૧ વર્ષમાં ૧ લાખ સૅનિટરી પૅડ્સ

18 September, 2022 08:28 AM IST  |  Mumbai | Shailesh Nayak

અંતરિયાળ ગામોમાં પિરિયડ્સ દરમ્યાન સ્વચ્છતા અને સૅનિટરી પૅડ્સના યુઝ બાબતે જાગૃતિ લાવવા કચ્છની આઠ બહેનોએ સ્વસહાય જૂથ દ્વારા ઑર્ગેનિક નૅપ્કિન્સ બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. નૅપ્કિન્સ બનાવવા ઉપરાંત તેઓ ગામેગામ ફરીને અવેરનેસનું કામ પણ કરે છે

સૅનિટરી નૅપ્કિન્સ બનાવી રહેલી બહેનો

પિરિયડ્સ સેફ્ટી બાબતે ભારતમાં મોટા પાયે અભિયાન ચલાવવામાં આવે છે, પણ ગામડાંઓમાં એ અભિયાનોને પહોંચતાં બહુ વાર લાગે છે. જોકે ગામની જ બહેનો જાગૃત થાય તો તેઓ એમાંથી અવેરનેસ કૅમ્પેન પણ ઊભું કરી શકે અને નાનકડું સ્ટાર્ટઅપ પણ. આ કામ કર્યું છે મુન્દ્રાની આઠ બહેનોએ.

દરજીકામ અને ભરતગૂંથણનું કામ તો ગામની લગભગ બધી જ બહેનોને આવડે. આ જ બહેનો જો સૅનિટરી નૅપ્કિન્સ બનાવતી થઈ જાય તો પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જાય એવા વિચાર સાથે મુન્દ્રાની આઠ બહેનોએ જાતે પૅડ્સ બનાવવાનું બીડું ઝડપ્યું અને એ કામને અસરકારક રીતે કરી પણ બતાવ્યું. આઠ બહેનોની ટીમ એટલે ચેતના પટેલ, મયૂરી પટેલ, બિન્દુ કેશવાણી, નંદિની અબોટી, જ્યોતિ વાળંદ, સીમા પટેલ, મીનલ રાજગોર અને કંચન પાંડે. આ આઠ બહેનોની ટીમે જાતે હોમમેડ પૅડ કઈ રીતે બને એનું રિસર્ચ કરીને એ કઈ રીતે બનાવાય એની ટ્રેઇનિંગ લીધી અને એક વર્ષ પહેલાં જ પૅડ્સ બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આ એક વર્ષમાં તેમણે એક લાખ પૅડ્સનો ઑર્ડર પૂરો કર્યો.

સહેલી સ્વસહાય જૂથ ઊભું કરીને આ સ્ટાર્ટઅપનો આઇડિયા ક્યાંથી આવ્યો એ વિશે વાત કરતાં ચેતના પટેલ કહે છે, ‘ગામડાંઓમાં અને નગરોમાં બધી જ બહેનો પૅડનો ઉપયોગ કરતી નથી જેના કારણે રોગ થતા હોય છે. એટલે અમે નક્કી કર્યું કે આપણે પૅડ બનાવીએ અને એના વિશે જાગૃતિ ફેલાવીએ. અમે આના માટે સર્ચ કર્યું અને યુટ્યુબ પર જોયું કે પૅડ કેવી રીતે બને છે? અમને લાગ્યું કે આ કામ અમારાથી થઈ શકશે. અમે જોયું કે મુન્દ્રા જ નહીં, કચ્છમાં પણ કોઈ પૅડ બનાવતું નથી. એટલે અમે નક્કી કર્યું કે પૅડ બનાવીએ. એ માટે અમે સહેલી સ્વસહાય જૂથ બનાવ્યું. અમે જ્યાં રહીએ છીએ ત્યાં આજુબાજુમાં અમારા ફ્રેન્ડસર્કલમાં જેમને કામની જરૂર હોય એવી જરૂરિયાતમંદ બહેનોને પણ આ જૂથમાં જોડી. માર્કેટમાં આ વસ્તુના વધારે ભાવ હોવાથી પરવડે એવા પૅડ બનાવવા હતા. પહેલાં તો અમે સર્ચ કર્યું કે હોમમેડ પૅડ કેવી રીતે બનાવાય છે? એ વિશે જાણ્યું, એની તાલીમ લીધી અને થોડું રૉ-મટીરિયલ મગાવીને ટ્રાયલ કરી. અમે એમાં સફળ રહ્યા એટલે અદાણી ફાઉન્ડેશનમાં વાત કરી. તેમણે એકસાથે છ પૅડ બને એવું મશીન લાવવા માટે સહાય કરી અને અમારું પૅડ્સ બનાવવાનું કામ પાટે ચડી ગયું.’ 

અહીં બનતાં પૅડ્સ સંપૂર્ણપણે કૉટનનાં અને કેમિકલ-ફ્રી છે. એ ઑર્ગેનિક હોવાથી ડિસ્પોઝ પણ બહુ જલદી થઈ જાય છે. એ માટેનું કૉટન ફૅબ્રિક સૉફ્ટ હોય છે એવું જણાવતાં ચેતનાબહેન કહે છે, ‘અમે પૅડમાં કેમિકલ યુઝ નથી કરતા. ખાસ લુધિયાણાથી મગાવેલું સુતરાઉ કૉટન વાપરીએ છીએ. એનાં સાત પડનું એક પૅડ હોય છે જે હાઇજીનિક અને હૅન્ડમેડ હોવાથી બધાને પોસાય એવું છે. મૉરલી અને ફાઇનૅન્શિયલી અદાણી ફાઉન્ડેશનની મદદથી અમારું ગ્રુપ ઊભું થઈ શક્યું છે. એનાથી બહેનોને રોજગારી મળે છે અને જરૂરિયાતની વસ્તુ હાઇજીનિક હોય છે.’
એક લાખ પૅડ્સનો ઑર્ડર એક જ વર્ષમાં પૂરો કર્યા પછી આઠ બહેનોના સ્ટાર્ટઅપે હવે તો એવું ગિયર બદલ્યું છે કે આ બહેનો રોજનાં એક હજાર જેટલાં સૅનિટરી નૅપ્કિન્સ બનાવે છે. ચાર બહેનો વારફરતી પૅડ બનાવે છે અને બીજી ચાર બહેનો પૅડ વેચવા અને જાગૃતિ સાથે વિતરણ કરવા માટે ફરે છે. થોડા સમય પહેલાં તેમણે પોતાની યુટ્યુબ ચૅનલ બનાવીને એના દ્વારા અવેરનેસ કરવાનું આરંભ્યું છે. 

મહિલા સશક્તીકરણની વાત કરતાં અદાણી ફાઉન્ડેશનના સિનિયર પ્રોજેક્ટ ઑફિસર પારસ મહેતા કહે છે કે બહેનો પોતાના પગ પર ઊભી થાય અને સ્વમાનભેર જીવન જીવી શકે એવો અમારો આશય છે.

છોકરીઓ અમુક દિવસોમાં સ્કૂલે કેમ ન આવે? - આ સમસ્યાના સમાધાનરૂપે પાલનપુરના મ્યુઝિક ટીચર નયન ચત્રારિયાએ ગામોમાં ફરી-ફરીને અંધશ્રદ્ધા દૂર કરવાનું અને ફ્રી પૅડ્સ વહેંચવાનું શરૂ કર્યું છે

કિશોરીઓને પિરિયડ્સ આવવાના શરૂ થાય ત્યારે આજે પણ કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં આવેલી સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આ દિવસોમાં ઘરે મોકલી દેવામાં આવે છે. પાલનપુરના એક શિક્ષકને આ વાતની ખબર પડી ત્યારે તેમણે પિરિયડ્સના મુદ્દે અંધશ્રદ્ધા દૂર કરવા ‘સમસ્યા નહીં, સમાધાન’ આપવા અને અંધશ્રદ્ધા છોડીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં અભિયાન શરૂ કર્યું છે. પાલનપુરમાં આવેલા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં ડ્રૉઇંગ અને મ્યુઝિક ટીચર તરીકે ફરજ બજાવતા નયન ચત્રારિયા કહે છે, ‘મેં જોયું છે કે અંતરિયાળ વિસ્તારોની સ્કૂલોમાં દીકરીઓ માસિકધર્મમાં આવે તો ઘરે મોકલી દે છે. મને થયું કે આ છોકરીઓ ઘરે કેમ જાય? આમ થાય તો તેમના અભ્યાસ પર અસર પડે. મેં વિચાર્યું કે આનો કોઈ ઉપાય કરવો જોઈએ. એટલે મેં છોકરીઓની મદદ માટે ફ્રીમાં પૅડ આપવાનું નક્કી કર્યું અને એના ઉપયોગ વિશે માહિતી આપીને અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. હું એક દિવસ છોડીને બીજા દિવસે બનાસકાંઠાના કોઈ ને કોઈ ગામમાં જાઉં છું. મારી સ્કૂલનો સમય સવારનો છે એટલે હું બપોરે ગામડાની સ્કૂલમાં જાઉં છું. બપોરનો સમય હોય એટલે સ્કૂલમાં દીકરીઓની સાથે તેમની મમ્મીઓને પણ એકઠી કરું છું અને તેમને પિરિયડ્સના મુદ્દે વૈજ્ઞાનિક અભિગમ સાથે સમજણ આપું છું. આજે પણ દીકરીઓ ટાઇમમાં થાય ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની સાથે આભડછેટ જેવું વર્તન થાય છે. એવામાં દીકરીઓની મમ્મીઓને સમજાવવી બહુ જરૂરી હોય છે.’

એક પુરુષ થઈને માસિક ધર્મના સંદર્ભમાં ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓને અને દીકરીઓને સમજણ આપવા જતા નયન ચત્રારિયાને અનેક મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઘણા લોકો તો તેમને કહી દે છે કે તમે વાત કરો અને કોઈને નહીં ગમે તો? તમારી સાથે કોઈ લેડીઝને લાવ્યા છો? જોકે આ બધી બાબતોને બાજુ પર રાખીને આ શિક્ષક જનજાગૃતિનું કામ કરી રહ્યા છે અને આવકારદાયક આ કાર્યમાં તેમના મિત્રો તેમની મદદે આવીને તેમને ફાઇનૅન્શિયલ અને મૉરલ સપોર્ટ આપી રહ્યા છે.

columnists shailesh nayak kutch