હાકોટા-પડકારા સાથે જ્યારે ફિફ્ટી-પ્લસના પ્લેયરો મચાવે ધમાલ

15 April, 2024 12:13 PM IST  |  Mumbai | Bakulesh Trivedi

કચ્છ યુવક સંઘ દ્વારા આયોજિત લગોરી ટુર્નામેન્ટમાં મુંબઈભરની ૨૦ ટીમોએ ભાગ લીધો

વિનર અને રનરઅપ ટીમ

બાળપણમાં રમાયેલી લગોરીની રમતમાં જોવા મળતાં કૉન્સન્ટ્રેશન, સ્ફૂર્તિ, ચપળતા અને સાથે જ ટીમવર્ક હાલના સમયે લગભગ ભુલાઈ જવાના આરે છે ત્યારે રવિવારે બોરીવલીમાં કચ્છ યુવક સંઘ દ્વારા ૫૦ વર્ષથી ઉપરના સિનિયર બટ યંગ ઍટ હાર્ટ એવા કચ્છીઓ માટે લગોરીની કૉમ્પિટિશનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, દરેક ટીમમાં બે મહિલાનો સમાવેશ કરીને મહિલાઓને પણ આ રમતમાં સામેલ કરવામાં આવી હતી. ખેલાડીઓને ચિયરઅપ કરવા તેમના પરિવારજનો અને મિત્રો પણ આવ્યા હતા. આખો માહોલ આનંદ અને ચિચિયારીઓથી ભરાઈ ગયો હતો. સવારે ૬.૩૦ વાગ્યાથી ગ્રાઉન્ડ પર બધા ભેગા થયા હતા અને સાંજે ૫.૩૦ વાગ્યે ફાઇનલ મૅચનું રિઝલ્ટ આવ્યું ત્યાં સુધી બધા મેદાન પર હાજર રહ્યા હતા અને એકબીજાને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. 

આ લગોરી સ્પર્ધાની માહિતી આપતાં કચ્છ યુવક સંઘના નવીન છેડા 
‘મિડ-ડે’ને કહે છે, ‘થોડાં વર્ષો પહેલાં મુલુંડમાં આ પ્રયોગ થયો હતો અને લગોરીની ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી. એમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો એટલે અમને પણ એમાં રસ પડ્યો અને કચ્છ યુવક સંઘના નેજા હેઠળ અમે આ ટુર્નામેન્ટનું બોરીવલી-વેસ્ટના મંડપેશ્વર સિવિક ફેડરેશન ગ્રાઉન્ડ, જૉગર્સ પાર્ક ખાતે આયોજન કર્યું હતું. અમને એમાં બહુ સારો રિસ્પૉન્સ મળ્યો. એ માટે ૨૦ ટીમ આવી હતી. સાઉથ મુંબઈ, વેસ્ટર્ન સબર્બ્સની ટીમ તો હતી જ, પણ એની સાથોસાથ ડોમ્બિવલી અને મુલુંડથી પણ ખેલાડીઓ સવારે ૬.૩૦ વાગ્યાથી ગ્રાઉન્ડ પર આવી ગયા હતા. દરેક ટીમમાં ૧૦ ખેલાડીઓ રાખવામાં આવ્યા હતા. જોકે ઍક્ચ્યુઅલ રમતમાં ૭ ખેલાડી ભાગ લે. વળી દરેક ટીમમાં ઓછામાં ઓછી બે મહિલા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આખા દિવસ દરમ્યાન કુલ ચાર કોર્ટમાં ૪૦ લીગ મૅચ રમાઈ હતી. ત્યાર બાદ ૪ ક્વૉર્ટર ફાઇનલ, બે સેમી ફાઇનલ અને છેલ્લે ફાઇનલ મૅચ રમાઈ હતી. મજાની વાત એ હતી કે મલાડ-ઈસ્ટ અને મલાડ-વેસ્ટની ટીમ ફાઇનલમાં આવી હતી, જેમાં મલાડ-વેસ્ટની ટીમ ફાઇનલ જીતી ગઈ હતી. આ ૫૦ પ્લસના ખેલાડીઓનો ઉત્સાહ જોવા જેવો હતો. એ લોકો વળી પોતપોતાનાં ગ્રુપ બનાવીને રોજ સવારે ભેગા થાય છે અને લગોરી રમે છે. આમ તેઓ હૅપી અને હેલ્ધી રહે છે. વિનર્સ અને રનરઅપ ટીમને અનુક્રમે ટ્રોફી અને ૬૦૦૦ અને ૪૦૦૦ રૂપિયાના કૅશ પ્રાઇઝ સાથે જ બેસ્ટ સ્ટ્રાઇકર જેણે સૌથી વધારે વાર લગોરી ફોડી હોય એવા મેલ અને ફીમેલ ખેલાડીઓને પણ પ્રાઇઝ આપવામાં આવ્યાં હતાં.’



columnists life and style bakulesh trivedi