ગુજરાતી રંગભૂમિનાં ૭૦ વર્ષ અને આવતાં ૨૫ વર્ષનું સરવૈયું : વિહંગાવલોકન

22 April, 2024 08:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારી તો આજની કૉલેજોને વિનંતી છે કે નાટ્યપ્રવૃત્તિને દરેક કૉલેજના સિલેબસમાં ઉમેરવી જોઈએ. નાટક જેવું શિક્ષણ અન્ય કોઈ રીતે આપવું શક્ય નથી

લલીત શાહ

૭૦ વર્ષ પહેલાં રંગભૂમિ, INT રંગમંચ, નીલા થિયેટર્સ જેવી મુંબઈની ઘણીયે સંસ્થાઓએ આજની વ્યાવસાયિક રંગભૂમિનો પાયો રોપ્યો ત્યારથી આજ સુધીમાં આજની વ્યાવસાયિક રંગભૂમિએ ઘણા ચડાવ-ઉતાર જોયા છે. મારું અંગત રીતે માનવું છે કે મધુકર રાંદેરિયા અને જયંતી પટેલની જુગલબંધીવાળું નાટક ‘રંગીલો રાજ્જા’એ આજથી લગભગ ૬૫ વર્ષ પહેલાં લોકોને ટિકિટ ખરીદીને નાટક જોતા કર્યા ત્યારથી અત્યાર સુધીમાં પ્રતાપ ઓઝા-વિષ્ણુભાઈથી પ્રવીણ જોશી, કાન્તિ મડિયા, દીપક ઘીવાલા જેવા દિગ્ગજ કલાકારોથી લઈને આજના કલાકારો સુધી જો પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું હોય તો એ છે ભવન્સ કલાકેન્દ્ર, ચોપાટી દ્વારા ૧૯૫૧માં શરૂ થયેલી ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશન, જે ICDCના નામે મુંબઈની કૉલેજોમાં પ્રખ્યાત હતી. ૧૪ ભાષામાં ભજવાતાં એકાંકી નાટકોની સ્પર્ધા વખતે થતી ધમાલનો હું સાક્ષી છું. ગુજરાતી-મરાઠી-હિન્દી નાટ્ય અને ફિલ્મજગતના દિગ્ગજ કલાકારોનો જન્મ આ સ્પર્ધામાંથી જ થયો હતો (જગ્યાના અભાવે નામ લખવાનો મોહ જતો કરું છું). આ સ્પર્ધા વચ્ચે લગભગ ૨૦ વર્ષ માટે બંધ થઈ, જે ફરીથી ‘કોપવુડ’ના નામે ગિરેશ દેસાઈના વડપણ હેઠળ લગભગ ૨૦૦૦ની સાલ સુધી યોજાઈ. આજની રંગભૂમિના પાયાના પથ્થર તરીકે જો કોઈ સંસ્થાનું નામ લેવાનું આવે તો ભવન્સ કલાકેન્દ્ર, ચોપાટીનો ઉલ્લેખ કરવો જ પડે.

એ જ પ્રમાણે મુંબઈની આ સ્પર્ધામાં ભાગ લેતી કૉલેજોનો પણ બહુ મોટો ફાળો છે. મારી તો આજની કૉલેજોને વિનંતી છે કે નાટ્યપ્રવૃત્તિને દરેક કૉલેજના સિલેબસમાં ઉમેરવી જોઈએ. નાટક જેવું શિક્ષણ અન્ય કોઈ રીતે આપવું શક્ય નથી (આ એક આડવાત ફરી ક્યારેક). ૧૯૬૦થી ૨૦૦૦ સુધીનો આ ગાળો ગુજરાતી રંગભૂમિનો સુવર્ણકાળ હતો એમ કહું તો અસ્થાને નહીં ગણાય. નાટકોના વિષયમાં વિવિધતા હતી. ભલે મોટા ભાગનાં નાટકો બીજી ભાષામાંથી રૂપાંતરિત હતાં પણ એ ગુજરાતી રંગભૂમિને સશક્ત અને સચેતન કરી રહ્યાં હતાં. પ્રેક્ષકો દર રવિવારે થિયેટર પર ઊમટી પડતા, નાટકોને વધાવી લેતા.

નાટ્યસ્પર્ધાની શક્તિ સમજવી હોય તો એટલું જ કહીશ કે વચ્ચે બે દાયકા આ પ્રવૃત્તિ બંધ પડી તો નાટ્યજગતમાં નવા કલાકારો-કસબીઓનો દુકાળ ઊભો થયો અને દિગ્ગજ કલાકારોના નામથી ધમધમતી રંગભૂમિમાં નવા દિગ્દર્શકો-કલાકારોની અછત ઊભી થઈ. વધુ આવતી કાલે

અહેવાલ : લલીત શાહ

columnists life and style Gujarati Natak Gujarati Drama