વાળને હીટથી ડૅમેજ થતું બચાવો

30 September, 2022 04:43 PM IST  |  Mumbai | Aparna Shirish

ફેસ્ટિવ સીઝનમાં રોજેરોજ વાળમાં આયર્નિંગ કરતા હો ત્યારે વાળને સ્વસ્થ કઈ રીતે રાખી શકાય એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

હવે ઘરે-ઘરે બ્લો ડ્રાયર અને આયર્નિંગ રૉડ વસાવેલા જોવા મળે છે, પણ એ વાપરવાની ટ્રેઇનિંગ જો ન લીધી હોય તો લાંબા ગાળે તમારા વાળને નુકસાન થશે.

નવરાત્રિ ચાલી રહી છે અને ત્યાર બાદ આવશે બધાની ફેવરિટ ફેસ્ટિવ સીઝન દિવાળી. મેકઅપ અને હેરસ્ટાઇલ સારામાં સારી કરીને સોશ્યલ મીડિયા પર ફ્લૉન્ટ કરવાની આ સીઝનમાં ખાસ કરીને યંગ જનરેશન ઑલમોસ્ટ ડેઇલી બેઝિસ પર આડકતરી રીતે સ્કિન અને વાળને ડૅમેજ કરે છે. બ્લો ડ્રાયર અને આયર્નિંગ જેવા મશીન પહેલાં પ્રોફેશનલ હેર સૅલોં કે પાર્લરમાં જ જોવા મળતાં, જે હવે ઘરે-ઘરે જોવા મળે છે અને કૉલેજ જતાં પહેલાં પણ આ હીટ ટ્રીટમેન્ટ વાળ પર કરવામાં યુવતીઓ અચકાતી નથી. વારંવાર વાળ પર હીટ સ્ટાઇલિંગ કરવાને લીધે વાળ સૂકા અને બરછટ બની જાય છે. વાળ તૂટે છે અને લાંબા સમયે વાળ એની નૅચરલ શાઇન અને હેલ્થ ખોઈ બેસે છે. આવું ન થાય એ માટે શું ઉપાયો કરવા એ જાણીએ. 

સારી ક્વૉલિટીનાં ટૂલ્સ વાપરો

હેર સ્ટ્રેટનર ૨૦૦થી લઈને ૧૦,૦૦૦ રૂપિયા સુધીની પ્રાઇસ રેન્જમાં મળી રહેશે. અહીં ભલે ખૂબ મોંઘું નહીં પણ સારી અને જાણીતી કંપનીનું જ વાપરવાનો આગ્રહ રાખવો. બજારમાં અલ્ટ્રાવાયલેટ પ્રોટેક્ટરવાળાં ટૂલ્સ પણ મળે છે જે પૂરતું રિસર્ચ કર્યા બાદ પસંદ કરવાં. 

ટેમ્પરેચર

ઘણી વાર સોશ્યલ મીડિયા પર વાળને આયર્નિંગ કરતા સમયે વાળમાંથી વરાળ નીકળતી દેખાડાય છે. જોકે આયર્નનું  ટેમ્પરેચર ધ્યાનમાં રાખવું જરૂરી છે. આ વિશે મેક-અપ અને હેરસ્ટાઇલિસ્ટ નિશા પુંજાણી કહે છે, ‘વાળ જો પાતળા હોય તો ૧૭૦ ડિગ્રીના તાપમાન પર પણ સ્ટ્રેટ થઈ જશે અને જો ખૂબ સૂકા અને જાડા હોય તો ૨૦૦ ડિગ્રી પર સ્ટ્રેટ થાય છે. જોકે ૨૦૦ ડિગ્રીથી વધુ ટેમ્પરેચર વાળ પર અપ્લાય ન કરવું. વધુ હીટથી વાળ ડૅમેજ થાય છે.’

આફ્ટર કૅર

વાળ આયર્ન સતત કરવા હોય તો વાળની આફ્ટર કૅર કરવી જરૂરી છે. આયર્ન કર્યા બાદ બીજા દિવસે વાળમાં શૅમ્પૂ કરો એટલે હેરપૅક પણ લગાવવો જેથી વાળને નરિશમેન્ટ મળી રહે અને વાળ સૉફ્ટ રહે. નિશા કહે છે, ‘નવરાત્રિ દરમિયાન પણ જો રોજ સ્ટ્રેટનર વાપર્યું હોય તો એક વાર હેર સ્પા કરાવી લેવું જેથી વાળમાં થયેલા ડૅમેજની રિકવરી થઈ જાય.’

હેર પ્રોટેક્ટર પ્રોડક્ટ્સ

વાળ પર હીટ સ્ટાઇલિંગ કરતા પહેલાં એના પર હીટ પ્રોટેક્ટર સ્પ્રે કે ક્રીમનો ઉપયોગ કરી શકાય. બજારમાં હવે આવી પ્રોડક્ટ્સ મળતી થઈ ગઈ છે જે વાળમાં લગાવ્યા બાદ પછી એના પર હીટથી થતા ડૅમેજના ચાન્સ નહીંવત્ બની જાય છે. 

નો હીટ સ્ટાઇલિંગ

હીટ સ્ટાઇલિંગથી થતું ડૅમેજ ટાળી પણ શકાય છે, પણ એના માટે એફર્ટ્સ લેવા પડશે અને વધુ ખર્ચ કરી પ્રોડક્ટ્સ પણ વાપરવી પડશે. એટલે જો શક્ય હોય તો વાળ પર હીટ સ્ટાઇલિંગ ન કરવું. એના કરતાં સિરમ કે લિવ-ઑન ઑઇલ લગાવી વાળને સૉફ્ટ રાખી શકાય. નિયમિતપણે હેર સ્પા કરાવવાથી પણ વાળ સૉફ્ટ અને સ્ટ્રેટ રહેશે.

ભીના વાળ પર ક્યારેય સ્ટ્રેટનર ન ફેરવવું, એનાથી વાળ તૂટે છે. વાળ ધોયા બાદ એને કોરા કરી, સૂકવ્યા બાદ જ આયર્ન ફેરવવી : નિશા પુંજાણી, મેકઅપ અને હેરસ્ટાઇલિસ્ટ

columnists beauty tips