28 December, 2025 03:33 PM IST | Mumbai | Rashmin Shah
૨૦૧૩માં રામમૂર્તિ ત્યાગરાજનને પદ્મભૂષણ અવૉર્ડ મળ્યો હતો.
સક્સેસ દેખાડવાનો, જાયન્ટ સક્સેસ દેખાડવાનો બેસ્ટ રસ્તો કયો?
આલીશાન ઘર, કરોડોની કિંમતની ગાડી, મોંઘા મોબાઇલ અને શો-ઑફના બીજા રસ્તાઓથી તમે તમારી સક્સેસ દેખાડી શકો છો. પણ ના, કેટલાક લોકોમાં આવી સામાન્ય સ્તરની મેન્ટાલિટી હોતી નથી અને એટલે જ એ વિરલાઓને જગત આખું સાષ્ટાંગ નમન કરે છે, તેમની ગેરહાજરીમાં તેમને યાદ કરતાં જ આંખો ભીની થઈ જાય છે. ભારતવર્ષ પાસે આવી જ એક વિરલ વિભૂતિ હતી રતન તાતા, જેમણે પોતાની સંપત્તિ શો-ઑફ કરવામાં ખર્ચવાને બદલે હંમેશાં બીજાને ઉપયોગી બનવામાં અને સમાજસેવામાં વાપરી. આજે આપણે વાત કરવી છે દક્ષિણના રતન તાતા તરીકે પૉપ્યુલર થયેલા શ્રીરામ ગ્રુપના ચૅરમૅન રામમૂર્તિ ત્યાગરાજનની. ૧.૬૯ લાખ કરોડનું બિઝનેસ સામ્રાજ્ય ધરાવતા ત્યાગરાજને હમણાં શ્રીરામ ગ્રુપનો પોતાનો સ્ટેક એટલે કે પોતાના શૅર્સ વેચ્યા, જેના ૬૨૧૦ કરોડ રૂપિયા આવ્યા. ત્યાગરાજને આ રકમમાંથી એક રૂપિયો પણ પોતાની પાસે રાખ્યા વિના સીધેસીધા બધા રૂપિયા ટ્રસ્ટમાં દાનમાં આપી દીધા.
સાહેબ, ખિસ્સામાં રહેલા પાંચસો રૂપિયા આપવાની પણ જ્યારે માણસની હિંમત નથી ચાલતી ત્યારે જિંદગીભરની મહેનત ક્ષણવારનો વિચાર કર્યા વિના કે ખચકાટ અનુભવ્યા વિના સમાજસેવામાં આપી દેવા માટે છપ્પનની છાતી જોઈએ અને એ છપ્પનની છાતી ત્યાગરાજનજીની છે. ત્યાગરાજનજી કહે છે, ‘લોકોને મદદરૂપ થવું એ પરોપકાર નથી, તમારી ફરજ છે અને મેં મારી ફરજ માત્ર નિભાવી છે.’
ત્યાગરાજનજી આજે આવું કહે છે એવું બિલકુલ નથી. તેમણે આ જ નીતિ અને સિદ્ધાંત સાથે શ્રીરામ ગ્રુપની શરૂઆત કરી હતી.
વાત શરૂઆતની...
જે શ્રીરામ ગ્રુપ પોતાના બે ભાઈબંધ સાથે ત્યાગરાજનજીએ શરૂ કર્યું એ શ્રીરામ ગ્રુપની આજે દેશભરમાં ૩૬૦૦થી વધુ ઑફિસ છે, કંપનીમાં સિત્તેર હજાર કર્મચારીઓ છે અને દોઢ લાખથી વધુ એજન્ટ જોડાયેલા છે. ગ્રુપ પાસે ૧૧ મિલ્યનથી વધુ ગ્રાહક છે અને કંપનીનું ઍસેટ અન્ડર મૅનેજમેન્ટ (AUM) આશરે ૧.પ લાખ કરોડનું છે. શ્રીરામ ફાઇનૅન્સ ગ્રુપની લિસ્ટેડ કંપની છે. હમણાં જ શ્રીરામ ફાઇનૅન્સના બોર્ડે જપાનસ્થિત MUFG બૅન્કને ૩૯,૬૧૮ કરોડ રૂપિયાના રોકાણ પર ૨૦ ટકા હિસ્સો વેચવાની મંજૂરી આપી છે. આ ભારતના ફાઇનૅન્શિયલ સેક્ટરમાં સૌથી મોટી FDI ડીલ પૈકીની એક છે.
શ્રીરામ ગ્રુપનો આ જે જાયન્ટ વડલો તૈયાર થયો છે એમાં દસકાઓની મહેનત બોલે છે. ૩૭ વર્ષની ઉંમરે રામમૂર્તિ ત્યાગરાજને એવીએસ રાજા અને ટી. જયરામન સાથે શ્રીરામ ચિટ્સની સ્થાપના કરી હતી. એ સમયે તેમનો હેતુ એવો હતો કે પોતાના વિશ્વાસ પર ફન્ડ એકત્રિત કરવું અને એ ફન્ડ એવી વ્યક્તિઓ સુધી પહોંચાડવું જેને બૅન્કો દ્વારા લોન મળતી નથી. શ્રીરામ ચિટ્સના શરૂઆતના ક્લાયન્ટ્સ કોણ હતા એ તમે વિચારી શકો?
શું કામ નથી વાપરતા મોબાઇલ?
રામમૂર્તિ ત્યાગરાજન આજે પણ મોબાઇલ ફોન નથી વાપરતા, જે આજના ડિજિટલ યુગમાં ખરેખર નવાઈની વાત છે. જોકે તેમની પાસે એનો બહુ તર્કબદ્ધ જવાબ છે. ત્યાગરાજનજી કહે છે, ‘મોબાઇલ માણસનો કીમતી સમય ચોરી લે છે. જો તમારી પાસે મોબાઇલ હોય તો લોકો ગમે ત્યારે તમને ડિસ્ટર્બ કરી શકે. કોઈ મને ડિસ્ટર્બ કરે એ હું નથી ઇચ્છતો. હું ઇચ્છું કે શાંત મન સાથે હું મારી એકાગ્રતા અકબંધ રાખું.’
ત્યાગરાજનજીનું માનવું છે કે સતત આવતાં નોટિફિકેશન્સ અને ફોન માણસની એકાગ્રતા તોડી નાખે છે, જે ગેરવાજબી છે. માણસને જો ખરેખર તમારું કામ હોય તો તે તમારા સુધી પહોંચી જ જશે, લૅન્ડલાઇન પર તમારી સાથે વાત કરી લેશે પણ મોબાઇલ હોવાને કારણે બિનજરૂરી સંપર્કો ઊભા થાય છે જે ધીમે-ધીમે માણસને ગૉસિપ સુધી ખેંચી જાય છે.
ત્યાગરાજનજી આજે પણ કોઈને મેસેજ કરવાને બદલે ફોન કરવાનું અને જો વાત દસ મિનિટથી વધારે લાંબી ચાલે એવી હોય તો રૂબરૂ મળવાનું પસંદ કરે છે. ત્યાગરાજનજી કહે છે, ‘રૂબરૂ મળવાથી તમને તેનાં એક્સપ્રેશન જોવાનો, એ સમજવાનો ચાન્સ મળે છે અને પહેલાંના સમયમાં એમાં જ લોકોની એક્સપર્ટીઝ હતી.’
મોબાઇલ નહીં વાપરવા વિશે એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું, ‘મારે કોઈને ઑર્ડર નથી આપવા પડતા. મેં લોકોને એવી રીતે તૈયાર કર્યા છે કે તે જાતે નિર્ણય લઈ શકે અને એ નિર્ણય મારા વિચારોથી જુદો પણ હોય તો પણ એ અમારા કામના હિતમાં હોય છે.’
ટ્રક-ડ્રાઇવર્સ.
એવા ટ્રક-ડ્રાઇવર્સ જેમને બૅન્ક-મૅનેજર પોતાની ચેમ્બરમાં પણ નહોતા આવવા દેતા. આ ટ્રક-ડ્રાઇવર્સને શ્રીરામે લોન પણ આપી સેકન્ડહૅન્ડ ટ્રક લેવા માટે. આજે પણ જેને બૅન્ક રિસ્ક ગણે છે એ રિસ્ક દસકાઓ પહેલાં ત્યાગરાજનજીએ લીધું હતું. ત્યાગરાજનજીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘જેને કશું નથી મળતું હોતું તેને બીજા પાસેથી મળેલી વસ્તુની ખૂબ કદર હોય છે. મને વિશ્વાસ હતો કે આ ડ્રાઇવર્સ લોનના હપ્તાની એક તારીખ પહેલાં આવીને હપ્તો ભરી દેશે અને એવું જ થતું. આજે પણ અમારી પચાસ ટકા લોન એના સમયગાળા કરતાં પહેલાં ભરાઈ જાય છે. નાના માણસ જેટલું વિશ્વાસપાત્ર બીજું કોઈ હોતું નથી.’
૬૨૧૦ કરોડનું દાન કરનારા રામમૂર્તિ ત્યાગરાજનની જિંદગી જુઓ તો તમને એમાંથી સતત સાદગીની સુવાસ આવ્યા કરે. ત્યાગરાજનજી પોતે મોબાઇલ વાપરતા નથી. હા, તેમની પાસે એક પણ પ્રકારનો ફોન નથી. તે આજે પણ હ્યુન્ડેઇની i10 મૉડલની ગાડી વાપરે છે. આ ગાડી પણ સાત વર્ષથી તેમણે ચેન્જ નથી કરી. ત્યાગરાજનજી કહે છે, ‘મને એ હેરાન નથી કરતી, મને ક્યાંય એણે અટકાવ્યો નથી તો પછી મારે શું કામ દેખાદેખીમાં પડીને ગાડી ચેન્જ કરવાની. બીજાનું જોઈને પોતાની લાઇફ ડિઝાઇન કરનારા લોકો ક્યારેય સુખી નથી થઈ શકતા.’
તમને જાણીને નવાઈ લાગશે પણ હકીકત છે કે ત્યાગરાજનજી ત્રણ બેડરૂમના એક નાનકડા ઘરમાં રહે છે. જે માણસ આલીશાન મહેલ બનાવી શકવાને સમર્થ છે તે આટલા નાના ઘરમાં રહે એનાથી મોટી સાદગીની વાત બીજી કઈ કહેવાય? ત્રણ બેડરૂમના ઘર માટે પણ ત્યાગરાજનજી કહે છે, ‘હું મારા બે દીકરાઓ સાથે રહું છું. તેમના એકેક રૂમ અને એક રૂમ મારો અને મારી વાઇફનો. સરસ મજાનો અમારો હૉલ છે જ્યાં મારી લાઇબ્રેરી છે. અમે ઘરમાં ટીવી પણ એક જ રાખીએ છીએ, જેણે જોવું હોય તે હૉલમાં બેસીને ટીવી જુએ.’
વાત નાનપણની...
તામિલનાડુના સાધનસંપન્ન ખેડૂત પરિવારમાં જન્મેલા ત્યાગરાજનજીના ઘરમાં નોકરચાકરો હતા. એ સમયે પણ તેમના પિતા સમાનતાવાદી માનસિકતા સાથે બધાને સાથે જમવા બેસાડતા. ત્યાગરાજનજી પણ એ જ જોઈને આર્થિક સમાનતાની માનસિકતા સાથે મોટા થયા. તેમણે ચેન્નઈમાં ગ્રૅજ્યુએશન અને
પોસ્ટ-ગ્રૅજ્યુએશન પૂરું કર્યું અને પછી કલકત્તાની વિશ્વવિખ્યાત ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ (ISI)માં ત્રણ વર્ષ ભણ્યા અને એ પછી ૧૯૬૧માં ભારતની એ સમયની સૌથી મોટી ઇન્શ્યૉરન્સ કંપની ન્યુ ઇન્ડિયા ઇન્શ્યૉરન્સમાં જોડાયા. આ કંપનીમાં તેમણે ઑલમોસ્ટ પંદર વર્ષ કામ કર્યું અને ૧૯૭૪માં જૉબ છોડીને પોતાના બે ફ્રેન્ડ સાથે ફાઇનૅન્સ કંપની શરૂ કરી. તેમણે નોટિસ કર્યું હતું કે એ સમયે ભારતના મિડલ ક્લાસ અને લોઅર ક્લાસના લોકોએ લોન માટે ખૂબ હેરાન થવું પડતું, ખાસ કરીને ટ્રક-ડ્રાઇવરો અને નાના વેપારીઓને લોન મળતી નહોતી. આ લોકોની જરૂરિયાત પૂરી કરવાના હેતુથી જ શ્રીરામ ચિટ્સ નામના ચિટ ફન્ડની શરૂઆત થઈ.
ત્રણ દોસ્તોએ ચેન્નઈમાં એક નાની ઑફિસથી શરૂઆત કરી ત્યારે લોકો તેમને નામ માટે પૂછતા કે શ્રીરામ નામ શું કામ. એ સમયે ત્યાગરાજનજી કહેતા, આ એક એવું નામ છે જે વિશ્વાસ અને પ્રામાણિકતાનો પર્યાય છે. સમય જતાં શ્રીરામ ગ્રુપ ટ્રક ફાઇનૅન્સનો મહારાજા બની ગયું.
કંપની શરૂ કર્યાના બીજા જ વર્ષે સ્ટાફ લેવાનું શરૂ કર્યું ત્યારથી ત્યાગરાજને ‘શ્રીરામ ઓનરશિપ ટ્રસ્ટ’ બનાવ્યું છે. ત્યાગરાજનજી કહે છે, ‘કોઈ કંપનીનો નફો તેમના પરિવાર માટે નહીં પણ કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ્સ અને કર્મચારીઓના હકમાં વપરાવો જોઈએ.’
આ નીતિ આજે પણ તેમણે અકબંધ રાખી અને તેમણે પોતાના શૅર્સમાંથી આવેલા હજારો કરોડ રૂપિયા આ ટ્રસ્ટમાં આપી દીધા.
ગોલ્ડન વર્ડ્સ
ત્યાગરાજનજીએ કહેલી કેટલીક યાદ રાખવા જેવી વાતો
ગરીબો જેટલું પ્રામાણિક કોઈ નથી.
જે તમારા સાથી છે તેમના પર પૂરો વિશ્વાસ રાખો, કારણ કે એ જ તમારું ભવિષ્ય નિર્માણ કરે છે.
સંગ્રહખોરી બેચારને ખુશ કરશે, પણ આપેલું સેંકડોને યાદ રહેશે.
ઘટના નહીં, નીતિ જુઓ. ક્યાંક કશું ખોટું કર્યું હોય પણ નીતિ સાચી હોય તો વ્યક્તિને દોષિત નહીં માનો.
સાદગીથી મોટી બીજી કોઈ સફળતા નથી.
વાત ફૅમિલીની...
આગળ કહ્યું એમ ત્યાગરાજનજીની ફૅમિલીમાં વાઇફ અને બે દીકરાઓ છે. ત્યાગરાજનજીનો મોટો દીકરો ટી. શિવરામન એન્જિનિયર બન્યો છે અને પોતાની IT કંપની ચલાવે છે તો બીજો દીકરો રિયલ એસ્ટેટ ફીલ્ડમાં છે. ત્યાગરાજનજી એક ઇન્ટરવ્યુ આપવા ગયા ત્યારે ઉંમર વિશે સવાલ કરવામાં આવ્યો. એ સમયે તેમણે જવાબ આપ્યો હતો કે મને વાઇફે શીખવાડીને મોકલ્યો છે કે મારે મારી એજ ૭૬ નહીં, ૭પ વર્ષ કહેવી. હવે તમારે જે માનવી હોય એ માનો.
કંપની શરૂ કરતી વખતે જ ત્યાગરાજને નિર્ણય લીધો હતો કે તેમના પરિવારના સભ્યો શ્રીરામ ગ્રુપની માલિકી કે મૅનેજમેન્ટમાં ભાગીદાર નહીં બને અને એ જ નિયમને આધારે તેમણે પોતાના શૅર્સની કમાણી પરિવારને આપવાને બદલે કર્મચારીઓના કલ્યાણ માટે ટ્રસ્ટને આપી દીધી. ત્યાગરાજનજી કહે છે, ‘વેપારમાં સાચા પાર્ટનર તમારા કર્મચારી જ હોય એટલે વારસાઈ હકને વેપારમાં ન ગણવો જોઈએ.’
શ્રીરામ ઓનરશિપ ટ્રસ્ટ એ કૉર્પોરેટ જગતનું એક ક્રાન્તિકારી પગલું ગણાય છે. રામમૂર્તિ ત્યાગરાજન માને છે કે જે લોકોએ લોહી-પરસેવો પાડીને કંપની ઊભી કરી તેને જ માલિકીહક મળવો જોઈએ, સંતાનો આવીને સીધા બોર્ડમાં બેસી જાય એ ગેરવાજબી છે. સામાન્ય રીતે કંપનીઓના માલિકનો દીકરો કે દીકરી કંપનીના વારસદાર બને, પણ ત્યાગરાજનજીએ આ પરંપરા તોડી ફન્ડ ટ્રસ્ટને આપી દીધું. એટલે હવે કંપનીના માલિક તેમના દીકરાઓ નથી પણ આ ટ્રસ્ટ છે જેનો લાભ કંપનીના કર્મચારીઓને મળશે.
આ ફન્ડ અત્યારે ટ્રસ્ટમાં ગયું છે પણ એની પહેલાં પણ જ્યારે કંપની નફો કરે ત્યારે એનો એક મોટો હિસ્સો આ ટ્રસ્ટમાં જ જતો જેનો ઉપયોગ એવા એક્ઝિક્યુટિવ્સને પ્રોત્સાહન આપવા માટે થાય જેમણે કંપની માટે દાયકાઓ સુધી કામ કર્યું હોય. આનાથી કર્મચારીઓમાં એવી ભાવના જાગે છે કે તેઓ કોઈ ‘શેઠ’ માટે નહીં પણ પોતાની કંપની માટે કામ કરી રહ્યા છે. ત્યાગરાજનજીનું માનવું છે કે કોઈ એક પાસે અબજો રૂપિયા હોવા જોઈએ નહીં. તેમણે કહ્યું હતું કે ‘મારે આટલા પૈસાની જરૂર જ નથી. હું રોજ પૈસા ખાઉં, જે શક્ય નથી અને છતાં પણ ધારો કે હું રોજ પૈસા ખાઉં તો પણ ખૂટવાના નથી તો મારે એ સંઘરાખોરી શું કામ કરવાની? જો હું એ પૈસા મારા કર્મચારીઓને આપું તો તે વધુ સારી રીતે કામ કરશે અને કંપની વધુ આગળ વધશે. અત્યારે પણ મારો હેતુ એ જ છે ને મારા ગયા પછી પણ મારો હેતુ એ જ રહેવાનો છે.’