10 May, 2026 01:50 PM IST | Mumbai | Rajani Mehta
કિશોર કુમાર
આપણે સૌ એમ માનીએ છીએ કે હમણાં જાત ચાલે છે ત્યાં સુધી કામ કરી લઈએ જેથી પાછળની જિંદગી નિરાંતે જીવાય, પરંતુ એમ કરવામાં આપણે જીવન જીવવાનું ભૂલી જઈએ છીએ. એક ચિંતકે સરસ વાત કરી હતી. ઘણી વાર આખી રાત પથારી સરખી રીતે પાથરવાની મથામણમાં સવાર પડી જાય છે.
કિશોર કુમાર મુંબઈ છોડીને ખંડવા ઠરીઠામ થવાનો નિર્ણય લઈ ચૂક્યા હતા. પ્લેબૅક સિન્ગિંગ માટેની મોટા ભાગની ઑફર સ્વીકારવાનું તેમણે બંધ કર્યું હતું. સ્ટેજ-શોની બાબતમાં પણ ખૂબ જ સિલેક્ટિવ બની ગયા હતા. એ દિવસોની વાત કરતાં લીના કહે છે, ‘અમે લંડન સ્ટેજ-શો માટે ગયાં હતાં. તેમને પૂરી અને બટાટાનું શાક ખૂબ ભાવે એટલે કોઈ જમવાનું આમંત્રણ આપે એટલે કહેતા કે મેરી એક શર્ત હૈ, પૂરી ઔર આલૂ કી સબ્ઝી ખિલાએંગે તો ઝરૂર આઉંગા. મને થાય કે આમ સામેથી થોડું કહેવાય? તો કહેતા કે આ મારા ચાહકો છે, તેમને કહેવામાં સંકોચ શેનો? સાથે કહેતા કે મેરે લિએ મીઠાઈ ભી તૈયાર રખના. તેમને અને લતાજીને મીઠાઈ ખૂબ પસંદ હતી. જો બન્ને સાથે જમવા બેસે તો મોટા ભાગની મીઠાઈ તે બન્ને જ ખલાસ કરી નાખે. જોકે ખાવા-પીવાની બાબતમાં હું તેમને ખાસ ટોકતી નહીં.’
ગમે એવો પ્રસંગ હોય, તેમની મજાકમસ્તીની આદતથી હું ક્ષોભમાં પડી જાઉં. શોકસભામાં જવાનું હોય ત્યારે મને સતત એ જ વાતની ચિંતા રહે કે ત્યાં તે સિરિયસ બેસી શકશે કે નહીં. કોઈની ઓળખાણ આપવાની હોય તો કહે કે આ માણસ રોમન કૅથલિક છે કે હોમિયોપથિક છે એની મને ખબર નથી.’
મુંબઈમાં હોય કે ફૉરેનમાં તેમને શૉપિંગ કરવું બિલકુલ પસંદ નહોતું. પોતાનાં કપડાના શૉપિંગ માટે પણ તૈયાર ન થાય. હું દલીલ કરું તો કહે કે ચૂપ રહો, તુમ મેરી ઝિંદગી કી કિતાબ કા આખરી પન્ના હો. હું કહેતી કે મેરે બહોત સારે પન્ને અભી બાકી હૈ, ઔર ઇસ કિતાબ કે આખરી પન્ને કી બહોત સી લાઇન બાકી હૈ.’
lll
લીનાની વાતો સાંભળીને મને આણંદજીભાઈ સાથેની મુલાકાતો યાદ આવી ગઈ. કિશોર કુમાર સાથેનાં તેમનાં અઢળક સ્મરણો છે. જે સમયે તેઓ ઇન્ડસ્ટ્રી છોડીને ખંડવા જવાના મૂડમાં હતા એ દિવસોની વાત કરતાં આણંદજીભાઈ કહે છે, ‘કચ્છમાં તેમની સાથે અમારો સ્વામીનારાયણ માટે એક શો હતો જે અમારી સાથેનો તેમનો છેલ્લો કાર્યક્રમ બન્યો. એ દિવસોમાં ગરમી પુષ્કળ હતી એમ છતાં તે શો માટે આવ્યા. મને કહે કે તમે ઘરવાળાને સાથે લઈને આવ્યા છો એટલે શૉપિંગની ચિંતા નથી, મારે પણ કંઈક લઈ જવું છે. અમે ઘણી વાર સાથે ટૂર કરી છે, પણ પહેલી વાર તેઓ સામેથી શૉપિંગ કરવાની વાત લઈને આવ્યા. અમે ત્યાંની પ્રખ્યાત શાલ લેવા ગયા. તેમણે ચાર-પાંચ શાલ લીધી. અમે પૈસા તૈયાર રાખ્યા હતા. તો કહે કે યે મેરી શૉપિંગ હૈ, મૈં હી પૈસે દૂંગા. દુકાનદાર પૈસા લેવાની આનાકાની કરે તો જબરદસ્તી હાથમાં પૈસા આપીને કહે કે ઠીક સે ગિન લો. પેલો કહે ગણવાની જરૂર નથી તો કહે ના, ઝરૂરી હૈ, મૈં ફિર સે યહાં આનેવાલા નહીં હૂં.’
ત્યાં ઊંટ જોયા તો કહે કે કભી ઝિંદગી મેં ઊંટ કી સવારી નહીં કી હૈ. આમ એ ઇચ્છા પણ પૂરી કરી. સ્વામીનારાયણ તરફથી ત્યાંની હસ્તકળાકારીગરીવાળો મારો ફોટો મને ભેટમાં મળ્યો. એ તેમને બહુ ગમ્યો એટલે કહે કે મારા માટે પણ આવો ફોટો ઑર્ડર કરીને બનાવીએ, મારા ગયા પછી ખંડવાના ઘરમાં લગાડીશું તો લોકો યાદ કરશે. કોણ જાણે કેમ તેમને પૂર્વાનુમાન થઈ ગયું હતું કે પોતાનો સમય પૂરો થયો છે.’
આ ટૂર પહેલાં અમે કતરમાં શો માટે ગયા હતા. પ્લેનમાં મને કહે, બસ, અબ મેરા ટાઇમ હો ગયા હૈ, મૈંને વિલ ભી બના દિયા હૈ. મેં કહ્યું, કેમ અચાનક આવા વિચાર આવે છે, હજી તો આપણે કેટલાય શો કરવાના છે. તો કહે, મુઝે સબ પતા હૈ ઇસીલિએ તો વિલ બનાયા હૈ, સબ કુછ છોડકર ખંડવા જા રહા હૂં; આપકો તો માલૂમ હૈ કી (એક મશહૂર કલાકારનું નામ લે છે) જાને કે બાદ ઉનકે ફૅમિલી મેં પ્રૉપર્ટી ઔર પૈસે કે બારે મેં કિતની ગડબડ હુઈ થી; મૈંને સબ કે લિએ સોચ કર કિસકો ક્યા મિલેગા વો ડીટેલ મેં લિખા હૈ. આટલું કહીને વિગતવાર વાત કરી.’
lll
લીના એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એક રાતે મને ખરાબ સપનું આવ્યું. તેઓ સ્ટેજ-શોમાં ગાતાં-ગાતાં અચાનક પડી ગયા. લોકોએ કહ્યું કે કિશોરદા ગયા. હું ઘરે સુમિત સાથે તેમની રાહ જોતી હતી. ઘરમાં અનેક લોકોની આવનજાવન પણ તેમનો કોઈ પત્તો નહોતો. હું ત્યાં હાજર હતી પણ મને કોઈ ઓળખતું નહોતું. આખા ઘરમાં હું બાવરી બનીને તેમને શોધતી હતી. ત્યાં અચાનક મને તેમનો નિર્જીવ દેહ દેખાયો. આવું ભયાનક દૃશ્ય જોતાં-જોતાં જ અચાનક મારી આંખો ખૂલી ગઈ.’
હું ખૂબ ગભરાયેલી હતી. જોયું તો તે નિરાંતે ઊંઘતા હતા. અમારા બેની વચ્ચે સુમિત સૂતો હતો. હું હજી ડરેલી હતી. મેં ચૂંટી ખણીને ખાતરી કરી કે જે જોયું એ સપનું હતું. મારું દિલ જોર-જોરથી ધડકતું હતું એટલે હું ઊભી થઈ અને તેમની નજીક થોડી જગ્યા હતી ત્યાં ધીરેથી સંકોડાઈને તેમની પાસે સૂવાનો પ્રયત્ન કર્યો. મારે તેમની ઊંઘમાં ખલેલ નહોતી પાડવી. થોડી જ ક્ષણમાં તેમનો હાથ મારા માથા પર ફરવા લાગ્યો અને કહે, સપના દેખા, હૈ ના? મેં હા પાડી તો કહે, મુઝે માલૂમ હૈ, બુરા સપના થા, મૈં મર ગયા થા નહીં? આ સાંભળીને મેં તેમના ચહેરા સામે જોયું. તેમને કેવી રીતે ખબર પડી હશે? પણ તેઓ એકદમ શાંત, સ્વસ્થ હતા. ચહેરા પર કોઈ એક્સ્પ્રેશન નહીં. મને કહે, સો જાઓ, ઐસે સપને આતે રહતે હૈં, ચિંતા મત કરો, સમઝો મેરી આયુ બઢ ગઈ. એ રાતે હું સૂઈ ન શકી. શું સાચે જ તેમનું આયુષ્ય વધી ગયું હશે? મનોમન તેમની એક વાત આવતી રહી. તે કહેતા, ઈશ્વરે મને ખૂબ આપ્યું છે, મારે આ જ હાલતમાં સઘળું છોડીને ખંડવા જવું છે; હાથ ઉઠાકર બુલા રહા હૈ, ચલ મુસાફિર ચલ દેઽ અબ અપને ઘર ચલ દે. ત્યારે મને ખબર નહોતી કે એ સંકેત આખરી મંઝિલ તરફનો હતો.’
lll
અનુભવીઓનું કહેવું છે કે માણસ પચાસ–પંચાવનનો થાય ત્યારથી તેણે શારીરિક અને માનસિક રીતે તૈયારી કરી લેવી જોઈએ કે હું મારી વૃદ્ધાવસ્થાને કઈ રીતે અર્થપૂર્ણ અને સૌંદર્યમય બનાવી શકું. થૉમસ વુલ્ફ નામનો લેખક કહે છે કે સફળતાની ઊંચામાં ઊંચી ટોચ કઈ? જવાબ છે જે પળે તમને ધનમાંથી રસ ઊડી જાય, તાળી અને અભિનંદન ઉઘરાવવાની ઝંખના ન રહે અને પ્રસિદ્ધિની કોઈ ભૂખ ન રહે. કિશોર કુમાર એ જ દિશામાં પ્રયાણ કરી રહ્યા હતા.
કિશોર કુમારની ઇચ્છા હતી કે ૧૯૮૭ની દિવાળી ખંડવામાં ઊજવવી. ત્યાં બહુમા તરીકે ઓળખાતાં સુધા મુખરજીને કિશોર કુમાર માટે ખૂબ લગાવ હતો. તેમને કિશોર કુમારે ફૉન કરીને પ્રૉમિસ આપ્યું કે ૧૬ ઑક્ટોબરે તેઓ ચોક્કસ ખંડવા આવશે અને સપરિવાર દિવાળીની ઉજવણી કરશે.
૧૩ ઑક્ટોબર અશોક કુમારનો જન્મદિવસ હતો. ૧૨ ઑક્ટોબર ૧૯૮૭ના દિવસે કિશોર કુમારે દાદામુનિને ફોન કરીને કહ્યું કે આ વખતે સૌ મારે ત્યાં ભેગા થઈને તમારો જન્મદિવસ ઊજવીએ. દાદામુનિનાં પત્નીનું છ મહિના પહેલાં અવસાન થયું હોવાથી તેઓ ઉજવણીના મૂડમાં નહોતા. દાદામુનિએ કહ્યું કે તમે સૌ મળો, હું નહીં આવું. જોકે કિશોર કુમાર ના સાંભળવાના મૂડમાં નહોતા. ખૂબ આગ્રહ છતાં દાદામુનિ રાજી નહોતા થતા ત્યારે કિશોર કુમારે અલ્ટિમેટમ આપતાં કહ્યું, ‘મૈં દેખતા હૂં આપ કૈસે નહીં આતે? આપ કો આના હી પડેગા.’
ત્યારે અશોક કુમારને ક્યાં ખબર હતી કે નિયતિ એવી ચાલ ચાલશે કે તેમણે કિશોર કુમારને મળવા તેમના બંગલે જવું જ પડશે, ભલે પછી એ અંતિમ મુલાકાત જ કેમ ન હોય?
લેખક જાણીતા ફિલ્મ હિસ્ટોરિયન, સંગીતમર્મજ્ઞ અને સાહિત્યપ્રેમી છે.