના અનુભવ વિશે વાત કરતાં સમીરભાઈ કહે છે, ‘ફૅમિલીએ સાથે મળીને બિઝનેસ કરવો એ એક વિન-વિન સિચુએશન છે. તમે જે મહેનત કરો છો અને એનું જે ફળ મળે એ તમારા પ્રિયજનો માટે જ છે. પરિવારની મહેનત અને પરિવારનો જ લાભ. નુકસાન પણ થાય તો એ સાથે મળીને ઉઠાવવાની હિંમત પણ પરિવાર જ આપે. જ્યારે માણસ બિઝનેસ કરે છે ત્યારે તેનો પર્સનલ ગ્રોથ થાય છે, જ્યારે માણસ ફૅમિલી સાથે બિઝનેસ કરે છે ત્યારે તેનો ગ્રોથ સામૂહિક બને છે. હું આગળ ચાલુ છું; પણ બધાને સાથે લઈને, એકલા નહીં.’ 

બિઝનેસમાં ઇમોશન્સ નહીં 

આમ તો બધું સારું જઈ રહ્યું હોય, પણ ઘરમાં ઝઘડો કે મતભેદ થાય તો બિઝનેસ પર એની અસર ન પડે? આ પ્રશ્નનો જવાબ આપતાં હિતેશભાઈ કહે છે, ‘વાસણ છે તો ખખડે પણ ખરાં. ઘરમાં ક્યારેક કંઈ ઉપર-નીચે થયું હોય તો થાય, પણ બિઝનેસ પર એની અસર અમે ક્યારેય પડવા ન દઈએ. ઘરમાં કંઈ થાય અને વાત ન કરતા હોઈએ તો ઠીક છે, પણ કામમાં એવું નહીં. એ બંને વચ્ચે ફરક રાખતાં આવડે તે સાથે કામ કરી શકે. બિઝનેસ ઇમોશન્સ સાથે ન કરી શકાય.’ 

કામ અને ઘરને કઈ રીતે અલગ રાખી શકાય? આ પ્રશ્નનો જવાબ આપતાં સમીરભાઈ કહે છે, ‘ઘરમાં મોટા ભાઈ કહે એટલે ફાઇનલ એવો રૂલ હોઈ શકે, પણ બિઝનેસમાં અમે એકબીજાને પૂછીને કામ કરીએ. સલાહો પણ આપીએ અને ક્યારેક ખખડાવી પણ નાખીએ. સંબંધોમાં જે આમન્યા જળવાવી જોઈએ એ રાખવાની જ અને બિઝનેસમાં એ કરવાનું જે બિઝનેસ માટે સારું હોય. હું નાનો એટલે મને કંઈ ન કહેવાય કે તે મોટા એટલે તેમને કંઈ ન કહેવાય એવું જરાય નથી અમારી વચ્ચે.’

સમજણ જરૂરી છે

કાંદિવલીના રઘુલીલા મૉલમાં હાલમાં બઝુકા નામે લેઝર ટૅગ ગેમ્સનું સેન્ટર શરૂ થયું છે જે ડૉ. મિરલ પટેલ અને સીએ કાર્તિક પટેલની પાર્ટનરશિપથી શરૂ કરવામાં આવ્યું છે. મિરલ કાર્તિકનો સાળો થાય એટલે કે કાર્તિક મિરલનો જીજાજી. આ બંને એકબીજાને લગભગ છેલ્લાં પાંચ વર્ષથી જાણે છે. બંને લગભગ એક જ ઉંમરના છે અને તેમનાં સપનાં પણ સરખાં છે. એ વિશે વાત કરતાં સીએ કાર્તિક પટેલ કહે છે, ‘સાળા-જીજાની રીતે કહો કે મિત્રોની રીતે પણ અમારા લોકોનું બૉન્ડિંગ ખૂબ સ્ટ્રૉન્ગ છે. એકબીજાની વાત સાંભળવા અને સમજવા જેટલી મૅચ્યોરિટી પણ અમારી અંદર છે. અમે જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે અમને પણ લોકોએ કહ્યું હતું કે સંબંધોમાં પાર્ટનરશિપ ન કરાય, પણ અમને લાગ્યું નહીં કે અમે કંઈ ખોટું કરીએ છીએ.’ 

વિશ્વાસ 

પોતાનું મંતવ્ય આપતાં ડૉ. મિરલ પટેલ કહે છે, ‘બિઝનેસમાં આજની તારીખે તમે કોના પર ભરોસો કરો? બહારના લોકો પર ભરોસો કરીને જે રિસ્ક છે એ ઘરના લોકો પર ભરોસો કરવામાં નથી. એકબીજાને આટલા નજીકથી ઓળખતા હોવાથી ફાયદો એ છે કે એ વ્યક્તિ વિશે તમને બધી જ ખબર છે. એટલે તમે મેન્ટલી તૈયાર હો છો દરેક બાબત માટે. અમે જ્યારે આ વિચાર્યું ત્યારે ઘણી મીટિંગ્સ કરી, ઘણાં ડિસ્કશન થયાં. જોકે એ બધાં હેલ્ધી હોય, બિઝનેસના ભલા માટે હોય. એકબીજાને પ્રોત્સાહન આપવા, આગળ વધવા માટેનાં હોય જેમાં ફક્ત અમે જ નહીં, ઘરના બધા જ લોકો સામેલ હોય છે.’ 

વાસણ છે તો ખખડે પણ ખરાં. ઘરમાં કંઈક થયું હોય તો  પણ બિઝનેસ પર એની અસર અમે ક્યારેય પડવા ન દઈએ. એ બન્ને વચ્ચે ફરક સમજીએ તો વાંધો ન આવે. : હિતેશ પારેખ

શું ધ્યાનમાં રાખવું? 

ફૅમિલી બિઝનેસ ઍડ્વાઇઝરી કંપની ઇક્વેશનનાં ડિરેક્ટર ડૉ. મીતા દીક્ષિત પાસેથી જાણીએ કે જ્યારે તમે સંબંધી સાથે બિઝનેસ કરતા હો ત્યારે તમારે શું ધ્યાન રાખવું જરૂરી છે? 

સૌથી પહેલાં તો એ સમજવાનું છે કે જ્યારે ઘરની વ્યક્તિ કે તમારો સંબંધી જો તમારી સાથે બિઝનેસ કરી રહ્યો છે તો એ ફૅમિલી બિઝનેસના જીવનમાં ફાયદા જ ફાયદા છે. બસ, તમારે થોડું બૅલૅન્સિંગ શીખવું પડશે. જો તમે સંબંધ અને બિઝનેસ બંનેને યોગ્ય રીતે બૅલૅન્સ કરતા થઈ જશો તો તમારા માટે બંને હાથમાં લાડુ છે એમ જ સમજો. 

બિઝનેસ હોય કે પરિવાર - દરેક જગ્યાએ દરેક વ્યક્તિનો રોલ ક્લિયર હોવો જોઈએ. કોણે શું કરવાનું છે, કઈ જવાબદારી નિભાવવાની છે અને કયા હક કોને મળવાના છે એ સ્પષ્ટતા હોય તો વાંધો નથી આવતો. બધા જ બધું ન કરી શકે. કામ જો સ્પષ્ટતા સાથે વહેંચાયેલું હોય તો તકલીફ નથી આવતી. આમ રોલ ડિફાઇન કરવા જરૂરી છે.

આ રોલ ડિફાઇન કરતી વખતે એ વાતનું ધ્યાન રહે કે જે જેને લાયક છે એને એ કામ મળે. બને કે ઘરમાં મોટા ભાઈ બધા નિર્ણયો લેતા હોય, પરંતુ બિઝનેસમાં નાના ભાઈનું મગજ વધુ સતેજ હોય તો નિર્ણય તે લઈ શકે છે. એમાં ઈગો વચ્ચે આડો ન આવવો જોઈએ. એ ઘર અને બિઝનેસ બંને માટે નુકસાનકારક છે. 

બીજું એ કે જ્યારે તમે આ રીતે બિઝનેસ કરો છો તો શક્યતા હોય છે કે તમે બિઝનેસમાં ઇમોશન્સ લઈ આવો અને ઘરમાં પ્રૅક્ટિકલ બનીને કામ કરવા લાગો, જે બંને યોગ્ય નથી. આ પરિસ્થિતિમાં વ્યક્તિએ થોડું રૅશનલ થિન્કિંગ રાખવું જોઈએ. એ લાંબા ગાળે ફાયદાકારક છે. 

આ પરિસ્થિતિમાં વ્યક્તિએ ક્યાં જતું કરવું અને ક્યાં લડી લેવું એ શીખવું મહત્ત્વનું છે. ઘણી વખત જ્યારે પરિસ્થિતિ ગૂંચવાઈ ગઈ હોય તો એક્સપર્ટની મદદ લેવી, કારણ કે આવા સંજોગોમાં એક નિષ્પક્ષ વ્યક્તિ જોઈએ જે તમને માર્ગદર્શન આપી શકે.

columnists Jigisha Jain business news