01 March, 2026 03:17 PM IST | Mumbai | Rashmin Shah
ગુલશન અને મયૂરી માનવાણી. ગુલશન અને મયૂરીના સ્વયંસેવકોએ તાજેતરમાં ૧૧ દિવસના અભિયાનમાં ૫૦ ટન જેટલો કચરો એકત્રિત કરીને ઍનો નિકાલ કર્યો હતો.
રાજસ્થાનના કોટામાં રહેતાં ગુલશન અને મયૂરી માનવાણી એક દિવસ શહેરના એક પ્રખ્યાત વિસ્તારમાં ટહેલવા જાય છે, પણ ત્યાંની ગંદકી તેમને ઇરિટેટ કરી જાય છે. તે બન્ને નક્કી કરે છે કે આપણે આ ગંદકી સાફ કરીશું અને શરૂ થાય છે એક એવું અભિયાન જે કોટા જેવા એજ્યુકેશનલ સિટીને ચોખ્ખુંચણક બનાવવાની દિશામાં આગળ વધે છે
રાજસ્થાનના કોટાનું નામ જેવું સંભળાય કે આંખ સામે તરત જ એન્જિનિયર અને સિવિલ સર્વિસના એક્સપર્ટ્સના ચહેરાઓ આવી જાય જે કોટાની શૈક્ષણિક સંસ્થામાંથી તૈયાર થઈને બહાર આવ્યા છે. કોટાનું નામ આવે કે તરત જ એવી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટો પણ આંખ સામે આવી જાય જે તેજસ્વી તારલાઓને શેપઅપ કરવાનું કામ કરે છે, પણ આ જ કોટાનું નામ હવે તમારી સામે આવે તો એમાં એક વાતનો ઉમેરો કરજો.
આ એ કોટા છે જે કોટાને સાફસૂથરું કરવાનું કામ ત્યાંના સ્થાનિક લોકોથી માંડીને એ સ્ટુડન્ટ્સે હાથમાં લઈ લીધું છે જે ભણવા માટે પોતાનાં શહેર છોડીને અહીં શિફ્ટ થયા છે અને કોટાને ચોખ્ખુંચણક બનાવવાનું જે અભિયાન શરૂ થયું છે એમાં ભાગીદાર બની ગયા છે. કોટાને ક્લીન સિટી બનાવવાનું આ અભિયાન સરકાર કે કોઈ સંસ્થાએ શરૂ નથી કર્યું પણ શરૂ કર્યું છે ઇન્સ્ટાગ્રામ કમ્યુનિટીએ, જેનું નામ છે કોટા કમ્યુનિટી.
ઇન્સ્ટાગ્રામનું નામ પડે એટલે ભલે કોઈને પણ એમાં આવતી કૉમેડી કે જ્ઞાનનો ભાર પીરસતી રીલ્સ યાદ આવે, પણ આ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કોટાના એક કપલે એવી તે અદ્ભુત રીતે કર્યો છે કે દુનિયાને કહેવાનું મન થાય કે આને સોશ્યલ મીડિયાનો સાચો ઉપયોગ કર્યો કહેવાય. વાતને વળ ચડાવતાં પહેલાં કે વધારે ફુટેજ લેવાને બદલે સીધા શબ્દોમાં કહીએ તો કોટા કમ્યુનિટીએ છેલ્લાં બે વર્ષમાં કોટાનાં ત્રીસથી વધારે મંદિરોની સફાઈ કરી અને એનાં રંગરોગાન કર્યાં. શહેરનાં ૪પથી વધારે જાહેર સ્થળોની સાફસફાઈ કરી, જેમાં અવાવરું થઈ ગયેલી વાવ પણ આવી જાય અને ઉજ્જડ થઈ ગયેલા સરકારી બગીચાઓનો પણ સમાવેશ થઈ જાય. આટલું ઓછું હોય એમ શહેર આખું સાફ કરવાના હેતુથી થોડા સમય પહેલાં ચલાવેલા ૧૧ દિવસના અભિયાનમાં આ કોટા કમ્યુનિટીએ શહેરમાંથી પચાસ ટન જેટલો કચરો એકત્રિત કરી એનો નિકાલ કર્યો.
આ જે કોટા કમ્યુનિટીની આપણે વાત કરીએ છીએ એ કમ્યુનિટી શરૂ કરી છે કોટાના જ કપલ ગુલશન અને મયૂરી માનવાણીએ. ગુલશન માનવાણી કહે છે, ‘તમે જો તમારા ઘરમાં ગંદકી સહન કરી શકતા હો તો તમારા શહેરની ગંદકીથી તમને પરેશાની ન થવી જોઈએ. અમે અમારું ઘર સ્વચ્છ રાખીએ છીએ અને એટલે જ અમારા શહેરને સ્વચ્છ રાખવા માટે અમે કામ કરીએ છીએ.’
એવું નથી કે ગુલશન-મયૂરી માટે આ કાયમ કોઈ રોજિંદી પ્રોસેસ હોય. ના, બિલકુલ નહીં. સામાન્ય કન્ટેન્ટ ક્રીએટર એટલે કે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર એવાં ગુલશન અને મયૂરી સાથે એક ઘટના એવી બની કે બન્નેએ સાથે મળીને આખા કોટાની રોનક બદલી નાખી.
ગુલશન અને મયૂરી માનવાણીએ શરૂ કરેલી કોટા કમ્યુનિટીએ શહેરને સ્વચ્છ રાખવાનું અભિયાન હાથ ધર્યું છે.
શું હતી એ ઘટના?
વાત ૨૦૨૩ની છે.
ગુલશન અને મયૂરી કોટાના પ્રખ્યાત એવા કોટા બૅરેજ પાસે ફરવા ગયાં પણ આખા એરિયાની હાલત જોઈને બન્નેનું હૃદય દ્રવી ઊઠ્યું. ગુલશન એ દિવસ યાદ કરતાં કહે છે, ‘આટલી પૉપ્યુલર જગ્યા અને જ્યાં જુઓ ત્યાં કચરો જ કચરો. પ્લાસ્ટિકની બૉટલો જ્યાં-ત્યાં પડી હતી, નાસ્તાનાં પૅકેટ્સ અને બીજો કચરો. બસ, અમે નક્કી કર્યું કે બીજા કોઈ કરે કે નહીં પણ અમે એ જગ્યા સાફ કરીશું અને અમે તરત જ બધું પડતું મૂકીને ખાલી બૅગ શોધી કચરો ભેગો કરવાનું શરૂ કરી દીધું. મયૂરી પણ મારી સાથે જોડાઈ ગઈ. ખાસ તો મયૂરીને પણ મારી સાથે સફાઈ કરતી જોઈને ત્યાં જે હતા એ લોકોને પણ સંકોચ થયો. કેટલાક ત્યાંથી નીકળી ગયા તો કેટલાક અમારી સાથે જોડાયા અને અમે કોટા બૅરેજની જગ્યા ક્લીન કરી. એ સમયે બધું તો ચોખ્ખું ન થયું પણ રીઝનેબલ કહેવાય એવી સફાઈ થઈ જેનો અમને ટેમ્પરરી સંતોષ હતો, પણ અમારું કામ એમ પૂરું થતું નહોતું.’
બીજા રવિવારે ફરીથી હસબન્ડ-વાઇફ એ જ જગ્યાએ પહોંચી ગયાં. આ વખતે તે બન્ને સફાઈ માટેનાં પૂરતાં સાધન-સામગ્રી લઈને ગયાં હતાં. એ બીજી વખતે પણ કેટલાક લોકો જોડાયા અને કોટા બૅરેજને ચોખ્ખું કરવામાં આવ્યું. ગુલશન કહે છે, ‘એ પછી અમને વિચાર આવ્યો કે આવું તો શહેરમાં ઘણી જગ્યાએ છે તો ચાલો, આ કામને હાથ પર લઈએ અને મેં ઇન્સ્ટ્રાગ્રામ પર કોટા કમ્યુનિટી બનાવીને મેસેજ કર્યો કે જે કોઈ અમારી સાથે જોડાવા માગતા હોય તે જોડાઈ શકે છે. અમને એવા લોકો જોઈતા હતા જે આ શહેરને પોતાનું શહેર માનતા હોય...’
ઔર ક્યા, કારવાં આગે બઢતા ગયા.
કોટા કમ્યુનિટીનું શું થયું?
આજે એવી સિચુએશન આવી છે કે કોટા કમ્યુનિટીમાં હજારો લોકો જોડાઈ ચૂક્યા છે અને એ બધા જ સ્વયંસેવક બનીને શહેરની સફાઈમાં ગુલશન અને મયૂરીને સાથ આપે છે. જોડાયેલા એ લોકોમાં કોટામાં ભણતા UPSC અને JEE/NEETના વિદ્યાર્થીઓથી માંડીને કોટામાં જૉબ કરતા કે પછી બિઝનેસ કરતા લોકો પણ જોડાયેલા છે. આ આખું ગ્રુપ પહેલેથી જગ્યા નક્કી કરે છે અને પછી દર રવિવારે સવારે ભેગા થઈને સફાઈ-અભિયાન ચલાવે છે. બે વર્ષના આ અભિયાને કોટાની સૂરત બદલી નાખી છે. એવી-એવી જગ્યાઓ પણ આ સ્વયંસેવકોએ સાફ કરી છે જેની જવાબદારી સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓની હોય. જોકે દોષારોપણ કર્યા વિના જ ગુલશન કહે છે, ‘આક્ષેપોથી કામ નહીં, આક્ષેપોથી માત્ર વાતો થાય અને અમારે કામ કરવું હતું એટલે કોનું કયું કામ છે કે પછી કોની કઈ જવાબદારી છે એમાં પડ્યા વિના જ અમે કામ શરૂ કરી દીધું.’
કેટલીક સરકારી જગ્યા પર સફાઈના કામમાં તકલીફો પણ આવી. ખાસ તો ત્યારે તકલીફો આવી જ્યારે સરકારી જગ્યાઓને કે કોટાનાં જાહેર સ્થળોને રંગરોગાન કરવાં હતાં. અલબત્ત, એ સમયે પણ સરકારી અધિકારીઓ જ તેમના પક્ષમાં આવ્યા. ગુલશન કહે છે, ‘બીજા બગાડ કરે છે પણ અમે તો સુધારો કરીએ છીએ. અમને રોકવા આવનારાને અમે સમજાવતા. કહેતા કે આનાથી આપણું જ શહેર સારું લાગશે. તેમને અમારી વાત સમજાતી અને એ પણ સમજાતું કે અમે ક્યાંય અમારું બ્રૅન્ડિંગ તો કરતા નથી એટલે સમજાવટ પછી એ લોકો અમને પરમિશન આપી દેતા અને અમારું કામ સારી રીતે આગળ વધતું.’
કોટા કમ્યુનિટીએ જે કામ કર્યું એની ચર્ચા કરીએ તો તેમના દ્વારા એવાં ત્રીસ મંદિરો લેવામાં આવ્યાં જેમાં વર્ષોથી ધૂળ અને ગંદકી હતાં. એ મંદિરોની સફાઈ ઉપરાંત એમાં રંગરોગાન કરાવવામાં આવ્યાં તો કિશોર સાગર તળાવના કિનારાથી માંડીને સરકારી ગાર્ડન અને એમાં નવાં પ્લાન્ટેશન જેવા કાર્યક્રમો પણ કર્યા.
પહલ - એક કદમ
હા, આ કોટા કમ્યુનિટીનું સ્લોગન છે જેનો સીધો અર્થ થાય છે શરૂઆત કરીને એક ડગલું આગળ આવવાનું છે, પછીનું બધું કામ આપોઆપ થશે. મયૂરી માનવાણી કહે છે, ‘આજે એવી સિચુએશન છે કે અમારા સ્વયંસેવક ક્યાંય ઊભા હોય અને કોઈ અજાણ્યો કચરો નાખે તો એ કચરો પોતે ઉપાડે છે પણ પછી જઈને પેલાને સમજાવે છે કે આપણું ઘર છે, અહીં પ્લીઝ ગંદકી ન કરો. સફાઈ અમારો ગોલ નથી પણ જાગૃતિ અમારો ગોલ છે અને અમે એ માટે પ્રયત્ન કરીએ છીએ.’
પહેલાં આ જગ્યા કેવી લાગતી હતી અને સફાઈ પછી એ જગ્યા કેવી લાગે છે એના ફોટો અને વિડિયોઝ કમ્યુનિટીમાં મુકાય છે ત્યારે એને બહુ સરસ રિસ્પૉન્સ મળે છે. એ રિસ્પૉન્સના આધારે આજે એવી સિચુએશન થઈ છે કે હવે સામેથી લોકો આવે છે, દાતા બને છે અને ગુલશન-મયૂરીને આર્થિક જરૂરિયાતમાં મદદ કરવા માટે પણ તૈયાર થાય છે. ગુલશન અને મયૂરી કોઈની પાસેથી કૅશ ફન્ડ નથી લેતાં. તેમને જે જરૂર હોય એ જ ચીજવસ્તુની ડિમાન્ડ કરે છે. ગુલશન કહે છે, ‘મોટા ભાગની ચીજવસ્તુ તો સામાન્ય ખર્ચમાં આવી જાય પણ કલર કરવાનો હોય ત્યારે કૉસ્ટિંગ થોડું વધે તો દાતા પાસેથી એ મળી જાય એટલે અમને રાહત રહે છે.’
દર રવિવારે આ આખું ગ્રુપ સવારે છથી નવ સુધી સફાઈ કરે છે અને એ પછી નવ વાગ્યે બધા સાથે નાસ્તો કરે છે. આ નાસ્તો સૌએ પોતપોતાના ખર્ચે લાવવાનો હોય છે, જો કોઈ ન લાવે તો પણ ચાલે પણ આવેલો નાસ્તો બધાએ સાથે બેસીને કરવાનો. ગુલશન કહે છે, ‘એને લીધે અમારા માટે રવિવારનો દિવસ પિકનિક પણ બની જાય છે.’
કોટાનાં ઐતિહાસિક સ્થળો અને મંદિરોની સફાઈ કરતા કોટા કમ્યુનિટીના સ્વયંસેવકો.
સામાન્ય રીતે કમ્પેટિટિવ એક્ઝામ માટે પૉપ્યુલર એવા કોટાના આ યંગસ્ટર્સે સાબિત કર્યું છે કે જો દૃઢ નિશ્ચય હોય તો સાથે મળીને શહેરનું ચિત્ર બદલી શકાય છે. તેમણે અત્યાર સુધીમાં ટનબંધ કચરો સાફ કરીને ઐતિહાસિક વારસો સાચવવાનું ભગીરથ કામ કર્યું છે. આ ટીમ માત્ર કચરો એકત્રિત નથી કરતી પણ એનું બાયફર્કેશન પણ કરે છે અને એ રીતે એનો નિકાલ સુધ્ધાં કરે છે. ગુલશન અને મયૂરીએ પોતપોતાનાં કામ અને જવાબદારીને પણ બેસ્ટ રીતે સંભાળી લીધાં છે.
મયૂરી માનવાણીના પક્ષે મહિલા સ્વયંસેવકોને પ્રોત્સાહન આપવાનું અને કામ કરાવવાનું છે તો ગુલશન ટેક્નિકલ અને ફીલ્ડ પ્લાનિંગ તથા મહેનતનું કામ હોય એ જગ્યાએ છોકરાઓની ટીમ સાથે કામે લાગે છે. મોટા ભાગે એવું માનવામાં આવતું હોય છે કે સ્વસ્થ કપલ એક સ્વસ્થ સંતાનને જન્મ આપે પણ ના, એવું નથી. જો એક સ્વસ્થ કપલ ધારે તો એક સ્વસ્થ શહેરનો પણ રીબર્થ કરાવી શકે.
ગુલશન, મયૂરી અને તેમની કોટા કમ્યુનિટી આ વાતનો જીવતોજાગતો દાખલો છે.