જો આખી દુનિયાને શિષ્ય બનાવવી હોય તો શું કરવું?

26 August, 2026 05:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીવનમાં શાંતિ અને આત્મનિયંત્રણ મેળવવા માટે વાણી, મન, ક્રોધ, જીભ અને ઇન્દ્રિયોના આવેગને રોકવો જરૂરી છે. આ વિચારોમાં ઓછું બોલવા, વર્તમાનમાં જીવવા અને સ્વાદ તથા ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

મોરારી બાપુ (સૌજન્ય : મિડ-ડે )

જો તમે આખી દુનિયાને શિષ્ય બનાવવા ઇચ્છતા હો, જો બધાને સાથે લઈ જઈને ગુરુ બનવા માગતા હો તો આટલું કરજો. આવેગને સહન કરો. જો અહીં કહ્યા છે એ આવેગને સહન કરી લેશો તો આખી દુનિયા તમારી શિષ્ય બની જાશે.
આવેગમાં સૌથી પહેલાં આવે છે વાણીનો આવેગ.
જે પોતાની વાણીના વેગને રોકી લે છે. જે સત્ય બોલશે તે શાંતિથી બોલશે અને અસત્ય બોલશે તે જોર-જોરથી બોલશે, કારણ કે તેમને પોતાના સત્ય પર વિશ્વાસ નથી. અસત્ય હંમેશાં આક્રમક હોય છે, સત્ય શાંત હોય છે. સત્યને ક્યારેય તકલીફ નથી થતી, તકલીફ હોય છે જે સત્યના શરણમાં રહે છે તેને. પ્રામાણિકતા સત્યના શરણમાં હોય છે. સત્યનું હોવું જ ઘણું બધું છે, પરિપૂર્ણ છે. સત્ વાચાળ નથી હોતું. સત્ય ઉગ્ર, અપ્રિય, કઠોર, કડવું હોતું નથી. વાણીના વેગ એટલે કે પ્રવાહને રોકો. ઓછું બોલો, જેટલી જરૂર છે એટલું જ બોલો. વાણી ઈશ્વરનું વરદાન છે. વાણીના વેગને સહન કરો. કહેવામાં જ કંઈક ચૂક થઈ જાય છે; ન બોલવામાં ઘણી સલામતી છે, ઘણું સુરક્ષિત છે.
આવેગમાં બીજા નંબરે આવે છે મનનો આવેગ.
મનની કામનાના વેગને રોકો. વર્તમાનથી ક્યારેય કોઈને તકલીફ નહીં થાય, ભૂતકાળને પકડશો તો ચિંતા થાય છે. શું થયું હતું? આ ક્યાં હતું? ભવિષ્યમાં પણ ચિંતા થાય છે. વર્તમાનમાં ચિંતા આવી જ નથી શકતી, ગોઠવણ જ નથી. આ મનની પાઇપલાઇનમાં ગંદકી છે. કામના એ પ્રેમનાં નીર આવવાં નથી દેતી.
ત્રીજા નંબરે છે ક્રોધનો આવેગ.
ક્રોધના વેગને અટકાવો. આ ધરતીમાંથી કંઈક બન્યા વગર ગયા તો કરમ જ ફૂટી ગયાં. કથામાં પામવાનું જ પામવાનું છે, બાકી બધું પામવું વ્યથા છે.
હવે આવે છે સંસારી માટે સૌથી મહત્ત્વનો કહેવાય એવો આવેગ, જીભનો આવેગ.
જીભના વેગને રોકો, સ્વાદને રોકો. ભોજન કરવું એ પદાર્થ નથી, પ્રસાદ છે અને પ્રસાદને એ મુજબ જ ગ્રહણ કરવાનો હોય. જો જીભના વેગને રોકી લીધો તો જીવનમાં ક્યારેય શારીરિક વ્યાધિ વેઠવી નહીં પડે.
જીભના આ વેગની સાથે જ જોડાયેલો આવેગ છે 
પેટ-ઇન્દ્રિયોનો આવેગ.
પેટનો વેગ, ઉપસ્ય, ઇન્દ્રિયોના વેગને રોકો. જે જીભના વેગને રોકી શકે છે તેનો પેટનો વેગ નિયંત્રણમાં આવી જાય છે, ઇન્દ્રિયોનો વેગ નિયંત્રણમાં આવી જાય છે.
આટલા વેગોને જે રોકી શકે છે તેની આખી દુનિયા શિષ્ય બની જાય છે, કારણ કે ગુરુ એ જ હોય જે આવેગનું શમન કરે.

columnists Morari Bapu lifestyle news life and style exclusive gujarati mid day