ગુજરાતી રંગભૂમિનાં ૭૦ વર્ષ અને આવતાં ૨૫ વર્ષનું સરવૈયું : વિહંગાવલોકન

23 April, 2024 08:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલાકારો ગુજરાતી રંગભૂમિથી દૂર છે જેને કારણે રંગભૂમિએ ઘણું જ સહન કરવું પડી રહ્યું છે એ મારા મતે નિર્વિવાદ હકીકત છે.

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે કરેલી અછતની વાતથી આગળ વધીએ. ૧૯૬૫-’૬૬માં ICDC સ્પર્ધા બંધ થઈ તે છેક ૧૯૮૬માં  `કોપવુડ’ના નામે શરૂ થતાં જ વિપુલ અમૃતલાલ શાહ, જમનાદાસ મજીઠિયા (જેડી) આસિત મોદી જેવી ટૅલન્ટ મળી અને આ દિગ્ગજોએ આજે પોતાની ફિલ્મ અને ટીવી-સિરિયલની જાયન્ટ કંપનીઓ ઊભી કરી છે. કમલેશ મોતા, રાજુ જોશી, સંજય છેલ, મેહુલ બુચ, આતિશ કાપડિયા, દેવેન ભોજાણી, પ્રકાશ કાપડિયા, ફિરોઝ ખાન જેવા બહુમુખી કલાકારો-કસબીઓને પણ આ સ્પર્ધાએ પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું (ઉપર લખેલાં નામ સિવાયનાં ઘણાંય નામ છે જેમનો ઉલ્લેખ નથી કરી શક્યો તો દરગુજર કરજો); પણ આજે આ બધાય કલાકારો ગુજરાતી રંગભૂમિથી દૂર છે જેને કારણે રંગભૂમિએ ઘણું જ સહન કરવું પડી રહ્યું છે એ મારા મતે નિર્વિવાદ હકીકત છે.

ધીરે-ધીરે જૈન જાગૃતિ જેવી સંસ્થાઓનો ઉદ્ભવ શરૂ થયો. સગાંસંબંધીઓ એક જગ્યાએ ભેગાં મળે, જમે અને નાટક જુએ એ ઉદ્દેશ. આજે આવી હજારો સંસ્થાઓ જમવાનું અને મળવાનું બાજુએ મૂકી ફક્ત ને ફક્ત નાટક જોવા માટે ભેગી થાય છે. આને કારણે હવે નાટકોના મહિને ૫૦૦થી વધુ પ્રયોગો જુદાં-જુદાં શહેરોમાં યોજાય છે અને કલાકાર-કસબી નાટકની આવકમાંથી જીવનનિર્વાહ ચલાવતો થયો છે. હવે ફક્ત રવિવારને બદલે રોજેરોજ નાટકોની ભજવણી થાય છે. આને કારણે જરૂરિયાત વધી છે, પણ નાટકોમાં એકવિધતા આવવા લાગી છે. સંસ્થાના હોદ્દેદારો તેમના સભ્યોને શું જોઈશે એના કરતાં તેમને શું આપવું છે એને અગત્ય આપે છે. અકારણ નાટકના ભાવો ઘટાડતા જાય છે એને કારણે નિર્માતાઓ પણ બે બાજુ ભેગી કરવામાં જ્યાં-જ્યાં ખર્ચ ઘટાડી શકાય ત્યાં ઘટાડે છે, પછી આખીયે ટીમને પણ એ બોજો સહન કરવાનો આવે છે અને અંતે ઓછામાં ઓછા કલાકારો સાથે બાંધછોડના વિશિયસ સર્કલમાં બધા જ ફસાતા જાય છે. હવે તો ઘણા હોદ્દેદારો એકથી વધુ સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય ત્યારે ૧૦-૨૦-૩૦ શોના સોદા ગોઠવી કરકસર કરેલા ભાવમાં પણ ભાગ પડાવે છે. 

આ ટ્રેન્ડ ભયાવહ છે અને એટલે જ મને આજે લાલ બત્તી ધરવાનું મન થાય છે. આજે જ્યારે ભારતભરમાં નાનાં-મોટાં શહેરોમાં જ્યાં પણ ગુજરાતી વસે છે ત્યાં, તદુપરાંત વિશ્વભરમાં જ્યાં- જ્યાં ગુજરાતી રહે છે ત્યાં ગુજરાતી નાટકોની ડિમાન્ડ વધવા લાગી છે ત્યારે ગુજરાતી રંગભૂમિના નિર્માતા-કલાકારોએ એક મંચ પર આવી મંથન કરવું જોઈએ. 
વધુ આવતી કાલે

અહેવાલ : લલીત શાહ

 

columnists life and style Gujarati Natak gujaratis of mumbai Gujarati Drama